Lata Bhatt

Classics

3  

Lata Bhatt

Classics

નવરાત્રિ

નવરાત્રિ

17 mins
17K


પ્રાચીન સમયમાં જમ્બુદ્વીપ, ભરતખંડ, આર્યાવર્ત કે હિંદના નામથી ઓળખાતો અને આધુનિક વિશ્વ જેને ભારત, ઈન્ડિયા અથવા હિંદુસ્તાનના નામથી ઓળખે છે, તે આપણો દેશ પોતાની આગવી સંસ્કૃતિથી વિશ્વમાં અનોખી ભાત પાડે છે. આપણી માતૃભૂમિ દેવો, ૠષિમુનિઓ અને મહાપુરુષોના ચરણરજથી પાવન થયેલી છે અને એ મહાપુરુષોના અમૂલ્ય જ્ઞાનના વારસાને કારણે આધ્યાત્મિક ઉન્નતિ માટે આખા વિશ્વની મીટ આપણાં તરફ મંડાયેલી રહે છે. અજબનું ઘેલુ લગાડ્યું છે આપણાં દેશની સંસ્કૃતિએ વિશ્વને ..માનસિક શાતિ અને આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં અનેક વિદેશીઓ આપણા દેશની મુલાકાત લે છે. એ સંસ્કૃતિના ધરોહર સમા તહેવારોને તે કેમ ભૂલાય?

ભારતમાં જેટલા તહેવાર ઉજવાય છે, તેટલા ભાગ્યેજ વિશ્વના અન્ય કોઇ દેશમાં ઉજવાય છે. એટલે જ ભારત માટે કહેવાય છે ને કે ઇન્ડિયા ઇઝ આ લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ. જેની કૃતિને જર્મન કવિ ગેટે માથે મૂકીને નાચ્યા હતા, તે સંસ્કૃતના મહાકવિ કાલીદાસે પણ કહ્યું છે ને ઉત્સવપ્રિય ખલુ જના: (માનવી ખરેખર ઉત્સવપ્રિય છે.) આપણાં દેશમાં પર્યાવરણદિન, મહિલાદિન જેવા સામાજિક અને પંદરમી ઓગષ્ટ, છવ્વીસમી જાન્યુઆરી, ગાંધીજયંતિ જેવા રાષ્ટિય તહેવાર પણ ઉજવાય છે. તો દિવાળી, નવરાત્રી, ઇદ, નાતાલ, પર્યુષણ જેવા અનેક ધાર્મિક તહેવારો ઉજવાય છે. દરેક તહેવારને પોતાનું આગવું મહત્વ છે. સંસ્કૃતિના આદાનપ્રદાનમાં માનતા આપણાં દેશે પાશ્ચાત્ય દેશના અનેક તહેવારોને અપનાવ્યા છે, તો આપણાં તહેવારો પણ અનેક માધ્યમથી વિદેશની ધરતી પર ઉજવાતા જોવા મળે છે એવો જ એક તહેવાર છે નવરાત્રિ.

નવરાત્રિ એટલે નવ રાત્રિનો સમૂહ –દ્વિગુ સમાસ. નવરાત્રી કે નવરાત્રને સંસ્કૃત, હિન્દી, મરાઠી અને નેપાળીમાં नवरात्रि, બંગાળીમાં নবরাত্রি, કન્નડમાંನವರಾತ್ರಿ, તેલુગુમાં దుర్గా నవరాత్రులు, મલયાલમમાં: നവരാത്രി અને તમિલમાં நவராத்திரி કહે છે

