નવું જીવન
નવું જીવન


ડો. દેસાઈ સિવિલ હોસ્પિટલના સર્જન તરીકે વીસ વર્ષ સેવા આપી ચૂક્યા હતા. એમની કારકિર્દી દરમિયાનમાં ઘણા લોકોની જિંદગી બચાવી નવું જીવન આપ્યું હતું.
આજ પણ એમના હસ્તક એક એવા વ્યક્તિનો કેસ આવ્યો હતો, જેણે જીવનમાં કોઈ સારું કામ તો કર્યું ન હતું, બસ ખૂન, ચોરી, લૂંટ, અપહરણ સિવાય માસૂમ લોકોની જિંદગી ખતમ કરી નાખવું એના માટે જાણે રમત વાત હતી.
આજે એ માણસને કુદરતની થપાટ એવી પડી કે ખુદની જિંદગી માટે ડોકટરને વિનવણી કરવા પોતે બોલી પણ ન શકે એવી સ્થિતિ હતી. દારૂના નશામાં ચકચૂર બની ગાડી પૂરપાટ ઝડપે ચલાવી, પોતાના બે સાથીના તો જીવ ગુમાવ્યા, અને એ પોતે કોમાંમાં જઈ પડ્યો. બ્રેઇન ડેડ થઈ ગયું. હવે એનું જીવવું મરવું સરખું જ હતું. ડો. દેસાઈએ એના અન્ય સાથી જેણે એને હોસ્પિટલ પહોંચતો કર્યો હતો એને સમજાવ્યું કે હવે એનું જીવવું મરવું બરાબર જ છે. આખી જિંદગી જે પાપ કર્યા છે એનું પ્રાયશ્ચિત કરવાનો મોકો ભગવાને આપ્યો છે. જો એના અંગોનું દાન કરો તો બીજી ત્રણ વ્યક્તિને નવું જીવન મળશે. સાથીઓએ અંદર અંદર વાતચીત કરી ડો. દેસાઈને કહ્યું કે, ડોકટર સાહેબ તમને જે ઠીક લાગે એ કરો પણ આજથી અમે પણ નક્કી કરીએ છીએ કે આ નર્કની જિંદગી છોડી અમે પણ કોઈ મહેનતનું કામ કરી જીવન ગુજારીશું.
આમ એક સજ્જન ડોકટરે ત્રણ જીવન અંગ પ્રત્યારોપણ દ્વારા અને અન્યને સાચી સલાહ દ્વારા બુરાઈના માર્ગેથી પાછા વળવાની પ્રેરણા આપી અન્ય સાથીઓને પણ નવું જીવન જ તો આપ્યું..!