નૂતન વર્ષ: એક યાદગાર અનુભવ
નૂતન વર્ષ: એક યાદગાર અનુભવ
આ લેખ તમે વાંચી રહ્યા હશો ત્યારે નાતાલ-નૂતન વર્ષને ચાલ્યા ગયે ઘણા મહિનાઓ પસાર થઈ ગયા હશે. સમગ્ર વિશ્વના ખ્રિસ્તી લોકો માટે નાતાલ અને નૂતન વર્ષ વચ્ચેના દિવસોનુ અનેરું મહત્વ છે. આમ જોવા જઇએ તો નાતાલ આવ્યાના લગભગ એક મહિના પૂર્વે; ખ્રિસ્તી લોકો નાતાલ અને નૂતન વર્ષની તૈયારી કરવામાં લાગી જાય છે. મોટાભાગના લોકોનો અનુભવ હશે કે જે ખુશી આ દિવસો દરમિયાન અનુભવાય છે એ ખુશીની અસર સમગ્ર વર્ષ દરમિયાન અને કેટલાક કિસ્સામાં તો આખા જીવન દરમિયાન રહેતી હોય છે. માણસમાત્રને ખુશી કે સુખની પળો માણવી ગમતી હોય છે. વર્ષ 2021નું નૂતન વર્ષ મારા માટે ખરા અર્થમાં યાદગાર બની રહ્યું. નૂતન વર્ષના બે-ત્રણ દિવસો પૂર્વે જ અમને મામાના ઘેર આવવા માટેનું આમંત્રણ મળી ગયું હતું.
1 જાન્યુઆરી 2021ની સવારે લગભગ સાડા દસ વાગ્યે અમે મામાના ઘેર જવા માટે રવાના થઇ ગયા. મારી પાસેની સ્કૂટી સેકન્ડ હેન્ડ હોઇ તેની ઉપર ત્રણ જણ સવાર થઈ શકતા નથી. અને એટલે મેં મારા પપ્પાને કોઇ બસ કે રિક્ષામા બેસીને મામાના ઘેર પહોચવા જણાવ્યું. ત્યારબાદ હું અને મારી મમ્મી સ્કૂટી પર સવાર થઈ ગયા . મામીએ "આવો ત્યારે ગોદડીઓ લેતા આવજો" કહ્યું હતુ. અને એટલે અમે બે ગોદડીઓનુ એક પોટલું તૈયાર કરી દીધું હતુ. મેં આ પોટલાને સ્કૂટીના આગળના ભાગે પડી ન જાય એ રીતે ગોઠવી દીધું.
ખેર, અમે જ્યારે બાંધણી ચોકડીએ આવ્યા ત્યારે મારી મમ્મીએ મને કશુંક લેતા જવાની વાત કરી. આમેય અમે જ્યારે જ્યારે મામાના ઘેર જઇએ છીએ ત્યારે કંઇક ને કંઈક લેતા જઇએ છીએ. આ વખતે પણ કશુંક લેતા જવાનું વિચાર્યું. મેં મારી સ્કુટી યોગ્ય જગ્યાએ પાર્ક કરી. અને ફ્રૂટની એક લારીએ જઇ ચઢ્યો. મમ્મી પણ મારી પાછળ પાછળ આવી. મેં એક કિલો કેળા ખરીદ્યા. એ પછી હું અને મારી મમ્મી; સ્કૂટી પર સવાર થઈ આગળ વધ્યા. વાહનની ગતિમર્યાદા જાળવતા હું અને મારી મમ્મી મામાના ઘેર આવી પહોંચ્યા. મેં જોયું કે મામાનો છોકરો અનિલ સરસ મજાના કપડાં પહેરીને તૈયાર થઈ ગયો હતો. તેણે મને "હેપ્પી ન્યૂ યર" કહીને હાથ મિલાવ્યો.
