કેકનો ટુકડો
કેકનો ટુકડો
"છ વાગ્યા. ક્યાં સુધી એ.સી.માં બેસી રહેશો ? પછી હાડકા જ દુઃખેને !" નીનાએ ખીચડીનું બાઉલ ટીપોઈ પર મૂક્યો. એસી બંધ કરી બારીઓ ખોલી.
"નયનના જન્મદિવસની પાર્ટી રાખી છે. મહેમાન આવશે. તમે બહાર ન આવતા હોં !"
"હા, ભલે બેટા !" કહી બાપુજી એકલતા, ઉદાસી અને અણગમાનો ડૂમો પરાણે ગળા નીચે ઉતારી ગયાં.
બંધ ઓરડામાં બહારથી હસી-મજાકના અવાજની સાથે ધીમો કોલાહલ સંભળાતો'તો.
"હેપી બ'ડે ટુ યુ..." ટેપમાં ગીત વગાડ્યું. કેક કાપી સાથે તાળીઓનો ગડગડાટ અને ચિયર્સનો અવાજ...
દીકરો હમણાં આવશે પોતાને ભાવતી કેક લઈને ! એવી આશાએ દરવાજા પર મીટ મંડાઈ.
થોડીવારે બધો કોલાહલ સમી ગયો. બાપુજી બહાર આવ્યાં. નાઈટલેમ્પના આછા પ્રકાશમાં વેરવિખેર એંઠી ડીશોમાં કેકના ટૂકડા અને નાસ્તા સિવાય કશું નહોતું.
એક ડીશમાં આખો 'કેકનો ટૂકડો' જોઈ નિસ્તેજ આંખો ચમકી, મોઢામાં પાણી આવી ગયું.
અને સાથોસાથ આ જ દીકરાનો પહેલો જન્મદિવસ ઉજવવા સાંજે શેઠને કરગરીને માંડ ઉપાડ મેળવ્યો હતો એ યાદ આવી ગયું.
