STORYMIRROR

Shital Chandarana(Dhanesha)

Abstract Tragedy Inspirational

4  

Shital Chandarana(Dhanesha)

Abstract Tragedy Inspirational

જીવનની ઘટમાળ

જીવનની ઘટમાળ

13 mins
351

આકાશમાંના વાદળોની છાતી ચીરીને નીકળતો સૂર્ય ધરતી પર પોતાની રક્તિમ લાલિમા રેલાવા લાગ્યો. પક્ષીઓના મીઠાં કલરવથી ઉષા થનગનવા લાગી. પતરાંની ઝૂંપડીની તિરાડમાંથી આવતો સૂર્યપ્રકાશનો શેરડો જીવાના મોઢા પર પડ્યો ને જીવાની આંખ ખુલીને એ સફાળો બેઠો થઈ ગયો. ઘડિયાળમાં જોયું તો સાડા છ થઈ ચૂક્યાં હતાં. "હાય, હાય, આજ તો મોડું થઈ ગયું ને કાંઈ ?!" ઊભો થતાં એ બોલ્યો ને નાનકડો નિઃસાસો નાખતો એ ઝૂંપડીનું બારણું ખોલવા ગયો. ત્યાં જ પાછળથી કંકુમાનો અવાજ સંભળાયો, "બેટા, જીવા તું દાતણ કરી નાહી લે. હું તારાં માટે શિરામણ બનાવી દઉં."

 "બા તમે નાહક તકલીફ ન લો. મારે શિરામણની જરૂર નથી. આજ ઊઠતાં જ મોડું થઈ ગયું છે, ઉતાવળે કામે જવું છે."

 "જાજે, ભાઈ કામ તો આખી જિંદગી કરવાનું જ છે ને ! તું કંઈક ખાઈને જા તો મારા જીવને નિરાંત."

 "બા, તમારી તબિયત ઠીક નથી. તમે મારી ફિકર ના કરો હું મારી જાતે ચા બનાવીને રાતનો રોટલો પડ્યો હશે તો શિરાવી લઈશ. તમે સૂઈ જાઓ." 

 "ભાઈ, તબિયત તો તારીય ક્યાં ઠીક છે ? તોય તું ઊઠી ગયો ને !"

"તું નહીં માને મા !" કહેતો જીવો બહાર ગયો.

 જીવો આમ તો કંકુમાને બા તમે જ કહેતો, પણ ક્યારેક લાડમાં તું કારો દઈ દેતો હતો.

 જીવાએ સિમેન્ટની ટાંકીમાંથી પાણીનો કળશ્યો ભરી દાતણ કર્યું અને ઝૂંપડીની પાછળ તેલનાં ડબ્બાના પતરાંમાંથી બનાવાયેલાં બાથરૂમમાં ન્હાવા ગયો. એ ફટાફટ ન્હાઈને આવ્યો ત્યાં કંકુમાએ ગરમ ચા અને રાતના ટાઢા મકાઈના રોટલાનું શિરામણ તેને આપ્યું.

 "બા તમે સૂતા નહીં ?" શિરામણ કરતાં કરતાં જીવાએ કંકુમાને પૂછ્યું. ચા રોટલાનું શિરામણ કરી ઊભો થઈને જીવો અંદર ગમચો લેવાં ગયો ત્યાં તેની દીકરી હેમા જાગી ગઈ. એ ખાટલામાં બેઠી થતી જીવાને ઓરડાની બહાર નીકળતા જોઈ એ દોડીને પાછળ આવી ને બોલી, "બાપુ, મારા માટે રંગોળીના રંગ અને ફટાકડાં લેતાં આવજો." 

"હા, બેટા લેતો આવીશ." કહેતો જીવો હાથ લારી લઈને કામે નીકળી ગયો.

જીવો આમ તો ખૂબ જ આશાવાદી હતો પણ આજે ઊઠવામાં મોડું થઈ ગયું હતું ને આવતીકાલથી દિવાળીના તહેવારની પાંચ દી'ની રજા આવતી હતી. તેથી એ કામ બાબતે થોડો ચિંતિત હતો અને આમ પણ એ બે દિવસથી કામ પર જઈ શક્યો નહોતો.