નવરાત્રિ એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી - નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મનુષ્યોના મન ઉપર દૃષ્ટ વિચારોનું સામ્રાજ્ય રાતના સમયે ઘણું વ્યાપતું હોય છે. જોગી, ભોગી અને રોગી મોટેભાગે રાતે જાગતા હોય છે. સાધકને આપણો સમાજ જોગી ગણે છે. તેથી સાધકે રાત્રે જાગીને પોતાની સાધના પાર પાડવી જોઇએ. સાધક મોટેભાગે સાત્વિક વિચારસરણી ધરાવતો હોવાથી તે જ્યારે રાતના અંધકારમાં સાધના કરવા બેસતો હોય છે ત્યારે તેનું મન પવિત્રતાની સર કરતું હોય છે. રાતના સમયે જગતનો લગભગ તમામ જીવ જ્યારે સૂતો હોય છે ત્યારે યોગીઓ પોતાની સાધના કરવા જાગતા હોય છે. ઉપસનામાં સાધનાનું મહત્વ કરતા સાવધાનીનું મહત્વ વિશેષ હોય છે. જો સાધક પોતાની સાધનામાં સહેજ પણ ગાફેલ હોય તો તેનું પતન થતાં સહેજેય વાર લાગતી નથી. સાત્વિક મનુષ્યો સાત્વિક પૂજન કરે છે. તામસી લોકો પોતાને શક્તિ મળે તે માટે આસુરી પૂજા કરતાં હોય છે. તો રાજસી વૃત્તિ ધરાવતા લોકો મિશ્ર પૂજા કરતાં હોય છે. આ જગતમાં સૌ પોતપોતાની પ્રકૃતિ અનુસાર શક્તિ ભક્તિ કરતાં હોય છે. પરંતુ આ તમામ બાબતોમાં એક જ વસ્તુ મુખ્ય હોય છે તે એ છે કે જે તે સાધક કે ઉપાસક પોતપોતાને માટે પોતાની પ્રકૃતિ અનુસાર શક્તિ મેળવીને તેનો યોગ્ય કે અયોગ્ય ઉપયોગ કરે. દરેક મનુષ્યે નોરતાની નવ રાતમાં શક્તિ ઉપાસના કરવી જ જોઇએ. તે કરવાથી જે તે ઉપાસક કે સાધકમાં શક્તિનો સંચય થાય છે જેના પ્રભાવથી તે અલૌકિક શક્તિનો માલિક બને છે. આ અલૌકિક શક્તિ જ તેને જીવનમાં ઊંચા આસને બેસાડે છે. આ જગતમાં શિવ અને શક્તિનું પ્રભુત્વ છે. જીવ માત્ર કાં તો શિવ છે કાં તો શક્તિ છે તેથી તેણે પોતાની પ્રકૃતિ ઓળખીને જે તે સાધના કરવી જોઇએ.

ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે. આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે 'દસ દિવસ' એ નવરાત્રી પછીનો દિવસ છે. નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે, આ દસ દિવસોમાં, માતા મહિષાસુર-મર્દીની (દુર્ગા)ના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ આ પ્રમાણે છે . વસંત નવરાત્રી અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે. જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી) ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.

૪(વૈકલ્પિક). માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ - અજવાળીયું) દરમ્યાન કરાય છે.

વસંત નવરાત્રી:

વસંત ઋતુ (ઉનાળાની શરૂઆત) (માર્ચ-એપ્રિલ) દરમિયાન આ ઉત્સવની ઉજવણી થાય છે. તેને ચૈત્ર કે ચૈત્રી નવરાત્રી પણ કહેવાય છે, કારણકે કે ચૈત્ર માસમાં આ ઉત્સવ આવે છે.

વસંત નવરાત્રીની પાછળ તેની એક મૂળ વાર્તા રહેલી છે,

કેટલાય સમય પહેલા, રાજા ધ્રુવસિંહ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે એક સિંહે તેમને મારી નાખ્યા. રાજકુમાર સુદર્શનના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રાણી લીલાવતીના પિતા, ઉજ્જૈનના રાજા યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા, કલિંગના રાજા વીરસેન કોસલાને પોતપોતાના પૌત્ર માટે સલામત રાખવા માટે આતુર હતા. તેઓએ એકબીજા સાથે લડાઇ કરી. આ યુદ્ધમાં રાજા વીરસેનનું મૃત્યુ થયું. મનોરમા રાજકુમાર સુદર્શન અને એક નપુંસકની સાથે જંગલમાં ભાગી ગઇ. તેઓએ ઋષિ ભારદ્વાજના આશ્રમમાં શરણ લીધું. કૌષલની રાજધાની અયોધ્યા ખાતે, વિજેતા રાજા યુદ્ધજીતના પૌત્ર શત્રુજીતને તાજ પહેરાવવામાં આવ્યો. પછી તે મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળી પડ્યો. ઋષિએ કહ્યું કે જેમણે તેમની રક્ષાની માંગ કરી છે તેવા લોકોને તે નહીં આપે. આ સાંભળીને યુદ્ઘજીત ક્રોધે ભરાયો. તે ઋષિ પર હુમલો કરવા ઇચ્છતો હતો પણ તેના મંત્રીએ ઋષિના કથન અંગેની હકીકત કહી. યુદ્ધજીત તેની રાજધાનીમાં પાછો ફરે છે.

