વ્હાલી બહેન
વ્હાલી બહેન
લદાખમાં માતૃભૂમિની રક્ષા કાજે નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતો વીરપાલ બે ત્રણ દિવસથી રાખડીની રાહ જોતો હતો. તેનાં બધાં મિત્રોની રાખડી આવી ગઈ હતી. રક્ષાબંધનને માત્ર બે જ દિવસની વાર હતી.
ગયાં વર્ષે તો એ રક્ષાબંધન કરવા ઘેર ગયો હતો. એની નાની બહેન ચિન્કી એને ખૂબ જ વ્હાલી હતી. ચિન્કીએ એના કપાળ પર કુમકુમનો ચાંલ્લો કરી, અક્ષત લગાવી એના દુઃખણા લઈને કાંડા પર રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું. પોતે મોટો હતો અને વ્હાલી બહેન નાની હતી તેથી તેણી હકથી રક્ષાબંધનની ભેટ માંગતી અને એ તેણીને ખિજવતો ને પછી જ રક્ષાબંધનની ગિફ્ટ આપતો હતો. પણ આ વર્ષે ચીની સૈન્યએ ઘૂસણખોરી કરીને છમકલા ચાલુ કરી દીધાં હતાં તેથી તેને રજા મળી નહોતી.
"શું થયું વીરપાલ કેમ મોં લટકાવીને બેઠો છો ?" તેના મિત્ર ભરતે આવીને પૂછ્યું.
વિરપાલે કંઈ જવાબ ન આપ્યો પણ ભરત તેની ઉદાસી પાછળનું કારણ સમજી ગયો તેથી તેને કહ્યું, "વીરપાલ રક્ષાબંધન તો પરમ દિવસે છે. હજી આજ અને કાલ બે દિવસ બાકી છે."
"ભરત, મને બહુ ચિંતા થાય છે. ઘેર બધાં મજામાં તો હશે ને ! ક્યારેય મારી રાખડી આટલી મોડી નથી થઈ, મારી વ્હાલી બહેન કુશળ તો હશે ને ?"
"હા, હા, બધું બરાબર હશે. તું નાહકની ચિંતા ન કર." વીરપાલ અને ભરત બંને વાતો કરી રહ્યાં હતાં ત્યાં જ તેમનાં એક મિત્રએ આવીને કહ્યું કે, "ચીની સેનાએ હુમલો કરી દીધો છે." તરત જ એ બંને ઊભા થઈ પોતપોતાની રાઈફલ લઈને દોડ્યાં હતાં.
સામસામા ગોળીબાર ને બોમ્બ બ્લાસ્ટ થયાં બપોરથી લઈને રાત ને બીજા દિવસની સાંજ સુધી યુદ્ધ ચાલ્યું હતું. સામસામા કેટલાં જવાનો ઘાયલ થયાં હતાં. ઘણાં સૈનિકોએ તો શહીદી વ્હોરી હતી. ભરતને પગમાં ગોળી લાગી હતી અને વીરપાલને છાતીમાં !
એ ત્યાં જ બેહોશ થઈને ઢળી પડ્યો. અન્ય સૈનિકો તેને છાવણીમાં લઈ આવ્યાં તરત જ ડોકટરી સારવાર ચાલુ કરવામાં આવી તેની છાતીમાંથી ગોળી કાઢી લેવામાં આવી હતી પણ તેના ઘાવમાંથી લોહી ખૂબ જ વહી રહ્યું હતું. આખી રાત તે બેભાનાવસ્થામાં રહ્યો. ડોક્ટર તેની સારવાર કરતાં હતાં ને તેના મિત્રો પણ ત્યાં હાજર હતાં.
સવારે જ્યારે તે ભાનમાં આવ્યો તેને જોયું તો બધાનાં કાંડા પર રાખડી બાંધેલી હતી ને પોતાનું કાંડુ ખાલી હતું. ઘડી પોતાના કાંડા સામે તો ઘડી મિત્રોના કાંડા સામે નજર કરતો તે ફરી પાછો બેભાન થઈ ગયો. તે બેભાનાવસ્થામાં "ચિન્કી... રાખડી, રાખડી..." આવા ત્રુટક ત્રુટક શબ્દોનું રટણ કરતો હતો. તેનું આ રટણ સાંભળી તેનાં બીજા મિત્રો ભરત પાસે ગયાં ને કહ્યું કે, વીરપાલને તો બેભાનાવસ્થામાં બકવાસ ઉપડી ગયો છે. તરત જ ભરતે લડખડાતા પગે વીરપાલ પાસે આવીને કહ્યું, "વીરપાલ ઊઠ, જો ચિન્કીની રાખડી આવી ગઈ છે."
ભરત દ્વારા કહેવાયેલા શબ્દો બેભાનાવસ્થામાં પણ વીરપાલે સાંભળ્યાં કે તરત જ આંખો ખોલી ને જોયું તો ભરતના હાથમાં કવર હતું અને તેના હાથમાં રાખડી. ભરતે રાખડી વીરપાલના કાંડા પર બાંધી.
"અંદર પત્ર પણ હશે વાંચ નેં. ચિન્કીએ શું લખ્યું છે ?" વીરપાલે કહ્યું.
ભરત કવરમાં હાથ નાખી મિત્રોનાં ચહેરા સામે જોવા લાગ્યો.
"ભરત તું કવર બહાર ખોલતો ખોલતો આવ્યો તો આ પત્ર પડી ગયો હતો." અંદર છાવણીમાં પ્રવેશતા સુનિલે કહ્યું ને ભરતના હાથમાં પત્ર આપ્યો. ભરતે
પત્ર વાંચવાનો ચાલું કર્યો.
"મારા વ્હાલા વીર,
ઘણાં દિવસથી હું આ તહેવારની રાહ જોતી હતી કે રક્ષાબંધન આવશે એટલે તું આવીશ; પરંતુ તું આવી શકે તેમ નથી. તું મારાથી કેટલો દૂર બેઠો છે તેથી આ વખતે હું તને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે મનથી રાખડી બાંધી રહી છું અને આ શુભ દિવસને વધાવી રહી છું.
ભાઈ આ રાખડીના સુતરના કાચા તાંતણામાં મારી લાગણી, મારો પ્રેમ જોડાયેલો છે. કદાચ ગંગા જમનાના નીર સૂકાઈ જાય પરંતુ મારા હૃદયમાં તમારાં પ્રત્યેનાં સ્નેહનું જે ઝરણું વહ્યાં કરે છે એ હંમેશાં વહેતું રહેશે. આજે હું તમારાંથી કેટલી દૂર છું છતાં આ નાની રાખડી પ્રેમથી મોકલું છું તે પ્રેમથી સ્વીકારજો.
વીરા આવું લખતા એક બાજુ દુઃખ થાય છે તો બીજી બાજુ આનંદ પણ થાય છે આજે તમે માતૃભૂમિની અને દેશવાસીઓની રક્ષા કરવા અમારાથી દૂર છો. મારી ઈશ્વરની પ્રાર્થના છે કે પ્રભુ મારા વીરાને એવી શક્તિ આપો કે દુશ્મનોનાં માથા વધેરી શકે."
પત્ર વાંચતા વાંચતા જ ભરતની આંખો ભીની થઈ ગઈ. વીરપાલ અને ત્યાં ઊભેલા બધાં મિત્રો અને ડોક્ટરની આંખોમાંથી પણ અશ્રુધારા વહી રહી હતી.
વીરપાલની નજર ભરતના કાંડા પર ગઈ તેને ભરતને પૂછ્યું, "તારું કાંડું કેમ ખાલી છે ?"
"રાખડીનું કુરિયર ક્યાંક અટવાઈ ગયું હશે !" ભરતે નજર ફેરવી લેતાં જવાબ આપ્યો.
ત્રણ ચાર દિવસ પછી વીરપાલની તબિયત એકદમ સારી થઈ ગઈ એટલે ભરતે કહ્યું, "તારાં ઘેર જઈએ."
"મારા ઘેર ? ચાલને પણ આપણને બંનેને એકસાથે રજા મળશે ?"
"તમે બંને જ નહીં, હું પણ આવીશ." લેફ્ટેનન્ટ કુનાલે દરવાજામાં પ્રવેશ કરતાં કહ્યું.
"સર, આપણે ત્રણેય ?"
"હા, આપણે ત્રણેય. સાથે જશું તારા ઘેર." આ સાંભળી વીરપાલ ઉત્સાહમાં આવી ગયો. ખુશીનાં કારણે તેનો ચહેરો ચમકવા લાગ્યો. બે દિવસ પછી તે હરખાતા હૈયે પોતાના ઘેર જવા તૈયાર થઈને આવ્યો. પણ ભરત અને કુણાલના ચહેરા પર ઉદાસી હતી. વીરપાલને આનંદના અતિરેકમાં એ ધ્યાને ન આવ્યું.
તેઓ ત્રણેય વીરપાલના ગામ પહોંચ્યા. ગામમાં પગ મૂકતાં જ વીરપાલના ચહેરા પર તો ખુશી સમાતી નહોતી. ભરત અને કુનાલના ચહેરે ગમગીની છવાઈ રહી હતી.
તેઓ ત્રણેય ઘેર પહોંચ્યાં. એનાં ઘરનાં આંગણામાં જ સફેદ કપડાં પહેરીને પુરુષો બેઠાં હતાં. સફેદ કપડામાં લોકોને જોઈ તેના હાથમાંથી થેલો સરકીને નીચે પડી ગયો ને તે ભારે હૈયે ઘરમાં પ્રવેશ્યો તો એક ટેબલ પર તેની વ્હાલી બહેનના ફોટા પાસે ધૂપસળી મ્હેંકી રહી હતી.
એ તેના પિતાને ગળે વળગીને નાના બાળકની માફક રડી પડ્યો. "આ બધું કેવી રીતે બની ગયું ? પપ્પા, તમે મને જાણ પણ ન કરી ?" તે રડતાં રડતાં બોલ્યો.
"આજે એકવીસ દિવસ થયાં. ફોન કરવો હતો પણ ત્યાં યુદ્ધનાં બ્યૂગલો વાગી રહ્યાં હતાં." તેનાં પિતાએ કહ્યું.
"તો રાખડી ?"
"રાખડી લેવાં જ જતી હતી ને રસ્તામાં બે ગાયો ઝઘડતી ઝઘડતી સ્કુટી સાથે અથડાણી ને ચિન્કી પડી ગઈ. માથામાં મૂઢમાર લાગ્યો. બેટા, ચિન્કી હંમેશા માટે..." તેનાં પપ્પા પણ રડી પડ્યાં.
વીરપાલ પોતાના કાંડા સામે જોઈને ભરતના ખાલી કાંડા સામે જોવા લાગ્યો. તે સમજી ગયો કે ભરતે પોતાની રાખડી મારા કાંડે બાંધી દીધી.