દહેજ
દહેજ
આજે ખુશીને છોકરાવાળા જોવા આવવાનાં હતાં. ખુશીને આ બધું ગમતું ન હતું. કોઈ અજાણ્યા વ્યક્તિ સામે તૈયાર થઈને જવાનું. એકબીજાનાં વિચાર કે સ્વભાવની એકવાર મળવાથી કેમ ખબર પડે ?
ખુશી પાતળી, લાંબી અને નમણી હતી. તે થોડી શ્યામ હતી, પણ તેનો નાક નકશો ખુબ સુંદર હતાં. ખુશી ગોરી ના હતી, એટલે બે ત્રણ છોકરા એ તેને પસંદ પણ કરી ના હતી. ઘણા છોકરાઓ ખુશીને ના પાડી દીધી હતી. ખુશીએ કહી દીધું હતું કે મારે ભણીને સર્વિસ કરવી છે. મારે લગ્ન જ નથી કરવા. તેના પપ્પા અને દાદી સમજતા જ નહી.
સાંજે ખુશીને જોવા છોકરાવાળા આવ્યાં. છોકરો સારો હતો અને ખુશીને પણ પસંદ હતો. કાલે જવાબ આપશું, તેમ કહીને તે લોકો જતાં રહ્યાં. ખુશીના પપ્પાની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી. મોટીબેનેનાં લગ્નમાં પણ ખુબ ખર્ચ થઈ ગયો હતો.
બીજે દિવસે છોકરાના પપ્પાનો ફોન આવ્યો તેણે પંદર લાખનું દહેજ માગ્યું. ખુશીના પપ્પાને વીજળી પડી હોય તેવો આંચકો લાગ્યો. પાંચ લાખ પણ આપી શકે તેવી આર્થીક પરિસ્થિતિ તેમની નથી.
ખુશીએ પપ્પાને ખૂબ સમજાવ્યા કે તેના લગ્નની ચિંતા ના કરે,આ વર્ષે તેનું એમ. એ. પુરુ થઈ જશે પછી સર્વિસ કરીશ. ખુશી કૉલેજમાં આવી ત્યારથી તેને લખવાનો બહુ શોખ હતો. તેણે કેટલી વાર્તા અને લેખ લખ્યા હતાં. આ વખતે તેણે દહેજનાં સામાજિક દુષણ વિશે વાર્તા લખવાનું નક્કી કર્યું. ખુશીને વાંચવાનો પણ શોખ હતો. કૉલજની લાઈબ્રેરીમાંથી પ્રખ્યાત લેખકોની નવલકથા નિયમિત વાંચતી.
ખુશીએ દહેજ વિશે નવલકથા લખી તેની નવલકથાનું પુસ્તક બહાર પડ્યું. કૉલેજમાં ખુશીનું સન્માન કરવામાં આવ્યું. ખુશીને એમ.એ. માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક આવ્યો. તેણે પ્રોફેસરની સર્વિસ મળી. તેના મમ્મી પપ્પાને ખુશીના લગ્નની બહુ ચિંતા થતી હતી. ખુશીએ તેના પપ્પાને કહી દીધું કે તેને લાયક છોકરો મળશે તો જ લગ્ન કરશે.
ખુશીએ ઘણી નવલકથા અને ટૂંકી વાર્તાઓ લખી. ખુશીને ઘણા લેખકો અને લેખિકાઓ સાથે પરિચય થયો તેમાંય તેને લેખક રાજનાં લેખ અને વાર્તા વાંચવા બહુ ગમતા. તેને ક્યારેય મળી નાં હતી, પણ તેના લેખોમાં સ્ત્રી સન્માનની વાતો લખતા. તેનાથી તે બહુ પ્રભાવિત થઈ હતી. થોડા દિવસ પહેલા જ એક જાણીતા મેગેઝીનમાં લેખક રાજનો દહેજ વિશે લેખ વાંચીને તેને મળવાનું મન થઈ ગયું
લેખકે લેખમાં લખ્યું હતું કે લગ્ન કરનાર યુવકો મક્કમ બની અને દહેજનો વિરોધ કરવો જોઈએ. દહેજનું દુષણ આજના ભીષણ મોંઘવારીનાં જમાનામાં કન્યાના માબાપને આર્થિક રીતે બરબાદ કરી નાંખે છે. દહેજને લીધે કેટલી કન્યાઓના ભોગ લેવાય છે. લેખક રાજનો લેખ વાંચ્યા પછી ખુશી વિચારે છે કે તેના અને રાજનાં વિચાર કેટલા મળે છે.