 ચાર દિવસ પહેલાં કંકુમાને ભઠિયુ બળે એવો તાવ આવ્યો હતો. તેથી એ અડધો દિવસ મજૂરી કરતો ને અડધો દિવસ ઘરે રસોઈ - પાણી, ઘરનું કામ કરતો. ઘર કામમાંથી પરવારીને કંકુમાના માથા પર મીઠાનાં પાણીના પોતા મૂકતો. બે દિવસમાં કંકુમા તો બેઠાં થઈ ગયાં પણ એની જ તબિયત બગડી ગઈ. પરમ દિવસે તો જીવાને ખૂબ જ તાવ હતો. ઘરગથ્થુ ઈલાજ કર્યો પણ કંઈ ફેર ન પડ્યો એટલે કાલે દુકાનેથી લાવીને ગોળી ગળી પછી તાવ ઉતર્યો હતો.

 જીવો છુટક મજૂરી કરતો હતો ક્યારેક અનાજ માર્કેટમાં તો ક્યારેક શાક માર્કેટમાં પહોંચી જતો. એ આખો દિવસ તનતોડ મહેનત કરતો છતાં આ મોંઘવારીના સમયમાં એ ત્રણ જણાના પરિવારનું ભરણપોષણ માંડ કરી શકતો હતો. પરિવારમાં જીવો પોતે તેનાં બા કંકુમા અને દીકરી હેમા ત્રણ સભ્યો જ હતાં.

 હેમા છ જ વર્ષની હતી. હજી પહેલાં ધોરણમાં જ ભણતી હતી. ભણવામાં ખૂબ જ હોંશિયાર સાથે મસ્તીખોર પણ એટલી જ ! એને રંગોળી કરવાનો અને ફટાકડાં ફોડવાનો પણ ગજબનો શોખ ! આ તો નાની છે એટલે બહું મોટા નહીં પણ ફુલઝર, પોપ - પોપ, જમીન ચકરી અને ઝાડવા તો એને બહુ જ ગમે. દીકરીનો એ શોખ આ વખતે પૂરો કરી શકાશે કે નહીં એ વિચાર જીવાને અંદરથી હચમચાવી મૂકતો હતો.

 પહેલાં જીવો કાપડની મિલમાં કામ કરતો હતો. એ મિલમાં એક વખત આગ લાગી હતી. એ આગ ઓલવવા જતાં તેનો જમણો હાથ બળી ગયો હતો. આગ લાગ્યાં પછી એ મિલનો વીમો ન પાકતાં માલિકે એ મિલ બંધ કરી દીધી હતી.

જમણાં હાથનાં બળેલા ભાગમાં પાક થઈ જતાં પરુ થઈ ગયાં હતાં. ઘણી બધી દવાઓ કરી, બે ત્રણ ડોક્ટર બદલાવ્યા પણ કંઈ ફરક ન પડ્યો અને અંતે હાથ કપાવવો પડ્યો હતો.

 મિલ બંધ થતાં તેની આજીવિકાનું એકમાત્ર સાધન એની નોકરી ચાલી ગઈ હતી. તેની પાસે થોડીક મૂડી હતી એમાંથી ઘણાં ખરાં પૈસા તો તેના હાથની દવામાં ખર્ચાઈ ગયાં હતાં અને થોડાં ઘણાં પૈસા હતાં એ પણ ખવાવા લાગ્યાં હતા. તેથી જીવો નોકરી માટે દોડધામ કરવા લાગ્યો. તેનો એક હાથ ન હોવાથી તેને કોઈ કારખાનામાં કે મિલમાં નોકરી મળતી નહોતી. ઘણાં સમય સુધી નોકરી માટે ફાંફાં માર્યા નોકરી તો ના મળી પણ ભાડું ન ભરી શકવાના કારણે જે ઓરડીમાં રહેતાં હતાં એ ઓરડી છોડવી પડી હતી. ત્યાંથી તેઓ શહેરની બહાર ઝૂંપડપટ્ટીમાં આવીને રહેવા લાગ્યાં હતાં. 

