અણમોલ ભેટ
અણમોલ ભેટ
આંચલ વહેલી સવારમાં ઊઠી તૈયાર થઈ પૂજા પાઠ કરીને બાલ્કનીમાં ઊભી હતી. સૂર્યના કોમળ કિરણ ધરતી પર પડી રહ્યાં હતાં. પંખીઓ કલશોર કરતાં આકાશમાં ઊડાઊડ કરતાં હતાં. રસ્તા પરથી પસાર થતા વાહનોનો શોર બકોર હતો અને અંદર બિલકુલ શાંતિ.
થોડીવાર સુધી આંચલ બહાર રસ્તા પરની હલચલ જોતી રહી. થોડી વારે ઘરની અંદર પ્રવેશી. ઘડિયાળમાં જોયું તો હજી સવા સાત જ થયાં હતાં. તેનાં પતિદેવની જગાડવાને હજું પંદર મિનિટની વાર હોવાથી તેણે ખુરશી પર બેસી ગઈ.
આ શાંતિ છે કે સૂનકાર ? મને તો સૂનકાર જ લાગે છે. બાળકો વગરનું ઘર કેવું વેરાન જંગલ જેવું લાગે. સંતાનો બંને ભણી ગણીને આગળ વધ્યા ને પોતાની કારકિર્દી ઘડવા દૂર જતાં રહ્યા અને ત્યાં ને ત્યાં જ સ્થિર થઈ ગયાં. તેઓ નાના હતા ત્યારે હું જ ઈચ્છતી હતી એ બંને વિદેશ જાય ને ખૂબ પૈસા કમાય.
એમના બાળપણમાં પૈસાની અછતના કારણે એ બંનેના નાના મોટા શોખ, અમુક મોંઘી વસ્તુઓની જરૂરિયાતો પૂરી ન કરી શકતા ત્યારે અમને બંનેને ખૂબ જ દુઃખ થતું ને એમાંય જો આસ - પડોશમાં કે તેમના મિત્રોમાંથી કોઈ જન્મદિવસ ઉજવે તો એ બંનેની એવી જ રીતે ધામધૂમથી જન્મદિવસ ઉજવવાની ઈચ્છા થઈ જતી. ત્યારે હું જ એ બંનેને મંદિરે લઈ જઈ તેમના હાથે દીપમાળા પુરાવતી અને દીવડા પ્રગટાવડાવતી. તેમને સમજાવતી કે જન્મદિવસ ઉજવતી વખતે લોકો ફૂંક મારીને મીણબત્તી ઠારે છે; હકીકતે એ ઠારવાની ન હોય. દીપ પ્રગટાવવાનો હોય. જેમ દીપક બળીને રોશની ફેલાવે છે, તેમ આપણે આપણાં જન્મદિવસે દીપક પ્રગટાવી તેની રોશની સાથે બીજાના જીવનનો દીવડો બનીએ એવી મનોકામના કરવાની હોય ! જાતે સંતાપ વેઠીને બીજાના જીવનમાં અજવાળું પ્રગટાવવાનું હોય.
અવિનાશ ઊઠ્યો અને રૂમની બહાર આવી ને જોયું તો આંચલ ખુરશી પર બેઠી વિચારોમાં ખોવાયેલી હતી. એને પણ તેણીને તેનાં વિચારોની દુનિયામાં જ રહેવા દઈને બ્રશ કરી રસોડામાં જઈને ચા બનાવવા લાગ્યો.
ચા ના બે કપ લાવીને અવિનાશે ટીપોઈ પર મૂક્યા. "આંચલ." તેણીના હાથ પર હાથ મૂકીને બોલાવી.
"હં, ક્યારે ઊઠ્યા તમે ?" તેણીએ સજાગ થતાં પૂછ્યું. આંચલના મનનો વિષાદ સ્વર અને નેત્રોમાં આવ્યો.
"લે, ચા પી."
આંચલે ચાનો કપ હાથમાં લીધો. ચા પીતાં પીતાં અવિનાશની સામે જોઈ લેતી હતી પણ અવિનાશ કંઈ જ બોલ્યાં વગર ચૂપચાપ ચા પીને ન્હાવા માટે બાથરૂમમાં જતો રહ્યો.
અવિનાશે મને જન્મદિવસની શુભકામનાઓ ન પાઠવી. એ ભૂલી ગયા હશે ? કદાચ ન્હાઈને પાઠવશે. ચલ આંચલ ઊભી થા. એ હમણાં જ મંદિરે દીપમાળા પુરવા જવાનું કહેશે. મનને ટપારતી તેણી ખુરશી પરથી ઊભી થઈ. હાથમાં સાવરણી લઈને કચરો કાઢવા લાગી. તેણીએ કચરા કાઢી લીધા ત્યાં અવિનાશ ન્હાઈને બાથરૂમમાંથી નીકળી ભગવાનના રૂમમાં ગયો. એને ભગવાન સામે દીવો પ્રગટાવી હાથ જોડી મસ્તક નમાવ્યું ને તૈયાર થવા લાગ્યો.
આંચલ રસોડામાં ઊભી ઊભી અવિનાશના નાસ્તા માટે ભાખરી બનાવતી હતી પણ તેનું મન તો વિચારોમાં જ ખોવાયેલું હતું. અવિનાશ તૈયાર થઈને રૂમની બહાર આવ્યો કે તરત જ તેને ચા ભાખરી આપ્યા એટલે નાસ્તો કરીને દુકાને જવા નીકળી ગયો.