ખુશી લેખક રાજને મળવાનું નક્કી કરે છે. ખુશી તેના લેખકોનાં ગ્રુપમાંથી રાજનો ફોન નંબર મેળવે છે. તે બે- ત્રણવાર ફોન કરે છે પણ તેનો ફોન કોઈ ઉપાડતું નથી. ઘણા પ્રયત્નો પછી ફોન લાગી જાય છે. રાજને કહે છે કે “તેની વાર્તાઓ બહુ ગમે છે, તે પણ લેખિકા છે. ક્યારેક મળશું ” રાજ મળવાની હા પડે છે. તે રાજનું એડ્રેસ માંગે છે.
ખુશી રાજને મનોમન પસંદ કરવા લાગી હતી. તે રાજને પત્રમાં લખે છે, કે તેનામાં જે સ્ત્રી સન્માનની ભાવના છે. તેનાથી પ્રભાવિત થઈ છે, પછી તો બંને એકબીજાનાં મનના ભાવો પત્ર દ્વારા જણાવવા લાગ્યાં. બંનેને એકબીજાને જોયા વગર પ્રેમ થઈ જાય છે. ખુશી રાજનાં સપના જોવા લાગી. તેણે પોતાના ભાવિ પતિનું સપનું જોયું હતું, તેવા બધા ગુણ રાજમાં છે.
એક દિવસ બંને એક રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કરે છે. સાંજે સાત વાગ્યે બંને રેસ્ટોરન્ટમાં પહોંચે છે. એકબીજાને જોયા ના હોય એટલે ખુશી રાજને ફોન કરે છે. રાજ તેને પાંચ નંબરનાં ટેબલ ઉપર આવવાનું કહે છે.
ખુશી ટેબલ પાસે પહોંચે છે. રાજને જોતા જ ખુશીને માથે વીજળી પડી હોય તેવો આઘાત લાગે છે. તેના સપના એક ક્ષણમાં જ તૂટી ગયાં. ખુશીએ તરત જ પોતાની જાતને સંભાળી અને ઘૃણાથી રાજને કહે છે “ઓહો તમે તો વિરાજ ઝાલા છો. રાજના ઉપનામથી લેખક તરીકે ઓળખાવ છો. તમને યાદ છે ચાર વર્ષ પહેલા મને જોવા આવ્યાં હતાં, ત્યારે તો પંદર લાખનું દહેજ માગ્યું હતું. પુસ્તકોમાં તો દહેજ વિશે મોટી મોટી વાતો લખો છો. સમાજ સામે નકલી ચહેરો લઈને ફરો છો.”
રાજ એકદમ શાંત રહે છે. તે ખુશીને બેસવાનું કહે છે. રાજ ખુશીને સમજાવે છે કે તે પહેલેથી જ દહેજનો વિરોધ કરતો હતો તેના પપ્પા બધા પાસે દહેજ માંગતા, એટલે તો લગ્ન જ ના કરવા તેવો નિર્ણય લઈ લીધો હતો. મારી બેનને દહેજના દુષણમાં અમે ગુમાવી, ત્યારે મારા પપ્પા સમજ્યા. મારા પપ્પા પણ આ દુનિયામાં નથી રહ્યાં. એમ કહેતા જ રાજની આંખોમાં આંસુ આવી ગયાં.
સાચી હકીકત જાણ્યા પછી ખુશી ને રાજ ઉપર માન વધી ગયું. બંનેએ વડીલોની સંમતિથી લગ્ન કરી લીધા. ખુશી અને રાજે દહેજ જેવા સામાજિક દુષણ સામે લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્નો કર્યા.
