પીડા
પીડા
તે દિવસથી મને કંઈ ચેન પડતું ન હતું. આવું બની જ કઈ રીતે શકે ? લોકો અમારી મિત્રતાનું ઉદાહરણ આપતા. મારી અને અપર્ણાની મિત્રતા તો પચાસ વર્ષ જુની. જયારથી સમજણા થયા ત્યારથી અમે છૂટા પડ્યા જ ન હતા. નજીક નજીક ઘર હતા. બાલમંદિરથી કોલેજ સુધી જોડે જ રહેલા. એમ. બી. એ.ના કેમ્પસ ઈન્ટરવ્યુમાં અમને બંનેને એક જ કંપનીમાં નોકરી મળી ગઈ.
ત્યારબાદ અમારા લગ્ન પણ નજીક નજીકની સોસાયટીમાં થયા. જોકે અમે બંને નાનપણથી એકબીજાથી કોઈ વાત ખાનગી રાખતા નહીં.
લગ્ન બાદ અમે જોડે જ ઓફિસ જતા અને જોડે જ પાછા ફરતા. અમે શેર રિક્ષા પસંદ કરતાં. શરૂઆતમાં વ્યક્તિ દીઠ ર રૂપિયા હતા. કયારેક હું પૈસા આપુ તો કયારેક અપર્ણા આપે. અમે કયારેય પૈસા નો હિસાબ રાખતા નહિ. વર્ષો વિતતા ગયા અને ભાવ પણ વધતો ગયો. છેલ્લે ૧૦રૂપિયા થઈ ગયા હતા. અમારો પગાર પણ ઘણો હતો તેથી આ રકમ અમારા માટે મોટી ન હતી.
પરંતુ એક દિવસ અપર્ણા એ કહ્યું કે "કાયમ હું જ પૈસા કાઢું છું. તું તો કોઈ દિવસ રિક્ષાના પૈસા આપતી નથી." પ૦ વર્ષની મિત્રતા પછી અપર્ણા આવા શબ્દ બોલે એ હું માની જ શકતી ન હતી. કારણ છેલ્લા અઠવાડિયાથી રિક્ષાના પૈસા હું જ આપતી હતી.
અપર્ણા ગુસ્સો કરતાં બોલી, "કાલથી હું તારી જોડે નહિ આવું. તારા જેવી મારી મિત્ર છે એ કહેતાં જ મને શરમ આવે છે" ત્યારબાદ તો એને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. હું ઓફિસમાં પણ યંત્રવત્ કામ કર્યા કરતી.
બીજા અઠવાડિયાથી અપર્ણા રજા પર ઉતરી ગઈ. મને માનસિક શાંતિ લાગી કે સારું થયું મારે એનું મોં જોઈને જીવ બાળવો એના કરતાં એ ના આવે એ જ સારું. અઠવાડિયા સુધી એ ના આવી ત્યારે મને થયું કે હું એના ઘરે જઉ, પરંતુ એને કહેલાં શબ્દો પછી મને ખાતરી હતી કે એ મારુ અપમાન કરશે. મને એટલું બધું દુઃખ થતું હતું કે હું કોઈને કહી પણ શકતી ન હતી. મને ઓફિસમાં જ એક દિવસ ચક્કર આવ્યા હું બેભાન થઈ ગઈ હતી. હું ભાનમાં આવી ત્યારે મારી આંખો અપર્ણા ને શોધી રહી હતી. મને થયું કે હું એને કોરો ચેક આપીને કહું, આમાં તારે જે રકમ ભરવી હોય ભરી દેજે. પણ આટલા વખતની આપણી મિત્રતાને આટલી નાની બાબતમાં કલંકિત ના કરીશ.
હું દવાખાને થી ઘેર આવી ત્યારે મને આશા હતી કે અપર્ણા જરૂર થી મારી ખબર પૂછવા આવશે. પરંતુ મારી આશા ઠગારી નીકળી.
અઠવાડિયા પછી એક રાત્રે અપર્ણાના દીકરાનો ફોન આવ્યો," માસી તમે જલદીથી ઘેર આવી જાવ". અપર્ણા સાથે સંબંધ તૂટવાની પીડા થોડી ઓછી થઈ હતી. હું એને ત્યાં ગઈ ત્યારે એ આ દુનિયા છોડીને દૂર ચાલી ગઈ હતી. મારા આંસુ સૂકાતા ન હતા. જોકે ત્યારે અમારા અબોલા ને મહિનો થઈ ગયો હતો. સંબંધ બગડ્યાની પીડા તો હતી જ. એમાં એના મૃત્યુના સમાચાર.
બીજા દિવસે અપર્ણાનો દીકરો મારે ત્યાં આવીને મને એક કાગળ આપી ગયો. પત્ર વાંચવાની ઈચ્છા થતી ન હતી. મને તો એ વાતનો આઘાત હતો કે અપર્ણા એ આવું શા માટે કર્યુ ? મેં તેનો પત્ર ખોલ્યો. સંબોધન જોઈ હું ચમકી. તારીખ પણ બે દિવસ પહેલાની જ હતી. લખ્યું હતું.
"દુનિયા પરની મારી સૌથી પ્રિય સખી,
મને ખબર છે કે મારા વર્તનથી તને સખત આઘાત લાગેલો. પણ હું ઈચ્છતી હતી કે તું મને નફરત કરે, મને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. ડોક્ટરોએ કહેલું માંડ મહિનો કાઢશે. મેં મારો રોગ તારાથી છૂપાવ્યો. તું મારી એકાએક વિદાય સહન ના કરી શકત. તેથી જ મેં તારી સાથે ઝગડો કર્યો. તું મારાથી દૂર જવાની પીડા સહન કરતાં શીખી શકે. હું જાણું છું કે સૌથી વધુ દુ:ખ તને જ થશે. તું આ પીડા સહન કરજે. હિંદુ ધર્મમાં જન્મોજન્મના બંધનની વાત આવે છે. આપણે આવતા જન્મે જરૂર મળીશું.
તારી સૌથી પ્રિય સખી અપર્ણા. "
પત્ર પૂરો થતાં મારી આંખો વરસી પડી, હું બોલી ઊઠી," અરે તારે એકવાર પણ તારા રોગ વિષે વાત તો કરવી હતી. સીધી વાત કરવાથી તો કેટલીયે પીડામાંથી રાહત મળી જાત !"