આચલ ફરી પાછી ઉદાસ થઈ ગઈ ને ખુરશી પર બેસી ગઈ. કંઈ નહીં, એને મારો જન્મ દિવસ યાદ નથી તો શું થયું ? હમણાં જ મારા બંને દીકરા ને બંને વહુનો ફોન આવશે. એમને તો ચોક્કસ મારો જન્મદિવસ યાદ જ હશે ! ઉદાસ મને આજે ઘરનું કામકાજ કરવા લાગી. સવારન
ી બપોર થઈ, બપોરથી સાંજ થઈ. ન તો કોઈનો ફોન આવ્યો કે ન અવિનાશે તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. તેથી ઉદાસ ચહેરે બાલ્કનીમાં જઈને બેસી ગઈ. બહારની હલચલ જોવાં લાગી પણ તેનું મન ક્યાંય લાગતું નહોતું.
સાંજે સાડા છ વાગ્યા એટલે અવિનાશ ઘેર આવ્યો. "ચલ, આંચલ આપણે કેદારેશ્વર મહાદેવ જઈએ."
"ના, મારે નથી આવવું." આંચલે રોષભેર ઉત્તર આપ્યો.
"ચલ ને ! મારો મિત્ર રાહુલ ને તેનો પરિવાર, મનોજ ને તેનો પરિવાર બધાં જાય છે."
"બધાં જાય છે એટલે તમે મને લઈ જાઓ છો. નહીં તો..."
"આપણે બે એકલા ફરી ક્યારેક જઈશું. અત્યારે ચલને !" અવિનાશે આંખો મીચકારી વિનંતીના સૂરમાં કહ્યું.
"હા, હા, ચલો. તમારાં જેવું કોણ થાય ?" કહેતી આંચલ તૈયાર થઈ ગઈ ને બંને કેદારેશ્વર મંદિર જે ગુફાની અંદર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે ત્યાં જવા નીકળ્યાં.
અડધી કલાકે આંચલ અવિનાશ કેદારેશ્વર મંદિર પહોંચ્યા. તેણીએ મંદિરમાં પ્રવેશી જોયું તો અવિનાશના મિત્રો કે તેમનો પરિવાર કોઈ ત્યાં હાજર નહોતાં.
"અહીં તો તમારા કોઈ મિત્રો નથી ?"
" મને ખબર છે કોઈ નથી."
"તમે તો કહ્યું..."
"જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ વ્હાલી." આ સાંભળી આંચલ તો એકદમ હરખાઈ ગઈ.
"અહીં આવ આપણે દીપમાળા પુરીએ ને દીપક પ્રગટાવીએ." અવિનાશે કહ્યું.
તે બંનેએ દીપમાળા પ્રગટાવી લીધી. ત્યાં જ તેમના બંને પુત્રો ને બંને વહુઓનો એકસાથે વિડિયોકોલ આવ્યો. બધાંએ તેણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી ને કહ્યું કે આ એમનો બધાનો સાથે મળીને બનાવેલો પ્લાન હતો.
તેણી ફોન પર વાત કરીને ભાવવિભોર થઈ ગઈ અને તેણીની આંખોમાંથી હર્ષાશ્રુ સરી પડ્યાં. તેણી ભગવાન સામે હાથ જોડી, આંખો બંધ કરી, મનોમન પોતાના પરિવારની મંગલ કામના કરવા લાગી. તેણી દર્શન કરી રહી હતી ત્યાં જ તેણીનાં પગ પર કોઈનો સ્પર્શ થયો હોય એવો ભાસ થયો. તેણીને લાગ્યું બધા જ હવાનું ઝોકું આવ્યું હશે તેથી એવું થયું હશે. ત્યાં ફરી પાછો તેણીનાં પગને કોઈનો સ્પર્શ થયો. બીજી વાર એવું થયું એટલે તેણીએ આંખો ખોલી જોયું તો તેણીનાં પગ પાસે કોઈ નાનું બાળક બેઠું હતું. એ વારંવાર તેણીનાં પગને સ્પર્શ કરતું હતું. આંચલે વાંકી વળી એ બાળકને ઉઠાવી ને કાંખમાં તેડી લીધું. એ બાળકને તેડીને તેણી આસપાસ જોવા લાગી પણ તેણીને કોઈ દેખાયું નહીં.
"અવિનાશ આ બાળક કોનું હશે ? અહીં તો આપણા બે સિવાય કોઈ નથી."
"પંડિતજી ને પૂછ કદાચ એમને ખબર હશે. અવિનાશે કહ્યું. એટલે તેણી પંડિતજી પાસે પહોંચી પણ એ બાળક વિશે પંડિતજીને પણ કંઈ ખબર નહોતી.
તેઓએ મંદિરની બહાર નીકળી જોયું તો ત્યાં પણ કોઈ નહોતું.
"આને આપણે ઘેર લઈ જઈએ ?" આંચલે અવિનાશને પૂછ્યું.
"ઘેર તો લઈ જઈએ પણ કોઈ પોલીસ કેસ કરે તો આપણે ફસાઈ જઈએ. આપણે પોલીસમાં જાણ કરી દઈએ કે આ બાળક અમને મળ્યું છે. કોઈ લેવા આવે તો ઠીક નહીં તો અનાથાશ્રમ..."
"ના હું આને અનાથાશ્રમમાં નહીં મોકલવા દઉં. હું આને પાળી પોષીને મોટી કરીશ. કેવી પરાણે વ્હાલી લાગે એવી છે."
"હા, સારું જેવી તારી મરજી." કહેતા બંને બાળકને લઈને પોલીસ સ્ટેશન જવા લાગ્યાં.
"તમે કહો છો એટલે હું પોલીસ સ્ટેશન જાણ કરવા આવું છું પણ મને તો લાગે છે કે મારા જીવનના સૂનકારને ભરવા ભગવાને આ અનમોલ ભેટ રૂપે મને આપી છે."