Bindya Jani

Classics

5.0  

Bindya Jani

Classics

રમકડાં

રમકડાં

2 mins
1.4K


શ્રાવણ મહિનો આવ્યો ને બાળકો માટે ખુશી લાવ્યો. મેળાઓની મજા માણવા બાળકો અધીરા થયાં. ધરમનો મહિનો આવ્યો ને ધરમપ્રેમીઓ ખુશ થયા અને દરેક નાના-મોટાં કુટુંબો પોતાની શક્તિ પ્રમાણે આનંદ માણવામાં મશગુલ બન્યા.


     અને એ જ રીતે હું પણ માનવ-મહેરામણ મા જઈ ચડી. મેળાનું સુંદર દ્રશ્ય, રંગબેરંગી નીતનવાં કપડાંમાં લોકો, યુવક-યુવતી ના થનગનતા હૈયા, બાળકોના નિર્દોષ હાસ્ય, ખીલતાં ચહેરાઓ રમકડાંની દુકાનોમાં મા-બાપને પરાણે ખેંચીને લઈ જતાં તેમનાં નાનાં-નાનાં પગલાંઓ.


      આ બધું જોઈ ને મેળાની રંગત માણવાની મજા આવે છે. ક્યાંક ચાર આંખો એક થઇ જાય છે. ચગડોળની જેમ મન પણ ફરતું રહે છે.


       આ બધા વચ્ચે રમકડાંના સ્ટોલમાં એક મનોહર દ્રશ્ય નજરે પડ્યુ. એક નિર્દોષ વાર્તાલાપ કાને અથડાયો બે બાળકો વચ્ચેનો. એક રમકડાં વેચનાર છે અને એક રમકડાં લેનાર છે.


        રમકડાં વેચનાર બાળક એક પછી એક રમકડાં એમની આગવી અદાથી બતાવે છે, અને લેનાર બાળક કૂતુહલવશ રમકડાંઓમાં ઓતપ્રોત થઈ જાય છે.


         બાળક તેની મમ્મીને એક પછી એક રમકડાં માટે આજીજી કરતો રહે છે, પણ મમ્મી રમકડાંનો ભાવ પૂછીને એકબાજુ મૂકી દે છે. બાળક બિચારું નિરાશ નજરે રમકડાં સામે જોયા કરે છે.


         મમ્મી આગળનાં સસ્તા રમકડાંના સ્ટોલ બાજુ પગ ઉપાડે છે, પણ બાળક તો રમકડાંમાં ખોવાયેલું હોય છે. અચાનક તે વેચનાર બાળક ને કહે છે કે તારી પાસે કેટલા બધાં રમકડાં છે ! મારી પાસે તો તૂટેલાં રમકડાં જ છે. મારી મમ્મી તો ક્યારેય મોટા રમકડાં લઈ જ નથી દેતી. મારી મમ્મી કહે છે રમકડાં લેવા એ ખોટો ખર્ચો છે બહુ રડું ત્યારે નાનકડું રમકડું મળે છે. અને પછી બાજુમાં રહેતાં છોકરાંવનાં મોટાં-મોટાં તૂટેલાં રમકડાં મળી જાય છે એને હું સાચવીને રમું છું.


           રમકડાં વેચનાર બાળક કહે છે કે તને તૂટેલાં રમકડાં પણ રમવા તો મળે છે ને ! મારા પાસે રમકડાં તો ઘણાં છે પણ મારા રમવા માટે નથી, એ તો વેચવાના છે. એટલે હું તો બધાંને રમકડાં બતાવતાં -બતાવતાં જ રમી લઉં છું.

     અમને પૈસા પણ જોઈએ ને !

            અને અચાનક જ પેલા બાળકની મમ્મી ગુસ્સે થતી આવી અને તેને હાથ ખેંચી ને લઈ ગઈ. બાળક બિચારુ રમકડાં તરફ જોતાં-જોતાં ચાલવા લાગ્યું. રમકડાં વેચનાર બાળક કોઈપણ જાતના ભાવ વગર રમકડાં વેચવા માટે વેપારી બુધ્ધિ હોય તેમ બાળકોને જોઈને ,"આવો બાળકો આવો, સુંદર મજાના નાચતાં-ગાતાં ચાવીવાળા ઢીંગલા-ઢીંગલી ને રંગબેરંગી ગાડીઓ, તમારા માટે, તમારા નાના ભાઈ-બહેન માટે લઈ જાઓ."


             આ બાળકોની મજબૂરી એ જ જિંદગીની કડવી વાસ્તવિક્તા છે. એ વિચાર સાથે હું પણ મેળાની રંગત માણવા ઉપડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics