nayana Shah

Classics Inspirational

4  

nayana Shah

Classics Inspirational

પિતૃઋણ

પિતૃઋણ

3 mins
226


વ્યાપ્તને બધા સમજાવી રહ્યા હતાં, "બેટા, મૃત્યુ બાદ મરણોત્તર ક્રિયા કરવી જ જોઈએ. તો જ મરનારની આત્માને શાંતિ મળે, નહિ તો જીવ અવગતિએ જાય"

વ્યાપ્ત શાંતિથી કહી રહ્યો હતો. "મને ઈચ્છા થશે એમ કરીશ. મારે કોઈની સલાહની જરૂર નથી"

આખરે સલાહ આપનાર કંટાળીને જતાં રહેતાં. જો કે જતાં જતાં બબડતાં તો ખરા જ. આજકાલના છોકરાંઓને શાસ્ત્ર તો બકવાસ લાગે છે. થોડું ઘણું ભણ્યા એટલે જાણે કે હવામાં ઉડતાં હોય. આવા બાપની મરણોત્તર ક્રિયા તો ખાસ કરવી જોઈએ. દારૂ પી પીને મર્યો છે. કેટલાને ય રડાવ્યા છે. જેના પૈસા ગયા એને કેટલું દુઃખ થયું હશે ! અરે, એ માણસનું દેવું તો લાખ્ખોમાં છે. હવે બિચારાં ઉઘરાણી પણ કોની પાસે કરે ! વ્યાપ્ત તો હજી ભણે છે અને એને તો હજી આગળ ભણવું છે. એની મા પાસે તો વાલ સોનું પણ કયાં છે. સગાવહાલાંમાં તો કોઈ મદદ કરે એવું નથી. બધા ઓળખીતાઓ પાસેથી ઉધાર લીધા છે. પાસે પૈસા હોય તો અંતિમ ક્રિયા કરેને ! આગળના ભણતરના ખર્ચ માટે પણ દેવું કરશે.

આખરે પિતાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ એને ભણવાનું પૂરૂ કર્યુઁ. પગાર પણ પાંચ આંકડામાં મળતો થઈ ગયો હતો. દિવસો પસાર થતાં રહેતા હતા. અને એક દિવસ વ્યાપ્તે બધાને કહ્યું આજે મારા પિતાની શ્રાધ્ધ કર્મ વિધિ તે પણ શાસ્ત્રોક્ત રીતે કરવાની છે. તેથી આપ સૌને આ પ્રસંગે હાજર રહેવા નમ્ર વિનંતી છે. વ્યાપ્તે સૌ પ્રથમ આમંત્રણ એના પિતાના મિત્ર સિધ્ધેશકાકાને આપેલું. એ જે કંઈ પણ હતો એ એના પપ્પાના મિત્રના પ્રતાપે હતો. એમને તો હિંમત આપી હતી કે તું ભણીગણીને નામ કરજે. હકીકતમાં તારા પિતા ઘણા જ વિદ્વાન હતા. મારે પૈસાની જરૂર હતી ત્યારે તારા પિતાએ જ મદદ કરેલી. એમની મદદથી જ મારો ધંધો વિકસ્યો પછી તો મારે દેશવિદેશમાં ધંધા માટે જવા આવવાનું થતું. તેથી મળવાનું ઓછું થતું ગયું. મને અવારનવાર તારા પિતાના સમાચાર મળતાં રહેતા હતા.

એ ખરાબ સોબતે ચઢી ગયો હતો. હું મળવાનો પ્રયત્ન કરતો પણ એ મળતો જ નહીં. મારો ધંધો સારો ચાલતો હતો. હું તો તારા પિતાને વ્યાજ સાથે પૈસા પાછા આપવા માંગતો હતો. પણ તારા પિતાને બીક હતી કે હું એને શિખામણ આપીશ. તેથી મને મળવાનું ટાળતો જ રહ્યો. હું તને એ પૈસા પાછા તો નહિ આપું પણ તારે જયાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણજે. બધો ખર્ચ હું કરીને તારા પિતા એ મને આપેલા પૈસા બદલ ઋણ ચૂકવવાનો મને મોકો મળી જશે. પરંતુ આ વાત આપણા બે વચ્ચે સિમીત રાખજે.

બીજું કે તારા પપ્પાએ કેટલા પૈસા આપ્યા હતાં અને એનું કેટલું વ્યાજ આપવાનું મેં નક્કી કરેલું એ વાત હવે અસ્થાને છે. તારે જેટલું ભણવું હોય એ બધો ખર્ચ આપી હું ઋણ મુક્ત થવા માંગુ છું. જો કે વ્યાપ્તની મમ્મી એને કહેતી, "બેટા, તારા પપ્પાએ ઘણા બધાને મદદ કરી છે. પરંતુ તારા સિધ્ધેશકાકા જેવા તો બહુ ઓછા હોય કે જે પૈસા આપવાનું યાદ રાખે. બાકી તું તો જાણે છે કે પૈસા લેવા આવનાર જ હોય. તારા પપ્પા કોઈને પૈસા આપે તો એની નોંધ રાખતા જ નહીં. પરંતુ એમના કબાટમાંથી મને એક કાગળ મળ્યો છે એમાં એમને જેની પાસેથી પૈસા લીધા હતાં એના નામ લખ્યા છે"

વ્યાપ્તે એ કાગળ મમ્મી પાસેથી લઇને ચૂપચાપ પોતાના કબાટમાં મુકી દીધો. જો કે તારીખ સાથે લખેલું તેથી એ બધાને વારાફરતી બોલાવીને વ્યાજ સાથે પૈસા આપતો. સાથે સાથે એ પણ કહેતો, "છતાં પણ કંઈ બાકી રહેતું હોય તો કહેજો તથા પપ્પાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજો." જયારે બધાના પૈસા વ્યાજ સાથે ચૂકવાઈ ગયા ત્યારે એણે મરણોત્તર શ્રાધ્ધ કર્મ વિધિ રાખી. તે ઉપરાંત જમણવાર પણ રાખ્યો આવનાર દરેક વ્યક્તિ ને કહેતો, "હજી પણ તમારે પૈસા લેવાના નીકળતા હોય તો કહેજો. દિકરો માત્ર પિતાની મિલકતનો વારસદાર નથી હોતો એને પિતાએ લીધેલું ઋણ પણ ચૂકવવાનું હોય છે. જયાં સુધી પિતાએ કરેલું ઋણ દિકરો ચૂકવે નહિ ત્યાં સુધી દિકરાને બાપ ના વારસદાર કહેવડાવવાનો હક્ક નથી. આજે મેં પિતૃઋણ ચૂકવી અને એમનું મરણોત્તર શ્રાધ્ધ કર્મ કર્યું છે. હવે જ ખરા અર્થમાં એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ."


Rate this content
Log in

Similar gujarati story from Classics