STORYMIRROR

Shital Chandarana(Dhanesha)

Abstract Tragedy Inspirational

4  

Shital Chandarana(Dhanesha)

Abstract Tragedy Inspirational

વસમો વિયોગ

વસમો વિયોગ

3 mins
439

સ્તુતિ અંદર ને અંદર હિજરાતી હતી. એમાં આ અખાત્રીજનો દિવસ તો એના જીવનમાં હર્ષની અને દર્દની બેવડી સ્મૃતિઓ લઈને આવતો હતો. લગ્ન એ દરેકનાં જીવનમાં ખુશીઓ જ લઈને નથી આવતાં. કોઈકના જીવનની રોમાંચક ઘટના બની જાય છે, તો કોઈકના જીવનની દુર્ઘટના ! 

પોતાનાં જીવનની દુર્ઘટના, પોતાના સ્વજનોનો વિયોગ હૃદયનાં ભોયરામાં ભંડારી, થપ્પડ મારી ગાલ લાલ રાખી, દુનિયા સામે હસતું રહેવાનું. આવું જ હતું સ્તુતિનું જીવન. તેણી બધાં સામે હસતી રહેતી હતી.

 સ્તુતિ તેના માતા પિતાના ચાર સંતાનોમાં સૌથી મોટી હતી. તેણીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું ને તરત જ બાવીસ વર્ષની નાની ઉંમરમાં તેણીનાં લગ્ન નમન સાથે કરાવવામાં આવ્યાં હતાં. નમન ખૂબ જ દેખાવડો, પ્રેમાળ, શાણો અને સમજદાર હતો; તો સ્તુતિ પણ શાંત, ઠરેલ અને ઘરરખ્ખુ છોકરી હતી.

એ બંને બહાર નીકળે તો એમને જોઈને લોકો કહેતા કે, જોડી તો 'મેડ ફોર ઇચ અધર' છે. બંનેને ખૂબ જ ભળતું. ક્યારેય કોઈ વાતે ખટરાગ થયો નહોતો. મધ જેવું મીઠું દાંપત્યજીવન સરળતાથી વીતતું હતું ત્યાં જ કોઈકની નજર લાગી ને કુદરતની કારમી થપાટે તેને વેરણછેરણ કરી નાખ્યું.  

એક દિવસ નમનને લોહીની ઉલટી થઈને તેને હોસ્પિટલ લઈ ગયાં હતાં. ડોક્ટરના કહ્યાં મુજબ અનેક રિપોર્ટ્સ અને બાયોપ્સી કરાવવામાં આવ્યું. તેને ત્રીજા સ્ટેજનું બ્લડ કેન્સર નીકળ્યું હતું. દવા, કીમો થેરાપી, રેડિયો થેરાપી ન જાણે કંઈ કેટલીય થેરાપી કરાવી. સ્તુતિએ ગણપતિ મંદિરે એકવીસ મંગળવાર ખુલ્લા પગે ચાલવાની આકરી ટેક પણ રાખી હતી તો નમનના મમ્મીએ શ્રીનાથજી રાજભોગ કરાવવાની માનતા લીધી હતી. પરંતુ જ્યાં આવરદા જ ટૂંકી હોય ત્યાં માનતા કે બાધા - આખડીથી શું થાય !

સ્તુતિ, તેનાં માતા - પિતા અને તેનાં બે સંતાનો બધાંને છોડીને નમને છ મહિનાની ટૂંકી માંદગી ભોગવીને લાંબી સોડ તાણી લીધી હતી. દીકરો ઘ્રુવ ચાર વર્ષનો અને દીકરી ધૃતિ એક વર્ષની જ હતી જ્યારે નમન પ્રભુચરણ પામ્યો ત્યારે !  

અઠ્ઠાવીસ - ઓગણત્રીસ વર્ષની નાની ઉંમરે સ્તુતિને વૈધવ્ય આવ્યું હતું. તેનાથી નાના ત્રણ ભાઈ બહેનમાં એક ભાઈના લગ્ન થઈ ગયાં હતાં. હજી એક ભાઈ અને બહેનને પરણાવવાના બાકી હતાં. એવામાં સ્તુતિ અને તેના બે બાળકો ! તેથી તેણીના માતા-પિતા અને સાસુ સસરાએ મળી તેણીના બીજીવાર લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો. વડીલોએ સૂચવેલા સમાધાનને સ્તુતિએ પરાણે સ્વીકારવું પડ્યું હતું. દીકરો ઘ્રુવ તેના દાદા - દાદી સાથે રહેતો હતો અને દીકરી ધૃતિ તેનાં નાના - નાની સાથે ! છતાં સંતાને તેણી નિઃસંતાન હતી. એ જ તો શરત હતી અક્ષતના માતા પિતાની ! 

એનાં કાળજાના ટુકડા જ એનાથી દૂર હતાં. આનાથી વસમો વિયોગ બીજો શું હોઈ શકે ? એક મા માટે ! તેણી અંદરથી ભાંગીને ભૂકો થઈ ગઈ હતી.

અક્ષત ખૂબ જ પ્રેમ કરતો હતો. એની પસંદ નાપસંદ દરેક વાતનું ધ્યાન રાખતો હતો. એ ધનવાન હતો એમ જ દેખાવડો પણ હતો. શહેરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન હતું એનું. 'કેવું સરસ સાસરુ મળી ગયું છે બીજીવારે !' લોકો એવું કહેતાં હતાં જ્યારે અક્ષત સાથે બહાર જતી ત્યારે.

આજે અખાત્રીજના દિવસે દસ વર્ષ થયાં તેણીનાં અક્ષત સાથેના લગ્નને અને આગિયાર વર્ષ થયા નમનને આ દુનિયા છોડ્યા નેં ! તેણી અંદરથી લાકડાની જેમ ભડભડ બળતી હતી છતાંય જીવતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract