નિમિત્ત
નિમિત્ત
આજ થોડી ઉદાસ ચહેરે મંદિરના પ્રાંગણમાં દાખલ થતાં નિરાલી માણસોની ભીડ ઓછી થવાની રાહમાં એક ખૂણામાં જઈ ઊભી રહી. આરતી અને પ્રસાદ લઈ સૌ લગભગ નીકળી ચૂક્યા હતાં. ધીમે ધીમે નિરાલીએ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી આજુબાજુ નજર ફેરવી જોઈ લીધું.
કોરોનામાં પોતાના પતિ ને ગુમાવ્યા બાદ એકના એક લાડકવાયા પુત્રના ઉછેર અને ઘરની જવાબદારી તો એણે સંભાળી લીધી. દીકરાની દરેક ઈચ્છા આજ સુધી પુરી કરતા આવ્યાં હતાં. આજે તો એની સાવ નાની અને સામાન્ય કહી શકાય એવી માંગણી હતી.
પણ આજ પરિસ્થિતિ અલગ હતી. નિરાલી જયાં કામ કરતી હતી ત્યાં હજુ જાજો સમય પણ થયો ન હતો કે ઉપાડ માટે એ માંગણી કરી શકે. અને પતિની બીમારીમાં લગભગ બધી બચત ખર્ચાઈ ગઈ હતી. એક નવી શરૂઆત કહીએ તો પણ ચાલે. આવામાં તેને મળતો પગાર ઘરખર્ચ માટે પણ ટૂંકો પડતો.
આજ સવાર સવારમાં પોતાના મિત્રોને અવનવી પિચકારી લઈ રંગે રમતા જોઈ નિરાલીના દીકરા તનયે પણ જિદ કરી કે, મારે પણ આવી જ પિચકારી જોઈએ. નિરાલીએ કહી તો દીધું કે, હા હું સાંજે લઈ આવીશ પણ જ્યારે લેવા ગઈ ત્યારે ખબર પડી કે એ 300 રૂપિયાની આવે. પોતાની પાસે થોડા પૈસા ઘટતા હતાં.
ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહી નિરાલી મનોમન બોલતી હોય એટલાં
ધીમા અવાજે ભગવાનને વિનવી રહી હતી કે હે ઈશ્વર મારા દીકરાની નાની એવી ઈચ્છા પુરી કરવા પણ હું આજ લાચાર છું. એવું કંઈક કરો કે એ પોતાની જિદ ભૂલી જાય,કાં તો પછી હું ઘરે પહોંચું એ પહેલા જ એ સૂઈ ગયો હોય. આવતીકાલે હું કાંઈક જૂગાડ કરી લઈશ મારી આટલી પ્રાર્થના સાંભળી લો પ્રભુ !
ભીની આંખે એ બહાર નીકળી ચપ્પલ પહેરી ચાલતી થાય છે ત્યાં પાછળથી કોઈએ સાદ કર્યો, ઊભા રહો ! આ લો ! એમ કહી એક પિચકારી અને પેપરબેગ આપી. નિરાલી થોડી અચકાઈને એમની સામે જોયું. આપ કોણ ? હું તો આપને ઓળખતી પણ નથી. શું તમે મને જાણો છો ?
નિનાદે કહ્યું ના હું પણ તમને જાણતો ન હતો. પણ, હમણાં જ ભગવાન સામે આપણી ઓળખાણ થઈ. તમારો ધીમા અવાજે ભગવાન સાથેનો સંવાદ હું સાંભળી રહ્યો હતો. મે મારા દીકરાને આ મહામારીમાં ગુમાવ્યો છે. દર વરસની જેમ આ વરસે પણ આદત મુજબ હું પિચકારી, રંગ અને ફુગ્ગા ખરીદતાં મારી જાતને રોકી ન શક્યો. વિચાર્યું હતું કે એનાં ફોટા સામે મુકી એનો હસતો ચહેરો જોઈ હું પણ ખુશ થઈ લઈશ !
ઈશ્વરે આપણી બંનેની પ્રાર્થના સાંભળી ! તમારા દીકરાની ઈચ્છા પૂરી કરવા મને નિમિત્ત બનાવ્યો હશે. મહેરબાની કરી ના ન કહેતાં હું સમજી લઈશ કે મારા દીકરાએ ધુળેટી મનાવી !