રાજકુમાર સુદર્શન પર ભાગ્યની મહેર થઈ. એક દિવસ એક સંન્યાસીનો પુત્ર આવ્યો અને તે નપુંસકને તેના સંસ્કૃત નામ કલીબાના નામે બોલાવ્યો. રાજકુમારે તેનો પહેલો શબ્દ કલી પકડી તેનું ક્લિમ્ તરીકે ઉચ્ચારણ કરવાનું શરૂ કર્યું. આ શબ્દ એક શક્તિશાળી, પવિત્ર મંત્ર હતો. તે દેવીમાતાનો બીજ અક્ષર (મૂળ શબ્દ) છે. આ શબ્દનું વારંવાર ઉચ્ચારણ કરવાથી તેને દેવીમાતાની કૃપા અને મનની શાંતિ પ્રાપ્ત થઈ. દેવી તેની સામે પ્રગટ થયા, અને તેમણે સુદર્શનને આર્શીવાદ સાથે એક પવિત્ર શસ્ત્ર અને એક અક્ષય ભાથો આપ્યો. ઋષિના આશ્રમ પાસેથી પસાર થતા વારાણસીના રાજાના એક જાસૂસે જ્યારે કુલીન રાજકુમાર સુદર્શનને જોયો ત્યારે તેમણે વારાણસીના રાજાની પુત્રી શશિકલા માટે આ રાજકુમારની ભલામણ કરી.

રાજકુમારીના સ્વયંવરની તૈયારી કરવામાં આવી. શશિકલાએ ત્યારે સુદર્શનને પસંદ કર્યો. યથા સમયે તેમના લગ્ન થયા. રાજા યુદ્ઘજીત જે આ સમારોહમાં હાજર હતા તેમણે વારાણસીના રાજા સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. દેવીએ સુદર્શન અને તેના સસરાની મદદ કરી. યુદ્ધજીતે તેણીનો ઉપહાસ ઉડાવ્યો, જેનાથી દેવીએ તે જ ક્ષણે યુદ્ધજીત અને તેના લશ્કરને રાખમાં ફેરવી દીધા. જેથી સુદર્શને તેની પત્ની અને સસરા સાથે દેવીની પ્રશંસા કરી અને દેવી ખૂબ જ ખુશ થઇ અને તેમણે આ લોકોને વસંત પંચમીના સમયે અન્ય હેતુ અને હવન સાથે તેમની પૂજા કરવાનું કહ્યું. ત્યારબાદ તે અદ્રશ્ય થઈ ગયા. રાજકુમાર સુદર્શન અને શશિકલા ઋષિ ભારદ્વાજના આશ્રમમાં પાછા ફર્યા. મહાન ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા અને સુદર્શનનો કૌષલના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો. સુદર્શન અને શશિકલા અને વારાણસીના રાજા સર્વથા દેવી માતાના હુકમ મુજબ વસંત નવરાત્રીના સમયે ભવ્ય રીતે દેવીની પૂજા કરતા રહ્યા. સુદર્શનના વંશજો, જેમ કે શ્રી રામ અને લક્ષ્મણ પણ શરદ નવરાત્રી દરમિયાન દેવીની પૂજા કરી હતી અને તેમની મદદ અને આશીર્વાદથી તે સીતાને પાછી મેળવી શક્યા હતા.

શરદ નવરાત્રી:

અશ્વિન/આસો મહિનાના અજવાળીયા પક્ષમાં તેની શરૂઆત થાય છે. નવરાત્રી ઉત્સવની ઉજવણી સુદ પખવાડીયામાં પ્રતીપદાથી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્ય-વકના કહેવામાં આવ્યું હતું. નવરાત્રી દરમ્યાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરા પર આધારિત હોય છે.

• દુર્ગા, જે અપ્રાપ્ય છે તે

• ભદ્રકાલી

• અંબા કે જગદંબા, વિશ્વમાતા

• અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે.

• સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.

• ભૈરવી

• ચંદ્રિકા કે ચંડી

• લલિતા

• ભવાની

• મોકામ્બિકા

ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી થાય છે, શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં તમામ ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. ચૈત્ર નવરાત્રીનો અંત રામનવમીથી થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખુબ જ પ્રખ્યાત છે.

પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળના રાજ્યમાં વિશેષ રીતે ઉજવવામા આવે છે, જે તેઓ દુર્ગા પૂજા કહે છે. આ રાજ્યમાં તે ઉત્સવને વર્ષનો સૌથી મોટો ઉત્સવ કહેવાય છે. દુર્ગા દેવીની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનો વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે. આ મૂર્તિઓની પૂજા પાંચ દિવસ માટે કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના લોકનૃત્યથી થાય છે. ગુજરાતમાં વિદેશમાંથી લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા આવે છે. તે ભારતભર અને યુકે (UK) અને યુએસએ (USA)ની સાથોસાથ દુનિયાભરના ભારતીય સમુદાયોમાં લોકપ્રિય છે.

ગોવામાં નવરાત્રી દરમ્યાન જાત્રાની શરૂઆત થાય છે. આખા એન્ટ્રીઝ (ફોન્ડા)ને અતિશય સજાવવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે. મૂર્તિઓને વસ્ત્રો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે, તેમના પર ચંદન, હળદર, કંકુ લગાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ભક્તોને ખાસ દર્શન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલ પ્રસાદ માટે રાહ જોતા હોય છે, કારણકે આ પ્રસાદ ભગવાન અને દેવીને પણ આપવામાં આવતો હોવાથી તેનું ભક્તોમાં બહુ મહત્વ છે. દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે, આ ફૂલોને બદલવામાં નથી આવતા. ઉત્સવની છેલ્લી રાતે આ ફૂલોને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણની દશ મૈત્રિકા (ગોવાની દસ બહેનો)ની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવીને તેમની પૂજા કરવામાં આવે છે - આ દેવીઓના નામ આ મુજબ છે, શાન્તાદુર્ગા, આર્યદુર્ગા, મહાલાસા, કાત્યાયાની, મહામાયા, કામાક્ષી, વિજયાદુર્ગા, ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા. દક્ષિણ ભારતમાં, લોકો પગથિયા ગોઠવે છે અને તેની પર દેવીની મૂતિઓ મૂકે છે. તેને ગોલુ તરીકે ઓળખવામાં આવે છે. ગોલુની લાક્ષણિક છબીઓને તમિલનાડુની શૈલીમાં ભારતના મહારાષ્ટ્રના નવી મુંબઇના નેરુલના ઘરમાં બાજુની જગ્યામાં રજૂ કરવામાં આવે છે.

કેરળમાં, શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે અષ્ટમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે જેમાં ચોપડીઓની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે તેઓ પોતાના ઘર, પરંપરાગત બાળવાડીઓ કે મંદિરમાં પુસ્તકો મૂકી તેની પૂજા કરે છે. વિજયાદશમીના દિવસે, સરસ્વતીની પૂજા બાદ ચોપડીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે. વિજયાદશમીને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે, તેને વિદ્યાઆરંભ પણ કહેવાય છે. કેરળમાં આ દિવસે દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થાય છે.

આંધ્ર પ્રદેશમાંથી છૂટા તેલગાંણા રાજ્યમાં નવ દિવસોના આ સમયમાં બથુકામ્મા નામનો ઉત્સવ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે એક નવરાત્રી ઉત્સવ જેવા જ હોય છે. નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.

પ્રથમ ત્રણ દિવસો-દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ. જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે. બીજા ત્રણ દિવસો-માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે. અંતિમ ત્રણ દિવસો-અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવરાત્રીની પૂજા કરવામાં આવે છે.

બંગાળમાં નવરાત્રી ના આઠમાં દિવસને પરંપરાગત રીતે દુર્ગાઅષ્ટમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટો તહેવાર છે નવરાત્રી વખતે જ આવતી બંગાળની દુર્ગાપૂજા ગુજરાતની નવરાત્ર જેટલી જ પ્રસિદ્ધ છે. જોકે દુર્ગાપૂજા નવરાત્રી જેટલી લાંબી નથી હોતી અને તેમાં રાસ-ગરબાની રમજટના સ્થાને નૃત્યને વધારે મહત્ત્વ અપાય છે. પણ બન્ને તહેવારો પાછળ ભાવ એક જ છે : દેવીની આરાધનાનો.. દુર્ગાપૂજામાં ભાગ લેવા બંગાળીઓ જેટલા ઉત્સાહી હોય છે, એટલા જ ઉત્સાહી પ્રવાસીઓ પણ હોય છે. એટલે દેશ-વિદેશમાંથી ખાસ દુર્ગાપૂજા વખતે પ્રવાસીઓ બંગાળમાં ઠલવાઈ પડે છે. બંગાળ બહાર દેશના ઘણા મોટા શહેરોમાં નિયમિત રીતે દુર્ગાપૂજા ઉત્સવ ઊજવાય છે. બંગાળી મહિલાઓ દુર્ગાપૂજાના આખરી દિવસે ખાસ પ્રકારની સફેદ અને લાલ કલરનું પ્રભુત્વ ધરાવતી સાડી પહેરે છે. એ સાડી માટે મોટી રકમ ખર્ચતા પણ મહિલાઓ અચકાતી નથી. આ ઊજવણી સિંદુર ખેલા નામે જાણીતી છે. એક સમયે બંગાળમાં દુર્ગાપૂજા વખતે પશુ બલિ પણ ચડાવાતા હતા. હવે એ પ્રથા બહુદ્યા બંધ થઈ ચૂકી છે.

દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં, નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના (નવ) દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે, જેને બહું ધૂમધામથી ઉજવાય છે. શસ્ત્રો, ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વહાનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે. બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ૧૦મા દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો/શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે.

ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઇ (રામ)ની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમ્યાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે.

નવરાત્રી દરમ્યાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.

ધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને (જેને ગુજરાતીમાં ગરબી કહે છે) ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપન પણ કહેવાય છે. નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વનાં પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ, ઉ.દા તરીકે શ્રી દુર્ગાદેવી. નવરાત્રીના સમયે, વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે.

ભારતીય સમાજોમાં નવરાત્રી મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા ૯ સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી માહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે.

આઠમા કે નવમાં દિવસે કન્યા પૂજામાં, કુમારિકાઓની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિમાં લગભગ દરેક ઘરમાં ગરબાનું સ્થાપન થાય છે. કુમારિકાઓથી માંડીને વૃધ્ધો સૌને માટે ગરબો અત્યંત મહત્ત્વ ધરાવે છે. તે ગરબામાં મુઠ્ઠી મગની મુકી, માથે કોડીયુ મુકી, દીવો કરવો અને દીવાનો પ્રકાશ ગરબાના છીદ્રોમાંથી બહાર ફેલાય તેનો એક આહલાદક અનુભવ ગરબો પ્રગટાવનારા કરે છે. મોટાભાગે માટીના ગરબાનું સ્થાપન થાય છે. અમુક ઘરોમાં ધાતુના ગરબા કાયમ માટે વસાવાયા હોય છે. આ નવ દિવસ સાધકો, ઉપાસકો પોતપોતાની સાધના ઉપાસનમાં તન્મય થઇ જતાં હોય છે. તેઓ અનુષ્ઠાનના રૂપમાં માની ભક્તિ કરીને સાધના કરતાં હોય છે. ઉપવાસ રાખે છે. હવન કરે છે. જે ઉપાસક પોતે હવન કરી શકતા નથી તે બીજા કોઇ વિદ્વાન ભૂદેવ પાસે હવન કરી લેતા હોય છે. આ રીતે તેઓ પોતાના અંતર્મનનીય યાત્રા કરીને પોતાની આત્મશક્તિમાં વધારો કરતાં જોવા મળે છે.

માતા દ્વારા જ જીવનની શરૂઆત થાય છે, પાલન અને પોષણ થાય છે. આગળ વધે છે, ઊંચાઈઓ સુધી પહોંચે છે. આ રીતે જન્મ પછી શરીરથી અલગ થઈ માતૃશક્તિથી કોઈ અલગ નથી થતું. માતા કર્મ, વિચાર અને ઊર્જાને નિયંત્રણ કરનાર છે. આ કારણે જ હિન્દુધર્મમાં શક્તિ ઉપાસનાનું મહત્વ બતાવાવમાં આવ્યું છે. હિન્દુ નવવર્ષની શરૂઆત પણ નવદુર્ગાની ઉપાસનાથી થાય છે. ચૈત્ર માસના પહેલા નવ દિવસોમાં માતૃશક્તિને નવ અલગ-અલગ રૂપોનું સ્મરણ કરવામાં આવે છે. વાસ્તવમાં માતાના આ નવ રૂપ સ્ત્રીરૂપના અલગ-અલગ રૂપોને પ્રગટ કરે છે. જાણો નવરાત્રિના આ ખાસ અવસરે નવદુર્ગાના આ રૂપો સાથે જોડાયેલ સંદેશાઓને....

શૈલપુત્રી

મા દુર્ગામ્બાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે, જે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ તેમના મસ્તક પર ચંદ્ર દ્રશ્યમાન છે. તેમનું વાહન વૃષભ છે. નવરાત્રિના પ્રથમ દિવસે આ શક્તિ સ્વરૂપનું પૂજન-અર્ચન થઇ શકે છે.

ઉપાસના મંત્રો

- ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની

ભુક્તિ, મુક્તિ દાયિની, શૈલપુત્રીં નમામ્યહમ્

- ‘ઓમ્ હીઁ, શ્રી કલીઁ શૈલપુત્રયૈ નમ:

બ્રહ્નચારિણી

માનું બીજું સ્વરૂપ બ્રહ્નચારિણી માતાનું છે. સચ્ચિદાનંદમય બ્રહ્નસ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ એમનો સ્વભાવ છે. તેઓ ગૌરવપૂર્ણ ધરાવનાર અને પૂર્ણ જ્યોતિર્મય છે. જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. નવરાત્રિના બીજા દિવસે આ શક્તિ સ્વરૂપનું પૂજન-અર્ચન સાધના થઇ શકે છે.

ઉપાસના મંત્રો:

- શંકરપ્રિયા ત્વં હિ, ભુક્તિ-મુક્તિ દાયિની,

શાંતિદા-માનદા, બ્રહ્નચારિણી પ્રણમામ્યહમ્.

- ‘ઓમ્ ર્હીં, ર્શ્રીં કલીઁ, બ્રહ્નચારિણ્યૈ નમ:’

ચંદ્રઘંટા

માનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે. જેની ઘંટામાં આહ્લાદકારી ચંદ્ર છે. વર્ણ સુવર્ણ જેવો ચમકદાર છે. તેમને દશ ભુજાઓ છે. જેમાં ખડગ, બાણ આદિ શસ્ત્રો છે. નવરાત્રિના ત્રીજા દિવસે આ દુર્ગામ્બાનું પૂજન-અર્ચન સાધના થઇ શકે છે.

ઉપાસના મંત્રો:

- નાના રૂપ ધારિણી, ઇચ્છામયી

ઐશ્વર્યદાયિનીમ્ સૌભાગ્યારોગ્ય દાયિની, ચન્દ્રઘન્ટે પ્રણમામ્યહમ્

- ‘ઓમ્ ઐઁ ર્હીં, ચંદ્રઘન્ટે હૂં ફટ્ સ્વાહા.’

કૂષ્માંડા

કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં દુર્ગા માતાનું ચોથું સ્વરૂપ કૂષ્માંડા માતાનું છે. જેમને અષ્ટભુજાઓ છે જેમાં તેમણે અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. વાઘ પર બિરાજમાન છે. ચતુર્થ દિને તેમનું પૂજન-અર્ચન અને સાધના થઇ શકે છે.

ઉપાસના મંત્રો:

- ત્રૈલોક્ય સુંદરી ત્વં હિ, દુ:ખ શોક નિવારિણીમ્

પરમાનન્દમયી, કૂષ્માંડે, પ્રણમામ્યહમ્

- ‘ઓમ્ કૂં કૂષ્માંડે મમ્ ધન-ધાન્ય,

પુત્ર દેહિ દેહિ સ્વાહા’

સ્કંદમાતા

મા ભગવતીનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું છે. ત્રિનેત્રી અને ચાર ભુજા ધરાવનાર મા સિંહ પર સવાર છે. પાંચમા દિને તેમનું પૂજન-અર્ચન-સાધના થઇ શકે છે. પુત્ર-પ્રાપ્તિ માટે માની ઉપાસના વિશેષ ફળદાયી છે.

ઉપાસના મંત્રો

- શાંતિં કુરૂ સ્કંદમાતે, સર્વ સિદ્ધિપ્રદાયક

ભુક્તિ-મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા

- ‘ઓમ્ ઐઁ કર્લીં, ર્હીં, સ્કંદમાતે હૂં હૂં ફટ્ સ્વાહા’,

- ‘ર્હીં ઐઁ, કર્લીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા’

કાત્યાયની

દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થઇ મા સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યાં. માનું આ છટ્ટું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે. માનું વાહન સિંહ છે. છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળું નષ્ટ થાય છે.

ઉપાસના મંત્રો

- વિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતા

વિશ્વાર્ચિતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે

- ‘ઓમ્ કાં કાં કાત્યાયની સ્વાહા’

કાલરાત્રિ

માનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાનું છે. મા કૃષ્ણ વર્ણનાં છે. ત્રણ નેત્રો છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોચ્છ્વાસમાં અગ્નિ જવાળાઓ પ્રકટે છે. ગદર્ભ પર બિરાજિત છે. સાતમા દિવસે માનું પૂજન-અર્ચન-સાધના કરવાથી ભૂત-પ્રેતાદિથી તથા જળથી રક્ષણ થાય છે.

ઉપાસના મંત્રો

- ‘કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્, ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્

- ‘ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા’

મહાગૌરી

માનું આ આઠમું સ્વરૂપ ગૌરવર્ણ છે. વસ્ત્ર, આભૂષણ આદિ શ્વેત છે. સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજિત છે. ચાર ભુજાઓમાં માએ અભયમુદ્રા, ત્રિશૂળ, ડમરુ અને ચોથામાં વરમુદ્રા ધારણ કરેલ છે. આઠમા દિવસે આ સ્વરૂપની આરાધના કરવાથી સઘળાં સંતાપો અને પાપોનું શમન થાય છે.

ઉપાસના મંત્રો

- શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ, મુક્તિ, દાયક દેવી, નમસ્તે, નમસ્તે સ્વાહા

- ‘ઓમ્ કર્લીં, હૂઁ, મહાગૌર્યે ક્ષૌં,

ક્ષૌં, મમ સુખ-શાંતિ કુરુ કુરુ સ્વાહા’

સિદ્ધિદાત્રી

માનું નવમું સ્વરૂપ સિદ્ધિ અને મોક્ષ આપનારું હોવાથી ‘સિદ્ધિદાત્રી’ તરીકે ઓળખાય છે. મા કમળના આસન પર બિરાજિત છે. નવરાત્રિના નવમા દિવસે-અંતે આ સ્વરૂપની આરાધના કરનારને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

ઉપાસના મંત્રો

- શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા

- ‘ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા’.

એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો નિયમિત પાઠ વિધિ- વિધાનથી કરવામાં આવે તો માતા બહુ પ્રસન્ન થાય છે. દુર્ગા સપ્તશતીમાં ( 700) પ્રયોગ છે જે આ પ્રકારે છે – મારણના 90, મોહનના 90, ઉચ્ચાટનનાં બસો (200), સ્તંભનનાં બસો (200), વિદ્રેષણના સાઠ (60) અને વશીકરણના સાઠ (60) આ કારણથી તેને સપ્તશતી કહેવામાં આવે છે. ૭૦૦ મંત્રથી પૂર્ણ છે દુર્ગાસપ્તશતી જ્યારે બીજા મનુનુ આધિપત્ય ચોગરદમ ફેલાયેલું હતું. ત્યારે ચૈત્ર વંશનો રાજા સુરથ રાજ્ય કરતો તો. તેના પાડોશી રાજાઓએ તેના રાજ્ય પર હુમલો કરતાં તથા તેના મંત્રીઓ દ્વારા તેને દગો થતાં તે મહેલ છોડી વનમાં ચાલ્યો જાય છે. તે મેઘાઋષિના આશ્રમમાં આશરો લે છે. આ આશ્રમમાં સુરથ રાજાને સમાથિ નામનો વૈશ્ય (વાણિયો) મળે છે. બન્ને સમદુ:ખિયા હોઇ મેઘાઋષિને પોતાની સમસ્યા જણાવે છે. તેથી તેમના ચિત્તની શાંતિ માટે ઋષિ તેમને ભગવતી મહામાયા વિશે ત્રણ ભાગમાં જણાવે છે. જેના પ્રથમ ભાગમાં વિષ્ણુ ભગવાનના કાનમાંના મેલમાંથી ઉત્પન્ન થયેલા અસુરો મધુ અને કૈટભનો નાશ બીજા ભાગમાં મહિષાસુરના નાશની વાત તથા ત્રીજા ભાગમાં શુભ-નિશુંભ નામના દૈત્યના નાશની વાત કરવામાં આવે છે. જે સુરથ સમાધિને જણાવે છે. પ્રથમ ભાગમાં પ્રલય બાદ શ્રી હરિ વિષ્ણુ શેષશૈયા પર સુતા હતાં. તે સમયે તેમની યોગનિદ્રા હતી ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે રાક્ષસ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતાં જ નાભિકમળમાં રહેલા બ્રહ્માને મારવા ઉદ્યમ આદરે છે. તે વેળા બ્રહ્માજી ભગવતી યોગનિદ્રાની સ્તુતિ કરે છે. વિષ્ણુ ભગવાન પરથી યોગનિદ્રાનું પ્રભુત્વ ઘટતા વિષ્ણુ ભગવતીની સહાય વડે મધુ અને કૈટભનો નાશ કરે છે.

