પશ્ચાતાપના આંસુ
પશ્ચાતાપના આંસુ
(આ વાર્તાને હકીકત કે પુરાણ સાથે કશી લેવાદેવા નથી. માત્ર અશ્વસ્થામાનું પાત્ર અને થોડી ઘટનાઓને લઈને એક કલ્પના કથા લખવાનો પ્રયાસ માત્ર છે. આથી આ વાર્તાની ઘટનાઓની પુરાણોના સંદર્ભમાં મૂલવવી નહીં)
ઉનાળાના ધોમધખતા તાપમા ગિરનારની તળેટીમાં ભયંકર લૂ ઝરતી હતી. શરીરની ચામડી તો ચામડી પણ અંદરનું લોહી અને હાડકા પણ બાળી નાખે એવી ગરમી હતી. આ ગરમી માત્ર સૂર્યનારાયણના તાપની ગરમી નહોતી. ક્યાંક કોઈકના અંતરાત્મામાં પણ ભીષણ આગ લાગી હતી અને બળતો હતો. જે યુગોથી પોતે કરેલાં જઘન્ય અને અક્ષમ્ય અપરાધનું પ્રાયશ્ચિત કરી રહ્યો હતો પણ તેનું તેને કોઈ ફળ મળ્યું નહોતું. તેથી તેનું અંતરમન બળતું હતું. એનું તો જીવન જ મઝધાર બની ગયું. ન તો એ આ પાર આવી શકે એમ છે કે ન પેલે પાર જઈ એ મૃત્યુનું વરણ કરી શકે છે. એને તો લોકોથી તિરસ્કૃત થઈ, આ તિરસ્કાર અને ઘૃણા સહન કરતાં કરતાં આ સંસાર સાગરમાં ન ઈચ્છવા છતાં પરણે ગોથા ખાવાના જ રહ્યાં.
વનવિચરણ કરવા નીકળેલાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બરાબર ગિરનારની તળેટી પાસે પહોંચ્યાં. ત્યાં માતા લક્ષ્મીના શરીરની ચામડી બળવા લાગી.
"હે પ્રભુ! સાંભળ્યું છે કે ગિરનારની તળેટીમાં તો હંમેશા ઠંડક રહે છે. તો આજે અહીં આટલી ગરમી કેમ ? આટલી કાળઝાળ લૂ પણ !"
"દેવી ! ઉનાળાની ઋતુ છે, તો ગરમી તો હોય જ ને!"
"પ્રભુ! આ ગરમી, આ લૂ ઉનાળાની નથી. ક્યાંક કંઈક બળતું હોય એવું લાગે છે. ક્યાંક દાવાનળ તો નથી લાગ્યો નેં ?"
"ના, દેવી દાવાનળ તો નથી. દાવાનળ લાગે તો ધુમાડાના ગોટા ને ગોટા દેખાય."
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી વાતો કરતાં કરતાં ચાલતાં હતાં ત્યાં જ, "પ્રભુ ! ત્યાં દૂર પાણી જેવું દેખાય છે. હું ત્યાં મારા હાથ ધોઈ લઉં જેથી મારી ચામડીની બળતરાં થોડી ઓછી થશે."
"હા, હા, દેવી ચલો." કહેતાં પ્રભુ વિષ્ણુ લક્ષ્મીજીની પાછળ ચાલતાં થયા. તેઓ એ પાણી પાસે પહોંચ્યાં માતા લક્ષ્મીજીએ પાણીમાં હાથ બોળ્યો કે તરત જ વીજળીનો કરંટ લાગ્યો હોય એટલી ઝડપથી હાથ બહાર કાઢતાં, "હે પ્રભુ ! આ તો ગરમ ગરમ પાણી છે."
"ગરમ પાણી?"
"હા, પ્રભુ! ગરમ પાણી. ચાલો આપણે નદીના તટે તટે ચાલતાં જઈને જોઈએ કે આ ગરમ પાણીની નદી ક્યાંથી વહે છે ?"
ચાલતાં ચાલતાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી નદીના છોર સુધી પહોંચ્યાં ને જોયું તો નદી એક ગુફામાંથી આવતી હતી.
