ખેડૂતની લાચારી
ખેડૂતની લાચારી
રેવા બધું કામ પતાવીને થાક ઉતારવા ઓટલા પર બેઠી હતી. જમવાનું બનાવી નાખ્યું હતું. તેના બંને બાળકો સ્કૂલેથી આવે એટલે જમવાનું લઈને ખેતરે જવાનું વિચારતી હતી.
આરતી અને પરાગ સ્કૂલેથી આવ્યા એટલે બધા જમવાનું લઈને ખેતરે ગયા. ખેતરની વચ્ચે ઝાડ હતું. તેની નીચે બેસીને બધા જમતા. જમવામાં શાક, રોટલા અને છાશ હતા, છતાં બધા સંતોષથી જમતા હતાં. ગોપાલ સામાન્ય ખેડૂત હતો, છતાં તેના પરિવાર જોડે તે ખૂબ સુખી હતો.
ગોપાલને બે વીઘા જમીન હતી. તે તેના ખેતરમાં સવારથી સાંજ સુધી ખુબ મહેનત કરતો. ગોપાલનું સપનું હતું કે તે ભલે ભણ્યો ના હતો પણ તેના સંતાનોને ખુબ ભણાવવા છે. પરાગ ખુબ હોશિયાર હતો. આ વર્ષે તે દશમાં ધોરણમાં હતો. તેને આગળ ભણાવીને મોટો એન્જિનિયર બનાવવો છે.
આ વર્ષે તેણે સારું બિયારણ અને ખાતર લીધું હતું. તેની પાસે પૈસા ના હતા. તેથી જમીનદાર પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. સારો વરસાદ થતાં તેને વાવણી કરી. તેને આશા હતી કે આ વર્ષે સારો પાક થશે અને સારા એવા પૈસા મળશે.
ઓચિતાનું જૉરદાર વાવાઝોડું અને વરસાદ આવવાથી તેના પાકને ખુબ નુકસાન થયું. ગોપાલને બહુ ચિંતા થવા લાગી. તેનું દેવું ખુબ વધી ગયું હતું. ગોપાલ વિચારવા લાગ્યો કે આવતા વર્ષે તો પરાગને શહેરમાં ભણવા મૂકવો પડશે. તેને ભણાવવાના પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશ ? દેવામાં ડૂબેલા એક લાચાર ખેડૂતની માનસિક હાલત કેટલી ખરાબ હોય છે. તેણે બાજુમાં રામજીનું ખેતર હતું.
તેણે એક દિવસ રામજીને વાત કરી હતી. ગોપાલે રેવાને કોઈ વાત કરી ના હતી.
એક દિવસ ઓચિંતાનો રામજી રેવાને બોલાવવા આવ્યો. ગોપાલભાઈની તબીયત સારી નથી એમ કહીને તે રેવાને ખેતરે લઈ ગયો.
ખેતરમાં આવતા જ રેવાને ચક્કર આવવાં લાગ્યાં. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જાણે લકવો ના થઈ ગયો હોય તેમ તેના હાથ પગ ચેતના વગરનાં થઈ ગયાં. રેવા ફસડાઈને જમીન ઉપર પડી ગઈ. તે લોકો જે ઝાડ નીચે જમવા બેસતાં, તે ઝાડ ઉપર જ ગોપાલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ દ્રશ્ય જોતા જ રેવાને એટલો બધો આઘાત લાગ્યો, કે તે બેભાન થઈ ગઈ.
રામજીએ ગામના લોકોને બોલાવ્યાં. રેવાને દવાખાનામાં દાખલ કરી. આરતી અને પરાગને પણ બહુ આઘાત લાગ્યો. બંનેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બંને સાવ ચૂપ થઈ ગયાં. રેવાની અને છોકરાઓની હાલત જોઈ આખું ગામ હીબકે ચડ્યું. રેવાનાં માબાપ અને ભાઈ ભાભી આવ્યાં. રામજીએ બધાને ગોપાલે વ્યાજે પૈસા લીધા હતાં તેથી દેવું વધી ગયું હતું, તે વાત કરી. ગોપાલનાં મૃત્યુને પંદર દિવસ થઈ ગયા હતાં. રેવાની માનસિક હાલત હજી સારી ના હતી.
થોડા દિવસ માબાપ સાથે રેવા અને છોકરાં જતાં રહ્યાં. બધાએ રેવાને ખુબ સમજાવી કે હવે તારે બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનો. તેથી બાળકોની પરીક્ષા આપવા મહિના પછી પાછા ગામમાં આવ્યા. ગોપાલે જે વ્યાજે પૈસા લીધા હતાં તેનો જમીનદારે હિસાબ કરીને થોડા પૈસા આપ્યાં અને ખેતર રાખી લીધું. રેવાના માબાપે ખૂબ સાથ આપ્યો. એક વરસ થયું, છતાં રેવાનો આઘાત ઓછો થયો ન હતો. પરાગનાં મામાએ તેને શહેરમાં આગળ ભણવા મોકલ્યો. રેવાએ ધીમે ધીમે જીવનનિર્વાહ માટે શાકભાજીનો ધંધો શરૂ કર્યો.
થોડાં વર્ષ પછી પરાગનું ભણવાનું પુરુ થયું તે એન્જિનિયર બની ગયો. તેણે તેના પપ્પાનું સપનું પૂરું કર્યું. પરાગ ખૂબ સમજુ હતો. પરાગ હવે ઘણું કમાતો હતો. ગામડાનાં મકાનમાં તો મા પિતાને યાદ કરી દુઃખી થતી હતી. શહેરમાં મકાન લઈ મા અને બહેન લઈને શહેરમાં રહેવા જતો રહ્યો.
ગામડામાં ઘણા લાચાર ગરીબ ખેડૂતોની હાલત બહુ ખરાબ હોય છે. તેની આવકનો બધો આધાર તેના ખેતરના પાક ઉપર હોય છે. ઘણીવાર મોંઘા ભાવનું બિયારણ અને ખાતર લીધા પછી પાકની કિંમત મળતી નથી. ખેડૂતો ક્યારેક વ્યાજે પૈસા લેવાથી દેવામાં ડૂબી જાય છે.
