ક્ષિતિજની સાક્ષીએ
ક્ષિતિજની સાક્ષીએ
મમ્મી, આજે પણ તેં ભીંડાનું શાક ન કર્યું ? મને કેટલા દિવસથી ખાવું છે. નાની દસ વર્ષની પણ ઘરનાં પાંચ છોકરાંઓમાં સૌથી મોટી અવનિએ મમ્મીને પૂછ્યું. " બેટા, તું તો મોટી ને સમજદાર છે ને ? જો, બીજા કોઈ છોકરાંઓને એ નથી ભાવતું... પછીતો એ ક્યારેક જ થાય ને ? એ બધા તો પાછા કજીયાં કરે એવા છે પણ તું તો મારી શાણી દીકરી ખરું ને ? અને આ સમજદાર-શાણી જેવા મમ્મીએ આપેલા સરપાવથી પોરસાતાં અવનિ પોતાની ઈચ્છા વીસરી ગઈ.
આમ પણ સયુંક્ત કુટુંબમાં રહેતાં છોકરાંઓ ને એડજસ્ટ કરતાં સારું આવડી જાય. અવનિનું કુટુંબ પણ સયુંક્ત હતું. મમ્મી-પપ્પા અને પોતે ત્રણ બહેનો. કાકા -કાકી અને એમનાં બે દીકરા. પપ્પા અને કાકા નાનો ધંધો ચલાવે. કાકા નાનાં અને થોડું વધારે ભણેલા તે ઘરમાં અને ધંધામાં એમનું વજન વધારે પડે. એમાં કાકીને બે દીકરા, તે સાથે રહેતા દાદીને મન પણ એમની મહત્તા વધારે. દાદી-મમ્મી હંમેશા છોકરીની જાતે તો જતું કરી બીજાની ખુશીમાં જ ખુશ રહેવાનું શીખવાનું એવો આગ્રહ રાખતાં. સાધારણ પણે બધે જોવા મળતાં આવા સામાન્ય આવકવાળા સંસ્કારી કુટુંબમાં મોટી થતી દીકરીની જેમ જ અવનિ મોટી થઈ. સારું એવું ભણી નોકરીએ પણ લાગી. હવે પરણવાની ઉંમર થતાં લગ્નની વાત ચાલી અને એને જોવા આવેલ પહેલાં જ યુવક સાગર સાથે એનાં લગ્નની વાત પાક્કી થઈ ગઈ. સાગર એન્જીનીયર થઈ સારી જોબ કરતો હતો. કુટુંબ પણ જાણીતુંને સુખી ગણાતું હતું. એના ઘરમાં એના પપ્પા અને દાદી હતાં. કાકા-કાકી પણ બાજુમાં જ જુદા ઘરમાં રહેતાં હતાં. હવે આ બધાને તો આવી દેખાવડી-ભણેલી અને પાછી શાંત છોકરી ખૂબ પસંદ આવી અને કેટલીય છોકરીઓને ' ના ' પાડનાર સાગરને પણ એકી નજરે અવનિ ગમી ગઈ કારણ એનો ગોરો-ગોળ ચહેરો અને લાંબા વાળ જોઈ એને પોતાની 'માં' ની યાદ આવી ગઈ જેને એ પોતે જ્યારે 12-13 વર્ષનો હતો ત્યારે જ ગુમાવી બેઠો હતો.
આમ પહેલી નજરે જ પ્રેમમાં પડેલાં સાગર-અવનિ એકમેકમાં ખોવાઈ જાણે કે એક થઈ ગયાં ! લગ્નની તારીખ નક્કી થઈ પછી સાગરનાં ઉત્સાહનો પાર ન હતો ! એ દાદીને આગ્રહ કરતો કે બધી જ ખરીદી અવનિને સાથે રાખીને જ થાય... પણ અવનિ હતી જે કહેતી " સાગર, જે તને ગમશે એ મને ગમશે. તું ચિંતા ન કર. " અને સાગરનું કુટુંબ કહેતું.... કેટલી સમજદાર વહુ મળી છે ! હવે ઘરે આવતી જતી થયેલી અવનિએ પૂજારુમમાં મમ્મીની તસવીર જોઈ એના વિષે જાણવાની કોશિશ કરી પણ ખબર નહીં કેમ પણ એ વાત ક્યારેય આગળ ન વધતી.
લગ્ન માટે બંને એ પંદર દિવસ રજા લીધી હતી અને લગ્નના બે દિવસ પછી બંને હનીમૂન માટે નીકળી જવાનાં હતાં. લગ્નને બીજે દિવસે જ સાગરના દાદીને એપન્ડીક્સનો દુખાવો ઉપડ્યો. તરત જ ઓપરેશન કરવું પડ્યું અને હજી ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રહેવું પડે એમ હતું. આમ તો સાગરના કાકા-કાકી -ફઈ-ફુઆ નજીક જ રહેતા હતા એટલે એ બંને હનીમૂન માટે નીકળી જાય તો વાંધો આવે એવું નહોતું. સાગર અને એના પપ્પાનું પણ એ જ કહેવું હતું. " આપણે એમ નીકળી જઈએ તો તારા સગાંઓમાં આપણું ખરાબ લાગે " કહી અવનિએ જવાનું મુલત્વી રાખ્યું અને દાદી ઘરે આવ્યાં પછી જ નીકળ્યાં એટલે માંડ ચાર દિવસ જ મળ્યા એમને એમના હનીમૂન માટે. સાગરના દાદી-પપ્પા અને બીજા સગાંઓ તો અવનિની સમજદારી પર ઓવારી જ ગયાં. સાગરને સારું તો લાગ્યું પણ સાથે સાથે એના મનમાં કંઈક તો ખટક્યું.
