Nilang Rindani

Classics Fantasy

4  

Nilang Rindani

Classics Fantasy

શબ્દ

શબ્દ

7 mins
631


શબ્દ.... અઢી અક્ષરનો આ શબ્દ, લાગણીનો પર્યાય છે. વ્યક્તિ દુઃખી હોય કે ખુશ...તે લાગણી વ્યક્ત કરવામાંટે જોઈએ શબ્દ. ક્યાંથી આવ્યો આ શબ્દ ? કેમ આવ્યો આ શબ્દ ? મનુષ્યની ભીતર ઘમરોળાતા લાગણીના ઘોડાપૂરને કિનારો આપનાર તો છે આ શબ્દ, પરંતુ એ શબ્દની પાર્શ્વભૂમિમાં રહેલી વેદના કે ખુશીને કોણ સમજી શકશે ? અને જે સમજશે તેની પ્રતીતિ પણ કરાવશે શબ્દ !

રાત્રિનો બીજો પહોર હતો. ચોમેર નીરવ નિસ્તબ્ધતા હતી. ક્યાંક ક્યાંક તમરાઓનો ગણગણાટ ગુંજી રહ્યો હતો. શહેર અંધકારની પછેડી ઓઢીને સુતું હતું. તાજા જ વરસેલા વરસાદના પાણીના ટીપાં જમીનને ચૂમીને તેની ખુશી તેમના શબ્દોમાં વ્યક્ત કરી રહ્યા હતા. વરસાદ તો રોકાઈ ગયો હતો પરંતુ મનની ભીતર તો પ્રચંડ વાવાઝોડું હતું. બારી સરસા પલંગની ઓથે રાત્રિની નીસ્તબ્ધતાને નિહાળી રહ્યો હતો હું. શાંત નયનોથી નિશાનો પ્રભાત તરફનો પગરવ નિહાળી રહ્યો હતો હું. વિચારોના પ્રેત મસ્તિષ્કમાં ચોમેર ફરી વળ્યા હતા.

આંખનો પલકારો થયો અને શરીરમાં ચેતનારૂપી સળવળાટ થયો. હું ઊભો થયો. નિંદ્રા દેવી સાથેની આજની મુલાકાત મોકૂફ રહી હતી. હળવેથી ઉભો થયો અને મોબાઈલને હાથમાં લીધો. વિચારોના વમળને કોઈક રીતે ગોઠવીને બે લીટીની લાગણીઓને કંડારી. બાહરી તોફાન તો શાંત પડી ચૂક્યું હતું. ભીતરી ઝંઝાવાતને શાંત કર્યો હતો માંરા શબ્દો એ. ક્યાંક તો ઠલવાયો હતો એ ઝંઝાવાત. ભલે શબ્દો થકી, પણ જરૂરી હતું. મોબાઈલ બાજુ ઉપર મૂકીને આંખોને આરામ આપવાનો પ્રયાસ નિરર્થક સાબિત થયો. ઉજાસના આગંતુક એ દરવાજા ખટખટાવ્યા અને નિશાની નિસ્તબ્ધતા ચોર પગલે વિદાય થઈ ગઈ. માંથું સહેજ ભારે હતું. વિચારોના ઝંઝાવાત એ સઘળું અસ્તવ્યસ્ત કરી મૂક્યું હતું એટલે થાળે પડતાં વાર લાગવાની હતી.