જીવા પાસે આજીવિકા માટે ન નોકરી હતી કે ન રહેવા માટે ઓરડી ! આ ઝૂંપડપટ્ટીની દોજખભરી જિંદગીથી કંટાળી જીવાની પત્ની રામી તેને છોડીને પોતાનાં માવતરે ચાલી ગઈ હતી. કઠણાઈ બેસે ત્યારે ભોંયમાંથી ભાલા ભોંકાય ! જીવાના જીવનમાં એવો જ ઘાટ ઘડાયો હતો. જીવાનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. હવે તો ઘરમાં અનાજ પણ નહોતું ને એક પૈસો પણ નહોતો એટલે જીવાએ નોકરી પાછળ ફાંફાં મારવા છોડી ને છૂટક મજૂરી કરવાની ચાલુ કરી દીધી. 

 રામી હેમાને ત્રણ વર્ષની મૂકીને તેનાં પિયરમાં ચાલી ગઈ હતી. રામી જ્યારે હેમાને મૂકીને માવતર ગઈ ત્યારે ઝૂંપડપટ્ટીના બધાં લોકો એક જ વાત કરતાં હતાં કે આવી દૂધમલ જેવી દીકરી મૂકીને જતાં જીવ કેમ ચાલ્યો ? 

હેમા જન્મી ત્યારે એકદમ સુંદર જાણે કોઈ અપ્સરા ! તેણીનો વાન ગોરો ચાંદી જેવો, માંજરી આંખો, માખણ જેવી સુંવાળી ત્વચા ને હસે ત્યારે ગાલમાં પડતાં ખંજન તેનાં સૌંદર્યમાં ખૂબ વધારો કરતાં હતાં. તેણીનાં સોના જેવા પીળાં ધમરક વાળ ! એનાં હેમ જેવાં વાળ પરથી જ તો જીવાએ એનું નામ હેમાં રાખ્યું હતું. 

 આવી આકાશની અપ્સરા જેવી દીકરીને છોડીને રામી ત્રણ વર્ષથી પિયરમાં બેઠી હતી. દુર્ભાગ્યના ભરડામાં સપડાયેલું જીવન સ્વીકારીને ક્યારેક તો ભાગ્ય પલટાશે નેં ! એવી આશા સેવતો જીવો રાત દી' એક કરીને મજૂરી કરતો હતો. એક હાથની તકલીફના લીધે તેને ખભા પર ગુણી ચડાવવામાં તકલીફ પડતી હતી. કોઈકની મદદની જરૂર પડતી હતી તેથી કોઈક દયાળુ વેપારીએ તેને હાથ લારીનો પ્રબંધ કરી આપ્યો હતો.

 આજે ઊઠવામાં મોડું થઈ ગયું હતું એટલે શાક માર્કેટમાં તો કામ મળવાની આશા નહોતી, તેથી એ અનાજ માર્કેટમાં જઈને ઊભો રહ્યો. ત્યાં ઘણાં જથ્થાબંધ વેપારીઓની દુકાનો હતી. તેથી કોઈ કામ મળી જાય એવી આશાએ ત્યાં ઊભો હતો પણ કોઈ કામ મળ્યું નહોતું કે એવું કોઈ આવ્યું જ નહોતું કે પોતે સામેથી પૂછી શકે કે તમારો માલ હું લારીમાં મુકાવી જાઉં ? માણસને કામ મળે કે ન મળે પણ પેટને તો ભાડું જોઈએ જ ! એને તો સમયનો અંદાજ નહોતો પણ પેટમાં ઉંદર દોડવા લાગ્યાં એટલે તેને ખબર પડી કે બપોર થઈ ગઈ છે. ખાવા માટે ઘેર જાય ને સામે હેમા પૂછે કે, બાપુ રંગોળીના રંગ અને ફટાકડાં લાવ્યાં ?

તો શું જવાબ આપવો ? 

એકની એક દીકરીની આટલી નાની ઈચ્છાય પૂરી ન કરી શકવાના રંજ સાથે એને પાણી પીને પેટ ભરી લીધું.

