જીવન કરતાં સુંદર કંઈ નથી
જીવન કરતાં સુંદર કંઈ નથી
એક દિવસ દેવલોકમાંથી એક વિશેષ જાહેરાત બહાર પાડવામાં આવી. જેનાથી આકાશ, પાતાળ અને પૃથ્વીલોકમાં ખળભળાટ મચી ગયો. જાહેરાત હતી,"આગામી સાત દિવસ સુધીમાં ચિત્રગુપ્તની પ્રયોગશાળાના મુખ્ય દ્વાર પર કોઈપણ પ્રાણી અસુંદર વસ્તુ આપીને સુંદર વસ્તુ મેળવી શકશે. પણ શરત એ છે કે તે વિધાતાની સત્તામાં વિશ્વાસ રાખતો હોવો જોઈએ. એની પરીક્ષા ત્યાં જ કરવામાં આવશે."
બસ પછી તો પૂછવું જ શું. બધા પોતપોતાની બદલવાની વસ્તુઓની યાદી તૈયાર કરવા લાગ્યા. જે જે વસ્તુઓ અસુંદર અને નાપસંદ હોય તેની યાદી કરી. નક્કી કરેલી તિથિએ દેવલોકમાંથી કેટલાય વિમાનો મોકલવામાં આવ્યા.અને સૌને સગવડતા સાથે દેવલોકમાં લઈ જવા લાગ્યા. જ્યારે બધાજ ત્યાં પહોંચી ગયા ત્યારે વિધાતાએ પોતાના ત્રીજા નેત્રની યોગ દષ્ટિથી ત્રણેય લોકમાં નજર નાખી જોઈ કે કોઈ બાકી તો નથી રહ્યું ને ?
જોયું તો સ્વર્ગ અને પાતાળમાં તો કોઈ ન મળ્યું પણ પૃથ્વી પર એક મનુષ્ય આરામથી પોતાની મસ્તીમાં આનંદ માણી રહ્યો હતો. તેની પાસે જઈ પૂછ્યું કે તમે અમારો સંદેશો સંભાળ્યો નથી લાગતો.તમે કેમ ચિત્રગુપ્તના દરબારમાં તમારી અણગમતી વસ્તુ આપી ગમતી વસ્તુ લેવા જતા નથી ?
પેલા વ્યક્તિએ નમ્રતા અને ગંભીરતા સાથે કહ્યું - ભગવાન ! સાંભળ્યું તો હતું. મે તો બધું જોયા જાણ્યા બાદ,મને મનુષ્ય જીવન કરતા વધારે સુંદર બીજું કઈ ન લાગ્યું. અને તે મને ભગવાને આપ્યું છે પછી બીજું શું મેળવવાનું બાકી રહ્યું ?