"પ્રભુ! મેં તો જોયું છે કે પૃથ્વી પર નદીઓ પહાડ પરથી વહે છે. તો આ નદી ગુફામાંથી કેમ ?"
"દેવી આ કળિયુગ છે. મારો જ બનાવેલો આ કળિયુગી માનવ જો મને બનાવી જતો હોય તો ગુફામાંથી નદી વહાવવી એ એના માટે કોઈ મુશ્કેલ કામ નથી."
"પ્રભુ! અહીં તો મને કોઈના રડવાનો અવાજ આવે છે."
"હા દેવી! મને પણ."
"આ ગુફામાં બેસી કોણ રડતું હશે ?" માતા લક્ષ્મીજીએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો અને બન્ને એ ગુફામાં પ્રવેશ્યાં.
"વત્સ." શબ્દ સાંભળતા જ ગુફામાં બેસી આક્રંદ ભર્યું રુદન કરતાં એ વ્યક્તિએ ઊંચું ઉપાડીને જોયું, તો સામે પીળા પીતાંબરધારી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને જોઈને તત્ક્ષણ જોશભેર ઊભો થઈ, "પ્રભુ! માતા લક્ષ્મી સાથે આપ અહીંયા ?" બોલતાં બોલતાં એ વ્યક્તિ એકદમ ભાવવિભોર થઈ ગયો અને પ્રભુ વિષ્ણુ અને માતા લક્ષ્મીના શ્રી ચરણોમાં પડી ગયો. તેની આંખોમાંથી વહેતા અશ્રુ શ્રીવિષ્ણુના ચરણ પખાળી રહ્યાં.
"ઉઠો વત્સ." તેનો ખભો પકડી ઊભો કરતાં પ્રભુએ કહ્યું.
"પ્રભુ હજારો વર્ષોથી આપના દર્શનની પ્રતીક્ષા કરતો હતો. આજે આપે માતા લક્ષ્મી સહિત પધારી મુજ અભાગીને દર્શન આપ્યાં. ધન્ય થયો, પ્રભુ હું ધન્ય થઈ ગયો."
"તમે એટલું રુદન કરતાં હતાં કે તમારાં આંસુની બહાર નદી વહી રહી છે તમને ખ્યાલ પણ છે ? તમે શા માટે આટલું રુદન કરતાં હતાં ?"
"પ્રભુ આપ તો અંતર્યામી છો બધું જ જાણો છો છતાં આપે મને પ્રશ્ન કર્યો જ છે તો હું એનો ઉત્તર પણ આપીશ. પ્રભુ! આ પશ્ચાતાપના આંસુ છે."
"પશ્ચાતાપના આંસુ ? કઈ વાતનો પશ્ચાતાપ ?
"પ્રભુ મેં આપનો દ્રોહ કર્યો છે. મેં પાંડવોની સાથે તમને પણ મારવાનો વિચાર કર્યો હતો. એ રાતે પાંડવોની શિબિરમાં હું પાંચેય પાંડવો સાથે છઠ્ઠા આપની પણ હત્યા કરી સુદર્શન ચક્ર ઉઠાવી જવાનો હતો. દુર્યોધનની મિત્રતાને આધીન અંત સમયે એને તડપતો જોઈ એના કહેવાથી હું મારો વિવેક ધર્મ ભૂલી રાત્રે નિદ્રાધીન પાંચ પાંડવો અને છઠ્ઠા આપને મારવા શિબિરમાં ઘૂસ્યો કોઈ જાગ્રત થાય કે કશું સમજે એ પહેલાં જ મેં સૂતેલા વીરોના મસ્તકો પર ઉપરાછાપરી ગદા વીંઝી દીધી.
દ્રૌપદી સૂતોની હત્યા બાદ મને તત્કાળ જ્ઞાન થયું કે આ પાંડવો નહીં પણ તેના સંતાનો છે. ત્યાં જ મારું ધ્યાન એ આચાર્યઘાતી, નિર્દય, નિર્લજ્જ સમાધિસ્થ અવસ્થામાં મારા પિતાની હત્યા કરનાર ધૃષ્ટદ્યુમ્ન પર પડ્યુ. પિતૃ હત્યાના વૈરભાવથી પીડાતા મારા મનની ઠંડક માટે મેં તેની હત્યા કરી.
