રવિવાર તમારાં સૌના નામ
રવિવાર તમારાં સૌના નામ
"દીદી, તમે અમને રવિવારે જ મળવા કેમ આવો છો ?"
"દીદી, તમે રોજ આવતા જાઓને!"
"હા દીદી, તમે આવો તો અમને મજા આવે."
નીના અનાથાશ્રમના પ્રાંગણમાં બેઠી હતી અને ત્યાંના બધાં બાળકો તેણીની ફરતે કતારબદ્ધ બેસી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં. આઇસ્ક્રીમ ખાતાં ખાતાં બાળકો તેણીની સાથે વાતો કરી રહ્યાં હતાં.
"ચલો, આઈસ્ક્રીમ ખાઈ લો પછી આપણે ફરવા પણ જવું છે હોં."
"દીદી, કઈ જગ્યાએ?"
"એ સરપ્રાઈઝ છે. ચલો, તમે ઢોળ્યાં વગર આઈસ્ક્રીમ ખાઈ લો પછી જવાનું છે." ત્યાંના સંચાલિકા બહેને કહ્યું.
"દીદી, એક પ્રશ્ન પૂછું?"
"હા પૂછ. બેટા, મને પૂછવામાં તારે મારી પરવાનગી લેવાની જરૂર નથી. પૂછ જે પૂછવું હોય તે બેજીજક પૂછ." નીનાએ કહ્યું.
"દીદી તમે અમને દર રવિવારે જુદી-જુદી જગ્યાએ ફરવા કેમ લઈ જાઓ છો ? બીજા કોઈ ક્યારેય અમને ફરવા નથી લઈ જતાં."
"બસ બેટા, મારા રવિવાર તમારા સૌના નામ."
"દીદી બધાં એમનાં પરિવાર સાથે ફરવા જાય. તમારે પરિવાર નથી ?" એક બાળકે પૂછ્યું. એટલે તરત જ અનાથાશ્રમના સંચાલિકા બહેને કહ્યું, "બેટા એમ ન કહેવાય."
"બેન તમે એને ન ખીજાઓ. એનાં મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. બેટા, મારે બે બાળકો, પતિ, માતા-પિતા અને સાસુ-સસરા બધાં જ છે. અઠવાડિયાના છ દિવસ એ બધાનાં માટે તો; એક દિવસ તો હું તમારા માટે ફાળવી શકું નેં !" કહેતી તેણી પોતાના ભૂતકાળમાં ગરકાવ થઈ ગઈ.
નીના તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી. તેનાં પિતા ટ્રક ડ્રાઇવર હતાં. ઘરની સ્થિતિ પણ બહુ સામાન્ય હતી અને તેના પિતાની નોકરી પણ એવી ! તેથી તેણી દર રવિવારે તો ફરવા ન જઈ શકતી પણ મહિને, બે મહિને એકાદ રવિવારે તેના પિતા ઘેર હોય તો તેણીને સાયકલ પર બેસાડી બાજુના શહેરમાં લઈ જતાં. ત્યાં તેણીને ચકડોળ, ટોરા ટોરા જેવી રાઇડ્સમાં બેસાડતાં અને એકાદી કેન્ડી કે આઈસ્ક્રીમ ખવડાવતા સાથે પાણીપુરી, ભેળ, કે વડાપાઉં એવું પણ કંઈક એ ખાતી. તેણીનાં પિતા તેણીને પચાસ રૂપિયા સુધી ખર્ચ કરવાની છૂટ આપતાં અને નીના પણ બહું સમજદાર હતી તેથી વધારે ખર્ચ પણ ન કરાવતી.
એક વખત નીના તેના પિતા સાથે ફનવર્લ્ડમાં ફરવા ગઈ. ત્યાં દરવાજા પાસે બેસી એક નાની સાત - આઠ વર્ષની છોકરી રમકડાં વેચતી હતી. આ પહેલાં પણ નીના કેટલી વાર અહીં આવી ચૂકી હતી અને એ છોકરી ત્યાં જ બેસી રમકડાં વેચતી હતી પણ નીનાનું ધ્યાન એ દિવસે પ્રથમ વખત જ પડ્યું. તેણીએ એના પપ્પાને પૂછ્યું, "પપ્પા મને તો તમે મહિને, બે મહિને અહીં રાઇડ્સમાં બેસાડવા કે બીજે ફરવા લઈ જાઓ છો; આ તો અહીં બેસી રમકડાં વેચે છે, તો એને રાઇડ્સમાં બેસવાનું કે ફરવા જવાનું મન નહીં થતું હોય?"
"થાય નેં! મન તો એનેય થતું હોય, પણ શું કરે ? બેટા, ગરીબી એટલી હોય કે આવા ખર્ચ કરવા ન પોસાય."
"પપ્પા, કોઈ પૈસાદાર લોકો આમને ફરવા ન લઈ જઈ શકે ?"
"લઈ જઈ શકે નેં. કરવા ધારે તો બધાં બધું જ કરી શકે. પણ બેટા, આજે કોઈને કોઈ માટે કંઈ કરવું નથી ગમતું. બધાં જાત માટે જ જીવે છે."
"હવેથી હું પણ રવિવારે ફરવા નહીં જાઉં. મારા રવિવારે ફરવાના જે પૈસા થાય છે એ હું ભેગા કરીશ."
"એવા બે ચાર મહિનાના ચારસો - પાંચસો રૂપિયાથી કંઈ ન થાય બેટા !"
"જાણું છું પપ્પા. એ તો હું ભેગા કરીને મારા ભણતર પાછળ ખર્ચ કરીશ. પછી ભણીને મોટી ઓફિસર બનીને આ બધાંને ફરવા લઈ જઈશ. હું જાત માટે જ નહીં જીવું. હું બધાને માટે જીવીશ."
"શાબાશ બેટા, જાત માટે તો પશુઓ પણ મહેનત કરે છે. જે અન્ય માટે કંઈક કરે ને એ જ ખરો માણસ છે."
"હું કરીશ પપ્પા, હું કરીશ." ત્યાં જ બસનું હોર્ન વાગ્યું અને નીના વર્તમાનમાં પાછી ફરી.
"ચલો, આઈસ્ક્રીમ ખવાઈ ગયો હોય એ બધાં બાળકો હાથ - મોં ધોઈ પાણી પીને બસમાં ગોઠવાઈ જાઓ. આપણે ફરવા જવું છે નેં ?" નીનાએ પૂછ્યું એટલે હા..." એક જ સૂરમાં બાળકોએ ઉત્તર આપ્યો.
બાળકો બસમાં ગોઠવાઈ ગયા એટલે પાછળ નીના અને અનાથાશ્રમના સંચાલિકા બહેન પણ ચઢ્યા.