એ દરમિયાન અમારા સંબંધીઓમાનુ જ એક નવ દંપતિ મામાના ઘરમાં આવ્યું. મારા મામાએ એમને પણ નિમંત્રણ પાઠવ્યું હતું. મામીએ જેવો નાસ્તો તૈયાર કર્યો કે મને બોલાવ્યો. એમણે મને પેલા નવદંપતિ માટે ચા- નાસ્તો લઇ જવા જણાવ્યું. મામા અને મામી રસોઇ કરવાના કાર્યમાં વ્યસ્ત હોઇ એમણે મને આ કામ સોંપ્યું હતું. મેં એમના કહેવા પ્રમાણે પેલા નવદંપતિ સમક્ષ ચા-નાસ્તો પેશ કર્યો. મને સરસ લાગ્યું. નાના નાના કામોમાં મદદનો હાથ લંબાવવાથી એક અજબ પ્રકારની ખુશીનો અનુભવ થાય છે.
થોડી વાર બાદ ખબર પડી કે અનિલ તો આણંદ જઇ રહ્યો હતો. એ પછી અમે ફળિયામાં તૈયાર કરેલ ગભાણ જોયું. પહેલાંની સરખામણીમાં હવે આપણા ખ્રિસ્તી લોકો વધુ ઉત્સાહી બન્યા છે. વિશેષ કરીને જ્યારે નાતાલ અને નૂતન વર્ષની ઉજવણીની વાત આવે છે ત્યારે આવશ્યક ઉત્સાહ દાખવીને સરસ કાર્યો પાર પાડે છે.
ખેર, મામીએ મને અને મારી મમ્મીને ચા- નાસ્તો કરવા જણાવ્યું. મેં ચા પીધી. મઠિયા ખાધા. સરસ લાગ્યું. તમે કદાચ નહીં માનો પણ હકીકતમાં જ્યારથી મને સમજણ આવી છે ત્યારથી લઇને આજ સુધી અમારા ઘરમાં અમે એક પણ વખત; નવા દિવસોમાં નથી મઠિયા લાવ્યા કે નથી સુવાળી લાવ્યા. પરંતુ ઉપરવાળો પ્રભુ કેટલો દયાળુ અને સમજુ છે કે અમને ક્યાંક ને ક્યાંકથી મેળવી આપે છે. આડોશ પાડોશમાંથી કોઇક તો આપી જ જાય છે. હું મારા પરિવાર સંગ ભાડાના એક મકાનમાં રહું છુ. હજી સુધી અમે પોતાનું કહી શકાય એવું એક ઘર બનાવી શક્યા નથી પરંતુ મામાના ઘરમાં દાખલ થાઉં છું ત્યારે એવો અહેસાસ જ થતો નથી કે અમારે ઘર નથી. પેલા ભજનની પંક્તિ પણ યાદ આવી જાય છે કે " જીવ શાને ફરે છે ગુમાનમા, તારે રે'વું ભાડાના મકાનમાં "
અલબત પોતાનું કહી શકાય એવું એક ઘર તો બનાવવું રહ્યું. મારા પપ્પા તો અમારી પહેલા આવી ગયા હતા. એ પછી અમે બીજા મામાને ત્યાં ગયા. તેઓ સોસાયટીમાં રહે છે. અહીં આવ્યા એટલે મને મને મામાની દીકરીની દીકરી જોવા મળી. એ દિવસે એને એના પપ્પા મળવા આવ્યા હતા. મેં મો પર માસ્ક બાંધ્યો હતો. એટલે શરૂઆતની થોડી ક્ષણો તો તે મને ઓળખી શકી નહીં. એ પછી મેં એક વખત માસ્ક કાઢ્યો અને ચહેરો બતાવ્યો કે એના મુખ પર સ્મિત રેલાઇ રહ્યું.
ત્યાંથી વિદાય લીધા બાદ અમે યજમાન મામાને ત્યાં આવી પહોંચ્યા. જમવાનો સમય થઈ ગયો હોઇ મામા-મામીએ અમને હાથ ધોઇ જમવા બેસી જવા જણાવ્યું. અમે અને પેલું નવદંપતિ જમવા બેસી ગયા. શાંતિપૂર્વક જમી લીધું. એ પછી નવદંપતિ થોડી વાર બેઠું. વાતો કરી. અને પછી એમણે વિદાય લીધી. કેમકે નવદંપતિમાંનો યુવક પોતાની સાસરીમાં આવ્યો હતો. અને પેલી યુવતી પોતાના પિયરમાં.