હું મારા દ્વારા થયેલા આ પાપનું પ્રાયશ્ચિત કરવા મહર્ષિ વ્યાસના આશ્રમમાં ગયો. હું મહર્ષિ વ્યાસ સાથે મારાથી થયેલા અક્ષમ્ય અને જઘન્ય અપરાધની વાત કરતો જ હતો ત્યાં પાંચેય પાંડવોને તમારી સાથે આવતાં જોયાં. ડરના માર્યા મને બીજું કંઈ ન સૂઝતા મેં બ્રહ્માસ્ત્ર છોડ્યું. પ્રચંડ અગ્નિને પોતાની તરફ આવતાં જોઈ અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે બે બ્રહ્માસ્ત્રના અથડાવાથી થનાર મહાવિનાશને રોકવા મહર્ષિ વ્યાસ વચ્ચે આવી ગયાં અને તેમણે અમને બન્નેને પોત-પોતાના બ્રહ્માસ્ત્ર પાછા વાળવા કહ્યું. અર્જુને તો બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું પણ પિતાજીએ એ વિદ્યા મને શીખવી નહોતી એટલે હું બ્રહ્માસ્ત્ર પાછું વાળી ન શક્યો. મનમાં ને મનમાં પિતાજીથી નારાજ થયો અને અર્જુનની ઈર્ષ્યા કરવા લાગ્યો. બરાબર એ જ સમયે મહર્ષિ વ્યાસજીએ મને બ્રહ્માસ્ત્રની દિશા બદલવા કહ્યું.
ઈર્ષ્યાનો અગ્નિ આંખમાં આંજી મેં અર્જુન પૌત્રની હત્યા કરવા અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ એ બ્રહ્માસ્ત્રને મોકલી દીધું. મારા આ કુકર્મથી ગુસ્સે થયેલાં આપે મને શ્રાપ આપતા કહ્યું કે, "તે જે પાપ કર્યા છે તેના માટે તો વિધાતા પણ તને માફ નહીં કરે. તારે તારાં પાપનો દંડ તો ભોગવવો જ પડશે. તને નાગ, રાક્ષસ કે મૃત્યુનો પણ ડર નથી નેં !" એમ કહી મારો જન્મજાત મારી સુંદરતાને શોભાવતો, મારી અંદર ઉર્જા ભરતો અને મને નીડર બનાવતો એ દિવ્ય મસ્તક મણિ મારા ભાલ પરથી શસ્ત્ર વડે અંગભંગ કરી કાઢી લેવાયો.
આપે જ કહ્યું હતું, "તારા મસ્તક મણિની જગ્યાએ એક ઘાવ રહેશે. જે સદૈવ તને દર્દ આપશે"
"હે તપોનિધિ! મારા મણીવિહોણા મસ્તક પરનો આઘાત આજે પણ મને અસહ્ય પીડા આપી રક્તની બૂંદો વહાવી રહ્યો છે. આ અસાધ્ય વેદના મને અતિ વિહ્વળ બનાવી દે છે. પ્રભુ ! આ ઘા પર મેં કેટકેટલી ઔષધીઓનો પ્રયોગ કર્યો પણ કેમેય મને શાતા વળતી નથી. પ્રભુ! મુજ અભાગી પર કૃપા કરી કોઈ માર્ગ બતાવો જેથી હું આ પીડામાંથી મુક્ત થઈ શકું."
"અશ્વત્થામા, તમારાં અંતરમાં પશ્ચાતાપનો સળગી રહેલો અગ્નિ જ તમને પવિત્ર બનાવશે અને તમે કરેલાં અપરાધનું સમાધાન એકમાત્ર પ્રાયશ્ચિત જ છે."
"વાસુદેવ ! હું જાણું છું કે મેં અક્ષમ્ય અને દંડનીય અપરાધ કર્યો છે. મારા આ રક્ત દૂઝતા ઘાવ સાથે લોકોથી તિરસ્કૃત થતો હું નિર્જન પ્રદેશોમાં આમ-તેમ ભટકું છું. મારાથી જાણતાં - અજાણતાં થયેલાં એ પાપની સજા હું પાંચ હજાર વર્ષોથી ભોગવું છું. પ્રભુ એ અપરાધની આટલી લાંબી સજા શું મારી સાથે અન્યાય નથી ?"
"અશ્વત્થામા તમે એક બ્રાહ્મણ થઈને ઈર્ષ્યા અને વૈરભાવની અગ્નિમાં બળતાં વિવેક ભાન ભૂલ્યા. રાત્રીનો અંધકાર ઓઢી નિદ્રાધીન થયેલાં છ વીરોને તમે માર્યા. ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ શસ્ત્ર છોડ્યું. શું આ એક વીરપુરુષ કે બ્રાહ્મણ બેમાંથી એકેયને શોભે એવું કાર્ય હતું ખરું ?"
"પ્રભુ! હું માનું છું કે મેં મહાપાપ કર્યું છે. મારો અપરાધ અક્ષમ્ય છે પણ પ્રભુ એની સજા પણ હું પાંચ હજાર વર્ષોથી ભોગવુ જ છું નેં ! હે પ્રભુ! અત્યારે આજે આ કળિયુગમાં તો કોઈપણ વ્યક્તિ ગમે તેટલાં લોકોની હત્યા કરે, ઠેર ઠેર મૂંગા પશુઓ પર અત્યાચાર કરે, ધનવાન લોકો ગરીબો અને મજૂર વર્ગના લોકો પર અત્યાચાર કરે તો પણ એ રાજનેતા કે ધનવાન હોય અથવા કોઈ વગવાળો વ્યક્તિ હોય તો એને કોઈ સજા નથી થતી; અને જો તે સામાન્ય જન હોય તો પાંચ કે દસ વર્ષની જેલની સજા મળે છે. એ પાંચ દસ વર્ષમાં પણ જો એનું વર્તન જેલમાં રહેતાં લોકો સાથે સારું હોય તો તેની સજા એમાંથી પણ ઓછી થઈને તે ચાર વર્ષ કે સાત વર્ષ વિતતા એ માણસને સજામાંથી મુક્તિ. પરંતુ હું તો પાંચ હજાર વર્ષથી સજા ભોગવી રહ્યો છું અને પ્રભુ આપ કહો છો કે મારા અપરાધનું એકમાત્ર સમાધાન પશ્ચાતાપ જ છે, તો શું મારે કળિયુગના અંત સુધી મઝધારમાં ફસાયેલી નાવની જેમ આ સંસાર સાગરમાં પરાણે ગોથા ખાવાના ?"
"ના, અશ્વથામા ના. તમારે મઝધારમાં ફસાયેલી નાવની જેમ હવે ગોથા ખાવાના નથી. તમે તો કિનારાની બહુ નજીક આવી ગયા છો. તમારાં આ પશ્ચાતાપના આંસુ જ કહે છે કે હવે તમારી સજા પૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો છે. અને તમે કહો છો કે કળિયુગના લોકો પાપ કર્મ કરી બહુ ઓછી સજા ભોગવીને જેલમાંથી છૂટી જાય છે. તો એ અહીંની માનવીય અદાલતમાંથી મળતી સજા ભોગવી એ જેલમાંથી છૂટી જાય છે, પણ તેના એ પાપ કર્મની સજા તો એને એક જન્મમાં નહીં તો બીજાં જન્મમાં પણ ભોગવવી જ પડે છે.
તમે તમને મળેલી સજા પૂરેપૂરી ભોગવી ચુક્યાં છો તેથી તમને જીવન - મરણના ફેરામાંથી મુક્તિ મળશે. જ્યારે આ કળિયુગના જે જીવો પાપ કર્મ કરે છે, પૂરતી સજા નથી ભોગવતા તેમને અહીં સંસાર સાગરની મઝધારમાં ગોથા ખવડાવવા માટે મારે વારંવાર મોકલવા પડે છે."
"પ્રભુ! આજે હું ખરેખર ધન્ય થયો છું. મને ઉગારી લેજો. પ્રભુ ! મને ઉગારી લેજો." બોલતાં બોલતાં અશ્વસ્થામા પ્રભુના ચરણોમાં વંદન કરતાં હતાં ત્યાં જ પ્રભુ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી અંતર્ધ્યાન થઈ ગયાં.
