પુનઃ લગ્ન
પુનઃ લગ્ન
માતૃછાયા મકાનમાં આજે શોક છવાઈ ગયો હતો. શીલાબેન અને સમીરભાઈને ગહેરો આઘાત લાગ્યો હતો. દીકરી રિયાનાં લગ્ન હજી પાંચ મહિના પહેલાં જ કર્યા હતાં. તેમના જમાઈનું બાઈકનાં અકસ્માતમાં મૃત્યુ થયું. માબાપથી દીકરીનું દુઃખ જોઈ શકાતું ના હતું. જમાઈનાં મૃત્યુનાં એક મહિનામાં રિયા પિયરમાં આવતી રહી હતી.
પિયરમાં આવતાં જ રિયા ખૂબ રડી હતી. તેનાં સાસુ સસરા પતિનાં મૃત્યુ માટે તેને જવાબદાર માનતા હતાં. તે અપશુકનિયાળ છે. તેવા મેણાં મારી ત્રાસ આપવા લાગ્યાં.
શીલાબેને અને સમીરભાઈએ રિયાને શાંત પાડી અને કહ્યું કે તારે અહીં જ રહેવાનું છે. સમીરભાઈને બે સંતાનો હતાં. સૌથી મોટો પુત્ર જીગર અને પુત્રી રિયા. જીગરનાં લગ્ન તો ચાર વર્ષ પહેલા થઈ ગયાં હતાં. રિયા ઘરમાં બધાને બહુ લાડકી હતી. તેની ભાભી પલક સાથે બહુ બનતું હતું.
રિયા આખો દિવસ ગુમસુમ રહેતી. તેની આંખોમાંથી આંસુ પણ સૂકાઈ ગયાં હતાં. બધા તેને આનંદમાં લાવવાનો બહુ પ્રયત્ન કરતા, પણ રિયા ઉદાસ જ રહેતી.
આમ એક વર્ષ જતું રહ્યું પણ રિયાનું દુઃખ ઓછું ન થયું. સમીરભાઈએ વિચાર્યું કે રિયા સર્વિસ કરશે, તો તેનું દુઃખ ઓછું થશે અને પ્રવૃત્તિમાં રહેશે. રિયાએ સર્વિસ માટે પણ ના પાડી દીધી.
સમીરભાઈનું મકાન મોટું હતું. ઉપરનાં માળે મકાન ભાડે આપ્યું હતું. આરવ અને તેનાં મમ્મી બે મહિના પહેલા ભાડે આવ્યાં હતાં. આરવ અને તેનાં મમ્મીનો સ્વભાવ ખુબ સારો હતો. તે લોકો પણ રિયાને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરતા.
તહેવારોમાં પણ કોઈને ઉત્સાહ ના રહેતો. રિયાની ઉદાસ રહેતી તો તેનાં ભાભી તેને બહાર ફરવા લઈ જતાં. રિયાનાં પપ્પાએ વિચાર્યું કે તેનાં બીજા લગ્ન કરી નાખવા જોઈએ વિધવા સાથે લગ્ન કરવા કોઈ તૈયાર તો થવું જોઈએને !
આરવના મમ્મી મીનાબેન સંગીતનાં શોખીન હતાં તે થોડા વર્ષ પહેલાં સંગીતના ક્લાસ પણ ચલાવતા હતાં.
તેને રિયાને સંગીત શીખવાનું કહ્યું. રિયા નિયમિત આરવના મમ્મી પાસે સંગીત શીખવા લાગી. રિયાને પિયાનો વગાડતાં પણ શીખવાડ્યું. રિયા રોજ સાંજે ઉપર મીનાબેનનાં ઘરે જતી તેને હવે સંગીતમાં રસ પડવા લાગ્યો. તેણે ઘણાં ભજન, ગઝલ અને ફિલ્મનાં ગીતો શીખ્યા. રિયા પોતાનું દુઃખ ભૂલી અને આનંદમાં રહેવાં લાગી.
રિયા તેનાં મમ્મી પપ્પા ઘરના બધા રાત્રે મીનાબેનની ત્યાં ભેગા થતાં. રિયા પિયાનો વગાડીને સુંદર ભજન ગાતી. રિયાના મમ્મીએ મીનાબેનનો ખૂબ આભાર માન્યો. તેની રિયા જીવતી લાશ જેવી થઈ ગઈ હતી. સંગીતને લીધે તે ડિપ્રેશનમાંથી બહાર આવી ગઈ.
આરવને પણ રિયાનો અવાજ બહુ ગમતો. તે સાંજે સર્વિસમાંથી આવતો ત્યારે રિયાનો મધુર અવાજ સાંભળતો એટલે તેનો થાક ઉતરી જતો. આરવને રિયા પ્રત્યે કૂણી લાગણી થઈ ગઈ. દિવસમાં બે ત્રણ વાર રિયાને મળે નહી ત્યાં સુધી તેને શાંતિ ના થતી. રિયા તેની સાથે બહુ ઓછું બોલતી. આરવ રિયાના ગીતો રેકોર્ડ કરતો.
થોડા દિવસ પછી હોળીનો તહેવાર આવવાનો હતો. આરવ અને રિયાના ભાઈ ભાભીએ ધુળેટીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. આરવ રિયાને પ્રેમ કરવા લાગ્યો. પોતાના મનની વાત કોઈને કહી શકતો ન હતો. તેને ડર પણ હતો કે રિયાને તેની પ્રત્યે કેવી લાગણી હશે. તેને વિચાર્યું કે રિયાના ભાભીનો સ્વભાવ સારો હતો. તેણે રિયાના ભાભીને કહ્યું કે “ તેને રિયા સાથે પ્રેમ થઈ ગયો છે.” રિયાના ભાભી ખુશ થઈ ગયાં. તે તરત જ બોલ્યાં“ તમે ચિંતા નહી કરતાં હું રિયાને વાત કરીશ”
ધુળેટીને દિવસે રિયાના ભાભી આરવ અને તેનાં મમ્મી જમવાનું આમંત્રણ આપી આવ્યાં. સંગીતની સાથે બધાએ ધુળેટીનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવ્યો. કંકુ અને ગુલાલ અને રંગોથી બધા ખૂબ રમ્યા.
આરવે પણ રિયાને લાલ, ગુલાબી વિવિધ રંગોમાં રંગી નાખી. રિયાની ભાભીએ તેને આરવના પ્રેમની વાત કરી હતી. રિયાએ આરવની આંખોમાં સાચો પ્રેમ જોયો. આજે તો તે પણ આરવના પ્રેમનાં રંગમાં રંગાઈ ગઈ. રિયાએ પિયાનામાં સુંદર ગીત અને ભજનો ગાયા.
“યશોમતી મૈયા સે બોલે નંદલાલા,
રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા.”
આરવે તેનાં મમ્મીને રિયા સાથે લગ્નની વાત કરી. તેનાં મમ્મીને પણ રિયા પસંદ હતી. વડીલોનાં આશીર્વાદથી આરવ અને રિયાએ લગ્ન કરી લીધા.