પાછા આવીને અવનિએ ઘરનો બધો જ કારભાર સંભાળી લીધો. સવારના બધા માટે નાસ્તો -રસોઈ બનાવી, સાગરનું અને પોતાનું ટીફીન ભરી, યાદથી દાદીને દૂધ સાથે દવા આપી નવને ટકોરે એ જોબ પર જવા નીકળી જતી. આમાં ઘણી વાર એ પોતે નાસ્તો કરવાનું જ ભૂલી જતી. સાંજે પોતાના દિવસભરનાં થાકની પરવાહ કર્યા વગર એ બધાને ભાવતી જાતજાતની વાનગીઓની સુગંધથી ઘરને મઘમઘતું રાખતી. શરુમાં તો સાગર પણ દાદી-પપ્પાની જેમ ખુશ થતો પણ આજકાલ ન જાણે કેમ એ જરા ચીડીયો થઈ ગયો હતો. કાલે જ અવનિએ એને માટે મહેનતથી બનાવેલ પાસ્તા-પિત્ઝા ખાધાં વગર જ -ભૂખ નથી કહી ફક્ત દૂધ પી ને એ સૂઈ ગયો. અવનિનાં રડું -રડું થતાં ચહેરાને પણ એણે વણ જોયો કર્યો. જોકે બીજે દિવસે સવારના ઉઠતાં વેંત એણે 'સોરી ' કહી અવનિની માફી પણ માંગી લીધી. એમ તો પેલે દિવસે અવનિ બહેનો સાથે પિક્ચર જોવા જવાની હતી ને અચાનક કાકી -દાદીના આગ્રહથી એમની સાથે કોઈ સગાને ત્યાં પૂજામાં જતી રહી. પાછી આવી ત્યારે સાગરનો મૂડ કેમ ખરાબ હતો એજ અવનિને ન સમજાયું.
અવનિને ઓફિસમાં એક અગત્યનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. એની સફળતા પર જ એના આગળના પ્રમોશ
નનો આધાર હતો જે મેળવવા એ ઉત્સુક પણ હતી. અવનિ દિવસ-રાત એના પર કામ કરી રહી હતી અને હવે એ પ્રોજેક્ટ સબમીટ કરવા આડે બે-ચાર દિવસ જ હતાં અને અચાનક એમને ઘરે બહારગામથી મહેમાન આવી ગયા. સાગર પોતે બધા માટે જમવાનું ઓર્ડર કરી દેશે અને અવનિએ તો ડેડલાઈન સાચવવા ઓફિસ જવું એવું નક્કી કરી કામ પર ગયો. બપોરે બાર વાગે ઘરે ફોન કર્યો તો અવનિએ જ ઉપાડ્યો. " દાદીની ઈચ્છા હતી કે મહેમાનને ઘરનું જ -નવી વહુના હાથનું જ જમાડવા એટલે પોતે ખુશી-ખુશી ઘરે રહી.. પ્રોજેક્ટ કરતા મોટાની આમાન્યા મહત્વની છે... " વગેરે વગેરે... બોલતી રહી ગઈ અને ફોન કટ થઈ ગયો. આજે તો પોતે બનાવેલ ખાસ રસોઈ સાગરને પોતાના હાથે જમાડશે. મહેમાન એના કેટલા વખાણ કરીને ગયાં એ બધી વાત કરશેના ઉત્સાહમાં એ સાંજે સાગરની રાહ જોતી રહી અને એ મોડો મોડો આવી લૂસપૂસ જમ્યો. એને થાકેલો જોઈ અવનિએ પણ બીજી વાત ન કાઢી અને સાગર શાંતિથી વહેલો સૂઈ શકે માટે પોતે પણ ફેવરીટ સીરીયલ જોવા ટીવી ચાલુ કર્યા વગર સૂઈ ગઈ.
પછીના દિવસે પણ સાગરને નિરાશ ચહેરે મોડે સુધી ઓફિસમાં બેસેલો જોઈ એના ખાસ ફ્રેન્ડ વિશાલ એની પાસે આવ્યો અને બરડે ઘબ્બો મારતાં બોલ્યો " દોસ્ત, આમ ટેન્શનમાં કેમ છે ? મેરીડલાઈફ તો મજામાં ને ? " સાગરે નકારમાં ડોકું ધુણાવતાં એ આશ્ચર્ય થી બોલ્યો " અરે ! તને અવનિથી સારી કોઈ છોકરી મળી હોત એમ મને નથી લાગતું!!" એના આ શબ્દો સાંભળી સાગર બોલી ઉઠ્યો " દોસ્ત, એજ તો નથી મળતી.... " કાંઈ ન સમજાતાં વિશાલ ડોકું ઘુણાવતો આગળ વધી ગયો.
