રક્ષાબંધન
રક્ષાબંધન
કૃતિ આજે કોલેજેથી છૂટીને તેની બહેનપણી સાથે બજારમાં ખરીદી કરવા ગઈ. રક્ષાબંધન આવતી હોવાથી રાખડીની દુકાનો વધારે જોવા મળતી હતી. બધી દુકાનોમાં વિવિધ ડિઝાઈન અને રંગોની સુંદર રાખડીઓ મળતી હતી. કૃતિની બહેનપણીએ ઘણી બધી રાખડીઓ લીધી, પણ કૃતિએ કઈ ખરીદી ન કરી. રાખડી જોઈને કૃતિની આંખોમાં આંસું આવી ગયા. કૃતિએ તેની બહેનપણીને કહ્યું કે હું તો ઘરમાં મારી હાથે સરસ રાખડી બનાવીશ.
કૃતિ, ભાઈ માટે ઘરમાં જ સુંદર રાખડી બનાવતી. આ રક્ષાબંધનમાં તેને આ વખતે રાખડી બનાવવાનો કોઈ ઉત્સાહ થતો ન હતો. પાંચ મહિના પહેલાનો પ્રસંગ યાદ આવે છે, ત્યારે તેને બહુ દુઃખ થાય છે. તેને ખૂબ રડવું આવી જાય છે. કૃતિ તેનાં ભૂતકાળમાં ખોવાઈ જાય છે.
પાંચ મહિના પહેલાં તેનો ભાઈ રાહુલ અને ભાભી વૈશાલી, મમ્મી પપ્પા સાથે ઝગડો કરીને અલગ રહેવા ચાલ્યાં ગયા હતાં. તે વચ્ચે બોલી તો તેની સાથે પણ ભાઈ ઝગડો કરવા લાગ્યો. ભાભી સાથે તો ઘણીવાર નાના ઝગડા થઈ જતાં.
મમ્મી ક્યારેક ભાભીને કઈ સલાહ આપે તે ગમતું ન હતું. કોઈ કામમાં ભાભીનો થોડોક પણ વાંક કાઢવામાં આવે તો મમ્મી સાથે ઝગડો કરવા લાગે. કંઈ કામ ના કરે અને પોતાના રૂમમાં જઈ તેની મમ્મી સાથે કલાકો સુધી વાતો કર્યા કરે. મમ્મી ભાઈને કઈ કહે તો તે કઈ સાંભળતો જ નહીં. લગ્ન પછી ભાઈ પણ ખૂબ બદલાઈ ગયો હતો. ભાભી જેમ કહે તેમજ કરતો. એક દિવસ તો ભાભીએ મમ્મી સાથે ખૂબ ઝગડો કર્યો. મમ્મીનું અપમાન કર્યું. પપ્પાથી આ સહન ન થયું. તેણે ભાઈને કહ્યું કે તારી પત્નીને સમજાવ. ભાઈ ભાભીને કઈ કહેવાને બદલે અમારી સાથે ઝગડો કરી અને અલગ રહેવાં જતો રહ્યો. આ વાતને પાંચ મહિના થઈ ગયા પણ ઘરે મળવા પણ નથી આવ્યો. ઘરે પહોંચતાં જ કૃતિ ભૂતકાળમાંથી બહાર આવી.
કૃતિએ મમ્મીને પૂછ્યું “આ વખતે ભાઈને
રાખડી કેવી રીતે બાંધીશ ?”
મમ્મીએ કહ્યું “ તું રાખડી તો બનાવી રાખ મને વિશ્વાસ છે કે રાહુલ જરૂર આવશે ”
પપ્પાએ હસીને કહ્યું “ખોટી આશા રાખો નહી, બંને નિરાશ થશો.”
રાહુલને પણ રક્ષાબંધન આવતાં, બેન યાદ આવવા લાગી. પાંચ મહિનાથી ઘરે નથી ગયો, એટલે હવે કેવી રીતે જવું. તેમ વિચારવા લાગ્યો. તે ઓફિસે હતો, ત્યાં ઓચિંતાનો વૈશાલીનો હોસ્પિટલમાંથી ફોન આવ્યો. વૈશાલીના ભાઈનો અકસ્માત થયો હતો. રાહુલ હોસ્પિટલમાં ગયો. તેને જમણા હાથમાં ખુબ વાગ્યું હતું. માથામાં પણ વાગ્યું હતું. હાથમાં ફેક્ચર થયું હતું. એક મહિના માટે પાટો બાંધવાનો આવ્યો. ડોકટરે જ્યારે એમ કહ્યું કે ભાઈનાં નસીબ સારા છે, તેથી બચી ગયાં. માથામાં બહુ વાગ્યું નથી. વૈશાલી ભાઈનો હાથ જોઈને રડવા લાગી. જમણા હાથે જ પાટો આવ્યો હતો. તેને થયું હું ભાઈને રાખડી કેમ બાંધીશ ? ભગવાને મને સજા આપી. પોતાના સાસુ સસરાની સાથે ઝગડો કર્યો. રાહુલને પણ તેમનાં વિરૂદ્ધ ચડાવી માબાપ અને બેન સાથે ઝગડો કરાવ્યો. માબાપને તેના છોકરાથી દૂર કર્યા અને એક બેનને ભાઈથી દૂર કરી. વૈશાલીને ખૂબ પસ્તાવો થયો.
તેણે રાહુલને બધી વાત કરી કે ઝગડો તેનાં લીધે જ થતો હતો. તેને પોતાની ભૂલ સ્વીકારી લીધી. બંને જણાંએ ઘરે જઈને મમ્મી પપ્પાની અને કૃતિની માફી માગી. રાહુલ અને વૈશાલી ભેગાં રહેવાં આવી ગયાં. કૃતિએ ભાઈ માટે સુંદર રાખડી બનાવી. રક્ષાબંધનનો તહેવાર બધાંએ ખૂબ આનંદ અને ઉત્સહથી ઉજવ્યો.
