ઘરનો મોભ
ઘરનો મોભ
એક બાળકને દુનિયામાં લાવનારી માતા છે પણ દુનિયાના સંઘર્ષો સામે લડીને જીવતાં શીખવનાર જો કોઈ હોય તો એ પિતા છે. દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ એ મુશ્કેલીઓ સામે માથું નમાવી દે છે તે હારી જાય છે અને જે વ્યક્તિ એ મુશ્કેલીનો હિંમતભેર પોતાના આત્મબળ અને આંતરિક સૂઝથી સામનો કરે છે એ ટકી જાય છે.
સુરતમાં બે ઉદ્યોગો મોટાપાયે વિકસ્યા છે. એક કાપડ ઉદ્યોગ અને બીજો હીરા ઉદ્યોગ. હીરા ઉદ્યોગમાં મંદી આવે એટલે તેના કારખાનેદારથી લઈને તેમાં કામ કરતા નાનામાં નાના રત્ન કલાકાર સુધીના વ્યક્તિને એ મંદી ભરડામાં લેતી જ હોય છે. આપણી સૌ જાણીએ છીએ કે હીરા ઉદ્યોગમાં હાલ પણ મંદીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે. ઘણાં રત્ન કલાકારો સુરત છોડીને વતન પરત ફરવા લાગ્યાં છે.
આ વાત છે વર્ષ બે હજાર આઠમાં જ્યારે હીરા ઉદ્યોગમાં મંદી આવી હતી ત્યારની ! ત્યારે પણ અત્યારની જેમ જ રત્ન કલાકારો સુરત છોડી વતન ભણી ભાગ્યાં હતાં. પરંતુ ઘણા રત્ન કલાકાર એ સમસ્યાનો સામનો કરતાં, તેની સામે ઝઝૂમતા રહ્યાં હતાં. તેમાં એક હતાં રેહાનના પિતા મુકેશભાઈ.
રેહાનના પિતા મુકેશભાઈ જે હીરાના કારખાનામાં કામ કરતાં હતાં એ કારખાનું બંધ થઈ જતાં બીજા કારખાનામાં કામે જવા લાગ્યાં હતાં. ત્યાં થોડા દિવસ કામે ગયાં પછી એ કારખાનું પણ બંધ થઈ ગયું. એ દિવસે એમનાં ચહેરા પર નિરાશા ઘેરી વળી હતી.
આજનો રોટલો તો છે, પણ કાલે ? કાલે બાળકો અને પત્નીને શું ખવડાવીશ ? એવાં વિચારોએ તેમના મનમાં ઘેરો ઘાલ્યો હતો. તેમને આખી રાત ઊંઘ આવી નહોતી. બીજાં દિવસે પણ એ સવારમાં વહેલા ઊઠી ગયાં હતાં. તેમની પત્ની લીલા પણ તરત જાગી ગઈ હતી.
"કેમ આટલાં બધાં વહેલાં ઊઠી ગયાં ?" લીલાએ પૂછ્યું હતું.
"નહીં, કંઈ નહીં." મુકેશભાઈ જવાબ આપ્યો હતો.
"કંઈ નથી તો પછી કારખાને તો નવ વાગ્યે જવાનું છે. અત્યારમાં કેમ ઊઠી ગયાં ?" લીલાએ ફરી પાછો એ જ પ્રશ્ન દોહરાવ્યો હતો. પણ મુકેશભાઈએ તેનો કોઈ ઉત્તર આપ્યો નહીં ને તેઓ બ્રશ કરવા ચાલ્યાં ગયાં હતાં. લીલા રસોડામાં ચા બનાવવા ગઈ હતી.
"લીલા, કાવો કરજે."
"દૂધ છે."
"ભલે રહ્યું પણ આજ કાવો પીવાની ઈચ્છા છે." મુકેશભાઈએ આટલું જ કહ્યું પણ લીલા સમજી ગઈ કે એ કારખાનું પણ કદાચ બંધ થઈ ગયું હશે પરંતુ મુકેશભાઈને વધારે સવાલો પૂછીને તેણી મૂંઝવવા નહોતી ઈચ્છતી. તેથી કાવો બનાવીને આપ્યો. મુકેશભાઈ કાવો પીને ન્હાવા ગયાં ને થોડીવારમાં તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયાં.