બીજે દિવસે રવિવાર હતો. સારા મૂડમાં ઉઠેલા સાગરને જોઈ અવનિ પણ હળવા મૂડમાં હતી. અવનિ ઘર અને કામમાં અટવાઈ જાય એ પહેલાં જ સાગર બોલ્યો ચાલ આજે આપણે આપણા ફેવરીટ દરિયા કિનારે જઈએ.. હમણાં જ..... અને જવાબ સાંભળ્યા સિવાય જ પોતે તૈયાર થવા ચાલ્યો એટલે અવનિ પણ મનમાં ઉઠતાં અનેક ' પણ ' અને ' શું ' ને ભૂલી બહાર નીકળી.
મોસમ ખૂબ સરસ હતી. દરિયા કિનારાના શાંત વાતાવરણમાં અને રેતીમાં હજી ઝાકળની ભીનાશ વરતાતી હતી. ખુલ્લાં પગે ચાલતાં બંને એક નારિયેળીને અઢેલી રેતીમાં બેઠાં. થોડીવારે અવનિ બોલી " બધું કેટલું સરસ છે ને ? "
સાગર એક ક્ષણ એની સામે જોઈ રહ્યો અને બોલ્યો " અને આપણી વચ્ચે છે એ ? "
આ સાંભળી જ રડમસ થતાં અવનિ બોલી " પણ સાગર, તને અને બધાં ને ખુશ રાખવા હું કેટલું મથું છું ? "
એજ તો વાંધો છે મને અવનિ !.... અવનિની આશ્ચર્ય ભરી નજરને જવાબ આપતો હોય એમ કંઈક ઉશ્કેરાઈને સાગર બોલતો ગયો..... એજ વાંધો છે.... તું દાદીની સેવા કરે... કાકીને ખુશ રાખવા એ કહે તેમ કરે.. પપ્પાની મરજી મુજબ ખાવાનું બનાવે... ઘરની વ્યવસ્થા ચલાવે... મહેમાનોને તારા પ્રમોશન કરતાં પણ અગત્યતા આપે... મારું ગમતું તો બધું જ કરે !! ત્યાં સુધી કે હું ગુસ્સે થાઉં કે જણાવ્યા સિવાય ઓફિસથી મોડો આવું તો યે એક સવાલ કર્યા સિવાય જ... !!? પણ આ બધામાં તું ક્યાં છે અવનિ ? તારી ખુશી- મરજી ? તારું વ્યક્તિત્વ ? તારી કેરિયર ?
"પણ સાગર, તું જો તારા ઘરનાં બધા મને કેટલું માન આપે છે કેટલી સારી ગણે છે ? એ શું ઓછું છે ?"
અવનિના આ શબ્દો સાંભળતા જ સાગરના ચહેરા પર એક કટાક્ષ ભર્યું સ્મિત પ્રસર્યું.. ને એ બોલતો ગયો.... બીજાના માપદંડમાં પોતાની જાતને ગોઠવતાં ગોઠવતાં તું તારી જાતથી જ વિખૂટી પડી જઈશ અવનિ... ને તો તું મને પણ ક્યાં મળીશ ? ઘણીવાર તું મારી મા વિષે જાણવાની કોશિશ કરે છે ને ? તો સાંભળ એ પણ તારી જેમ જ બીજાનું મન અને માન રાખવા પોતાના મન-મરજીને મારતી જીવતી ગઈ. બસ, જીવતી જ ગઈ..... અને પછી તો પોતાની જાતથી વિખૂટી પડી જીવવાનું જ ભૂલી ગઈ..... !! હા.... એ ઘેરા ડીપ્રેશનમાં જતી રહી અને એણે આત્મહત્યા કરી લીધી !!!...... ત્યારે તો હું નાસમજ હતો એટલે કંઈ ના કરી શક્યો અને મારી મા ને ગુમાવી... પણ હવે મારે તને નથી ગુમાવવી અવનિ !..... તું... તું બનીને જ મને જોઈએ છે... કારણ આઈ લવ યુ.
સાગરનાં શબ્દોના ઝંઝાવાતમાં ખેંચાતી અવનિ એને ગળે વળગતા બોલી ઉઠી " આઈ લવ યુ ટુ..... પેલી દૂ.. ર ક્ષિતિજ દેખાય છે ને ? એની સાક્ષીએ કહું છું કે હું મને મારી જાતથી અને તારાથી ક્યારેય વિખૂટી નહીં પડવા દઉં. હું મારી ઈચ્છાઓને સમેટીશ એને સજાવીશ અને કોઈને પણ રજા નહીં આપું કે એ મને એમની ફૂટપટ્ટીથી માપે. " અને લગ્નજીવનનાં આ ચાર મહીનામાં પહેલીવાર ખડખડાટ હસતાં બોલી " તને પામવા આટલું તો બદલાવવું જ પડશે.. ખરું ને ? "