મારા મામાના ઘરની સામે જ એક ઘર છે. એ ઘરમાં રહેતા સભ્યો અને મારી મમ્મી વચ્ચે સારો સંબંધ. જ્યારે અમારે મામાના ઘેર આવવાનું બને ત્યારે એ ઘરમાં રહેતા સવિતાબહેન અને થોમસભાઇને મળવાનું વિસરાય જ નહી. આ વખતે ઘરમાં દર વખતની જેમ શોરબકોર સંભળાયો નહોતો. હું અને મારી મમ્મી અંદર ગયા તો વિક્ટરભાઇ એકલા જ બેઠા હતા. એમને પૃચ્છા કરતા જાણવા મળ્યું કે તેઓએ ફળિયાથી થોડે દૂર આવેલ નવી બની રહેલ એક સોસાયટીમાં મકાન બનાવ્યું હતું. ઘરના તમામ સભ્યો ત્યાં જ ચાલ્યા ગયા હતા. જૂના ઘરમાં તેઓ સાંજે જ પરત ફરવાના હતા. ફળીયામાં સાંજની વેળાએ તમામ લોકો માટે સામૂહિક ભોજન ગોઠવ્યું હતું.
ખેર, હું અને મારી મમ્મી મામાના ઘેર આવ્યા. થોડી વાતો કરી અને એ પછી રવાના થયા. એ દરમિયાન મામીએ અમને ઊભા રહેવા જણાવ્યું. એમણે અમને મઠિયાનું એક પેકેટ આપ્યું. મામી અમને દર વખતે કંઈક ને કંઈક આપે છે. અમારે સવિતા બેન અને થોમસભાઇને મળવાનું બાકી હતું. અમે તરત જ પેલી સોસાયટી તરફ રવાના થયા. મારા પપ્પા અને મામી ચાલતા ચાલતા સોસાયટીએ પહોંચ્યા. જ્યારે હું અને મારી મમ્મી સ્કૂટી ઉપર સવાર થઈ સોસાયટીએ આવી પહોંચ્યા. મેં જોયું કે અહીં કેટલાક મજૂરો ગટર માટેનો ખાડો ખોદી રહ્યા હતા. ખાડો પહોળો હતો. એની ઉપર એક નિસરણી મૂકવામાં આવી હતી. નિસરણી સાંકડી હતી. તો પણ મેં કાળજીપૂર્વક મારી મમ્મીના બંને હાથ પકડીને ખાડો પાર કરાવડાવ્યો. સામા છેડે આવી જતાં જ એક ગેટ જોવા મળ્યો. ગેટ ખોલીને અંદર પ્રવેશ્યા.
અમારે ડોરબેલ વગાડવાની જરૂર જ ન પડી. કેમ કે ઘરના બધા જ સભ્યો મકાન કે ઘરની આગળની ખુલ્લી જગ્યામાં વાતો કરતા બેઠા હતા. સવિતાબેન અને થોમસભાઇનો પરિવાર બહોળો હતો. બે જમાઇ અને એમની બે દીકરીઓ. દીકરીઓની દીકરી પણ હાજર હતી. એમની સંગતમા બેસવાનો લ્હાવો મળ્યો. બધા મુક્તપણે વાતો કરી રહ્યા હતા. નેચરલ સ્ટૂલ પર બેસવાનું મળ્યું. બંને બહેનોના ઘર પાસપાસે હતા. એ દરમિયાન મેં વિચાર્યું કે જેઓ પ્રામાણિકપણે અને ઇશ્વરને પોતાના દિલમા રાખીને જીવન જીવે છે તેઓને પ્રભુ બધું જ આપે છે. બંને જમાઇઓ મને ઓળખે છે. એક જમાઇનુ નામ શિશિર અને બીજા જમાઇનુ નામ હેમંત. શિશિરભાઇ અમને ત્રણેયને મકાન બતાવવા માટે અંદર લઇ ગયા. પહેલા એમણે અમને નીચેનો માળ બતાવ્યો. શિશિરભાઇ મકાન અંગેની વાતો કર્યે જતા હતા. જ્યારે દાદર ચઢીને ઉપરના માળે જવાનું થયું ત્યારે મારી મમ્મી કહેવા લાગી, " ઉપર તો નથી જવું…...ચાલશે "
શિશિરભાઇએ આ સાંભળ્યુ અને એ પછી જે વાત કરી તે વાત મને ખૂબ જ ગમી. આવી વાત કરી શકનાર માણસો આ દુનિયામાં કેટલાં! તેઓ કહેવા લાગ્યા, "એવું થોડું ચાલે ! ઉપર આવો. જુઓ. કાલે ઊઠીને તમારે પણ આવું ઘર બનાવવું હોય તો બનાવી શકાય ને ……."
જાણી લો કે શિશિરભાઇ અમારી પરિસ્થિતિથી કંઈક અંશે વાકેફ છે. તેમ છતાં એમણે આશા કેટલી મોટી રાખી! આ વાત મહત્વની છે. પેલું કહેવાય છે ને કે " નિશાનચૂક માફ , નહીં માફ નીચું નિશાન " એમને કેટલો વિશ્વાસ અને ખાસ તો એમની ભાવના કેવી મહાન! તેઓ જાણતા હશે કે અમારા માટે એમના જેવું ઘર બનાવવું એટલે જાણે લોઢાના ચણા ચાવવા ! તેમ છતાં એમને એવી એક આશા કે વહેલા કે મોડા અમે ઘર બનાવી શકીશું.
ખેર, એ પછી અમે જે જગ્યાએ બેઠા હતા તે જ જગ્યાએ આવ્યા અને સ્થાન ગ્રહણ કર્યું. અમારા ત્રણેયના ચહેરા પર ખુશીનું વાતાવરણ છવાઇ ગયુ હતું. જ્યારે માણસની અંદર ખુશીની લાગણી અનુભવાય છે ત્યારે તે ખુશીની અસર જે તે વ્યક્તિના ચહેરા ઉપર પણ જોવા મળે છે.
મોટી દીકરી રિયા ટ્રેમાં ગરમાગરમ ચા લઇ આવી. અમારી સમક્ષ ચોકલેટ જેવા રંગની કેક પણ મૂકવામાં આવી. ઘરના બધા સભ્યોએ અમારા ખબર-અંતર પૂછ્યા. અમે પણ પૃચ્છા કરી. એક સરસ વાતાવરણ ક્રિએટ કર્યું. જે જગ્યાએ તેઓએ ઘર ખરીદ્યું હતું તે જગ્યાએ પહેલા એક મોટું ખેતર હતું. આ વાત મારી મમ્મીએ યાદ કરાવડાવી. જૂની યાદો તાજી થઈ ગઇ. સ્મરણોનું આપણા દરેકના જીવનમાં કેટલું બધું મહત્વ છે ! જ્યારે આ ઘેરથી અમે વિદાય લીધી ત્યારે સવિતાબેને મારા મમ્મીને અમુક રકમ ખુશ થઈને આપી. પેલી નિસરણીનો ઉપયોગ કરીને હું અને મારી મમ્મી આવ્યા હતા એ જ રીતે પાછા ફર્યા. એ વેળા મારી મમ્મીની નજર એક બાળકી ઉપર પડી કે જે જમીન ઉપર આડી પડી હતી. તે જાગતી હતી. હું તેના ચહેરા ઉપર પણ નૂતન વર્ષનો આનંદ જોઈ શક્યો.
મેં મારી સ્કુટી સ્ટાર્ટ કરી. હું અને મારી મમ્મી સ્કૂટી પર સવાર થઇ ગયા. મેં મારા પપ્પાને વહેલી તકે ઘેર આવી જવા જણાવ્યું. મારી સ્કુટી ધીરે ધીરે આગળ વધી રહી હતી. મામાનું ઘર પાછળ છૂટી રહ્યું હતુ અને અમે આગળ વધી રહ્યા હતા. મારા મનમાં આખા દિવસ દરમિયાન બનવા પામેલ નાના નાના પ્રસંગો તરવરી રહ્યા. અને એ સાથે હું એક ગીતની પંક્તિ પણ ગણગણી રહ્યો. : "દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે, રંગ જીવનમાં નયા લાયો રે !
