દત્તક માવતર
દત્તક માવતર
"ઊં.... ઉહું ઊહું... મમ્મી..." કરતો એક ત્રણેક વર્ષનો બાળક લસરપટ્ટી પરથી લસરતા પડી ગયો અને રડવા લાગ્યો.
"અરે ! અરે ! કંઈ નથી થયું. જો તું તો બહાદુર દીકરો છે ને ઊભો થઈ જા." બગીચામાં ચાલતાં એક પ્રૌઢ વ્યક્તિએ એ બાળકને ઊભો કરી તેના કપડાં પર લાગેલી ધૂળ ખંખેરતા કહ્યું.
"અરે ! અંશુ રડ નહીં બેટા મમ્મી અહીં જ છે." અંશુને બથમાં ભરતા દેવાંશીએ કહ્યું અને એ પ્રૌઢ સામે જોઈને બે હાથ જોડીને બોલી, "થેન્ક્યુ અંકલ."
"યોર વેલકમ બેટા. આજ પહેલા તમને અહીં જોયા નથી, ક્યાં રહો છો ?" એ પ્રૌઢ અંકલે દેવાંશીને પૂછ્યું.
"એ ક્યાં રહી ગયાં ? કોની સાથે વાતો એ વળગી ગયાં ?"
"અરે ભાગ્યવાન આવું છું. આ અંશુ પડી..." એ પ્રૌઢ બોલતાં હતાં ત્યાં સામેથી ચાલ્યાં આવતાં એ પ્રૌઢા અંશુ, દેવાંશી અને એ પ્રૌઢ ઊભા હતાં ત્યાં આવી પહોંચ્યા.
દેવાંશીએ પોતાની ઓળખાણ આપી તેના પતિ બેંકમાં નોકરી કરે છે. થોડાં દિવસ પહેલાં જ અહીં તેમની બદલી થતાં એ લોકો આ શહેરમાં રહેવા આવ્યાં. એ બધી વાત જણાવી.
એ પ્રૌઢ વ્યક્તિએ પોતાનું નામ મુકુન્દરાય અને તેમની પત્નીનું નામ નિર્મળાદેવી કહ્યું. એ લોકો બગીચાની પાછળની જ 'શુભમનગર' સોસાયટીમાં રહે છે. એવું પણ કહ્યું અને એ લોકો છૂટા પડ્યાં.
બીજા દિવસે દેવાંશી અંશુને લઈને બગીચામાં રમાડવા આવી ત્યારે મુકુન્દરાય અને નિર્મળાદેવી તેમના નિત્યક્રમ મુજબ બગીચામાં ચાલતાં હતાં. ચાલતાં ચાલતાં થાકી ગયા એટલે નિર્મળાદેવી એક બાંકડા પર બેસી ગયાં. મુકુન્દરાય જ્યાં અંશુ દેવાંશી સાથે બોલથી રમતો હતો ત્યાં જઈ તેની સાથે રમવા લાગ્યાં.
થોડીવારે દેવાંશી નિર્મળાદેવી પાસે જઈને બેસી ગઈ. તેમની સાથે અલક મલકની વાતો કરવા લાગી. તેમની વાતો સાંભળી કોઈને લાગે જ નહીં કે એ બંનેને આગલા દિવસે જ ઓળખાણ થઈ હોય ! એવું લાગે કે બંને વર્ષોથી એકબીજાને ઓળખતા હશે.
ત્યારબાદ આ જ તેમનું રૂટિન બની ગયું મુકુન્દરાય અને અંશુ રમતા અને દેવાંશી નિર્મળાદેવી સાથે બેસી વાતો કરતી. નિર્મળા દેવીને સંતાનોમાં એક પુત્ર જ માત્ર હતો તેમની દિવાનસિંહ પ્રતિ દીકરી જેવી લાગણી થતી હતી અને મા વિહોણી દેવાંશીને પણ નિર્મળાદેવીમાં માતાની છબી દેખાતી. નિર્મળાદેવી બોલે તો પણ તેમની ભાષામાંથી વાત્સલ્યનું ઝરણું વહેતું રહેતું.
