સુપરમેન
સુપરમેન
પાપા ઈટ્સ એ બેડટાઈમ-સ્ટોરી ટાઈમ.. ચાલો મને નવી વાર્તા કહો ! નાના સાત વર્ષના ટીન્કુએ નાઈટ-ડ્રેસ ચડાવી પલંગમાં ગોઠવાઈ આકાશ, એટલેકે પોતાના પપ્પાના પડખામાં ભરાતાં રોજની જેમ ફરમાઈશ મૂકી. આકાશે કોઈક વાર્તા ગોઠવી કહેવાની શરૂઆત કરી ''દૂ. . ર. . . યુરોપના એક દેશની વા.. " ત્યાં તો ટીન્કુ અધીરાઈથી બોલ્યો "ના પાપા ! એ નહીં. મને સુપરમેનની જ વાત કરો. " આ રોજ-રોજ સુપરમેનની નવીજ વાર્તા તો આકાશને ક્યાંથી આવડશે ? વિચારી મમ્મીએ કંઈક કહેવા મોઢું ખોલ્યું ત્યાંતો અગાઉ ના અનુભવથી સજ્જ ટીન્કુ બોલ્યો " ના મમ્મી તું કંઈ ન બોલતી. મારા પપ્પા તો પોતે જ સુપરમેન છે. એમને બધું જ આવડે છે. નવી નવી વાર્તાઓ પણ. હેં ને પપ્પા ! " હવે બીજું કંઈ બોલવા પણું જ નહોતું તે આકાશે સુપરમેનની વાર્તા શરૂ કરી અને બધાંજ કામ સફળતાપૂર્વક પાર પાડતાં હીરોનાં પરાક્રમ સાંભળી એક સલામતીની હૂંફ અનુભવતાં ટીન્કુ નીંદરમાં સરી પડ્યો.
જોકે આ પેન્ડેમીક ને કારણે આર્થિક તંગી અનુભવતાં મમ્મી-પપ્પાની આંખોમાં નીંદરનું નામો નિશાન નહોતું. આ મહામારીને કારણે ઘણાં ધંધા બંધ પડ્યાં હતાં. આકાશની જોબ એક ટ્રાવેલ કંપનીમાં હતી. સૌથી મોટો ફટકો આ લાઈનમાં જ હતો. લોકો ઘરની બહાર ન નીકળે તે ફરવા તો ક્યાં જવાના ? ત્રણ મહિનામાં એની કંપની બંધ કરવી પડી. છેલ્લાં છ -આઠ મહીનાથી આગળની બચત પર જ જેમ-તેમ ઘર ચાલતું હતું. દેશમાં પિતાને કોરોનામાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં તે પૈસા મોકલવા પડ્યાં. ઘર કેમ ચલાવીશું એજ ચિંતા હતી.
આવતે અઠવાડિયે ટીન્કુની ઓનલાઈન સ્કૂલ શરૂ થવાની હતી. હવે એ સીનીયર કે. જી. માં આવ્યો હતો. બાજુના ફ્લેટમાં રહેતાં એના ફ્રેંડના ઘરે તો ઓનલાઈન ભણવા માટે નવા ટેબલ-ખુરસી અને લેપટોપ આવી ગયા હતાં. ગઈકાલે એનો દોસ્ત રમવા આવ્યો ત્યારે બંને અંદરના રૂમમાં હતાં પણ એમના અવાજ બહાર સુધી આવતાં હતાં. ટીન્કુ બોલી રહ્યો હતો " અરે ! તું જોજે ને તારા કરતાં પણ સરસ લેપટોપ સ્કૂલ શરૂ થાય ત્યાં મારી પાસે હશે ! અને પપ્પા મને ફટાફટ એ વાપરતાં પણ શીખવાડી દેશે. મારા પપ્પા તો સુપરમેન છે. એમને બધી ખબર હોય. બોલ ? "
એમના આ શબ્દો સાંભળી આકાશ અને આશીએ એકબીજાની સામે જોયું. અત્યાર સુધી એમણે વિચારેલું કે હમણાં તો આશીના ફોન પર ટીન્કુને ઓનલાઈન સ્કૂલ કરાવીશું. . પણ આ ટીન્કુ તો કંઈ અલગ જ વિચારી રહ્યો હતો. હવે ?
બહુ વિચારને અંતે કંઈક અપરાધ અને કંઈક ગ્લાનિ અનુભવતાં આકાશે એક નિર્ણય પર આવતાં આશીને કહ્યું " તું ચિંતા ન કર. ટીન્કુને હું સમજાવી દઈશ. હમણાં ભલે એ ફોન પર જ ભણે. " પણ આ સાંભળીને પણ આશીને શાંતિ ન થઈ. ખબર નહીં એ શું વિચારતી હતી.
બીજે દિવસે સવારના ઊઠતાવેંત એણે કબાટ ખોલ્યું ને એક મખમલની ડબ્બી કાઢી એમાંથી એક સોનાની પહોંચી કાઢી આકાશના હાથમાં મૂકતાં બોલી " આકાશ તને યાદ છે આ સોનાની પહોંચી આપણે ટીન્કુના પાંચમાં બર્થ ડે પર ખરીદેલી ? આપણે એવું પણ નક્કી કરેલું કે ટીન્કુનાં ભવિષ્યની સલામતી માટે આપણે આમ જ સોના-ચાંદી ભેગા કરીશું.. મને લાગે છે એના ભવિષ્યની નહીં પણ એના ભાવવિશ્વની સલામતી માટે આપણે હમણાં જ આને વેચી લેપટોપ ખરીદી લઈએ. તું કહે છે એમ, હમણાં થોડો વખત ફોન પર ભણી પાછળથી લેપટોપ તો ખરીદી શકાશે. પણ પોતાના પપ્પા જેને એ 'સુપરમેન ' માને છે એના પર એણે મૂકેલો વિશ્વાસ જો ઊડી ગયો તો એ પાછો ક્યાંથી ખરીદીશું ? અને તને ખબર છે એ વિશ્વાસને કારણે જ એ પોતાને સંપૂર્ણ સલામત સમજી સ્વસ્થ અને ખુશ રહે છે. એની અત્યારની સ્વસ્થતા જ એને ભવિષ્યમાં પોતાને સુપરમેન બનાવશે. તારા જેવો સુપરમેન. આત્મવિશ્વાસ અને હિંમતથી છલકાતો મેન એટલે કે - સુપરમેન "