કલમ અને કાગળ
કલમ અને કાગળ
અટકી પડેલી કલમને નવો વેગ આપવો છે !
હજુ કેટલું ધરાવે સામર્થ્ય તાગ માપવો છે !
થીજી ગયેલ સ્યાહીને આપી શાબ્દિક હૂંફ,
કાગળ સાથે એનો ફરી મેળાપ સ્થાપવો છે !
કોલેજકાળ દરમિયાન પોતાની કલમ વડે સેંકડો દિલમાં સ્થાન જમાવી લીધું હતું. હરકોઈના મુખે જેની રચના રમ્યા કરતી; ગઝલ અને કવિતાઓમાં જેની તોલે કોઈ ન આવે એવા શબ્દોનાં સરતાજ, કલમને જ પોતાની પ્રિયતમા બનાવી લીધી હતી એવા અનલની જિંદગીમાં એક અણધાર્યો વણાંક આવ્યો.
અનલની જિંદગીનો એક અહમ ફેંસલો અચાનક પરિવાર દ્વારા લેવાઈ ગયો. એમ કહોને કે અનલ પર થોપાઈ ગયો. લગ્નજીવનની હરિયાળી જાણે એની
કલમની સ્યાહીને સૂકવી ગઈ.
અનલ ઘણાં સમયથી સામાજિક અને વ્યવહારિક કામોમાં એવો અટવાઈ ગયો હતો
કે અગણિત કામો વચ્ચે પણ અવિરત વહેતી વિચારોની સરવાણી; મન સમંદરમાં જે હિલોળા લેતી રહેતી, એનો વેગ અટકીને જાણે કોઈ બાંધ વડે બંધાઈ ગયો હોય એવું એને લાગ્યા કરતું. ઘણું ઘણું ચાહવા છતાં લાગણીઓના જે તાણાવાણા દુનિયાદારીની જંજાળમાં અટવાઈ ગયા હતાં એ ઉકેલવા મથતું એનું ઋજુ હૃદય એક અકળ મૂંઝારો અનુભવી રહ્યું હતું.
અચાનક આકાશે ઘેરાયેલાં વાદળો જોઈ; ઝરમર વરસતી વાદળી સંગ મેઘલ મન થનગની ઊઠ્યું ! મેઘધનુષી રંગોભરી કરકલમ સંગે દિલમાં વહેતા લાગણીના વહેણને કાગળ પર અસ્ખલિત વહાવવા... !