મુકેશભાઈ ચાલ્યાં જતાં હતાં પણ ક્યાં જવું એ ખબર નહોતી. હાથ પર કોઈ કામ નહોતું. ક્યાંય, કોઈ કામ મળશે કે નહીં; એ પણ ખબર નહોતી. પરંતુ ઘેર પત્ની અને બે બાળકો હતાં જેમનું ભરણપોષણ કરવાની જવાબદારી પોતાના માથે હતી. એટલે મનમાં એક આશા લઈને નીકળી પડ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી ગયાં હતાં. ત્યાંના એક વેપારી પાસે ગયાં ને કામની માંગણી કરી.
યાર્ડના વેપારીએ કહ્યું, "અત્યારે તો કંઈ કામ નથી. બેસ થોડીવાર. કોઈ માલ દેવા આવે તો એના વાહનમાંથી ગુણીઓ ઉતારવાની ને કોઈ લેવા આવે તો એમના વાહનમાં ગુણીઓ ચઢાવવાની. જેટલું કામ થશે એટલું વળતર સાંજે આપીશ."
"સારું." કહીને મુકેશભાઈ ત્યાં બેસી ગયાં સાંજ થતાં માંડ દોઢસો રૂપિયાનું કામ થયું. બીજાં દિવસે પણ દોઢસોનું જ કામ થયું. આમને આમ ચાર પાંચ દિવસ વિત્યા રોજ દોઢસો રૂપિયા જ હાથમાં આવતાં. રોજનાં આટલાં રૂપિયામાં ઘર કેમ ચાલે ? એ કંટાળી ગયાં. એક દિવસ યાર્ડમાં ન જતા બીજી બીજી જગ્યાએ કામ માટે ફાંફાં મારતાં, કામની શોધમાં ભટકતાં હતાં.
તેમનાં નાના પુત્ર અહાનને તાવ આવી ગયો હોવાથી લીલા મુકેશભાઈની રાહ જોતી બેઠી હતી. મુકેશભાઈ ગમગીન ચહેરે ઘેર આવ્યાં. લીલા અને રેહાનના ઉતરી ગયેલાં ચહેરા જોઈને પૂછ્યું, "શું થયું ?" ત્યારે લીલા અહાનની તબિયતની વાત કરી.
મુકેશભાઈએ પાણી પણ ન પીધું ને તરત જ, "લીલા, કાલે મેં તને દોઢસો રૂપિયા આપ્યાં હતાં."
"હા, આ રહ્યા છે નેં મારી પાસે."
"તો એ લઈ લે અને ચાલ દવાખાને." કહેતાં તેઓ રેહાનને પણ સાથે લઈને ચારેય જણાં હોસ્પિટલ ગયાં.
અહાનને તપાસીને ડોક્ટરે તેને દાખલ કરવાનું કહ્યું. મુકેશભાઈ તેને દાખલ કરીને લીલા અને રેહાનને અહાનનું ધ્યાન રાખવાનું કહીને હોસ્પિટલની બહાર ગયાં.
રાત પડવા આવી હતી. ક્યાંય કામની આશા રાખી શકાય એમ નહોતી તેથી તેઓએ પોતાના કાંડા પરની ઘડિયાળ ઉતારીને વેચી દીધી. ટાઈટનની બે હજાર રૂપિયાની ઘડિયાળના માંડ છસો રૂપિયા મળ્યાં. એ લઈને તેઓ હોસ્પિટલ આવ્યાં ને રૂપિયા લીલાને આપ્યાં.
"આ રૂપિયા ક્યાંથી આવ્યા ?"
"એક મિત્ર પાસેથી ઉછીના લાવ્યો છું." મુકેશભાઈ નજરને આડી અવળી ફેરવતાં બોલ્યાં.
"ઉછીના ? કોણ મિત્ર ? કોની પાસેથી લાવ્યા ?"
"લીલા એ બધી ચિંતા તું ન કર ! જે મિત્ર પાસેથી લાવ્યો છું એને હું જલ્દી ચૂકવી દઈશ." કહીને તેઓ બાજુના બાંકડા પર બેસી ગયાં. થોડીવારે રેહાન તેમની પાસે આવ્યો ને તેમનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો, "પપ્પા, તમારી ઘડિયાળ ક્યાં ?"
"એ તો બેટા હું સવારે પહેરતાં જ ભૂલી ગયો છું. ઘેર જ હશે !" મુકેશભાઈ નજરને બીજી તરફ ફેરવી ગયાં.
"ના, તમારે મોઢું ફેરવી જવાની જરૂર નથી. પપ્પા, મને ખબર છે તમારી ઘડિયાળ ઘેર નથી. તમે હમણાં જે રૂપિયા મમ્મીને આપ્યાં એ ઘડિયાળ વેચીને જ લાવ્યાં હતાં નેં !" મુકેશભાઈએ કંઈ જવાબ ન આપ્યો. ને એ છ વર્ષના બાળકની સમજદારી પર ઓળઘોળ થઈ ગયાં. મુકેશભાઈએ રેહાનને ગળે વળગાડી લીધો અને આંખમાંથી મૌન આંસુ સરવા લાગ્યાં.
"પપ્પા, તમે રડો નહીં. હું મોટો થઈને આટલાં બધા રૂપિયા કમાઈ ને તમને..." રેહાન બોલતો હતો ત્યાં જ સામેથી લીલાને આવતી જોઈને એ ચૂપ થઈ ગયો અને લીલા સામે મુકેશભાઈનું ધ્યાન દોર્યું એટલે મુકેશભાઈએ તેમની આંખના આંસુ લૂછી લીધાં. એ રાત બધાએ ત્યાં જ હોસ્પિટલના બાંકડે બેસીને પસાર કરી. બીજાં દિવસની સવારે અહાનને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. તેને લઈને બધાં ઘેર પહોંચ્યાં. પછી મુકેશભાઈ કાવો પી અને કામની શોધમાં નીકળી પડ્યાં.
ચાલતાં ચાલતાં શહેરની બહાર નીકળી ગયાં. ત્યાં એક બિલ્ડીંગનું કામ થતું જોઈ ને એ ત્યાં ગયાં એમણે ત્યાં કામ કરતાં કડિયા પાસે કામની યાચના કરી. ત્યારે એ કડિયો મુકેશભાઈને તેમના બિલ્ડર પાસે લઈ ગયો એ બિલ્ડરે તેને મજૂરનું કામ સોંપ્યું.
થોડાં દિવસ મજૂરી કામ કરતાં રહ્યાં બાદમાં એક દિવસ કડિયો ગેરહાજર હતો, ત્યારે બિલ્ડરે મુકેશભાઈને કડિયાકામ કરવા કહ્યું. મુકેશભાઈએ ખૂબ જ શિદ્દતથી કડિયા કામ કર્યું. મુકેશભાઈના કામને બિલ્ડરે ખૂબ જ વખાણ્યું ને ત્યારબાદ તેને હંમેશ માટે કડિયા તરીકે રાખી લીધાં.
મુકેશભાઈ હિંમત ન હાર્યા કે ન વતન પાછા ફર્યા તો હીરાનું કારખાનું નહીં તો પણ એક સારું કામ મળી ગયું.
ઘરનો મોભ એટલે પિતા. મોભ એકદમ મજબૂત હોવો જોઈએ. ઉનાળે ગરમી શિયાળે ઠંડી અને ચોમાસે વરસાદ કે વાવાઝોડા બધું જ સહન કરતો મોભ પોતાના ઘરનું રક્ષણ કરતો હોય છે. બધાંને સાચવતો હોય છે. બધાંને સાચવતા સાચવતા ક્યારેક પોતે નબળો પડી જાય છે, છતાં તેનું મજબૂત કાષ્ઠ બધું સહન કરી લે છે.
