સામંતની ચતુરાઈ
સામંતની ચતુરાઈ


આ ભીમાનંદ ગામની વાત એ સમયની છે કે જયારે ભીમાનંદ ગામમાં સામંત રાધાવલ્લભનું વર્ચસ્વ હતું. અને રાધાવલ્લભ પોતાનું શાસન રાજા વિક્રમના નેજા હેઠળ ચલાવતો હતો. કહેવાય છે કે આ સામંત તેના સમયનો સૌથી પ્રિય સામંત હતો, કારણકે એની પ્રજા એ સામંત માટે સર્વોપરી હતી. ત્યાં સુધી કે જો રાજા દ્વારા મહેસુલ કે બીજા કર બાબતે પણ વૈમનસ્ય સર્જાય તો એ સીધો પોતાની પ્રજાના ભલા અર્થે રાજા સામે પણ ઉભો થઇ જતો. ઉપરથી એની ચતુરાઈ માટે પણ સમગ્ર રાજ્યમાં એ પ્રશંશા મેળવતો હતો.
એક વખત રાજાએ ફરમાન જાહેર કર્યું કે દરેક ગામના સામંત પોતાના ગામમાંથી વધારાનો કર ઉઘરાવે જેથી સૈન્ય માટે થતા ખર્ચમાં વધારો કરીને સૈન્યને વધુ સક્ષમ બનાવી શકાય, સામર્થ્ય પૂરું પાડી શકાય અને આમ પોતાના રાજ્યને આસપાસના રાજ્યોથી વધુ સલામત બનાવી શકાય. રાજા વિક્રમનું સૈન્ય આમ પણ સામર્થ્ય વાળુંજ હતું. આસપાસના કોઈ રાજ્યની હિમ્મંત નહોતી કે રાજાને પડકારી શકે અને સહુ પાડોશી રાજ્યો સાથે મૈત્રી સંબંધો જ હતા એટલે યુદ્ધનો તો પ્રશ્ન જ નહોતો પછી પણ આસીન્ય બાબતે કર... આ વાતને લઈને બધા જ સામાંન્તોમાં અંદરખાને થોડો રોષ તો હતો જ પણ કોઈની હિમ્મત ન થઇ રાજા વિક્રમ પાસે પોતાની વાત રજૂઆત કરવાની. સહુએ મળીને સામંત રાધાવલ્લભને વાત કરી કે એમની કુશળતાથી રાજા સાથે આ વધારાના કર બાબતે વાત કરે. રાધાવલ્લભએ પહેલા થોડી આનાકાની કરી પણ પછી એને કહ્યું કે એ વિચારીને સહુને કહેશે. એને સહુનો પ્રસ્તાવ માન્ય રાખ્યો અને ત્રણ દિવસ પછી એ રાજાને મળવા રાજધાની સુંદરનગર પહોંચ્યો. રાજાને જાણ થતા જ રાજા એ એને સારો આવકાર આપ્યો અને મધ્યાહન ભોજન પછી એને રાજાએ ચર્ચા હેતુ આવકાર્યો.રાજા સમક્ષ જતા જ એને રાજાને પોતાના ગામ તરફથી કારની રકમ રજુ કરી દીધી અને સાથે રાજા માટે વ્યક્તિગત રીતે પોતાના તરફથી એક ભેટ રજુ કરી. રાજાએ ભેટ સ્વીકારી અને ખોલી તો ત્રણ વાંદરાનું લાકડાનું સરસ મજાનું રમકડું (શો પીસ) મળ્યું. રાજાને રમકડું જોઇને અચરજ થયું, એટલે એણે સામંતને પૂછ્યું, "આ શું છે રાધાવલ્લભ ?"
"શ્રીમાન, આ સંદેશાત્મક રમકડું છે. આમ તો એનો કહેવાનો અર્થ એમ છે કે, ખરાબ ન સાંભળો, ખરાબ ન બોલો અને ખરાબ ન જુઓ."
"વાહ, સામંત સારી વાત છે."
" પણ ક્યારેક ક્યારેક એનો અર્થ બદલાય જાય છે કે, કેટલાક વ્યક્તિ ખરાબ જુએ છે, ખરાબ બોલે છે અને ખરાબ સાંભળે પણ છે. જેથી યુદ્ધના વિચારો આવે, શાંતિ જોખમમાં લાગે, જરૂરીઆત કરતા વધારાના ધનની આવશ્યકતા લાગે છે. જેથી વધુ શક્તિશાળી થવા માટે એ વ્યક્તિ દંભ, અધર્મ અને શોષણ તરફ વળે છે."
"સામંત તમે કહેવા શું માંગો છો?"
"તમે મારા કરતા વધુ જ્ઞાની છો રાજાન. પણ, શું સૈન્યને વધુ સક્ષમ બનાવવાનો એક જ ઉપાય હતો કે બિચારી પ્રજા પર વધારાનો કર લાદવો?"
"તમે જઈ શકો છો સામંત.. આ બાબતે કોઈ ચર્ચા કરાવી મને યોગ્ય લગતી નથી."
"જી, એટલે જ આ વાંદરાઓ લાવ્યો હતો, કે પ્રજા પરત્વે તમે આમ ન થતા. આભાર.. કાલે સૂર્યોદય સાથે પરત ફરીશ. ખોટું બોલાય ગયું હોય તો માફ કરજો."
સામંતના ગયા પછી રાજા વિચારમાં પડી ગયા, આખી રાત એ વાંદરાઓ જ એને દેખાતા હતા અને સવાર થતા સુધીમાંતો એને એની ભૂલ સમજાય ગઈ. એને સામંતને બોલાવ્યો,
"રાધાવલ્લભ, તમે ભારે ચતુર છો. જાઓ, તમે લાવ્યા એ કર પાછો લઇ જાવ અને બધાને ફરમાન પણ મોકલી આપું છું કે વધારાના કારનું ફરમાન હું પાછું ખેંચું છું. અને હા, આ વાંદરાઓનું રમકડું મારી પાસે જ રાખું છું. ખોટું કરીશ ત્યારે મને રોકાશે."
"આભાર, શ્રીમાન."
આમ, ત્રણ વાંદરાના એક રમકડાએ અને સામંતની ચતુરાઈએ પ્રજાને વધારાના કારથી બચાવી લીધી.