બીજા ભાગમાં જણાવ્યું છે કે મહિષાસુર નામનો અતુલ પરાક્રમી રાક્ષસ પોતાની અદમ્ય શક્તિથી ત્રિલોક જીતીને ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લે છે. બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢે છે. બધા દેવો બ્રહ્માને લઇને વિષ્ણુ તથા શિવજી પાસે જાય છે. તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુ તથા શિવ ક્રોધે ભરાય છે. તે બન્ને શરીરમાંથી તેજ પ્રકટે છે. આ બધું જ તેજ એકત્ર થતાં તેનું દિવ્ય દૈવી સ્વરૂપ પ્રકટે છે. આ દેવીને બધા દેવોએ અસ્ત્રશસ્ત્ર આપ્યા. આ શક્તિએ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરતાં જ ભયંકર અટ્ટહાસ્ય કર્યું. હાસ્ય સાંભળીને મહિષાસુર ભય પામીને દેવી પર આક્રમણ કરે છે. દેવી તથા તેમના સિંહે મહિષાસુરના અનેક સેનાપતિનો નાશ કર્યો છે. આથી ભયભીત મહિષાસુર દેવી સાથે યુદ્ઘ લડે છે. છેવટે દેવી તેનો વધ કરે છે. ત્રીજા ભાગમાં જણાવ્યું છે કે પૂર્વે શુંભ તથા નિશુંભ નામના બે પરાક્રમી અસુરો દેવો સાથે યુદ્ઘ લડીને ઇન્દ્રલોક તથા ઇન્દ્રાસન પડાવી લીધા. બધા દેવ હિમાલય પર ભગવતીની પ્રાર્થના કરે છે. ભગવતી મા પાર્વતી ઉપસ્થિત થાય છે. તેમના સ્વરૂપમાંથી શિવ-શક્તિ પ્રગટ થાય છે. પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા તે અંબિકા કૌશિકી કહેવાયા. આ અંબિકા કૌશિકને ચંડ-મુંડ, શુંભ-નિશુંભના સેવકોએ જોયા. તેના સમ્રાટ શુંભ-નિશુંભને દેવીના અદ્ભૂત રૂપ વિશે જણાવ્યું. બન્ને અસુરો પોતાના દૂત દેવી પાસે મોકલે છે. તે નિષ્ફળ જતાં નિશુંભ-શુંભના પોતાના સેનાપતિઓ મોકલે છે. દેવી સાથે બધાનું યુદ્ઘ થાય છે. દેવી પ્રથમ રક્તબીજનો નાશ કરે છે. પછી શુંભ-નિશુંભને મારે છે. આમ અસુરોના નાશની કથા છે. છેલ્લે આ પાઠમાં દેવીના સ્વરૂપ, શસ્ત્ર-અસ્ત્ર, આભૂષણ વગેરે અંગે વિશદ છણાવટ છે. શ્રી દુર્ગા સપ્તશતીમાં આદ્યશક્તિના મહાકાલી-મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ત્રિગુણાત્મક સ્વરૂપની જેમ જ ચંડિકા વગેરે અનન્ય માતાઓની ઉત્પત્તિ અને તેમના મહાત્મ્યને ૭૦૦ શ્લોકોમાં જણાવેલ છે. જે માર્કંડૈય પુરાણમાં આવેલ છે. ચંડીપાઠમાં દેવ અપરાધ ક્ષમાપન સ્ત્રોત, સિદ્ઘકુંજિકાસ્ત્રોત, સપ્તશ્લોકી દુર્ગા વગેરે શ્લોકો આપ્યા છે. દુર્ગાસપ્તશતીમાં આવેલ સિદ્ઘ કુંજિકા સ્ત્રોત કર્યા વિના સપ્તશતીના પાઠ કરે તો સિદ્ઘિ પાપ્ત થતી નથી. માટે સિદ્ઘકુંજિકસ્ત્રોત અવશ્ય કરવું જોઇએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics