Mariyam Dhupli

Classics Thriller

4  

Mariyam Dhupli

Classics Thriller

રહેવાસ

રહેવાસ

6 mins
902


હવેલીના ઉપરના માળના શયનખંડની બારી એમણે ધીરે રહી ઉઘાડી. બારીમાંથી સાંજની ઠંડી હવા આખા શયનખંડને શીતળતા બક્ષી રહી . દુર્ગાદેવીનો વૃદ્ધ ચ્હેરો એ શીતળ હવાથી અનેરી તાજગી અનુભવી રહ્યો . શયનખંડના અંધકારમાંથી એક મીણબત્તીનો આછો પ્રકાશ ચોરીછૂપે બારીના બહાર ડોકાયો . હવેલીના મુખ્યદ્વાર આગળ ઉભેલા વીજળીના થાંભલાઓ ધીરે રહી પ્રકાશિત થઇ ઉઠ્યા,એ વાતનો પુરાવો આપતા કે થોડાજ સમયમાં સૂર્ય પોતાના પ્રકાશ જોડે આલોપ થઇ જશે .

આજે બહારનું વાતાવરણ ખુબજ ખુશનુમા અનુભવાઈ રહ્યું હતું . હવામાં તાજગીનો અને વર્ષાનો હળવો સ્પર્શ આહલાદક રીતે ભળી ચુક્યો હતો . આવા વાતાવરણમાં તો ......

આગળ વિચાર વાક્યમાં સંપૂર્ણપણે ઉતરે એ પહેલા દુર્ગાદેવીની કરચલીવાળી વૃદ્ધ આંખો નીચે હવેલીના પ્રાંગણમાં આવી તકાય . પોતાની વહુ અમૃતાને એ ત્રાંસી આંખે નિહાળી રહ્યા . સાવધાનીથી બારી થોડી અંદર તરફ એ પ્રમાણે ખેંચી કે અમૃતાનું ધ્યાન એમની ઉપર ન પડે .

આજે અમૃતા દુલહન સમી સજી હતી . ડિઝાઈનર સાડી, મોંઘા ઘરેણાં, ઊંચી એડીની ઊંચી ગુણવત્તાવાળી મોજડી, આકર્ષક હેરસ્ટાઇલ, સુંદર મજાનું મેકઅપ, હાથ અને પગની આંગળીઓમાં ચળકી રહેલી નેલપોલિશ. દુર્ગાદેવીની દ્રષ્ટિ ઈર્ષ્યાથી અંજાઈ રહી .

આજે કોઈ લગ્ન સમારંભનું આમંત્રણ હતું . બધાજ નીચે એ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા . અને પોતે આ શયનખંડમાંથી બધાને ચુપચાપ નિહાળવાનું હતું . એમને હવે આમંત્રણ જ ક્યાં મળતું હતું? દરેક આમંત્રણ પત્રિકા ઉપર ફક્ત શ્રીમાન અને શ્રીમતી દુર્ગેશ રાણા અને પુત્રી એટલુંજ લખાઈને આવતું . જાણે કે હવે એમનું કોઈ અસ્તિત્વ જ ન હતું .

" ખ્યાતિ બધી ભેટ ક્યાં છે? હજી પેકીંગ કરવાનું છે ...."

અમૃતાના પ્રશ્નના ઉત્તરમાં એક યુવાન સ્વર હવેલીના નીચેના ભાગના વિસ્તારમાંથી ગુંજી રહ્યો .

" માં , બધી ભેટ તારા ઓરડામાંજ છે અને ગિફ્ટ રેપર પણ ....."

આ અવાજ ખ્યાતિનો હતો . દુર્ગાદેવી ના એકનાએક પુત્ર ની એક્નીએક લાડલી દીકરી . દુર્ગાદેવીની પૌત્રી અને એમની એક્નીએક વારસદાર પણ. મસૂરીની એક જાણીતી બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને હાલ રજાના દિવસોમાં કુટુંબ જોડે સમય વિતાવવા આવી છે .

ખ્યાતિનો અવાજ સાંભળતાજ ઈર્ષ્યામાં ભડતુ થઇ રહેલ દુર્ગાદેવીની નજર વધુ વેધક થઇ ઉઠી . સવારથી હવેલી આવી પહોંચી છે . પણ દાદીની યાદ રજ ભર પણ ન આવી ? હજી સુધી મારા શયનખંડમાં પગ પણ ન મુક્યો ? આવી ત્યારથી મોબાઈલમાં ચ્હેરો ભેરવી દીધો છે . આ છે ઉછેર અને આને કહેવાય સંસ્કાર ?

" હવે જરા ઉતાવળ કરજો બધા . સમય થઇ ગયો છે . "

હવેલીના પ્રાંગણમાં ગોઠવાયેલી બેઠક ઉપર દુર્ગેશ તૈયાર થઇ આવી પહોંચ્યો . શુટબુટમાં સજ્જ દુર્ગેશની આંગળીઓ મોબાઈલના સ્ક્રીન ઉપર ઝડપથી ફરી રહી .

એને નિહાળતાંજ દુર્ગાદેવીની આંખોમાં લોહી ઉકળી રહ્યું . મનનો ભાર અત્યંત વિહ્વળ કરી રહ્યો . એના જન્મથી લઇ એના લગ્ન સુધીની બધીજ ક્ષણો દુર્ગાદેવીની નજર સામે એક સાથે ઉમટી આવી . આંખોના ખૂણા ભેજવાળા થઇ રહ્યા . જેના ઉછેર પાછળ આખું જીવન આંખ મીંચી ખર્ચી નાખ્યું આજે એજ દીકરાના ઘરમાં પોતાના રહેવાસ માટે જગ્યા ખૂટે છે ? શા માટે હું એમની જોડે અહીં ન રહી શકું? મારા રહેવાસથી એમને શું નડવાનું છે ? પડી રહીશ મારા આ શયનખંડના અંધકારમાં . જીવનભર જે બાળકના ઉછેર માટે અગણિત અગવડતા વેઠી આજે એ પુત્ર અને એનું પરિવાર મારી ખાતર થોડી અગવડતા ન વેઠી શકે ? શા માટે મને અહીંથી બહાર નીકાળવા દરરોજ કોઈ નવી પ્રયુક્તિ ઘડાય છે? આ મારું ઘર છે અને મારા ઘરમાંથી મને કોઈ બહાર ......

આંખોના પાણીને પાંપણ ઉપરથી સાફ કરી દુર્ગાદેવીએ ચોરીછૂપે શયનખંડની બારી અત્યંત ધીરજથી વાસી દીધી . નીચેના વિસ્તારની ચહેલપહેલ વધુ વેગ પકડી રહી . ધીમા ડગલે દુર્ગાદેવી શયનખંડના કલાત્મક એન્ટિક અરીસા સામે આવી ઉભા રહ્યા . મીણબત્તીના આછા પ્રકાશમાં વૃદ્ધ ચ્હેરા ઉપરની એક એક કરચલી સ્પષ્ટ દેખાઈ ઉઠી .

હા , થોડી વૃદ્ધ થઇ ગઈ છું . પણ એનો અર્થ એ તો નથી કે મને જીવવાનો કોઈ અધિકાર નથી . એ લોકો કોણ છે મારા જીવન અંગેના નિર્ણય લેવાવાળા? પોતે પોતાની મરજીથી પોતાનું જીવન જીવે છે ને? તો હું કેમ નહીં? એમને લાગે છે કે મારું હોવું , ન હોવું એકસમાન છે . ના કદી નહીં . મારુ પણ અસ્તિત્વ છે અને એમને મારા અસ્તિત્વની કદર કરવીજ પડશે . હું મારુ આ ઘર છોડી ક્યાંય ન જઈશ . પણ પેલી અમૃતા શાંતિથી ઝંપવાજ દેતી નથી . દરરોજ કંઈક ને કંઈક દુર્ગેશના કાનમાં ભમ્ભેર્યા જ કરતી હોય છે અને એ જોરુંનો ગુલામ એની દરેક વાતમાં હામી પૂરાવતો રહે છે . છેલ્લે અઠવાડિયેતો એણે મને અહીંથી કાઢી નાખવાની પુરી યોજના તૈયાર રાખી હતી . એ તો છેલ્લી ઘડીએ ....

નિસાસા જોડે દુર્ગાદેવીએ અરીસામાં પોતાના ચ્હેરાની વૃદ્ધ કરચલીઓ પર સ્નેહસભર હાથ ફેરવ્યો . પણ હવે બહુ થયું . જેવા સાથે તેવા . જો લાગણીના દરેક તાંતણા એમના તરફથી તોડી નાખવામાં આવ્યા છે તો મારા તરફથી પણ દરેક સંબંધ ઉપર હવે પૂર્ણવિરામ . મારા અસ્તિત્વની એમને જો કોઈ દરકાર ન હોય તો ભલે . હું મારી જાત સાથે ખુશ રહેતા શીખીશ . મને પણ એમની કોઈ જરૂર નથી . હું અહીંજ રહીશ અને દરેક ક્ષણ હૃદયથી વીતાવીશ .

અરીસામાં ડોકાઈ રહેલી લાકડાની બારીક નકશીકામ વાળી અલમારી ઉપર દુર્ગાદેવીની એક ઊડતી નજર પહોંચી . પાછળ તરફ ફરી એ અલમારીને ઝીણવટથી નિહાળતા થોડા સમય પહેલાજ નિહાળેલી અમૃતાની જાહોજલાલી ફરીથી બળતામાં ઘી રેડી રહી . ધીમા ડગલે વૃદ્ધ શરીર અલમારી પાસે પહોંચ્યું . અત્યંત ધીરજથી અને કોઈ અવાજ ન થાય એની કાળજી લેતા કરચલીવાળા ધ્રુજતા હાથોએ અલમારી ઉઘાડી . આહા કેટલી બધી સુંદર ઉચ્ચ શ્રેણીની સાડીઓ ! દરેક સાડી ઉપર વારાફરતી પ્રેમથી હાથ ફરી રહ્યો . વચ્ચેની હરોળમાંથી એક સુવર્ણ રંગની ખુબજ મોંઘી કાંજી વરમ અલમારીમાંથી બહાર નીકાળી પાસેના પલંગ ઉપર ગોઠવી દીધી . અંદરની તરફના ખાનામાંથી એક ઘરેણાંની કલાત્મક પેટી ખોલી સાડી જોડે મેળ ખાતા ઘરેણાં સાડી ઉપર ગોઠવ્યા . આજે ફરીથી જીવી ઉઠવાની ઉત્કંઠા પરાકાષ્ઠાએ પહોંચી હતી . વૃદ્ધ શરીરને શણગારની લાલચ પોતાના તરફ ખેંચી રહી હતી , તદ્દન લોહીંચુંબક જેમ . મનમાં પડી રહેલા પડઘાઓ જોરશોરથી અભિપ્રેરિત કરી રહ્યા હતા . જીવી લે , જીવી લે , આ ક્ષણ , દરેક ક્ષણ . સજી લે અને સજાવી લે તારું અસ્તિત્વ . તું છે , હા તું છે . અહીં જ , સર્વત્ર અને તારો હોવાનો છે તને સંપૂર્ણ અધિકાર ....

અચાનકથી શયનખંડનું બારણું બહારની દિશા તરફથી અંદરની બાજુ ધસ્યું . બારણાં જોડે પ્રવેશેલા હવાના વહેણથી શયનખંડની મીણબત્તી ઘણા બધા ઝબકારા જોડે ઓલવાય ગઈ . ધીમા ધીમા ડગલાં શયનખંડના અંધકારને ચીરતાં આગળ વધી રહ્યા .

" ખ્યાતિ , તું અહીં શું કરી રહી છે ? તને કેટલી વાર કહ્યું છે કે અહીં આવવું નહીં . નીચે પપ્પા રાહ જોઈ રહ્યા છે . ગેટ આઉટ ઓફ ધીઝ રૂમ રાઈટ નાવ ....."

અમૃતાનો ક્રોધ એના શબ્દો સમો જ કડક અને ગંભીર હતો . એ શબ્દોથી ડરી ગયેલી ખ્યાતિ શીઘ્ર ઓરડાની બહાર નીકળી દાદરના માર્ગે તરતજ નીચે તરફ ઉતરી ગઈ .

શયનખંડના અંધકારમાં ઉભેલા દુર્ગાદેવીની વેધક ક્રોધિત દ્રષ્ટિ એકીટસે અમૃતાને તાકી રહી .

બહાર તરફથી ઓરડામાં ઝાંખી રહેલા ફક્ત નામના જ પ્રકાશમાં અમૃતાની નજર પલંગ ઉપર આવી તકાય . કાંજી વરમ સાડી અને ચળકતા ઘરેણાં નિહાળતાંજ એની નજર ક્રોધથી વિફરતી લાલ ચોળ થઇ ઉઠી . હાંફતા શરીર જોડે એણે સાડી અને ઘરેણાં અલમારીમાં ધકેલી અલમારી ગુસ્સામાં વાંસી દીધી .

દુર્ગાદેવીનો ક્રોધ હવે હદ વટાવી ચુક્યો . ધીરજ શૂન્ય બની . વિફરેલા વૃદ્ધ શરીરે અમૃતાને ધક્કો દઈ અલમારી જીદ્દ અને મક્કમતાથી ફરી ઉઘાડી . સાડી અને ઘરેણાં ફરીથી પલંગ પર પૂર્વવત ગોઠવી દીધા .

જમીન ઉપર પછડાયેલી અમૃતાની હૃદયદ્રાવક ચીસથી હવેલીની દરેક દીવાલ ધ્રુજી ઉઠી .

શયનખંડની બહાર નીકળી ધ્રુજતા હાંફતા શરીરે અમૃતાએ ઓરડાને બહાર તરફથી ચુસ્ત વાંસી દીધો .

થોડીજ ક્ષણો પછી હવેલીના મુખ્ય બેઠક ખંડમાં,

દુર્ગેશના ખભે માથું ઢાળી આંસુ વહાવી રહેલી ભયભીત અમૃતાના હાથ પતિ અને પુત્રીના સ્નેહસભર અને આશ્વાસનભર્યા હાથમાં હતા . દુર્ગેશના મક્કમ શબ્દો એના ડરને પીગળાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરી રહ્યા હતા .

" તું સહેજે ચિંતા ન કર . આપણે બનતાં બધાજ પ્રયાસો કરી જોયા . છેલ્લે અઠવાડિયે તારા તરફથી હવેલીમાં કરાવાયેલું હવન એક અંતિમ તક હતી . પણ હવે પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે . એકજ ઉપાય છે . જેટલી જલ્દી થઇ શકે આ હવેલીનો સોદો કરી અહીંથી જતા રહીશું ."

બેઠકખંડના રજવાડી સોફા પર ગોઠવાયેલા દુર્ગેશ, અમૃતા અને ખ્યાતિની પાછળ તરફની ભીંત ઉપરની વિશાળ ફોટોફ્રેમમાં દુર્ગાદેવીનો ચ્હેરો ગર્વ અને મક્કમતાથી છલકી રહ્યો હતો . એની ઉપર ચઢાવાયેલી તાજી ફૂલોની હારમાળાની તદ્દન નીચે સુવર્ણ શબ્દો સ્પષ્ટ ચળકતા વંચાઈ રહ્યા હતા :

' સ્વર્ગસ્થ દુર્ગાદેવી . ૧૯૪૬ - ૨૦૧૮ '


Rate this content
Log in

Similar gujarati story from Classics