સત્યનો અંશ
સત્યનો અંશ
હાય સ્વીટી, દિવાળી વેકેશનનો તારે શું પ્લાન છે ? મારા ફેમેલી એ તો સીંગાપોરનું વેકેશન પ્લાન કર્યું છે.અહીં રહીએ તો ઘર સાફ કરો કે દિવાળીના નામ પર ફ્રાઈડ ફૂડ ખાઈ આખા વર્ષ ભર કરેલાં ડાયટીંગનો દાટ વાળો...એનાં કરતાં ટૂર એન્જોય કરી રીફ્રેશ ન થઈએ ? ફોન પર ચાલતો આ વાર્તાલાપ સાંભળી મને પેલું ગીત યાદ આવ્યું ' એક યે ભી દિવાલી હૈ..એક વો ભી દિવાલી થી ' હા ! હવે ભૂલાતી જતી એ દીવાળી....
મહીના પહેલાં જ ઘર સફાઈ અને રંગ-રોગાનથી જેના શ્રી ગણેશ થતાં એવી દિવાળી. ત્યાર પછી આખા વર્ષ દરમ્યાન ખરીદેલાં કે ભેટ આવેલા કપડાંનાં ટુકડાંઓ કબાટમાંથી કઢાય. એમાં ફ્રોક, બ્લાઉઝ-સ્કર્ટ, પેન્ટ, શર્ટસ બધુંય હોય. ભાઈબહેનોમાંથી કોણ શું સીવડાવશે એ નક્કી થાય. કંઈ ખૂટતું લાગે તો એટલા પૂરતી ખરીદી થાય. અને પછી ઘણાં ઘરમાં દરજી બેસાડાય કે પછી બજારમાં આવેલા દરજીને માપ આપી કપડાં સીવડાવવા આપવામાં આવે. એવી તાકીદ સાથે કે દિવાળી પહેલાં કપડાં સીવાય જવા જોઈએ. એ જુદી વાત કે પછી છેલ્લા દિવસોમાં રોજ ધક્કા ખાઈએ ત્યારે દિવાળીને આગલે દિવસે માંડ કપડાં મળે. પછી દિવાળી અને બેસતા વર્ષના પહેરવાના કપડાં નક્કી થાય. આમ તો દરેકને ભાગે બે-ત્રણ જોડી જ હોય એટલે મગજને કંઈ બહુ તસ્દી ન આપવી પડતી. પછી એ જ કપડાં દિવાળી પછી પણ એ નિમિ
ત્તે જેટલાં સગાઓને ત્યાં જઈએ ત્યાં પહેરાય.
કપડાંની સાથે જ ઘરમાં દિવાળીના આઠ દિવસ પહેલાંથી નાસ્તા બને. સેવ, સક્કરપારા, ફરસી પૂરી, ગાંઠીયા, લાડુ, મોહનથાળ, નાનખટાઈ, મગસ, કોપરાંપાક..આમ તો આજુબાજુવાળી બહેનો એકબીજા સાથે મળીને જ બનાવે તો યે દિવાળીને દિવસે ડીશ ભરાઈને આ નાસ્તાઓની લેવડદેવડ થાય.
ફટાકડાંનું પણ એક ફીકસ્ડ બજેટ પિતાજીએ નક્કી કર્યું હોય એ પ્રમાણે આવે અને બધાના ભાગ પડાય. નાનાં છોકરાંઓ ને ભાગે ચાંદલા-ફૂલઝરી જ વધારે આવે. પણ બધાં દોસ્તો સાથે મળી ફટાકડાં ફોડવાની મજા જ જુદી રહેતી. એમાં દોસ્તોની વચ્ચે એકસચેન્જ સ્કીમ પણ ચાલે.
નવા વર્ષે પાંચ વાગ્યામાં ઊઠી નાહી નવા કપડાં પહેરી બેસી જવાનું. છ વાગ્યાથી તો સગા-સંબંધી. અડોશ-પડોશનાં લોકો આવવા શરૂ થઈ જાય.અને આ આવવા-જવા...ખાવા-પીવાનો સિલસિલો લાભ-પાંચમ સુધી ચાલે.
જોકે આવી દિવાળી તો અત્યારે પિસ્તાળીસ -પચાસની ઉપરના હશે એમણે જ જોઈ હશે.
હવે મનફાવે ત્યારે થતાં શોપીંગમાં એ બે જોડી કપડાંનો આનંદ અને દર સન્ડે થતી પાર્ટીમાં અને ખવાતાં મલ્ટીકુઝીન ફૂડમાં એ ઘરનાં હાથે બનાવેલાં નાસ્તાનો આનંદ મળવો અશક્ય જ !
હરએક સમયનું પોતાનું એક સત્ય હોય છે. ઉજવણીનું આ બદલાયેલ રૂપ પણ એ સત્યનો જ એક અંશ હશે !