ત્યાંથી લારી લઈ એ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ગલીઓમાં પણ ફરી વળ્યો પણ ક્યાંય કોઈ કામ મળ્યું નહીં. સાંજ થતાં સૂર્ય અસ્તાચળે ચાલ્યો. આખાં દિવસનો ભૂખ્યો અને કામ મળવાની આશા ગુમાવી ચૂકેલો જીવો ઘર ભણી ચાલતો થયો. એ નિરાશ વદને અને લડખડાતા પગે ઘેર આવ્યો. એને ખાલી હાથે આવેલો જોઈને હેમાએ સવાલોની ઝડી વરસાવી દીધી. ફટાકડા અને રંગ માટે ધમપછાડા કરવા લાગી. જીવાએ એને પ્રેમથી સમજાવી અને કાલે ચોક્કસ લેતો આવીશ એવું વચન પણ આપ્યું. ત્યારે એ માંડ માની ને ધમપછાડા બંધ કર્યા, પણ તેની સખીઓ સાથે બહાર રમવા ન ગઈને ઉદાસ ચહેરે એક ખૂણામાં ભરાઈને બેસી ગઈ.

 બીજાં દિવસની સવાર એટલે ધનતેરસની સવાર. એક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે લોકો પૈસા ન ખર્ચે અને કોઈ ખર્ચે તો પણ એ સોનાની ખરીદી જ કરે ! આમાં આજનાં દિવસે જીવાને કામ ક્યાંથી મળવાનું હતું છતાં એ દીકરીને આપેલાં વેણને ખાતર વહેલો ઊઠી લારી લઈને નીકળી ગયો. ધનતેરસનો દિવસ હોવાથી શાક માર્કેટ અને અનાજ માર્કેટ બન્ને બંધ હતી. તેથી ત્યાં જવાનો તો કોઈ ફાયદો નહોતો એટલે એ હનુમાન બજારમાં આંટા મારવા લાગ્યો. ત્યાં નાની મોટી જથ્થાબંધ અને છૂટક કરિયાણાની દુકાનો હતી. કોઈ ગ્રાહકને જે દુકાનમાં જતાં જુએ એ દુકાન પાસે જઈને ઊભો રહી જાય. રખેને કોઈ કામ મળી જાય એવી આશાએ ! તેની એ આશા પણ ઠગારી નિવડતી. 

આખો દિવસ જીવો આમતેમ કામની શોધમાં ભટકતો રહ્યો પણ ક્યાંય કોઈએ ખોટે એકવારેય લારીના ફેરાનો ભાવ પૂછ્યો નહોતો. કરમમાં જ કાળમીંઢ હોય તો ભૂકરવો ક્યાંથી ભાંગે. જીવાના કરમમાં એવું કંઈક હશે, એને આજેય કંઈ કામ ન મળ્યું.

 હવે તો સૂરજદેવ પણ થાકીને પશ્ચિમ દિશામાં ઢળી ગયાં હતાં. આખા દિવસનો ભૂખ્યો જીવો લોથપોથ થઈ ગમગીન ચહેરે ઘર તરફ ચાલતો થયો. થોડેક આગળ ગયો ત્યાં રસ્તામાં ફટાકડાનાં સ્ટોલને જોઈ તેના પગ થંભી ગયાં. કોઈ પાસે ક્યારેય માંગ્યું નહોતું. તેને મન માંગવું એ મરવા બરાબર હતું. માંગ્યા વગર ફટાકડાં અને રંગોળીના રંગ કેમ મળશે ? ખિસ્સામાં તો એક નૈયો હતો નહીં કે ખરીદી શકાય ? તેને દીકરીનો ચહેરો નજર સામે તરવરવા લાગ્યો. આજે વસ્તુ લઈને નહીં જઈ શકું તો મારી દીકરી કેટલી નિરાશ થશે. એક પિતાએ પુત્રીને આપેલું વચન તૂટશે. પછી કોણ પુત્રી પિતા પર વિશ્વાસ કરશે ? એવાં વિચારે જીવો રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. 

 પાછળથી ગાડીનું હોર્ન વાગ્યું પણ તે ન ડગ્યો, ફરી હોર્ન વાગ્યું એ સજાગ ન થયો. એમ કેટલીય વાર હોર્ન વાગ્યું પણ તેની તંદ્રા ન તૂટી. એટલે એ ગાડીમાંથી એક ભાઈ ઉતર્યા ને તેની પાસે આવીને, "એ ભાઈ મરવું છે કે શું ? ક્યારનો હોર્ન..." એ બોલતાં તો બોલી ગયાં મોટેથી, પણ જીવાની નમ આંખો જોઈ તેઓ નરમ પડી ગયાં. 

 "અરે ભાઈ આજે તહેવારના દિવસે તું રડે છે કાં ?"

 "કાંઈ નહીં." કહેતાં જીવો પોતાની આંખના આંસુ લૂછવા લાગ્યો.

 "કંઈક તો છે, કંઈ ન હોય તો કોઈ માણસ આમ રડે શા માટે ? અને એ પણ આમ રસ્તા વચ્ચે ? બોલો શું થયું છે ?" એનાં ખભે હાથ મૂકીને સહાનુભૂતિ દર્શાવતાં એ વ્યક્તિએ પૂછ્યું. તેનાં લાગણીશીલ શબ્દોથી જીવો મીણની જેમ પીગળી ગયો અને પોતાની હકીકત કહેવા લાગ્યો.

એ ભાઈ જીવા સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે એમની દીકરી ગાડીમાં બેઠી ઊંચી નીચી થતી હતી. તેણીનાં પપ્પાને આવતાં બહું વાર લાગી તેથી તેણી ગાડીમાંથી બહાર નીકળી. તેનાં પપ્પા પાસે આવી તેનાં પપ્પાને જીવા સાથે વાત કરતાં જોઈને, "પપ્પા, તમે ઓળખો છો આ અંકલને ?" તેણીએ આશ્ચર્યથી પૂછ્યું.

 એ છોકરીને જોતાં જ જીવાએ પૂછ્યું, "હવે તને કેમ છે ? બેટા."

"સારું છે અંકલ." જીવાની અને દીકરીની વાત સાંભળી એ ભાઈ તો એકધારા બંને સામે જોઈ જ રહ્યાં પછી પૂછ્યું, "બેટા, તું કઈ રીતે ઓળખે છે આ ભાઈને ?"

 પપ્પા તમને યાદ જ હશે ગયાં એપ્રિલ મહિનામાં હું મારી એકઝામ પૂરી કરીને આવતી હતી ત્યારે, બોલતાં બોલતાં તેણીની આંખો સામે એ દ્રશ્ય ખડું થઈ ગયું.

 તેણી બપોરના બે વાગ્યે પરીક્ષા આપીને સ્કૂલેથી આવતી હતી. અગિયારથી બે વાગ્યા સુધીનો પેપરનો ટાઈમ હતો. તેથી તેણી સવારે દસ વાગ્યે ઘેરથી માત્ર એક ગ્લાસ દૂધ પીને નીકળી ગઈ હતી. સંજોગવસાત તેણી પાણીની બોટલ પણ ભૂલી ગયેલી. તેણી શહેરની બહાર આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં ભણતી હતી. ત્યાંથી તેનાં ઘરનું અંતર સાતેક કિલોમીટર જેટલું થતું હતું. દસ વાગ્યે ઘેરથી નીકળી પછી બે વાગ્યે પેપર પૂરું થયું ત્યાં સુધીમાં એકેય વાર પાણી પીધું નહોતું. આજે છેલ્લું પેપર હતું. પરીક્ષા પૂરી થયાનાં અને બીજા દિવસે મામાના ઘેર જવાનાં હરખમાં તેણી શાળામાં પાણી પીવા રોકાઈ નહોતી, તરત જ સ્કુટી લઈને ઘેર જવાની ઉતાવળમાં નીકળી ગઈ હતી. અડધું અંતર કાપ્યું હતું, ત્યાં જ તેણીને રસ્તા પર ચાલ્યાં આવતાં વાહનો ડબલ ડબલ દેખાવા લાગ્યાં હતાં. તેણીને આજુબાજુનું બધું જ ધૂંધળું દેખાવા લાગ્યું હતું. એ સમજે કે પોતાને ડીહાઈડ્રેશન થયું છે તો ક્યાંક કોઈક દુકાને સ્કુટી ઉભું રાખી પાણી કે કોલ્ડ્રીંક પીવે એની પહેલાં જ તેણીને આંખે અંધારા આવી ગયા ને બેલેન્સ ગયું. તેનું સ્કુટી અને સાથે તેણી ત્યાં રસ્તા પર ગબડી પડ્યાં હતાં.

 ત્યાંથી પસાર થતાં જીવાનું ધ્યાન તેણી પર પડ્યું હતું અને એ તરત જ એ છોકરીને તેની લારીમાં નાંખીને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં સુધી તેના માતા-પિતા હોસ્પિટલ પહોંચ્યા નહીં ત્યાં સુધી તે તેની બાજુમાં બેસી રહ્યો હતો. તેણીએ આ બધી વાત કરી એટલે તેનાં પપ્પા બોલ્યાં, "હા હા યાદ છે બેટા, તને કોઈક લાવ્યું હતું એ ખબર હતી પણ તારી ચિંતામાં આમનો ચહેરો ખાસ યાદ ન રહ્યો."

 "થેન્ક્યુ, તમે મારી દીકરીને સમયસર હોસ્પિટલ પહોંચાડી. નહીં તો..."

"એમાં આભાર ન માનવાનો હોય ! તમારી દીકરી એ મારી દીકરી જ છે ને !"

 "તમારાં લીધે મારી દીકરીને નવું જીવન મળ્યું છે, તો તમારી દીકરી માટે હું પણ કંઈક તો કરી શકું નેં ! ચાલો આ દુકાનમાં તમને જોઈએ એવાં કલર ને ફટાકડાં લઈ લો."

 એ ભાઈ, જીવો અને એ દીકરી બાજુની દુકાનમાં ગયાં. જીવાએ રંગોળી માટેના કલર એ દીકરીને જ પસંદ કરવા કહ્યું અને પોતે ફટાકડામાં ફુલઝરનું એક પેકેટ, એક ઝાડવાનું, એક જમીન ચકરીનું અને એક પેકેટ પોપ - પોપનું પેકેટ લેવાં માટે કહ્યું. ત્યાં તો પેલાં ભાઈએ દસ પેકેટનું એક મોટું પેક. એવાં દરેક આઈટમના પેકેટ લઈને જીવાના હાથમાં આપ્યાં.

 જીવો ઘડીક ઉપર આકાશમાં તો ઘડીક એ ભાઈ સામે જોઈ રહ્યો. એ બધી વસ્તુ લારીમાં સરખી ગોઠવવા લાગ્યો. ત્યાં તો એ ભાઈએ એમની ગાડીમાંથી ઘર માટે લીધેલાં મીઠાઈના બોક્સમાંથી એક બોક્સ કાઢીને જીવાને આપ્યું.

"તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું ?" જીવો બોલતો હતો ત્યાં જ, "મારી દીકરી તમારી દીકરી હોઈ શકે તો, તમારી દીકરી મારી દીકરી ન થઈ શકે ?" કહેતાં એ ગાડી તરફ ચાલતાં થયાં ને ફરી કંઈક યાદ આવતાં પાછા વળ્યાં ને શર્ટના ખિસ્સામાંથી કાર્ડ કાઢીને જીવાને આપતાં કહ્યું, "આ મારું વીઝીટીંગ કાર્ડ છે. આનાં પર મારા કારખાનાનું એડ્રેસ છે. આ તહેવારો પૂર્ણ થતાં એટલે કે લાભ પાંચમના દિવસે આવીને મને મળજો."

 દિવસ આથમી ગયો ને અંધારું થઈ ગયું. નાનકડી હેમા દરવાજા પાસે આંટાફેરા કરતી હતી. રાતના આઠ વાગવા આવ્યાં આંટા મારી મારીને થાકી ગયેલી હેમા ઝૂંપડીની બહાર જઈને બેસી ગઈ. નિષ્પલક નેત્રે પપ્પાના આવવાની રાહ જોઈ રહી હતી. છોકરીને બહાર બેસીને પિતાની રાહ જોતી જોઈ કંકુમા પણ વારેવારે ઝૂંપડીની બહાર ડોકું કાઢી જોઈ લેતાં હતાં. 

