શિયાળ અને કાગડો
શિયાળ અને કાગડો
એક કાગડાને ખાવા માટે પૂરી મળી, ચાંચમાં પૂરી તે એક ઝાડ પર નિરાંતે ખાવા બેઠું. કાગડાની ચાંચમાં પૂરી જોતાં ઝાડ નીચેથી પસાર થતાં શિયાળના મોઢામાં પાણી આવ્યું. કાગડા પાસેથી પૂરીને તડફાવી લેવા તેણે કાગડાની ખોટી ખોટી પ્રસંશા કરી
“અરે ઓ સુંદર પક્ષી, તું શું સ્વર્ગમાંથી આવ્યો છે ? શું તારા પીછા! શું તારો રંગ ! તારી આંખો કેટલી નાજુક નમણી છે! અને તારા શરીરના ઘાટનું તો વર્ણન થાય તેમ નથી! આટલા સુંદર પક્ષીનો અવાજ કેટલો સુંદર હશે ! કૃપા કરી મને તારો અવાજ સંભળાવી ધન્ય કરીશ ?”
કાગડો તો પોતાની તારીફ સાંભળી ફુલાઈ ગયો અને પોતે કાગડો છે તે ભૂલી શિયાળને પોતાના કંઠની મધુરતા બતાવવા જેવું ગાયન શરૂ કર્યું ત્યાં તપાક કરતી કાગડાના મોઢામાંથી પૂરી નીચે જમીન પર પડી ગઈ. શિયાળે તરત પૂરી ઉઠાવી ત્યાંથી દોટ લગાવી.
આ જોઈ કાગડો બોલ્યો, “શિયાળભાઈ, મારું ગીત તો સાંભળી જાઓ.”
શિયાળે કટાક્ષમાં કહ્યું, “અરે! મૂરખ કાગડા, મેં તારા આટલા વખાણ કર્યા પણ તારી બુદ્ધિ વિષે તો કહેવાનું રહીજ ગયું.”
બોધ : "કંઈ પણ સ્વાર્થ વગર ભાગ્યેજ કોઈ ખુશામત કરે છે. જેમને ખુશામત ગમે છે તેમણે ખુશામતખોરોને ભોગ આપવા તૈયાર રહેવું.”