દેવાંશી પણ ખૂબ જ માયાળુ હતી. તેણીએ વાત વાતમાં નિર્મળાદેવી પાસેથી જાણી લીધું હતું કે તેમનો પુત્ર, પુત્રવધુ અને તેના સંતાનો સાથે આ શહેરથી બહાર રહે છે. તેથી તેણી જ્યારે બપોરના ભોજનમાં કંઈક મીઠાઈ કે કોઈ બીજી નવીન વાનગી બનાવતી ત્યારે એ દંપતિ માટે ચોક્કસ લઈ આવતી.
ધીમે ધીમે દેવાંશીને એ દંપતિ સાથે એવો ઘરોબો બંધાઈ ગયો કે તેણી રાત્રિના ભોજનમાં કંઈ નવીન વાનગી બનાવવાની હોય તો એ નિર્મળાદેવીને સાંજના બગીચામાં મળે ત્યારે જ રાત્રિની રસોઈ બનાવવાની મનાઈ કરી દેતી અને પોતે ઘેર વહેલી જઈ રસોઈ બનાવીને તેમનાં ઘેર આપી આવતી.
એક દિવસ નિર્મળાદેવી અને મુકુંદરાય ખૂબ જ ખુશ હતા. દેવાંશીએ ખુશીનું કારણ પૂછ્યું તો નિર્મળાદેવીએ કહ્યું કે, "કાલે મારો દીકરો, વહુ અને પૌત્રો આવવાના છે. દેવાંશી તને ખબર છે મારો દીકરો વર્ષો પછી આવી રહ્યો છે."
"વર્ષો પછી ?"
"હા, બેટા એકાદ વર્ષથી વધારે થઈ ગયું પણ અમારે માવતરને મન તો દીકરો થોડાં સમયે ન આવે તો એ વર્ષો પછી જ કહેવાય ને !"
"હા, એ સાચી વાત."
"અંશું તું ઘેર રમવા આવજે. મારા બંને પૌત્રો સાથે. દેવાંશી લઈ આવજે હોં બેટા !" અંશુને તેડી ગાલ પર ચૂમી ભરતાં મુકુંદરાયે કહ્યું.
અંશુ અને દેવાંશી રોજ બગીચામાં આવી રમતાં. એવામાં એક દિવસ અંશુએ કહ્યું, "ચલો ને મમ્મી આપણે પેલાં દાદાના ઘેર જઈએ. મારે તેમની સાથે રમવું છે. તેઓ ઘણા દિવસથી અહીં આવતા નથી."
"બેટા, એમના ઘેર એમના પૌત્રો આવ્યાં છે. એ દાદાને એમની સાથે રમવા દેવાય ને !"
"ના, મમ્મી ચાલો ને."
"બેટા એમના પૌત્રો થોડા દિવસ પછી જતાં રહેશે એટલે એ દાદા અહીં આવશે. ત્યારે તું એમની સાથે રમજે. અત્યારે મમ્મી રમે છે નેં !"
આમ દેવાંશીએ અંશુને સમજાવી દીધો પણ તેના મનમાં ઘણા સવાલો ઉઠ્યાં.
આઠ દસ દિવસના બદલે હવે તો મહિનો પસાર થઈ ગયો પરંતુ નિર્મળાદેવી કે મુકુન્દરાય બગીચામાં આવ્યા નહીં એટલે દેવાંશીએ તેના પતિને વાત કરી.
દેવાંશીના પતિ નિહાલને તેમનો બહુ અનુભવ નહોતો પણ એક રવિવારે અંશુ જિદ્દ કરી તેને પણ બગીચે લાવ્યો હતો. ત્યારે એ પ્રૌઢ દંપતિને મળ્યો હતો અને અંશુના મુખેથી રોજ મુકુંદરાય અંકલની વાતો સાંભળતો હતો.
