જિંદગીની પરીક્ષા
જિંદગીની પરીક્ષા
ધારાના પપ્પા લલીતભાઈ એક કંપનીમાં પટાવાળાની સર્વિસ કરતા હતા. તેમને બહુ ઓછો પગાર આવતો હતો. કેટલા વખતથી તેને દારૂનું વ્યસન થઈ ગયું હતું. તેમનો અડધો પગાર તો તેના વ્યસનમાં જતો રહેતો. ધારાને એક નાનો ભાઈ પણ હતો. એના મમ્મી આશાબેન સિલાઈકામ કરી અને થોડા ઘણા પૈસા કમાઈ લેતા. આટલા થોડા પૈસામાં ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ હતું.
લલીતભાઈનો સ્વભાવ બહુ ખરાબ હતો. નાની નાની વાતમાં ગુસ્સો કરતા. ઘરમાં આવે એટલે ધમાલ બોલાવી દેતા. ઘરમાં તેમનું ધાર્યું ન થાય તો ખૂબ ઝગડો કરતા. ક્યારેક તો બધા ઉપર હાથ પણ ઉપાડી લેતા. વ્યસનને લીધે ગુસ્સો કરે, ત્યારે તેને ભાન ના રહેતું.
આશાબેન ખૂબ રડતા. તેમને રડતા જોઈ ધારા અને તેનો ભાઈ ખૂબ ગભરાઈ જતાં. બંને ભાઈબેન પણ રડવા લાગતા. ધારા હવે મોટી થઈ ગઈ હતી. તે બારમાં ધોરણમાં આવી આશાબેન ઘણીવાર લલિત ભાઈને સમજાવતા કે છોકરા મોટા થઈ ગયા છે. હવે તમે વ્યસન ના કરો. લલિતભાઈ કોઈ વાત સાંભળતા જ નહી. આશાબેન મહિલા મંડળમાં જતાં. સિલાઈ કામ તે ત્યાં જ શીખ્યા હતા. માયાબેન મહિલામંડળ ચલાવતા હતાં. માયાબેન મંડળના પ્રમુખ હતાં. તે આશાબેનની ખાસ સહેલી હતાં. ઘણીવાર તેમની પાસે રડીને પોતાનું મને હળવું કરતા.
આમ દુઃખ સાથે આશાબેન જીવવા ટેવાઈ ગયા હતાં. આશાબેન ખૂબ લાગણીશીલ હતાં. તેને થતું કે તેના પતિ ક્યારેક તો તેની લાગણી સમજશે.
વધારે પડતા દારૂના વ્યસનને લીધે ધારાના પપ્પાની તબિયત બગડવા લાગી દવાનો બહુ ખર્ચ થયો. પણ આશાબેન હિંમત ના હાર્યા. પતિ ઉપર ખૂબ લાગણી હતી. પોતાના બધા ઘરેણાં વેચીને પતિની દવા કરાવી. ઘણી દવા કરાવી છતાં તે બચી ના શક્યા. પતિના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી આશાબેન ઉપર આવી પડી. લલિતભાઈની કંપનીમાંથી તેમને થોડાક પૈસા મળ્યા.
ધારાને કૉલેજના છેલ્લા વર્ષમાં આવી. તેણે પણ સિલાઈ કામ શીખી લીધું. તેનો ભાઈ બારમા ધોરણમાં આવ્યો. બંનેના ભણતરનો ખર્ચ પણ વધવા લાગ્યો.
આશાબેનનું સિલાઈ કામમાં સફળતા મળી સ્કૂલના યુનિફોર્મ સીવવાના ઓર્ડર મળવા લાગ્યા. આથી મા દીકરી બંને સિલાઈનું કામ કરવા લાગ્યાં.
ધારાની કૉલેજ પુરી થતા તેની જ્ઞાતિમાં સગાઈ કરી. ધારા નમણી અને સુંદર હતી. આકાશે તેને જોતા જ પસંદ કરી લીધી.
ધારાની જિંદગીમાં શાંતિ ના હતી. કંઈક મુશ્કેલી તો આવી જ જતી. થોડા મહિના પછી તેના સસરાના ઘરના દહેજની માંગણી કરવા લાગ્યા. આશાબેનની આર્થિક સ્થિતિ એટલી બધી પણ સારી ના હતી, કે દહેજ આપી શકે. ધારાનીની સગાઈ તૂટી ગઈ આશાબેન ખૂબ દુઃખી થયાં. તેને ધારાને કહ્યું “ભગવાન હજી આપણી કેટલી પરીક્ષા લેશે ? " ધારાએ માને હિંમત આપી.
ધારા અને તેના મમ્મી મહિલામંડળ ગયા. મંડળમાં ત્રણચાર બહેનો જ હતાં. બધા પ્રવૃત્તિમાં વ્યસ્ત હતાં. મંડળના પ્રમુખ માયાબેનની તબિયત બગડી.
ધારાએ ઝડપથી ૧૦૮ બોલાવી લીધી. માયાબેનને બી.પી. ઘટી ગયું હતું. માયાબેનનો છોકરો સંજય બેન્કમાં સર્વિસ કરતો હતો. તે હોસ્પિટલમાં આવ્યો. ડોક્ટરે ધારાના વખાણ કરતા કહ્યું કે “ધારાએ માયાબેનને ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડ્યા એટલે તેઓ બચી ગયા."
સંજયે ધારાનો આભાર માન્યો. ધારા નિયમિત માયાબેનની ઘરે જતી તેમને સમયસર દવા આપતી. માયાબેન ખૂબ નબળાઈ લાગતી હતી. ધારા તેને બધા કામમાં મદદરૂપ થતી. એક દિવસ તો માયાબેને ધારાના હાથ પકડી લીધા અને કહ્યું કે “મારી સગી દીકરી હોય તેમ તે મારી સેવા કરી છે. હવે તો કઈ કામ હશે તો તને જ બોલાવી લઈશ."
ધારા અને સંજય રોજ મળવા લાગ્યાં. બંને એકબીજાની વાતોમાં મશગુલ થઈ જતાં અને એકબીજાના પ્રેમમાં ખોવાઈ જતા. બંને જીવનભર સાથે રહેવાના સપના જોવા લાગ્યાં.
એક દિવસ આશાબેન, માયાબેનને મળવા તેમના ઘરે ગયા. માયાબેને કહ્યું કે “ધારા મને બહુ ગમે છે. ધારાને હું મારી પુત્રવધુ બનાવવા માંગુ છું.” આશાબેન આ સાંભળી ખુબ ખુશ થયાં. તેને સ્વપ્નમાં પણ વિચાર્યું ના હતું ધારાને સંજય જેવો સુશીલ છોકરો મળશે.
આશાબેનને લાગ્યું કે ભગવાને બહુ પરીક્ષા લીધી. છેલ્લે જિંદગીની પરીક્ષામાં પાસ થઈ ગઈ.