 રસ્તા પર દૂર એક લારી આવતી દેખાઈ. તેણીની તીક્ષ્ણ નજરોએ સ્ટ્રીટ લાઇટના આછા પ્રકાશમાં તેના પપ્પાને ઓળખી લીધાં અને તેણી દોડીને સામે ગઈ. તેના પપ્પાએ તેણીને એક હાથેથી ઊંચકીને લારી પર બેસાડી દીધી ને ચૂમીઓથી નવરાવી દીધી. "રસ્તા પર મીટ માંડીને જ બેઠી હતી, મારી દીકરી !" 

"હા, બાપુ તમે વચન આપ્યું હતું નેં ! મને ખબર જ હતી કે મારા બાપુ મને આપેલું વચન ક્યારેય નહીં તોડે."

 જીવો લારી લઈને ઘર પાસે પહોંચે એની પહેલાં જ એ લારી પરથી ઠેકડો મારી દોડતી કંકુમા પાસે પહોંચી બે હાથ પહોળા કરીને બોલી હતી, "બા, બા.. બાપુ... આટલાં બધાં ફટાકડાં ને રંગોળીના કલર લાવ્યાં." તેણીનાં ચહેરા પર, આંખોમાં અને બોલવાના લહેકામાં પોતાની મનગમતી વસ્તુ મળ્યાની ખુશી છલકાતી હતી. તેણીને આનંદવિભોર જોઈ કંકુમાની આંખમાંથી હર્ષાશ્રુ સરી પડ્યાં.

તાપ પરિતાપ છે, આ જીવનની ઘટમાળ !

સુખ માત્ર કે દુઃખ જ !ક્યાં છે સંપૂર્ણ રસથાળ ?

પારખી જાય ઈશ્વરનો અંશ, સૌંદર્ય મનનું;

પામી ભેટ છવાઈ લાલિમા હેમા મુખે નખરાળ !

જીવો ઘરમાં આવી હાથ પગ ધોઈને જમવા માટે થાળી પર બેઠો ત્યારે કંકુમા તેની બાજુમાં બેસી તેની વાહર ઢોળતા હતાં ત્યારે જીવાએ એ ગાડીવાળા ભાઈની, એમની દીકરીની અને હેમા માટે એમને આપેલી આ ભેટની હકીકત કહી એટલે કંકુબાઇએ કહ્યું, "આજે પણ લોકોમાં માનવતા જીવે છે. કોણ કહે છે માનવતા મરી પરવારી છે ! ?"

 બીજાં દિવસે હેમા કંકુમાની સાથે વહેલી ઊઠી ગઈ ને ઝૂંપડીની બહાર સરસ મજાની રંગોળી બનાવી. દિવસ ઉગતાં એ એની સખીઓને ઘરે બોલાવી લાવી. એનાં પપ્પાએ લાવેલા ફટાકડાં બધાંને બતાવીને ખૂબ જ હરખાવા લાગી. તેણીની બધી સખીઓ પણ આશ્ચર્યથી બધું જોવા લાગી. 

 જીવાએ તેણીને બધાં ફટાકડાંમાંથી તેની સખીઓને એક એક પેકેટ આપવા કહ્યું. હેમાએ પણ આનાકાની કર્યા વગર ઉલ્લાસભેર ફટાકડાં તેની સખીઓને આપ્યાં. પાંચ દિવસનો દિવાળીનો તહેવાર. એમાં ધનતેરસનો એક દિવસ ઉદાસીમાં ગયો પણ તેની રાત એક અનેરી ખુશી લઈને આવી. ત્યારપછીનાં ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ બધાં જ દિવસો આનંદ કિલ્લોલ કરતાં વિત્યાં.

 દિવાળીના તહેવારો પૂર્ણ થતા જુનાં વર્ષની વિદાય થઈ ગઈ. વર્ષ બદલાઈ ગયું પરંતુ પરિસ્થિતિ ! હા, આ વર્ષે તો જીવાની પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ. જીવનની ઘટમાળ પરિવર્તનશીલ છે. જીવાના જીવનની ગાડીને હવે જુના પાટા પર નહોતું ચાલવાનું ! એને લાભ-પાંચમના દિવસે એ ગાડીવાળા ભાઈને મળવા જવાનું હતું. 

ત્રીજ અને ચોથ બે દિવસ તો આનંદથી વિતેલા તહેવારોની વાતોમાં ને નવી નોકરીનાં હરખમાં ચપટી વગાડતાં જ પસાર થઈ ગયાં.

 લાભ પાંચમના દિવસે જીવો કનકભાઈને કારખાને મળવાં ગયો. શેઠે તેને બીજાં દિવસે નોકરીએ લાગી જવાનું કહ્યું. એ તો બીજાં દિવસની રાહ જોવા એ ન રહ્યો ને લાભપાંચમના શુભ દિવસે જ નોકરીએ લાગી ગયો‌. એને રહેવા માટે એક ફ્લેટ આપ્યો એટલે એ ઝૂંપડી છોડી ફ્લેટમાં સ્થાયી થઈ ગયો. હાથ લારીની જેમ ધીમી ગતિએ ચાલતી જીવાની જિંદગી હવે મોટરકારની જેમ દોડવા લાગી.

 સવારે વહેલાં ઊઠવાની ટેવવાળો જીવો આજે પણ સાડા પાંચ વાગ્યામાં ઊઠી ગયો. પણ હવે ક્યાં એને લારી લઈને શાક માર્કેટ કે અનાજ માર્કેટ જવાનું હતું ! હવે તો એને કારખાને જવાનું હતું ને એય ઠેઠ નવ વાગ્યે. ત્યાં સુધી શું કરવું ? વિચારી એ અગાસી પર ગયો.

 આ... હા.. હા... ઉગતાં સૂર્યનું સૌંદર્ય તો જો ! જાણે કોઈ નવવધુ કેસરી પીળી ઝાંય વાળી સાડી પહેરીને નીકળી હોય એવું લાગે છે. ક્યારેય આ તરફ તો સાલું ધ્યાન જ નથી ગયું ? હા, આથમતા સૂરજને જોયો છે ઘણી વખત કામથી પાછા ફરતી વખતે, પણ ઊગતા સૂરજના સૌંદર્યની આભા નિહાળવાનો તો વખત જ ક્યાં હતો ? સવારમાં ઊઠીને તરત જ કામ પર જવાની, કામ મળશે કે નહીં મળે ? એ બધી ચિંતાઓમાં પ્રકૃતિના તત્વોનાં સૌંદર્યને માણી જ નથી શક્યો. એવું વિચારતો એ થોડીવાર આંખો બંધ કરી સૂર્યના કોમળ કિરણોને પોતાના શરીર પર ઝીલવા લાગ્યો.

તેને આંખો બંધ કરી એટલે તેનો ભૂતકાળ કેમેરાના રોલની જેમ તેની આંખો આગળથી ઘડીક વારમાં ફરી ગયો. બાળપણથી માંડી ને આજ સુધી જિંદગી કેટલાય ચક્ર ફરી ગઈ. આજ તો જીવનની ઘટમાળ છે. નસીબ આડેથી પાંદડું ખસ્યું ને તેને ફરી કારખાનામાં નોકરી મળી ગઈ. 

એ ઉપર આભમાં જોઈ હાથ જોડી ભગવાનનો આભાર વ્યક્ત કરવા લાગ્યો અને સાથે આજીજી પણ કરી કે, મારી જેમ એ ઝૂંપડપટ્ટીમાં રહેતાં બધાંની જિંદગીનાં ચક્રને તું ફેરવી દે ! એ બધાં પણ આથમી રહેલાં સૂર્યનાં અંધકારમાંથી બહાર નીકળી આ ઉગતાં પ્હોરે રક્તિમ લાલિમા પાથરતા સૂર્યના સૌંદર્યને નિહાળી માણી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract