Dina Vachharajani

Inspirational

4.5  

Dina Vachharajani

Inspirational

લાચારીના પૂર

લાચારીના પૂર

3 mins
227


આખી હોસ્પિટલમાં અફડાતફડી મચી હતી. બેડ ઓછા અને દર્દીઓ વધારે હતાં. પાછા બધાં કોરોનાના જ દર્દીઓ એટલે એમના ઘરનું તો કોઈ આસપાસ હોય જ નહીં. એકલતા અને ભયને લીધે બધાની તકલીફ પણ અનેકગણી થઈ બહાર આવે એવામાં ડોકટર્સ અને આ સખારામ જેવા વોર્ડબોયસ-નર્સનું કામ વધી જતું હતું. બલ્કે, ડોકટર્સ તો તપાસી સૂચના આપે પણ ખરેખર સેવા તો આ સખારામ જેવાઓએ જ કરવી પડતી હતી.

બે દિવસથી સખારામને ઘરે જ જવા નહોતું મળ્યું. મળસકે એ થોડીવાર આરામ કરવા રેસ્ટરૂમમાં ગયો. ત્રણેક કલાક આરામ કરી ડબલ ચાનો ડોઝ ચડાવી એણે જાતને પાછી કામ કરવા ધકેલી. કોઈ પેશન્ટસને દવા આપી, કોઈને સ્પંજ કરી દીધું, કોઈ નબળાઈ આવેલા દર્દીને બેઠાં થવામાં મદદ કરી, કોઈનું ટેમ્પરેચર માપ્યું આમ જાણે પગે પૈડાં લગાવેલ હોય તેમ અલગ-અલગ વોર્ડમાં ફરતાં એ આઈસીયૂમાં દાખલ થયો.એક બેડ પર નજર પડતાં જ એના પગ અટકી ગયાં. 'અરે ! આ તો ડો.વોરા ! અત્યારે કોવીડ પેશન્ટ બની આ બેડ પર ! જવા દે ...મારે એ તરફ ધ્યાન જ નથી આપવું. મારેને એમને શું ? મરવા દે....' કહી એના પગ તો આગળ વધી ગયાં પણ મન જાણે એ બેડ પાસે જ અટકી ગયું !

આ ડો.વોરા પોતે ઓર્થોપેડિક સર્જન.અહીંથી નજીકમાં જ એમનું નર્સીંગ હોમ આવેલું છે. પોતે પહેલાં ત્યાં જ કામ કરતો. ખૂબ કડક ડોક્ટર. જરાક કામમાં આઘું -પાછું થાય કે સામે જે હોય એને કોડીનો કરી મૂકે. એ તો જાણે ઠીક..પણ પૈસાની બાબતમાં પણ સખત કંજૂસ...પગાર પણ હંમેશાં મોડો જ મળતો. એમનાં પૈસાના મોહ વિષે સાંભળેલું ઘણું પણ અનુભવ થયો જ્યારે સખારામની વૃધ્ધ મા એક દિવસ પડી ગયાં. થાપાનું હાડકું તૂટ્યુ અને સખત પીડામાં હતાં. તરત જ એ ડોકટર વોરાના નર્સિંગહોમમાં લાવ્યો અને દાખલ કરવા તજવીજ કરી ત્યારે એને એડવાન્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું. હવે એની પાસે એટલા પૈસા તો હતા નહીં એટલે એણે ડો.વોરાને લાચારીભરી આજીજી કરી કે એ પોતાની વીંટી વેંચી પૈસા ઊભાં કરશે પણ ઓછા પડે તો એના પગારમાંથી હપ્તાવાર ચૂકવી દેશે. ડો.વોરાનો જવાબ હતો પહેલાં પૈસા ચૂકવ નહીં તો માને લઈ ચાલતી પકડ ! સખારામે વીંટી વેંચી અને પઠાણી વ્યાજથી પૈસા ઉપાડ્યા જે આ દિવસ સુધી ચૂકવી રહ્યો છે...! મા સાજી થઈ કે એ ઘરે આવી અને સખારામે પણ આવા માનવતાહીન ડોક્ટરને ત્યાંથી કામ છોડી અહીં નવું કામ લઈ લીધું. આ બધું યાદ આવતાં એના મનમાં ડો.વોરા માટેનો અભાવ સપાટી પર ઉભર્યો.અહીંથી ભાગવા એણે જલ્દી-જલ્દી પગ ઉપાડ્યાં ત્યાંજ આંખ સામે મા નો ચહેરો તરવર્યો...એ જાણે કહેતી હતી " બેટા, તું પણ માનવતા ભૂલી જઈશ ? તો પછી એનામાં અને તારામાં ફર્ક શું રહેશે ? "

એના પગ આપોઆપ ડો.વોરાના બેડ તરફ વળ્યા....ખાંસી ખાતાખાતા એ બેવડ વળી ગયાં હતાં. કોઈના પગની આહટ સાંભળી એમણે ઉપર જોયું. પ્લાસ્ટીકના ફેસશીલ્ડની આરપાર દેખાતા સખારામના ચહેરાને જોઈ ડો.વોરાની આંખોમાં જિંદગીમાં પહેલીવાર લાચારીના પૂર ઉમટ્યાં.

સખારામે હળવેકથી પોતાના ગલવ્ઝ પહેરેલાં હાથથી ડો.વોરાના હાથ પકડી લીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational