રુદ્ર
રુદ્ર
સરસ્વતીના તીરે આવેલું સિદ્ધપુર,માતૃગયા પણ કહેવાય છે. પિતૃશ્રાદ્ધ માટે જેમ ગયાજીનો મહિમા છે એમ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરના બિંદુ સરોવરમાં સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કરાય છે.
આ સિદ્ધપુરમાં આવેલુ પ્રાચીન ભવ્ય મહાલય નામ પ્રમાણે જ ભવ્ય અને વિશાલ તેમજ અદ્વિતીય શિલ્પસમૃદ્ધિ વાળુ સ્થાપત્ય ધરાવતું શિવાલય છે. સોલંકી યુગના મૂળરાજે
એ શિવાલયનું બાંધકામ શરુ કરાવ્યું હતું અને જયસિંહ સિદ્ધરાજે પૂર્ણ કર્યું હતું.
આ મહાલયના સભાખંડ,ખંડો, ઉપખંડો, માળ અને મેડીઓ ! ઝરૂખાઓ અસંખ્ય સ્તંભો અને શિલ્પબદ્ધ તોરણો તથા તેની સમૃદ્ધિ ત્યાં હજારો બ્રાહ્મણોનાં સ્રોતપાઠ ને પૂજા વગેરેનાં વર્ણનો બીજા સોમનાથની યાદ અપાવે.
આ રુદ્રમહાલય સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે. એક આ મહાલયના ખાતમુહૂર્તની છે. રાજા મૂળરાજ સોલંકી શિવભક્ત હતાં. આથી સરસ્વતી નદીને તીરે ભવ્ય રુદ્રમહાલય બંધાવવાની એમની અભિલાષા હતી. વિદ્વાન કલાકારો અને શિલ્પી સ્થપતિને આમંત્રણ મોકલ્યા અને જ્યોતિષીઓ બોલાવી સ્થાનની પસંદગી કરી. નિષ્ણાંતોએ પથ્થરોની પસંદગી કરી દેશ પરદેશનાં કારીગરો આવ્યાં અને કામ શરૂ થયું. આ દરમિયાન જ મૂળરાજદેવ અને જ્યોતિષ પ્રાણધર મૃત્યુ પામ્યા. ત્યારબાદ ભીમદેવ સોલંકી, કર્ણદેવ, અને મિનળદેવીનાં શોર્ય અને શાણપણની કથાઓ ઈતિહાસમાં કોતરાઈ. ત્યારબાદ આવ્યાં સિદ્ધરાજ જયસિંહ.
સિદ્ધરાજ જયસિંહને મૂળરાજદેવના અપૂર્ણ રહી ગયેલાં સ્વપ્નની અને અભિલાષાની વાત કોઈએ કહી. પ્રપિતામહનાં આદર્યા અધૂરા કામને પૂર્ણ કરવાની સિદ્ધરાજને પણ આકાંક્ષા જાગી. પરમ વિદ્વાન ગંગાધર શાસ્ત્રીને ચાંપાનેર તેડું મોકલ્યું.
ગંગાધર શાસ્ત્રીના હાથપગ શિથિલ થયા હતાં આંખો ઊંડી ઉતરી ગઈ હતી, છતાં એ આંખોમાં વિદ્યાની તેજસ્વી ઝીણી જ્યોત
ઝબકતી હતી. એમનાં કાનોમાં ગગનચુંબી રુદ્ર મહાલયનાં શિખરો ઘડતા ટાંકણાનાં અવાજો સંભળાતા હતાં. આ મહાલયમાં રુદ્રપૂજાનો ઘંટારવ સંભાળવા અને મહાઆરતીની આશકા લેવા નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃત્યુને પણ પાછું ઠેલવા ઈચ્છતા હતાં.
પણ આ તો ભવ્ય મહાલય ! આનું કાર્ય પૂર્ણ થતાં તો વર્ષો લાગે ! હજુ તો એકજ માળનું કાર્ય થયું હતું અને મૂળરાજ મૃત્યુ પામ્યા. જતાં જતાં પણ એ જય રુદ્ર ! જય રુદ્ર ! બોલતાં હતાં. અને કહેતાં હતાં કે જે મારી અભિલાષા પુરી કરશે એ અપૂર્વ રાજકીર્તિ મેળવશે.
રાજતેડું આવતાં જ શાસ્ત્રીજી પુત્ર સાથે પાટણ ગયા.માળવાનાં મહાન જ્યોતિષાચાર્ય માર્કંડ શાસ્ત્રીને પણ આમંત્રણ આપી તેડાવવામાં આવ્યાં. રુદ્રમાળ માટે સિદ્ધપુર નજીક જ નવી ભૂમિ અને નવેસરથી ખાત મુહૂર્ત ની વિધી કરવામાં આવી. આચાર્ય માર્કંડનાં માર્ગદર્શન હેઠળ કાર્ય શરૂ થયુ. " ખાડો હજુ સવા ગજ ઊંડો કરો" આવી સૂચના મળી. "વિસ્તાર મારા કહ્યા પ્ર
માણે જ થાય એનું ધ્યાન રાખજો. આ સિદ્ધિ ઘટિકા છે. રાખેલા દંડની છાયા પર નજર રાખજો અને હું કહું કે તરતજ આ સુવર્ણખીલો જમીનમાં ઠોકી દેજો".....અને
માર્કંડશાસ્ત્રીની સૂચના મુજબની નિર્ધારિત પળે જ ધરતીમાં સુવર્ણખીલી ખોડાઈ ગઈ.
માર્કંડ શાસ્ત્રી બોલ્યા : ધન્ય ! ધન્ય ભાગ્ય સૌના. રાજન ! આ રુદ્ર મહાલયને હવે કોઈ કાળ પણ સ્પર્શી શકશે નહીં.
તે યાવદચંદ્રદિવાકરૌ શોભશે.
રાજાએ પુછ્યું, માર્કંડજી, શા પરથી તમે આમ કહો છો ?
માર્કંડજીએ કહ્યુ મહારાજ , ખીલી શેષના માથે વાગી છે. આ પળ સ્થિર થઈ ગઈ. એને હવે ઉત્પત્તિ કે ક્ષય ન હોય.
રાજા જયસિંહ બોલ્યા આચાર્ય જેનો ક્ષય ન હોય એવી તો કોઈ ઉત્પત્તિ બ્રહ્માજીએ સર્જી જ નથી.
માર્કંડજી બોલ્યા મહારાજ , મારી જ્યોતિષ ગણતરી મુજબનું મુહૂર્ત મિથ્યા ન હોય. પ્રલયકાળનાં મોજા આ મહાલયનાં પગથિયાં પખાળશે. રાજા ખીલી શેષને માથે વાગી છે.
રાજન કહે અરે ! ક્યાં પ્રલયકાળ ? ક્યાં શેષનું માથું ? ક્યાં આ તળપાતાળ અને આ વેંતની ખીલી ? માર્કંડજી મારા માન્યામાં તો આ વાત આવતી નથી. કોઈ પ્રમાણ બતાવો તો માનું.
માર્કંડજીએ કહ્યુ કે રાજન આ વિદ્યાના પારખા ન કરો તો સારુ.
રાજા જયસિંહ કહે માર્કંડજી મારે તો પ્રમાણ જોવું છે જો તમે બતાવી શકો તો !
માર્કંડજી બોલ્યા કે મહારાજ તો પછી આ ખીલી કાઢો અને જુઓ રક્તધારા છૂટશે.
ઘણીવાર સુધી ચર્ચા વિચારણાને અંતે પણ મહારાજા જયસિંહે રાજહઠ ન મુકી ત્યારે માર્કંડ શાસ્ત્રીએ કહ્યુ કે " તો ભલે, આ ખીલી ખેંચીને સહેજ રક્ત દેખાય કે તરતજ પાછી દાબી દો."
ખીલી ખેંચાઈ....... ને તરતજ પાછી દબાઈ ત્યાં તો મહારાજ જયસિંહના વસ્ત્રો પર રક્તધારા છંટાઈ ગઈ. ખીલી પાછી દબાઈ ગઈ.
રાજા જયસિંહ આશ્ચર્યચકિત થઈ માર્કંડજી તરફ જોયું. પણ માર્કંડજી વિષાદગ્રસ્ત હતાં. એ બોલ્યા: "મહારાજ ખીલી ખેંચાઈને પાછી દબાઈ ગઈ તેટલી ક્ષણોમાં શેષનાગ તો સરકી ગયો. પછી તો ખીલી માથે નહીં પુછડે વાગી."
રાજા જયદેવસિંહ બોલ્યા તો પરિણામ ?
માર્કંડજી કહે અધિશ્વર ! પરિણામ એ જ કે આપના અંગ પર શેષનાગની રક્તધારાનો અભિષેક થયો એટલે આપ અજિત તો બનશો. પણ......
જયસિંહ બોલ્યા પણ......?
માર્કંડજી કહે પણ.... તમારી કીર્તિ પર કલંકનાં છાંટા રહેશે. અને આ રુદ્રમાળ સંપૂર્ણ થશે પણ કાળે કરીને એનો વિનાશ થશે. તેનો ઘંટારવ રૂંધાઈ જશે. મહાલયનાં પથ્થર પથ્થર પર ઘણના ઘા પડશે. તેનાં વૈભવ ને મહિમા વિલુપ્ત થઈ જશે. અને રહેશે તો માત્ર એની સ્મૃતિનું ખંડેર.
આ છે માત્ર દંતકથા પણ રોમાંચક ! રુદ્ર મહાલયનાં અવશેષ આગળ ઊભા રહી સાંભળીએ ત્યારે હકીકતમાં આવું બન્યુ હશે એ વિચારતા જ રોમ રોમ ખડા થઈ જાય.