Dina Vachharajani

Children Stories Inspirational Thriller

4.5  

Dina Vachharajani

Children Stories Inspirational Thriller

બાપ તેવા બેટા

બાપ તેવા બેટા

2 mins
272


'' રાકેશ, આ આપણો અબીર પણ છ મહીનાનો થવા આવ્યો.એ આવ્યો એ પહેલાંથી તું મને પ્રોમિસ આપ્યા કરે છે કે તું સિગારેટ છોડી દેશે. પણ હજી સુધી તું ટ્રાય પણ નથી કરી રહ્યો. તને ખબર છે ને કે પેસીવ સ્મોકિંગથી પણ ફેફસાને કેટલું નુકશાન થાય. બચ્ચાંઓના તો ફેફસા પાછા સાવ કુમળાં હોય.''

ચિંતિત મીરાં રોજ જ રાકેશને સમજાવતી. કોઈ વાર તો ઝઘડો પણ કરતી. ફક્ત શ્વાસમાં તમાકુના ઘુમાડા જાય તો પણ કેટલું નુકશાન કરે ! નેટ પર સિગારેટથી થતી હાનિ વિષે વાંચી ને તો એ ખૂબ જ બેચેન થઈ ઊઠતી.પણ રાકેશ તો એને ગણકારતો જ નહીં કદાચ વ્યસનની ગુલામી એની વિચારશક્તિને આડે આવતી હતી. એની તો એક જ દલીલ રહેતી " જો મીરાં, હું બીજા રૂમમાં જઈને સ્મોક કરું છું..અબીરને કંઈ નહીં થાય ! તું ખોટી ચિંતા કરે છે."

આજે રાકેશને સીધા જ ક્લાયન્ટ મીટ માટે જવાનું હોવાથી એ રોજ કરતાં ઘરેથી મોડો નીકળ્યો, આ ટાઈમે સ્ટેશન અને મુંબઈની લોકલ ટ્રેઈન થોડા ખાલી રહેતાં. એ ફાસ્ટ ટ્રેઈનની રાહ જોતાં આરામથી ઊભો હતો. ત્યાં એનું ધ્યાન પોતે બેઠો હતો એ બેન્ચથી જરાક જ દૂર ટોળે વળી બેઠેલા આઠ-દસ વર્ષના લઘર-વધર છોકરાંઓ પર પડી.એમાંનો એક છોકરો પોતાના ખીસામાંથી બીડીના ઠૂંઠા કાઢી દોસ્તોને વટથી બતાવી રહ્યો હતો. પછી એણે માચીસ કાઢ્યું ને બીડી સળગાવી કસ લીધો. એના દોસ્તો એને સ્ટાઈલથી નાકમાંથી ધૂમાડા કાઢતાં જોઈ જ રહ્યાં હતાં. એમની વાત સાંભળવા રાકેશે કાન સરવા કર્યા. એક ટાબરિયો પેલાં કસ મારતાં છોકરાને પૂછી રહ્યો હતો " અબે, યે તૂ કહાં સે લાયા ? તેરેકુ ધૂવાં છોડના કિસને સીખાયા ? "

પેલો બીડી ચૂસતાં-ચૂસતાં વટથી બોલ્યો " અરે ! મેરા બાપ ફૂંકતા હૈં. ઉસકો દેખકે મેરે કો ભી આ ગયા.યે સબ ઉસકાહી ફેકેલા ટુકડા હૈ. ઓર યે દેખ, એક તો મૈંને અખ્ખા ચૂરાયા હૈ.મેરા બાપ મર્દ હૈ. મૈં ભી ઉસકી તરહ હી બનેગા ..."

રાકેશને ક્ષણભર ભાસ થયો કે એ છોકરાના ચહેરા પર અબીરનો ચહેરો છવાઈ ગયો છે અને એ પણ બોલી રહ્યો છે ' હું પણ મારા પપ્પા જેવો બનીશ...'

રાકેશે ઘડીયાળ પર નજર નાંખી હજી મીટીંગ કેન્સલ કરાય એટલો ટાઈમ હતો. એણે ક્લાયન્ટ મીટ કેન્સલ કરી ઓફિસમાં ' તબિયત સારી નથી ' નો મેસેજ મૂક્યો અને મારતી રીક્ષાએ ઘરે પહોંચી મીરાં કંઈ પૂછે એ પહેલાં અબીરના ઘોડીયા પાસે જઈ એને ઉંચકી છાતી સરસો ચાંપતા બોલ્યો " મીરાં, મારા આ દીકરાના સોગંધ પર હું આજથી સિગરેટ છોડું છું...અને પછી એને ચૂમતાં બોલ્યો "મારો દીકરો અસ્સલ મારા જેવો બનશે ! " મીરાંને આ અસંગત લાગતી વાત કંઈ સમજાઈ તો નહીં પણ એ બોલી " હા ! એ તો એમ જ હોયને ...બાપ તેવા બેટા. " 


Rate this content
Log in