mariyam dhupli

Abstract Fantasy Inspirational

4.3  

mariyam dhupli

Abstract Fantasy Inspirational

રાહ

રાહ

5 mins
448


વાત છે એક રાતની. એ રાતે હું અસ્તિત્વમાં આવી હતી. આમ તો જન્મ લેવાની પ્રક્રિયા ક્યારનીયે આકાર લઈ ચૂકી હતી. પરંતુ જ્યાં સુધી આપણે અન્ય માટે ન ખર્ચાઈએ ત્યાં સુધી સાચા અર્થમાં અસ્તિત્વમાં આવતા નથી એવું મારું દ્રઢપણે માનવું છે. એ રાતે મારે ખર્ચાવાનું હતું. અન્યના જીવનમાં પ્રકાશ પાથરવાના હેતુસર. હું ખૂબજ ઉત્સાહીત હતી. મારી ખુશીની કોઈ સીમા ન હતી. જે રાતની હું દર ક્ષણ રાહ જોઈ રહી હતી એ રાત આખરે આવી ચૂકી હતી.

કોઈએ પોતાના સશક્ત હાથમાં મને ઉઠાવી લીધી. મારું કોમળ શરીર ઉત્તેજિત થઈ ઉઠ્યું. અંધકારભર્યા ઓરડામાં મને એક અરીસા સામે ઊભી કરી દેવામાં આવી. તરત જ એક દીવાસળી પ્રગટાવવામાં આવી. ઠંડીથી ઠુઠવાઈ રહેલા મારા શરીરને અનેરી ઉષ્માનો અહેસાસ થયો. થોડા જ સમયમાં એ દીવાસળી ઉપરની અગ્નિ મારા માથે તાજ જેમ શોભી ઊઠી. એ અગ્નિના પ્રકાશમાં અરીસામાં મને મારું પ્રતિબિંબ દેખાયું. હું સુંદર લાગી રહી હતી, અતિસુંદર. રચનારે મારું શરીર કેવું ભવ્ય રચ્યું હતું ! હું મનોમન મારી જાત પર ગર્વ લઈ રહી હતી. કૃતજ્ઞતાથી મારું મન છલકાઈ રહ્યું હતું. જીવન અત્યંત સાર્થક અનુભવાઈ રહ્યું હતું. હું શા માટે હતી ? મારા જીવનનો અર્થ શો ? એવા અસંખ્ય પ્રશ્નોના ઉત્તર મને એ રાતે મળી ગયા હતા. મારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હતો.

" હજી એક મીણબત્તી પ્રગટાવી દો. "

અંધકારભર્યા ઓરડામાં આદેશાત્મક સ્વરના પડઘા ઝીલાયા હતા. હું મૂંઝવણમાં મૂકાઈ. હજી એક મીણબત્તી ? મારું મનોમંથન આગળ વધે એ પહેલા મારી પડખે એક અન્ય શરીર ઊભું કરી દેવામાં આવ્યું. ફરીથી દિવાસળીનો લિસોટો અંધકારને ચીરી ગયો. જોતજોતામાં મારી પડખે ઊભા શરીર ઉપર પણ અગ્નિનો એક ઝળહળતો તાજ શોભી ઊઠ્યો. ધીમે રહી મારી નજર અરીસામાં પ્રતિબિંબ નિહાળવા મથી. આ વખતે મને મારી પડખે એક મારા જેવું જ શરીર દેખાયું. એ શરીર ધ્યાનપૂર્વક મને નિહાળી રહ્યું હતું. ઉપરથી નીચે સુધી. એ આંખોમાં છલોછલ અભિમાન હતું. એ નજરમાં રહેંસી નાખતી ઈર્ષ્યા હતી. એ શરીરના હાવભાવોમાં સ્પર્ધા, નકારાત્મકતા, સરખામણી, દ્વ્રેષ અને ખુન્નસ ભારોભાર ઉભરાઈ રહ્યા હતા. મને સમજમાં ન આવ્યું. એ અભિમાન કેવું ? એ ઈર્ષ્યા શેની ? એ દ્વ્રેષ, સ્પર્ધા, નકારાત્મકતા, ખુન્નસ, સરખામણી, ક્રોધનું મૂળ શું ? એ વ્યક્તિત્વ મને પરોક્ષ રીતે જણાવી રહ્યું હતું,