"ક્યારેક દાદા મારી સાથે બોલથી રમતાં હતાં. ક્યારેક દાદાએ મને હીંચકા ખવડાવ્યા, તો ક્યારેક કહે કે દાદાએ મને તેમના ખભે બેસાડી ખંધોલો કર્યો." આવી તો અંશુએ અનેક વાતો કરી હતી. જે હાલ નિહાલ વાગોળવા લાગ્યો.
નિહાલ અને દેવાંશી અંશુ સાથે તેમના ઘેર ગયાં. દેવાંશીએ ડોરબેલ વગાડી થોડીવારે કોઈ યુવતીએ દરવાજો ખોલ્યો.
એ યુવતીને જોતા જ દેવાંશીએ પૂછ્યું, "નિર્મળા આંટી ?"
"નહીં."
"મુકુંદરાય અં...." દેવાંશી બોલતી હતી ત્યાં જ પેલી યુવતીએ તેને અટકાવતા કહ્યું, "સોરી તમે ખોટાં એડ્રેસ પર આવી ગયા છો. આ તો રૂપેન ઠક્કરનું ઘર છે." નેમપ્લેટ તરફ અંગુલિનિર્દેશ કરતાં તેણી બોલી.
દેવાંશી આગળ કંઈ પૂછવા જાય ત્યાર પહેલાં જ તેણીએ દરવાજો બંધ કરી દીધો.
" દેવાંશી તને પાકી ખબર છે કે આજ એમનું ઘર છે ?"
"અરે ! હા યાર હું કેટલી વાર અહીં આવી ચૂકી છું."
ફ્લેટની બહાર ઊભા ઊભા એ પતિ પત્ની વાતો કરી રહ્યાં હતાં. ત્યાં જ સામેના ફ્લેટમાંથી એક પચાસેક વર્ષના આન્ટી બહાર આવ્યાં. બંનેને નિર્મળાદેવી અને મુકુન્દરાય વિશે ચર્ચા કરતા સાંભળી પોતાના ઘરમાં લઈ ગયાં. તેમણે એ બંનેને બેસાડી નિર્મળાદેવી અને મુકુન્દરાય વિશે વાત કરતા જણાવ્યું કે, મુકુન્દરાય કોઈ દુકાનમાં મહેતાજી તરીકે નામું કરતાં હતાં તેમણે પાઈ-પાઈ કરીને પૈસા ભેગા કરી દીકરાને ભણાવ્યો.
તેને ભણીને શહેરમાં બિઝનેસ ચાલુ કરવા માટે મુકુંદરાય પાસે પૈસા માંગ્યા ત્યારે મુકુન્દરાય પાસે પૈસા નહોતા. તેમણે ખૂબ સમજાવ્યું છતાં તે માન્યો નહીં ત્યારે નિર્મળા દેવીએ પોતાના ઘરેણાં આપી દીધા. એ વેચીને તેના પૈસા લઈને તે શહેર ચાલ્યો ગયો. ત્યાં તેણે બિઝનેસ ચાલુ કર્યો. બિઝનેસમાં તેને ફાવટ આવી ગઈ અને ધીમે ધીમે તેનો બિઝનેસ જામી પણ ગયો. ત્યાંના જ એક મોટા બિઝનેસમેનની દીકરી સાથે તેને લગ્ન કર્યા પછી તો અહીં આવવાનું ધીમે ધીમે તેનું ઓછું થઈ ગયું.
ચારેક વર્ષ પહેલાં મુકુન્દરની તબિયત બગડી જતાં તેમણે નામા કરવાના બંધ કર્યા ત્યારે તેમનાં સગા સંબંધીઓએ તેને મુકંદરાય અને નિર્મળાદેવીને પોતાની સાથે લઈ જવા કહ્યું ત્યારે તેને મકાન નાનું છે એવું બહાનું બનાવી દીધું હતું.
ત્યારબાદ તે હમણાં એક મહિના પહેલાં જ આવ્યો હતો."
"તો હવે સાથે લઈ ગયો એમનો પુત્ર ?" દેવાંશીથી ઉતાવળમાં પૂછાઈ ગયું.
"ના રે ના." એ પ્રૌઢાથી મણ એકનો નિસાસો નંખાઈ ગયો અને વાત આગળ વધારતા તેમને કહ્યું કે, "હમણાં બે મહિના પહેલાં બિઝનેસમાં બહુ નુકસાની ગઈ એટલે આ ફ્લેટ વેચવા આવ્યો હતો. માવતરને લેવા નહોતો આવ્યો."
"તો શું અંકલ આંટીએ ફ્લેટ વેચી દીધો ?"
"હા, માવતર છે નેં ! એમનાથી દીકરાનું દુઃખ જોવાયું નહીં."
"એ લોકો ક્યાં ગયા ?" દેવાંશીને તેમનાં દીકરા વિશે જાણવામાં કોઈ રસ ન હોય એમ તે ઉતાવળે બીજો પ્રશ્ન પૂછી બેઠી.
"એ લોકોને દુધેજના વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો હતો."
"જવાનો હતો એટલે ? તે ત્યાં જ મૂકી આવ્યો કે ક્યાંક બીજે ? એ તમને..."
"એ મને નથી ખબર. જેટલી જાણકારી હતી એ મેં તમને કહી."
દેવાંશી નિરાશ વદને અને ભારે ડગલે તેમનાં ઘરમાંથી બહાર નીકળી.
"કોઈ આવું કેમ કરી શકે ? પોતાના જ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં કેમ ? નિહાલ કેમ ?" દેવાંશી ભાવુક થતા નિહાલનો હાથ પકડીને બોલી. સાથે જ તેની આંખમાંથી અશ્રુધારા વહેતી થઈ ગઈ.
"હોય ! દેવાંશી, ઘણાં એવા પણ હોય છે અને ભગવાન પણ કેવો છે જો ! જેને માવતરની કદર નથી એવાને માવતર આપે છે અને આપણાં જેવાના માથેથી જન્મતાની સાથે જ માતા પિતાની છત્રછાયા છીનવીને અનાથ બનાવી દે છે."
"એક કામ થઈ શકે." પોતાની આંખના આંસુ લૂછતાં દેવાંશીએ કહ્યું.
"શું ?" નિહાલે પણ એટલા જ ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્યો.
"અંકલ આંટીને આપણી સાથે રહેવા લઈ આવીએ તો ?"
"એમ એમના દીકરાને પૂછ્યા વગર આપણી સાથે રહેવા ?"
"હા, કેમ નહીં ? એને તો પોતાની સાથે રાખવા જ નથી; તો આપણે એમને લીગલી જેમ બાળક દત્તક લઈએ એમ માવતરને દત્તક લઈએ તો ?"
"વાહ ! દેવાંશી, વાહ ! આ વાત તો તે સોળ આની સત્ય કહી. દતક માવતર તરીકે એમને લેવાથી આપણને માવતર મળી જશે અને એમને પરિવાર. આપણા અંશુને દાદા દાદીનો પ્રેમ પણ મળશે.
બીજા જ દિવસે નિહાલે એક વકીલની ઓફિસે જઈ તેમને મળીને તેમની પાસે લીગલ ડોક્યુમેન્ટ તૈયાર કરાવડાવ્યા. ત્યારબાદ દેવાંશી, નિહાલ, અંશુ અને વકીલ બધાં સાથે દૂધેજ ગયાં ત્યાં મુકુન્દરાય અને નિર્મળાદેવી વિશે પૂછપરછ કરી તેમને માવતર તરીકે દત્તક લેવાની બધી વાત કરી. તેમના ડોક્યુમેન્ટસ પણ ત્યાં તેમના સંચાલકને બતાવ્યાં. સંચાલકે તેમના પુત્ર સાથે વાત કરી મુકુન્દરાય અને નિર્મળા દેવીને નિહાલ અને દેવાંશીના માવતર તરીકે તેમની સાથે આવવા પરવાનગી આપી.
