ઋણાનુબંધ
ઋણાનુબંધ
આજે હું સફળ બિઝનેસમેન છું સખત મહેનત, નિપુણતા અને નસીબના લીધે, આજે એક મોટી કંપનીનો માલિક બની ગયો છું. મને મારા બાળપણના દિવસો યાદ આવતા જ ગામડામાં જવાનુ નક્કી કર્યું. હું મારી ગાડી લઈને ગામડામાં આવ્યો. ગામમાં પ્રવેશ કરીએ એટલે તરત જ ભગવાન શિવનું મંદિર આવે. મંદિરમાં સુંદર બગીચો હતો. મંદિરની પાછળ નદી હતી.
હું ગાડીમાંથી નીચે ઉતાર્યો. મંદિરની બાજુમાં એક નાના મકાનમાં મનુકાકા અને નર્મદાકાકી રહેતા હતાં, જે મારાં માબાપ સમાન હતાં. મારાં કપરા સમયમાં મને લાગણી અને સહારો આપ્યો હતો. કાકાનું ઘર બંધ હતું, બપોરનો સમય છે એટલે આરામ કરતા હશે. મંદિરમાં ભગવાનના દર્શન કરી હું પાછળ નદી તરફ ચાલવા લાગ્યો. એક એક ડગલે મારાં ભૂતકાળમાં જઈ રહ્યો હતો. ભીની આંખે હું બાળપણની દુઃખદ ક્ષણો યાદ કરવા લાગ્યો.
***
હું નાનો હતો ત્યારેજ મારી મા મૃત્યુ પામી હતી. પિતાએ મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. પિતા ગોર હતાં. તે કથા અને યજ્ઞ જેવી ધાર્મિક ક્રિયા કરતા. તેમાં થોડી ઘણી આવક થતી. પિતા સાથે મંદિરમાં આવતો, ત્યારે પૂજારી મનુકાકાની ઘરે જતો. તેમને કોઈ સંતાન ના હતું. નર્મદાકાકી મને દીકરાની જેમ રાખતા. મને મંદિરમાં બહુ ગમતું.
એક દિવસ પિતાને હાર્ટએટેક આવ્યો. મારાં પિતા પણ જિંદગીની 'મઝધારમાં' એકલો છોડીને જતાં રહ્યા. હું સાવ અનાથ થઈ ગયો. એક રૂમ ભાડે રાખી હતી તે ખાલી કરવી પડી. હું બાર વર્ષનો હતો. પિતાની અચાનક વિદાયથી હું હિંમત હારી ગયો. મારી માનસિક અને આર્થિક સ્થિતિ સારી ના હતી. મનુકાકા ખૂબ માયાળુ હતાં. તેમણે મને મંદિરમાં આશરો આપ્યો. ગામમાં ઘણાએ કહ્યું કે અનાથાશ્રમમાં મૂકી આવો, પણ મનુકાકાએ મને દીકરાની જેમ તેમની સાથે રાખ્યો. મંદિરમાં સાફસફાઈ અને ઘરના બીજા કામમાં મનુકાકાને મદદ કરતો.
દસમાં સુધીનું ભણતર મે પુરુ કર્યું. આગળ અભ્યાસ માટે શહેરમાં જવું પડતું. મનુકાકાની આર્થિક પરિસ્થિતિ પણ સારી ના હતી. હવે હું મોટો થઈ ગયો છું એટલે મે નક્કી કર્યું કે શહેરમાં કંઈક નોકરી કરી અને ભણીશ. અચાનક મંદિરમાં ઘંટ વાગ્યો અને હું ભૂતકાળમાંથી બહાર આવ્યો. હું નદીએ ઉભો થઈ મનુકાકાના ઘરમાં આવ્યો. હું પાંચ વર્ષ પછી મળવા આવ્યો હતો. મનુકાકા ખાટલામાં બેઠા હતાં. મે કહ્યું “જય શ્રીકૃષ્ણ કાકા કેમ છો ?” તે બોલ્યા “તને ઓળખ્યો નહી.“ હું તેમના પગે લાગ્યો અને કહ્યું હું તમારો લાલિયો, રાહુલ.” ગામમાં બધા મને લાલો કહેતા.
મનુકાકા બોલ્યા “અરે બેટા તું તો ઓળખાતો પણ નથી.તું તો બદલાઈ ગયો, બહુ મોટો માણસ થઈ ગયો લાગે છે ?”
મે કહ્યું “હા હું એક કંપનીનો માલિક છું. કાકા તમને યાદ છે, હું નાનો હતો ત્યારે આપણા મંદિરમાં એક શેઠ થાળ ધરાવવા આવ્યાં હતાં. તે શેઠ મંદિરમાં તેનું પાકીટ ભૂલી ગયા હતાં. પાકીટમાં વીસ હજાર રૂપિયા અને જરૂરી કાગળ હતાં. શેઠ પાછળ નદીએ જ હતાં. હું દોડીને તેમનું પાકીટ આપી આવ્યો. તેણે મારું નામ પૂછ્યું અને કહ્યું કે કંપનીમાં મારાં જેવા ઈમાનદાર છોકરાની જરૂર છે. તારે નોકરીની જરૂર હોય તો મને મળજે. શેઠે તેમનું સરનામું આપ્યું.
આગળ ભણવા તો મારે શહેરમાં જવાનું જ હતું. તમારી રજા લઈને હું શહેરમાં ગયો હતો. શેઠને ત્યાં નોકરીની સાથે મારું ભણવાનું પુરુ કર્યું. મારી મહેનત અને આવડત જોઈને શેઠે કંપનીમાં પાર્ટનર બનાવ્યો. તેમાં ખૂબ નફો થતા હું મારી પોતાની કંપની બનાવી શક્યો.”
મનુકાકા તરત જ બોલ્યાં “બેટા તું શહેરમાં ગયો પછી બે ત્રણ વખત આવી ગયો. આજે પાછો મળવા આવ્યો. મને ખૂબ આનંદ થયો તું અમને ભુલ્યો નથી.”
મે કહ્યું “કાકા હું તમને કેવી રીતે ભૂલી શકું. તમે તો મારા માબાપ છો. તમારું ઋણ ચૂકવવા જ હું આવ્યો છું. તમારે અને કાકીએ મારી સાથે શહેરમાં આવવાનું છે. મારા પિતાના અવસાન પછી હું અનાથ થઈ ગયો હતો. તમે અને કાકીએ મને સહારો આપી માબાપનો પ્રેમ આપ્યો. કાકા 'ઋણાનુબંધ' જે વ્યક્તિ સાથે હોય તેને આપણે મળ્યા વગર રહી નથી શકતા”
હું નર્મદા કાકીને પગે લાગ્યો. અને કહ્યું “કાકી તૈયાર થઈ જાવ તમારો દીકરો તમને લેવા આવ્યો છે. તમારા લાલિયાના લગ્ન નથી કરવા ?” કાકીએ આશીર્વાદ આપ્યા.
મારી ગાડીમાં કાકા અને કાકી ને લઈને હું શહેરમાં જવા નીકળ્યો. કાકા ખૂબ ખુશ હતાં. મને સંતોષ થયો. દરેક વ્યક્તિને તેના કર્મનું ફળ મળે જ છે.