' હું તારાથી ચઢિયાતી છું. હું તારાથી સુંદર છું. હું સાર્થક છું ને તું નિરર્થક. તને તો યોગ્ય રીતે પીગળતા પણ આવડતું નથી. પીગળવું એક કલા છે અને એ કલા પર ફક્ત મારું આધિપત્ય છે. તું રહેવા દે. તારાથી ન થશે. '

હું સહેમી ઊઠી. થોડા સમય પહેલા મનમાં ઉત્પન્ન થયેલો વિશ્વાસ ડામાડોળ થઈ ઊઠ્યો. હું ફરીફરીને મારું પ્રતિબિંબ નિહાળી રહી. મારા શરીરની તુલના અનાયાસે મારી પડખેના શરીર જોડે કરવા મથામણ કરવા માંડી. ઓરડાના બહારથી અચાનક ફૂંકાયેલા પવન થકી મારા માથા ઉપરનો તાજ ટકી રહેવા માટે આમથી તેમ મરણિયા પ્રયાસ કરવા માંડયો. એ જ સમયે કોઈએ ઓરડાની બારી ચુસ્ત વાંસી દીધી. છતાં મારો શ્વાસ હજી ધ્રુજી રહ્યો હતો. અરીસામાં હાજર પડખેના શરીરનું પ્રતિબિંબ હજી અહમભર્યાં હાવભાવો જોડે મને વીંધી રહ્યું હતું. જાણે એ પોતે સર્વશ્રેષ્ઠ હોય અને એની આગળ કોઈને ઊભા રહેવાનો કે ટકી રહેવાનો અધિકાર ન હોય. મારું કામપી રહેલું હૃદય મને પૂછી રહ્યું,

' હવે શું કરવું ? આ માહોલમાં કઈ રીતે આનંદની ઉજવણી થાય ? આ વાતાવરણમાં કઈ રીતે શાંતિ અને સંતોષથી ફરજપૂર્તિ શકય બને ? આ નકારાત્મકતા આગળ હસતો ચહેરો રાખી કર્તવ્ય કઈ રીતે નિભાવાય ? તાણ અને દબાણ વચ્ચે દરેક ક્ષણ રાજીખુશી કઈ રીતે વ્યતીત કરાય ? અશક્ય ...તદ્દન અશક્ય. '

મારું ધ્યાન સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું હતું.

અચાનક મારા મગજમાં એક ચમકારો થયો. વિચારનો તણખો તર્કના તેજ જોડે મસ્તિષ્કમાં ગૂંજી ઊઠ્યો. મારું મન મને સાંત્વના આપી રહ્યું,

' તું શા માટે ડરે છે ? થોડી રાહ જો. થોડી ધીરજ ધર. એ કેટલું જીવશે ? જેનો આરંભ હોય છે તેનો અંત પણ નિશ્ચિત હોય છે. એનો અંત પણ ચોક્કસ થશે. એક ક્ષણ એવી આવશે કે એનું અસ્તિત્વ મટી જશે. પછી તારો રસ્તો મોકળો. પછી તારા સ્મિત, તારા હાસ્ય, તારા આનંદ, તારા સુખમાં કોઈ વિક્ષેપ ન પાડશે. પછી તું સાચા અર્થમાં સુખી થશે. કોઈ તાણ નહીં, કોઈ હતાશા નહીં. શાંતિ જ શાંતિ. '

બસ, પછી શું ? મારું સંપૂર્ણ ધ્યાન પડખેના શરીર પર કેન્દ્રીત થઈ ગયું. જે ક્ષણ ક્ષણ ઓગળી રહ્યું હતું. એ પીગળતા શરીર ઉપર મારી નજર સ્થિર જડાઈ ચૂકી હતી. જેમ જેમ એ શરીર ઉપર તરફથી નીચેની દિશામાં ઢળી રહ્યું હતું મારી આશ ઉપરને ઉપર ઊઠી રહી હતી. એ ક્યારે સમાપ્ત થાય ને હું ક્યારે જીવવાનું શરૂ કરું ? મનમાં એના સર્વનાશના વિચારો વધુને વધુ પ્રબળ બની રહ્યા હતા. એ વિચારો મને હંફાવી રહ્યા હતા, અકળાવી રહ્યા હતા. હું અંદરોઅંદર ગૂંગળાઈ રહી હતી. હતાશાના દલદલમાં વધુ ગરકાવ થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે હું હું જ રહી ન હતી. હું ઘણી બદલાઈ ગઈ હતી. મારો જીવન ધ્યેય હવે પડખેના શરીરની સમાપ્તિની રાહ બની ગયો હતો. પરંતુ એ કારમી રાહને અંતે મને મારું સુખ, મારી ખુશી દેખાતી હતી. એ જ આશમાં હું રાહ જોતી રહી, રાહ જોતી રહી.

આખરે એ ક્ષણ આવી. મારી પડખેનું શરીર કણ, કણ પીગળી ચૂક્યું હતું. હવે ફક્ત નામનું જ મીણ બચ્યું હતું. મારું હૈયું ગદ ગદ થઈ ઊઠ્યું. આખરે મને મુક્તિ મળશે. એ ઈર્ષ્યાળુ આંખોથી, એ અહંકારી પડછાયાથી, મને નિમ્ન ગણતી, માનતી અને દેખાડતી એ જાતથી. મારો હરખ સમાઈ ક્યાંથી ? મારી નજર અરીસામાં બીજી તરફ ખસી.

પણ આ શું ?

હું ધ્રુજી ઊઠી. અવાક બની ગઈ. આટલી મોટી ભૂલ ? હું કેમ વિસરી ગઈ કે હું પણ એની જોડે કણ, કણ પીગળી રહી હતી. એના આરંભ જોડે મારો આરંભ પણ તો શરૂ થઈ ગયો હતો. તો એના અંત જોડે મારો અંત પણ નિશ્ચિત હતો. આખરે હું પણ મીણ જ તો હતી.

પસ્તાવાનો ઘુઘવાતો સમુદ્ર મારી નજર સામે હિલોળા ભરી રહ્યો. કાશ કે મેં એ ઈર્ષ્યાની દરકાર ન કરી હોત. કાશ કે એ અભિમાની નજરથી મને નાનમ ન અનુભવાઈ હોત. કાશ કે હું આત્મવિશ્વાસ જોડે એની પડખે મક્કમ ઊભી હોત. કાશ કે મારા સુખનો આરંભ મેં એના અંત સાથે ન જોડ્યો હોત. કાશ કે મારું નામનું જ ક્ષણિક જીવન મેં દરેક ક્ષણ માણી લીધું હોત. કાશ કે મારી અડખે પડખે નકામી નજર ફેરવ્યા વિના હું સ્વમાં જ મસ્ત રહી હોત.

હું આગળ કાંઈ વિચારું એ પહેલાં જ અરીસામાં મને મારા શરીરનું અંતિમ કણ ઓગળતું દેખાયું.

અને અંધકારભર્યા ઓરડામાં આદેશાત્મક સ્વર ગૂંજયો,

" આ બંને મીણબત્તી સમાપ્ત થઈ ગઈ. નવી બે લઈ આવો."


Rate this content
Log in

Similar gujarati story from Abstract