રવિવારની એક સવાર
રવિવારની એક સવાર
રવિવાર આવે એટલે સાગર અને નેહા ખૂબ ઉત્સાહમાં આવી જતાં. રવિવારની એક સવાર જિંદગીની ખૂબ અણમોલ સવાર હતી. તે સવારને લીધે સાગર આજે કવિ બની ગયો. અને નેહા લેખિકા બની ગઈ. સાગર અને નેહાને કોઈ સંતાન ના હતું. રવિવારની એક સવારે બગીચામાં ચાલવા ગયા હતાં. વરસાદ આવવાની તૈયારી હતી. બંને એક બાંકડા ઉપર બેસી ગયા.
સાગરે જોયું તો બે ગરીબ છોકરા ખભે લટકાવેલ પ્લાસ્ટિકના થેલામાં વેર વિખેર પડેલ પ્લાસ્ટિકની બેગ અને બોટલ એકઠા કરી થેલામાં ભરતા હતાં. સાગરને બંને છોકરાની બહુ દયા આવી. બંનેને પાસે બોલાવી પૂછ્યું,
“ચા નાસ્તો કરશો ?”
બંને છોકરા કઈ બોલ્યા નહી. સાગરની સામે નિર્દોષતાથી જોઈ રહ્યા. સાગરે બગીચાની બહાર લારીમાંથી ચા નાસ્તો કરાવ્યો. નેહાએ બંનેની જિંદગી વિશે પૂછ્યું. બંને છોકરા અનાથ હતાં. આખા દિવસમાં પ્લાસ્ટિકની બોટલ અને બેગ વેચીને 100 રૂપિયા જેવું કમાઈ લેતા. બીજે દિવસ બંને છોકરાને થોડાક કપડાં અને નાસ્તો આપ્યો. આ રવિવારની સવારે તેમના માટે પ્રેરણાદાયક બની.
બંનેને લખવાનો શોખ હતો. નેહાએ ગરીબ છોકરા વિશે વાર્તા લખી નાખી. આમ બંને પતીપત્ની દર રવિવારે ગરીબ અને લાચાર લોકોની મદદ કરવાની સારી શરૂઆત કરી. ક્યારેક બંને રેલવે સ્ટેશનમાં જતાં. ત્યાં સાધુ બાવાને અને ભીખારીને જમવાનું, કપડાં, અને ઓઢવાના ધાબળા આપી આવતા. કોઈ બીમાર હોય તો જરૂરી દવા લઈ આપતાં. તેમની જિંદગી વિશે જાણતા. સાગરે તો ઘણા ભિખારીઓને મહેનત કરવાની સલાહ આપી. અને મજૂરીનું કામ પણ અપાવ્યું. આખુ અઠવાડિયુ બંને જણા સર્વિસમાં વ્યસ્ત રહેતા. પણ રવિવારને સેવાની પ્રવૃત્તિનો દિવસ બનાવી દીધો.
સાગર અને નેહા દર રવિવારે કોઈ એક જગ્યાની મુલાકાત લેતા. ક્યારેક બંને હોસ્પિટલમાં ગરીબ દર્દીને મદદ કરતા. ગરીબ દર્દીઓ માટે ટિફિનની વ્યવસ્થા કરતા. કોઈ રવિવારે અનાથાશ્રમમાં જતાં. ત્યાં બાળકો માટે રમકડાં, નાસ્તો અને જમવાનું લઈ જતાં. આમ રવિવારે બંને વ્યસ્ત રહેવા લાગ્યાં. ક્યારેક વૃદ્ધાશ્રમમાં જતાં અને તેમને મદદ કરતા. રવિવારે વૃદ્ધાશ્રમમાં પોતાના તરફથી જમવાનું રાખતા.
બંનેએ નક્કી કર્યું કે પોતાની આવકનો દસમો ભાગ જરૂરિયાતમંદ લોકો માટે રાખવો. રવિવારે આખી દિવસની પ્રવૃત્તિને પોતાની ડાયરીમાં લખી નાખતા. લોકોના અનુભવો અને તેમની જિંદગી વિશે વાર્તા અને દર્દભરી કવિતા લખી નાખતા.
આમ રવિવાર તેમના માટે ખૂબ મહત્વનો બની ગયો હતો. પછી તેમની સેવાની પ્રવૃત્તિ ખૂબ આગળ વધી ગઈ. બંનેના મિત્રો પણ તેના સેવા કાર્યમાં જોડાણા. ગરીબ, લાચાર સાધુ સંત, ફકીર, અપંગ અને અંધ લોકોની મદદ કરવાની. સાગર અને તેના મિત્રોએ એક સંસ્થા બનાવી. નિસ્વાર્થભાવે સેવાની પ્રવૃત્તિ શરૂ કરી. પોતાનું લખવાનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. નેહા પ્રખ્યાત લેખિકા બની ગઈ અને સાગર કવિ બની ગયો.
બંનેની સંતાનની ખોટ પણ ભગવાને પૂરી કરી. તેમને ત્યાં સુંદર બાબાનો જન્મ થયો. સાગર અને અને નેહાની જિંદગીમાં આનંદ અને ઉત્સાહ વધી ગયો. સાગરની કલમ આપોઆપ કાગળ ઉપર ફરવા લાગી. સાગરે વિચાર્યું કે જીવન એક કર્મની ખેતી છે. 'જેવું વાવો તેવું લણો.' દરેક વ્યક્તિને તેના પુણ્યનું ફળ મળે જ છે.
આમ રવિવારની એક સવાર નેહા અને સાગરના જીવનમાં ખૂબ અણમોલ હતી. રવિવારેની એક સવારે બંને પોતાના નાના દીકરાને લઈને મંદિરે આવ્યાં મંદિરમાં સાધુ સંતો ભજન ગાતા હતાં.
“દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.
તુલસી દયા ના છોડીયે જા ઘટ તન મે પ્રાણ.”
