પડકાર
પડકાર
ખીચોખીચ માનવમેદનીથી ભરેલા તેમજ દેખાડા માટે શણગારેલા હોલમાં હું સ્ટેજ ઉપર છેલ્લા નંબરની ખુરશી ઉપર શાંતિથી બેઠો હતો. દર વર્ષે થતો આ સમારોહ મારા માટે શરૂઆતમાં ઉત્સાહ આપતો પરંતું,ધીરે ધીરે તેમાં થતા કાવા દાવા મને નિરુત્સાહી કરતા ગયા અને લગભગ છેલ્લા બે વર્ષથી હું આ છેલ્લી ખુરશી ઉપર બેસી કાર્યકમ નિહાળી મારી ફરજની ભૂમિકા પૂરી કરી ઘરે આવતો રહું છું. અને બીજા દિવસથી ફરી મારા કાર્યમાં જોડાઈ જાઉં છુ. કોઈ ફરિયાદ નથી કરતો પણ, મનમાં આ દિવસે એક અજંપો અનુભવાતો જે ઇચ્છા અનિચછાએ બહાર નીકળી જાય છે. હજુ મનમાં વિચારોનું ગૂંચળું ગુંથાયા કરે ત્યાં જ માઈકમાં દીપ પ્રાગટ્ય, સ્વાગત જેવી કાર્યક્રમની સૂચિ બોલાવવા લાગી.
દર વર્ષે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ આવી પુરા વર્ષનો વહીવટી કારોબાર તેમજ શૈક્ષણિક ગતિવિધિઓને વિદ્યાર્થી તેમજ વાલી સમક્ષ રજૂ કરે. દરેકની ઉત્કંઠા એક જ બાબત ઉપર હોય કે, આવતાં વર્ષે વાઇસ પ્રિન્સિપાલ (ઉપઆચાર્ય) કોણ બનશે ?દરેક આસિસ્ટન્ટના કાર્યની નોંધ લઈને પસંદગી થતી. શરૂઆતમાં હું અજાણ હતો પણ ધીમે ધીમે મેં સ્વીકારી લીધું હતું કે , આ દિવસે જે સુટ પહેરી પહેલી હરોળમાં બેસી જાય એ જ બને.
આજે મેં સંસ્થાના આંગણમાં ગાડી પાર્ક કરતી વખતે મારા હરીફ શ્રીને સૂટમાં જોયાં. એટલે સમજાય ગયું કે, કોણ બનશે ! સારું બસ એટલે જ કાર્યક્રમમાં કોઈ ઉત્સાહ રહ્યો નહતો.હા, પણ મારા ભાગે આવેલી સાઉન્ડ સિસ્ટમની જવાબદારી મેં પૂરી ઈમાનદારીથી નિભાવી હતી.
હજુ વધુ મારા વિચારોમાં સરી જાઉં ત્યાં જ વાઇસ પ્રિન્સિપાલની જાહેરાત પેહલા એક અનુભવી ટ્રસ્ટીદ્વારા થોડું ભાષણ કહેવામાં આવ્યું. પેહલી હરોળમાં સુટ પહેરી બેઠેલા મારા હરીફ શ્રી ખુરશીમાં ઊંચા નીચા થતાં હતાં. તેમના ચેહરા ઉપર હરખ સ્પષ્ટ જણાતો હતો. માઇક હાથમાં પકડી ટ્રસ્ટી દ્વારા બે શબ્દો કહેવામાં આવ્યાં,
"નમસ્કાર, દરેક લોકોની ઉત્કંઠા જે બાબત ઉપર છે એ જાણવા માટે થોડી રાહ જોવી પડશે. એ પેહલા હું કંઇક કહેવા માંગુ છું. આપણી સંસ્થામાં દર વર્ષે આ કાર્યક્રમ યોજાઇ છે તેમાં ઉપ આચાર્યની પોસ્ટ બદલીએ છીએ.કારણ કે, અંહી કામ કરતો દરેક ઉપશિક્ષક વહીવટી અનુભવ મેળવી શકે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દરેક શિક્ષક માટે બાળકોને પરોક્ષ રીતે ભણાવવું ખૂબ અઘરું રહ્યું છે. જોઈએ તેવું પરિણામ બાળકોમાં લાવી નથી શકાયુ. તેમ છતાં મને ગર્વ થાય છે કે, આપણી સંસ્થામાં એવા પણ શિક્ષકો છે જેમણે બાળકોના હિતમાં ખુબ સારું કામ કર્યું. જીવનના જોખમ વચ્ચે પણ ડોર ટુ ડોર અભ્યાસ કરાવ્યો છે. મજૂરી કરતાં વાલીઓનો ફોન સાંજે ઘરે હોય તો તેમનાં બાળકો માટે રાતના અલગથી ઓનલાઈન વર્ગ ચલાવ્યા છે. શેરી શિક્ષણ, ફળિયા વિસ્તારમાં શિક્ષણ આપી બાળકોને અભ્યાસ ક્રમ સાથે જોડી રાખ્યા છે.
પી...........પી....... હજુ ટ્રસ્ટી દ્વારા વધુ વિગતવાર વાત થાય એ પહેલાં જ માઇક સિસ્ટમમાં ખરાબી આવી. બધાં મારી સામું જોવા લાગ્યાં કેમ કે, એ જવાબદારી મારી હતી.હું દોડીને ઉભો થયો માઇક બંધ કરી જલ્દી બાજુના રૂમમાં રાખેલા એમ્પ્લીફાયર પાસે ગયો. થોડી આવડત હતી તો મિનિટોમાં જ બધું ઠીક કરી પાછો આવ્યો.ઇશારાથી ફરી ચાલુ રાખવા કહ્યું. મેં બાજુના રૂમમાં બેસવાનું પસંદ કર્યું કે કદાચ ફરી એ પ્રોબ્લેમ ન થાય.આમ પણ મારૂ સ્ટેજ ઉપર કોઈ કામ નથી સમજી હું હોલમાંથી નીકળી ગયો. ટ્રસ્ટીશ્રીએ અધુરી વાત પૂરી કરી,
"હવે ફરી આ માઈકનો ઘોંઘાટ થાય એ પહેલાં જ નામ જણાવી દઉં, એમની નીતિ, માનવતા અને ઈમાનદારીથી જ એમને આ પદ આપવામાં આવે છે.તો આવનાર નવા સત્રથી ઉપઆચાર્યનું પદ માત્ર એક વર્ષ માટે નહિ પરંતું પાંચ વર્ષ માટે અપાય છે, શ્રીમાન પંકજકુમાર "
તાળીઓનો ગણગણાટ હોલમાં ગુંજી રહ્યો. હુરરે.. હુર્રે કરતું એક વિદ્યાર્થઓનું ટોળું દોડીને હૉલની બાજુના રૂમ તરફ દોડ્યું. હું હજુ તંદ્રામાંથી બહાર આવું એ પહેલાં જ એ ભૂલકાઓએ મને ઘેરી લીધો. હાથ પકડી મને સ્ટેજ પાસે લઈ ગયા. હું હજુ પણ અવાક હતો. માત્ર આર્થિક રીતે મદદ જ નહિ પરંતું મારી કાર્ય ક્ષમતાને વધુ નીખરવાનો મોકો હતો. જેમ જેમ સ્ટેજ ઉપર ડગલું આગળ ભરતો હતો તેમ તેમ મને ભૂતકાળ યાદ આવતો હતો.
મારો પ્રથમ દિવસ, મારો ઇન્ટરવ્યૂ, જોયેલા સપના, ક્યારેક મળતી હતાશા તેમ છતાં રોજ નવી આશ સાથે દિલથી થતું કામ મને આજે અંહિ લઈ આવ્યો છે. કોરોના સંક્રમણ સમયે કરેલી પડકારજનક કામગીરી કદાચ આજે ફળ સ્વરૂપે મળી છે. આભારી રહીશ મારા હરિફનો જેમણે મને પડકારો આપ્યાં જે સહર્ષ સ્વીકારી હું આજે આ પદ મેળવી રહ્યો છું. જાણું છું કે, શિખર સુધી પહોંચી સફળતાં મળવી અઘરી છે, પણ તેનાથી પણ વધુ અઘરું તેને ટકાવવી રાખવી અને તેમાં પણ હું સફળ બનીશ એ આત્મવિશ્વાસ આજે સ્ટેજ ઉપર ઊભા ઊભા મારી આંખોમાં છલકાતો હતો.