પ્રાતઃકર્મને ન્યાય આપીને ચાની ચુસ્કીઓના સંગાથે દેશ દુનિયાની રોજ બરોજની વિટંબણાઓને છાપાંમાં શબ્દો થકી અનુભવી. મનમાંને મનમાં અનાયાસે જ હસી જવાયું. ઝંઝાવાત તો બધે જ છે તો હું કેમ આટલો વ્યાકુળ રહું છું ? ઓફિસ જવાનો સમય થયો. ખભે ઓફિસની સમસ્યાઓને લેપટોપ રૂપી સુંડલામાં ભરીને મદારી જેમ સાપને તેના ગોળ ચપટા સુંડલામાં વીંટાળીને મૂકે તેમ મૂકીને કર્મ સ્થળ તરફ રવાના થયો. દિવસ પસાર થયો મનુષ્ય એ પોતે જ ઊભી કરેલી સમસ્યાઓનું નિવારણ કાઢવામાં. ક્ષણિક વિચારે મનના દરવાજે દસ્તક દીધી કે જો મનુષ્યને વિચારવામાંટે મગજના આપ્યું હોત તો આ બધી પળોજળ હોત ? પણ બીજો વિચાર એ પણ આવ્યો કે મગજ જ શું કામ ? આ પેટનો ખાડો પણ એટલો જ જવાબદાર છેને ?

ખેર, દિવસ દરમિયાન સૂરજની જે જવાબદારી હતી તે તેણે પરિપૂર્ણ કરી અને સંધ્યાને આવકારીને પોતાની વિદાયની તૈયારીમાં લાગી ગયો. વળી પાછી સાંજ આવી. હું ઘરે પહોંચ્યો. ઓફિસના વિચારોને વિરામ આપીને તેમને માંરા મગજમાંથી વિદાય કર્યા અને સામાજિક વિચારોનું ટોળું તો મસ્તિષ્કના દરવાજે ઊભું જ હતું. એજ તો છે જે મારી પરિક્ષા લઈ રહ્યા હતા. સંધ્યા તેનો ટુંકો ગાળો પૂર્ણ કરીને નીકળી ચૂકી હતી. નિશા તેના કાળા પહેરવેશમાં આવી ચૂકી હતી. એક બીજી રાત. વિચારોના વમળને તેની કાળી ઘટાઓમાં લપેટીને આવનારી રાત. રાત્રિ નું વાળુ પતાવીને હું મારા શયનખંડમાં ગયો. અને માંરી સાથે સાથે માંરા વિચારોનું પણ માંરા શયનખંડમાં આગમન થઇ ચૂક્યું હતું.

પણ આ શું ? કંઇક અવાજ આવ્યો. ક્યાંથી આવ્યો આ અવાજ ? હું ઊભો થયો અને આજુબાજુ નજર કરી, પણ કોઈ નહોતું. મારી શૈયા ઉપર બેસીને મોબાઈલ જેવો હાથમાં લીધો કે ફરી પાછો કોઈનો અવાજ મારા જ નામનો પોકાર પડ્યો હતો. આટલી રાત્રિ એ કોણ હશે તેમ વિચારીને ઉભો થયો કે ફરી પાછો મારા નામનો પોકાર.

"સાંભળે છે, અરે હું છું હું....કેમ આમ કરે છે ?" હું સ્તબ્ધ થઈને એ અવાજ સાંભળી રહ્યો. મને કઈં ખબરના પડી કે શું થઈ રહ્યું છે. ત્યાં ફરી પાછો અવાજ આવ્યો..."અરે, હું ખુદ છું. તારી સમક્ષ તો ઉભો છું હું" ખૂબ ધ્યાનથી તે અવાજને જ્યારે મારા કાનનો સાથ આપ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. એ અવાજ તો મારી ભીતરથી જ આવતો હતો. બરાબર ઢંઢોળીને જોયુ તો હું જ હતો. મારી જ સમક્ષ મારું અસ્તિત્વ, મારો અક્ષ, મારો આત્મા ઉભો હતો. અને માંરા મોઢામાંથી અનાયાસ જનીકળી ગયું "ઓહ....તો તું છે....કેમ આવવું થયું આજે ? શું કામ પડ્યું ?

અને મારી સમક્ષ ઉભેલો "હું" અટ્ટહાસ્ય કરવા લાગ્યો. "અરે દોસ્ત, કેમ ભૂલી ગયો. હું તો રોજ આવું છું. પણ તું મને ભાળી નથી શક્તો, કે નથી અનુભવી શકતો. પણ તારા વિચારોના માંધ્યમથી મારી હાજરીનો અનુભવ જરૂર કરાવું છું. તું જે લખે છે ને તેમાં મારો જ તો આભાસ છે. તારી ભીતરનો "હું" જ તો તને લખાવું છું." આ સાંભળીને મારો પિત્તો ગયો. એક તો લખું હું અને પાછો જશ આ ખાટી જાય."

અરે જા જા. તું શું લખાવતો હતો મને. વિચારો મારા, રચના મારી, લાગણીનું સિંચન હું કરું અને તું પાછો કહે છે કે હું લખાવું છું ?" મેં સામો પ્રતિકાર કર્યો. પરંતુ મારા ઉગ્ર પ્રતિકારની જાણે કે કોઈ અસરના થઈ હોય તેમ તે મૃદુ હાસ્ય સાથે બોલ્યો "શાંત થા દોસ્ત. આમ આકરોના થઈશ. ચાલ મને બે ત્રણ સવાલોના જવાબ આપ, તે પછી આપણે નક્કી કરીએ કે તું ખુદ લખે છે કે હું લખાવું છું તેમ તું લખે છે, બરાબર ?" આટલું બોલીને મારો અક્ષ ચૂપ થઈ ગયો, અને મેં પણ તેના કથનને મુક સંમતિ આપીને મારું ડોકું હકારાત્મક રીતે હલાવ્યું. 

મારી સંમતિની રાહ જ જોતો હોય તેમ મારો અક્ષ હવે મને સવાલ પૂછવા બેઠો. "તો દોસ્ત, મારો પહેલો સવાલ. તું જ્યારે લખતો હોય છે ત્યારે તારા વિચારોને વેગ કોણ આપે છે" અને હું તરત જ બોલી ઉઠ્યો "મારી લેખન કળા જ મારા વિચારોને વેગ આપે છે. એમાં તારું શું યોગદાન છે ? હવે બીજો સવાલ બોલ જલ્દી...."માંરો અક્ષ હાસ્ય વેરતાં વેરતાં બીજો સવાલ બોલ્યો "જ્યારે પણ તું કોઈ કરુણ રસથી સભર લેખ લખે છે ત્યારે તારી આંખોમાંથી અશ્રુઓ કેમ વહે છે ?" હું જાણે કે આ સવાલની ઉત્કંઠાપૂર્વક રાહ જ જોતો હતો, અને તરત જ બોલી ઉઠ્યો "હું જ્યારે પણ કોઈ કરૂણ રસથી સભર વાર્તા લખું છું ત્યારે સ્વયમ તે પાત્રમાં મારું નિરૂપણ કરી દઉં છું, જેથી કરીને હું પણ તે અનુભવ કરી શકું જેમાંરું પાત્ર કરે છે. એમાં મારી કળા છે. એમાં પણ તારું શું યોગદાન છે ?" માંરો અક્ષ આ સાંભળીને પણ તદ્દન નિરુત્તર રહ્યો. એકદમ શાલીનતા પૂર્ણ હાસ્ય વેરીને તે બોલ્યો, "દોસ્ત, હવે મારો અંતિમ સવાલ. તને લાગે છે કે તારી ભીતર તારો અક્ષના હોત તો તું તારા વિચારોને તારા પાત્રો થકી સમાજની સમક્ષ મૂકી શક્યો હોત ? આ સવાલનો જવાબ એકદમ સમજી વિચારીને આપજે, દોસ્ત, કારણ કે તારા જવાબ ઉપર જ હવે પછીની દિશાઓ નક્કી થશે." હું હવે એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. સામું મેં પણ અટ્ટહાસ્ય કર્યું અને જવાબ આપ્યો "દોસ્ત, તું એવા કોઈ વહેમમાંના રહેતો. મારા વિચારો એમાંરા મગજની પેદાશ છે, જેમાં સંપૂર્ણ પણે મારું જ યોગદાન છે.

હું વિચારી જ ના શકતો હોત તો હું લખી પણના શક્યો હોત. આજે જ્યારે પણ કઈં લખું છું, જે પાત્ર માટે લખું છું, તેની વેદનાનો અનુભવ કરવો પડે છે મારે. અરે ક્યારેક તો સ્વયં કોઈકને કોઈક રીતે તે દુઃખના દોઝખમાંથી પસાર થવું પડે છે. મારા શબ્દોને મારી જ લાગણીની ચાસણીમાં ઝબોળીને મારા વાચકોને પીરસુ છું, ત્યારે વાચકને એ નથી ખબર હોતી કે લાગણી રૂપી ચાસણીમાં ઝબોળેલ મારા શબ્દોને ગરમ લાહ્ય જેવા અનુભવોમાંથી પસાર થવું પડે છે, ત્યારે તે શબ્દોમાં પાત્ર જીવંત થાય છે. અને ત્યારે વાચકો એમ કહીને પણ બિરદાવતા હોય છે કે વાહ ! શું હૃદયસ્પર્શી વાર્તા છે. દોસ્ત, તને નહીં ખબર પડે કે એક લેખકને કેટલી યાતનાઓમાંથી પસાર થવું પડે છે. મેં તારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપી દીધા છે. હવે તું વિદાય થઈ જા. હવે મને ઊંઘ આવે છે"

એકધારું બોલીને હું થાકી ગયો હતો, પરંતુ મારા અક્ષનું મુખારવિંદ અતિશય શાંત મુદ્રામાં હતું. એક મૃદુ હાસ્ય વેરીને તે એટલું જ બોલ્યો, "ઠીક છે દોસ્ત, તો હું વિદાય લઉં છું. તારા જવાબો ઉપરથી તો હવે એવું લાગે છે કે તારા વિચારો ઉપર સંપૂર્ણપણે તારું જ શાસન છે. ચાલ, આવજે"....અને આટલું કહીને મારા અક્ષનો પડછાયો અદૃશ્ય થયો જ હતો કે તરત જ છાતીમાં ગભરામણ થવા લાગી. કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું. કપાળ ઉપરની‌‌ ભૃકુટી તણાઈ ગઈ. છાતીની ડાબી બાજુ એ જોરથી હાથ દબાવી દીધો અને હું પલંગ ઉપરથી જમીન ઉપર ફસડાઈ પડ્યો. મારી આંખો અધ્ધર ચડી ગઈ હતી. શ્વાસ ધમણની માફક ચાલી રહ્યા હતા. જીવનની મસમોટી યાતનામાંથી પસાર થઈ રહ્યો હતો હું. અને ત્યાં જ ફરી પાછો મારો અક્ષ શ્વેત વસ્ત્રોમાંમાંરી સમક્ષ આવીને ઉભો રહ્યો. "દોસ્ત, આજ તો મારું યોગદાન છે. તારા શબ્દો તારી કળાને લીધે નહીં પરંતુ મારી હાજરીને આભારી હતા. આવજે"....હું લગભગ ચિત્કાર પાડી ઉઠ્યો, "ઉભો રહે, દોસ્ત, મને માફ કર.....ઉભો રહે....હું....હું......." અને શબ્દો એ અહીં વિરામ લીધો.

આજે એ યાતનાને મારા શબ્દોનો સાથના મળી શક્યો. જે શબ્દોનું મને ગુમાન હતું. તે આજે મારા અક્ષે જમીનદોસ્ત કરીનાખ્યું હતું. શબ્દોની ગતિ એ આજે વિરામ લીધો. હંમેશ માટે !


Rate this content
Log in

Similar gujarati story from Classics