પારસમણિ
પારસમણિ
સાચો માર્ગ બતાવે છે ગુરુ
અહમનો ભાર હટાવે ગુરુ!
ઇશ્વર કૃપાએ મળે છે ગુરુ,
અંતે ઈશને ભળાવે ગુરુ!
ગુરુ સદાનંદ નિર્મોહી અને જ્ઞાની સંત હતા. એમના શિષ્યો પણ આજ્ઞાંકિત અને ગુરુભક્તિના રંગે નખશિખ રંગાયેલા!
ગુરુ સદાનંદ પાસે એક લોખંડની સુંદર ડબ્બી હતી. આ ડબ્બીને એ ખુબજ જતનથી સાચવીને રાખતા. એમના શિષ્યોને કુતૂહલ ઉપજતું કે,ગુરુજી તો નિર્મોહી છે પણ આ ડબ્બીમાં એવું તો શું હશે કે જેની એ આટલી જતનથી જાળવણી કરે છે. શિષ્યોને જોવાની ઈચ્છા તો ઘણીવાર થઈ આવતી, છતાં ગુરુની આજ્ઞા વિના ડબ્બીને સ્પર્શ કરવો એ પાપ કહેવાય, આથી કોઈ એ કાર્ય કરવા તૈયાર ન હતું. દિવસે દિવસે આ રહસ્ય સૌના મનમાં એક કૌતુક બની રહ્યું હતું.
ગુરુજી આ બધું અવલોકન કરી રહ્યા હતા. અને પોતાના શિષ્યોની નિષ્ઠા અને શ્રધ્ધાભરી ગુરુભક્તિથી પ્રસન્ન થઈ એક દિવસ એમણે પોતાના એક શિષ્યને કહ્યું : 'વત્સ, પેલી પારસમણિવાળી લોખંડની ડબ્બી લઈ આવ તો.'
બધાના મનમાં કૌતુક સાથે આશ્ચર્ય વધ્યું ! શુંય એમ. 'લોખંડની ડબ્બીમાં પારસમણિ ? એ કેમ શક્ય બને ? પારસમણિના સ્પર્શથી તો લોખંડ સોનું બની જાય !'
શિષ્યએ તો ગુરુની આજ્ઞા થતાં જ ડબ્બી લઈ આવી ગુરુજીના ચરણોમાં ધરી દીધી.
સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે ગુરુજીએ ડબ્બી ખોલી ત્યારે,એક સુંદર વસ્ત્રોમાં લપેટાયેલ પારસમણિને ખોલતાંજ જાણે સૂર્યપ્રકાશ ચોતરફ પોતાના કિરણો ફેલાવે એ રીતે ઉજાસ ફેલાઈ ગયો. ગુરુજીએ વસ્ત્રને દૂર કરી પારસમણિને ડબ્બીમાં મૂક્યો અને લોખંડની એ ડબ્બી સુવર્ણમાં ફેરવાઈ ગઈ.
સૌ શિષ્યોએ ગુરુજીને પ્રણામ કર્યા. ત્યારે ગુરુજીએ કહ્યું કે, આત્માની આસપાસ રહેલા વાસનાનું આવરણ હટાવતા,અનાવરણ થયેલ એ આત્મા પણ પરમાત્મા જ છે.