Shital Chandarana(Dhanesha)

Abstract Tragedy Inspirational

4  

Shital Chandarana(Dhanesha)

Abstract Tragedy Inspirational

આઘાત

આઘાત

6 mins
343


સૂર્યના સોનેરી કિરણો ધરતી પર પથરાઈ રહ્યાં હતાં. પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો હતો. ચિંતનભાઈ રોજની જેમ પરોઢિયાનો પ્રાણવાયુ ફેફસામાં ભરતાં લાંબી ફર્લાંગે ચાલતાં હતાં.

ચિંતનભાઈનો સુખનો સૂરજ મધ્યાને તપતો હતો. તેમનાં દાદા વખતની કરિયાણાની દુકાન હતી, એ જ તેઓ સંભાળતાં. સુંદર, સુશીલ અને ધર્મપરાયણ ધર્મપત્ની સુનૈનાબેન અને દીકરો હતો શાશ્વત.

શાશ્વત ભણવા ગણવામાં ખૂબ જ હોંશિયાર. તેને નાનપણથી જ ભણીને મોટાં અધિકારી બનવાનો શોખ. પપ્પાના બિઝનેસમાં તેને કોઈ રૂચિ નહોતી. ચિંતનભાઈએ પણ તેને પોતાની રૂચિ પ્રમાણે આગળ વધવા પૂરતી મોકળાશ આપી હતી. તેને ગ્રેજ્યુએશન પૂર્ણ કરી જી.પી.એસ.સી.ની પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરી. દ્વિતીય વર્ગના અધિકારી તરીકે સુરતમાં નિમણૂક પામ્યો.

 શાશ્વતનો સુરતથી જ્યારે ફોન આવે ત્યારે ચિંતનભાઈ અને સુનૈનાબેનને તેડાવ્યા કરતો. એ વારંવાર કહેતો, "મમ્મી - પપ્પા હવે તમે પણ અહીં આવી જાઓને મને એકલાં એકલાં નથી ગમતું." ચિંતનભાઈ અને સુનૈનાબેન તેનાં આ શબ્દો પાછળની આખી વાતનો મર્મ સમજી ગયાં એટલે તેમણે એક રવિવારે શાશ્વતને ભાવનગર બોલાવ્યો. તેની સાથે જ અભ્યાસ કરતી અને એ પહેલેથી જ જેને પસંદ કરતો હતો એ આરાધ્યા સાથે તેની સગાઈ નક્કી કરીને થોડાં જ સમયમાં લગ્ન પણ કરાવી દીધાં.

આરાધ્યા શાલીન, સંસ્કારી અને ખાનદાન હતી. ચિંતનભાઈ અને સુનૈનાબેનનો ખૂબ જ ખ્યાલ રાખતી. ચિંતનભાઈના જીવનમાં દીકરીની જે ખોટ હતી એ તેણીએ આવીને પૂરી કરી દીધી. થોડો સમય તેમની સાથે રહી ચિંતનભાઈ અને સુનૈનાબેન સુરતથી ભાવનગર આવતાં હતાં, ત્યારે તેણી પોતાની વિદાય સમયે પણ નહોતી રડી એટલી રડવા લાગી. સુનૈનાબેને શાશ્વતની મજાક કરતાં કહ્યું પણ ખરું કે, "હવે તો આરાધ્યા છે એટલે તને એકલું એકલું નહીં લાગે ને !"

લગ્નને બે વર્ષ પછી આરાધ્યાએ એક પુત્ર તન્મયને જન્મ આપ્યો. તન્મય ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એ તેની કાલી કાલી ભાષામાં દાદા દાદી સાથે ફોન પર વાતો કરતો ત્યારે ચિંતનભાઈ અને સુનૈનાબેન ખૂબ જ આનંદિત અને ભાવવિભોર થઈ જતાં. ચિંતનભાઈએ તો સુનૈનાબેનને કહ્યું પણ ખરું કે, "બહું કરી લીધો બિઝનેસ; હવે તો એમ થાય છે કે દીકરા વહું સાથે રહીને પૌત્રને રમાડુ."

"સારું, હું તો એવું જ ઈચ્છું છું. પણ તમે અહીં રહો તો મારે રહેવું પડે અને કામ પણ કરવું પડે. ત્યાં તો મનેય વહુનાં હાથનું તૈયાર જમવાનું મળશે."

"તું હજી શાશ્વત કે આરાધ્યાને આ વાત નહીં કરતી. એમ તાત્કાલિક નહીં જવાય બારેક મહિના જેવો સમય લાગી જશે ઉઘરાણી પથરાયેલી છે. એ આવી જાય એટલે બધો બિઝનેસ સંપેટીને જ જાય એટલે અહીંની ચિંતા નહીં."

ચિંતનભાઈએ ભાવનગર છોડી સુરત જતાં રહેવાનો નિર્ણય કર્યો તેમાં સુનૈનાબેને સંમતિ આપી દીધી એટલે ચિંતનભાઈએ ધીમે ધીમે દુકાનમાં માલ મંગાવવાનો બંધ કર્યો. જુના ગ્રાહકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યાં. અંદરને અંદર સુરત જવા માટે હરખાતા એ પ્રૌઢ દંપતિ રોજ સાંજ પડે એટલે બજારમાં જઈને તન્મય માટે રમકડાં, કપડાં શાશ્વત માટે કંઈ ને કંઈ વસ્તુઓ તો વળી તેમની લાડકી આરાધ્યા માટે ડ્રેસ અને ટોપ એવી ઘણી બધી વસ્તુઓ ખરીદી થેલા ભરીને પેક કરવા માંડ્યા.

લગભગ રોજ સાંજ પડેને આરાધ્યા તન્મયને દાદા - દાદી સાથે વાત કરાવવા માટે ફોન કરતી. ચિંતનભાઈ અને સુનૈનાબેન સાથે કલાક કલાક વાતો કરતી. એજ આરાધ્યાએ હમણાં તો ઘણાં દિવસથી ફોન કર્યો નહોતો પણ આ દંપતિને હંમેશા માટે સુરત જવાની ખુશીમાં તથા દીકરા, વહું અને પૌત્ર માટે ખરીદી કરવામાંથી ફુરસદ જ નહોતી મળતી કે તેઓ સામેથી ફોન કરે.

ઘણાં દિવસ પછી આરાધ્યાનો ફોન આવ્યો. ચિંતનભાઈએ ફોન રિસિવ કરતાં કહ્યું, "હેલ્લો." 

સામે છેડેથી છાતી ફાડી નાખે એવું આરાધ્યાનું રુદન સંભળાયું, "પપ્પા.. પપ્પા" કહીને તેણી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. 

આરાધ્યાનું આક્રંદ ભર્યું રુદન સાંભળી ચિંતનભાઈને મનમાં ધ્રાસકો પડ્યો. એમને તો કેટલાંય અમંગળ વિચારો આવવા લાગ્યાં અને તેઓએ પૂછ્યું, "શું થયું બેટા ? તું, શાશ્વત અને તન્મય તમે ઠીક તો છો નેં ?" આ શબ્દો સાંભળતા જ આરાધ્યાનુ રુદન વધી ગયું. તેણી બોલી, "શાશ્વત, શાશ્વત."

"શું થયું બેટા શાશ્વતને ? ચિંતનભાઈએ પૂછ્યું.

"શાશ્વત, શાશ્વત." આરાધ્યા બોલતી હતી. 

 "શું થયું મારા શાશ્વતને ?" ચિંતનભાઈનાં હાથમાંથી ફોન લઈને સુનૈનાબેને પૂછ્યું.

"શાશ્વત તેની સાથે નોકરી કરતી એક છોકરી સાથે ભાગી ગયો છે."

"હેં ?" સુનૈનાબેનનો અવાજ તરડાઈ ગયો. એક તરફ ફોનમાં આરાધ્યાના રડવાનો અવાજ આવતો હતો અને બીજી તરફ અહીં ઘરના દરવાજે આરાધ્યાના મમ્મી - પપ્પા અને તેનો ભાઈ આવીને ઊભા હતાં. એ લોકોને જોતા જ સુનૈનાબેન પોતાની જાતને સંભાળીને સ્વસ્થ થતાં બોલ્યાં, "બેટા, તું ચિંતા ન કર. તારાં અને તન્મયના કપડાં પેક કરીને રાખ. અમે બન્ને આવીએ છીએ તમને લેવા માટે."

સુનૈનાબેનના શબ્દો સાંભળી આરાધ્યાના પપ્પાનો ગુસ્સામાં લાલચોળ થયેલો ચહેરો સફેદ રૂની પુણી જેવો થઈ ગયો. ફોનમાં વાત પૂરી કરી સુનૈનાબેને આરાધ્યાના માતા પિતાને કહ્યું, "તમે ચિંતા ન કરો. આજથી આરાધ્યા મારી દીકરી છે."

ચિંતનભાઈ અને સુનૈનાબેન ચોધાર આંસુએ રડતાં હતાં. આરાધ્યા અને તન્મય ત્યાં ડૂસકાં ભરતાં હતાં.

 માતા - પિતા, પત્ની અને બાળકને છેહ આપીને ભાગી જનાર શાશ્વત ન જાણે ક્યાં હશે ? કઈ દુનિયામાં હશે ? એ તેના માતા-પિતા કે તેની પત્ની કોઈને ખબર નહોતી.

ચિંતનભાઈ અને સુનૈનાબેન સુરત પહોંચ્યાં ત્યારે આરાધ્યા પોતાના અને તન્મયના કપડાં ભરીને ભાવનગર આવવા તૈયાર જ હતી. તેઓ તરત જ એ ઘરબાર બધું છોડી ભાવનગર આવી ગયા.

સુનૈનાબેન આરાધ્યાને દીકરીની જેમ રાખતાં હતાં. તેણીને કોઈ દિવસ સૂતી ઉઠાડતા નહીં. પોતાના અંધકારમય ભવિષ્યથી બેખબર સુનૈનાબેન અને ચિંતનભાઈ પોતાના વાત્સલ્યની હૂંફ આરાધ્યા અને તન્મય પર ઉડેલતા હતાં. આરાધ્યા અને તન્મયના અહીં આવ્યાં બાદ તેણીના માતા-પિતા અને ભાઈની અવરજવર ચિંતનભાઈના ઘરમાં વધી ગઈ હતી.

ચિંતનભાઈએ તો ફરી બિઝનેસમાં મન પરોવ્યું પણ જુવાન જોધ દીકરો પ્રૌઢાવસ્થાએ પહોંચેલા માતા-પિતા, પત્ની અને પુત્રને છોડીને જાય તો કયા પિતાને દુઃખ ન થાય ? તેઓ અંદરને અંદર ઘણા દુઃખી રહેતાં હતાં.

સુનૈનાબેન આરાધ્યાને આશ્વાસન આપતાં રહેતાં પણ પુત્રના આવા દુષ્કૃત્યથી તેમને ઘણો આઘાત લાગ્યો હતો. તેઓ બહારથી સ્વસ્થ દેખાતાં હતાં પણ ભીતરથી સાવ તૂટીને ભૂકો થઈ ગયાં હતાં. તેમનું મજબૂત મનોબળ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ હવે તૂટી ગઈ હતી. ધીમે ધીમે સુનૈનાબેનનું શરીર ક્ષીણ થવા લાગ્યું હતું. એક દિવસ તેઓને લોહીની ઉલટી થઈ અને તેઓ હંમેશા માટે ચિંતનભાઈ, આરાધ્યા અને તન્મયને છોડીને ચાલ્યાં ગયાં.

પરંતુ હજી ચિંતનભાઈની મુશ્કેલીઓનો અંત નહોતો આવ્યો. સુનૈનાબેનના દેહને ચેહ આપવા તેમનો પુત્ર શાશ્વત આવ્યો. ચિંતનભાઈએ તેને સુનૈનાબેનનું મોઢું પણ ન જોવા દીધું અને, "તું મારો પુત્ર નથી. તારે ને મારે કોઈ સંબંધ નથી." કહી તેની સાથેના બધાં સંબંધો કાપી તેને ધુત્કારીને કાઢી મૂક્યો.

સુનૈનાબેનના દેહાંત બાદ ચિંતનભાઈનું ચિત્ત ક્યાંય ચોંટતું નહોતું પણ તન્મય અને આરાધ્યા સાથે તેઓ સ્વસ્થ હોવાનો દેખાવ કરતાં. પુત્ર બધાંને છોડી ગયો એ આઘાત તો તેઓ જીરવી ગયાં પણ સુનૈનાબેનના જવાનો તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમને વિસ્મૃતિ થઈ ગઈ હતી. તેઓ દરેક વાત ભૂલી જવા લાગ્યા હતાં.  

દુકાનમાં કોઈ ગ્રાહકનો હિસાબ ભૂલી જતાં તો ક્યારેક કોઈ ગ્રાહક પાસે બે વાર પૈસા માંગી લેતાં; ક્યારેક બપોરનાં ઘેર જમવા આવતાં. બપોરના જમીને સૂઈ જતાં તો સીધા બીજા દિવસે સવારે જ ઊઠી દુકાને જતાં, ક્યારેક તો બપોરના જમવા આવવાનું પણ ભૂલી જતાં.

શાશ્વતના ચાલ્યાં ગયાં બાદ જ આરાધ્યાના માતા - પિતા તેણીને પોતાના ઘેર લઈ જવાં પ્રયત્ન કરતાં હતાં પણ તેણી સુનૈનાબેનના પ્રેમ અને લાગણીને વશ થઈને નહોતી ગઈ. પરંતુ સુનૈનાબેનના દેહાંત બાદ આરાધ્યા તેની મમ્મીના આગ્રહને વશ થઈ ગઈ અને હંમેશા માટે ચિંતનભાઈનું ઘર છોડી તન્મયને લઈ પોતાને પિયર ચાલી ગઈ. ચિંતનભાઈ સાથે તેણીએ સંબંધ કાપી નાંખ્યો.

ચિંતનભાઈએ આરાધ્યા માટે જ સુનૈનાબેનના દેહાંત બાદ તેમનું મરણ મોઢું જોવા આવેલાં એકનાં એક દીકરા શાશ્વત સાથે પણ સંબંધ કાપી નાંખ્યો હતો અને હવે એજ આરાધ્યાએ તેમની સાથે સંબંધ કાપી નાંખ્યો. આ આઘાત ના જીરવાતા ચિંતનભાઈ રહી સહી માનસિકતા પણ ગુમાવી બેઠાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract