જન્મદિનનો મહિમા
જન્મદિનનો મહિમા
બપોરે જ્યારે તે ઘેર પરત ફર્યો ત્યારે બે એન્વેલપ લઈને આવ્યો હતો. એક એન્વેલપ લઈને તેણે માને પૂછ્યું, " કેટલા મૂકું ?"
" એક સો રૂપિયા અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો " માએ જવાબ આપ્યો. આકાશે એ પ્રમાણે કર્યું. એ પછી તેણે એન્વેલપને સ્ટેપલ પીન મારી દીધી કે જેથી કરીને નોટ કે સિક્કો પડી જાય નહીં. એ પછી તે કવરને તેણે ઠેકાણે મૂકી દીધુંં.
એક્ઝેટ છ વાગ્યે તે વોટ્સ એપમા દાખલ થયો. અને જેવો સમય 6:10 થયો કે તેમાંથી બહાર નીકળી ગયો. એને તો એમ હતું કે બર્થ ડેની ઉજવણી ચાલુ થઈ ગઈ હશે. કેમકે એને ખબર હતી કે વોટ્સ એપમા મોકલાવેલ કાર્ડમાં ઉજવણીનો સમય સાંજના 6 વાગ્યાનો દર્શાવવામા આવ્યો હતો. એ તો તાબડતોબ ફળીયાથી થોડે દૂર આવેલ સોસાયટીમાં ગયો કે જ્યાં બર્થ ડેની ઉજવણી રાખી હતી. તે પહોંચ્યો અને જોયું તો ખબર પડી કે હજુ તો તૈયારી ચાલી રહી હતી. તેણે તેના સાડત્રીસ વર્ષના જીવનના વિવિધ અનુભવો પરથી એક વસ્તુ માર્ક કરી હતી કે ગુજરાતી પ્રજા ; પ્રસંગ શુભ હોય કે અશુભ; સમય સાચવવામાં માનનારી પ્રજા નથી. હવે જ્યારે તે બર્થ ડેની ઉજવણીમાં ભાગ લેવા આવ્યો ત્યારે પણ તેને એવો જ અનુભવ થયો. તેને વારેઘડીએ કાર્ડમાં લખેલ સમય યાદ આવ્યા કર્યો.
ખેર; તે ઘેર પરત ફર્યો. માટલાનું પાણી પીધું અને માને કીધુંં, " મમ્મી, હજી તો ત્યાં કશા કશાના ઠેકાણા નથી." આટલું કહ્યા બાદ તે પુન: ઉજવણીની જગ્યાએ ગયો. ઉજવણીની જગ્યા; આકાશની માસીના દીકરાના કાકાને ત્યાં રાખવામાં આવી હતી. આકાશે નોંધ્યું હતું કે; કાકા છેલ્લા કેટલાક વર્ષથી પૈસે ટકે સંપન્ન થઈ ગયા હતા. ઘેરથી નીકળતા પૂર્વે આકાશે; પેલું કવર પોતાના ખિસ્સામાં મૂક્યું હતું. તેની ઉપર તેણે લાલ રંગની શાહીથી જેનો જન્મ દિવસ ઉજવવાનો હતો તેનું નામ લખ્યું હતું. શુભેચ્છા પણ લેખિત સ્વરૂપમા પાઠવી હતી.
આકાશે પોતાના પ્લાસ્ટિકના ચંપલ બહાર કાઢ્યા અને ઉપરના માળે પહોંચ્યો. ત્યાં જઈને તેણે જોયું કે દીવાલ પર રંગબેરંગી ફુગ્ગા ચોટાડેલા હતા. દીવાલ પર જેની બર્થ ડે હતી તેનું નામ મોટા અક્ષરોમાં લટકાવવામાં આવ્યું હતું. નાની ટિપોઈ પર બે કેક મૂકવામાં આવી હતી. પુરોહિતને પણ નિમંત્રણ એટલેકે ઈન્વીટેશન આપવામાં આવ્યું હતું. પરપ્રાંતીય ફાધરે જાણે પોતાના પરિવારમાં જ કોઈ ઉજવણી થઈ રહી ન હોય એવા ભાવ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. એમણે પ્રસંગને અનુરૂપ પ્રાર્થના કરી. બાળકને જન્મ દિનની શુભેચ્છા પાઠવી.
આકાશે જોયું કે એક ભાઈ વાયર વિનાનું એક સ્પીકર દીવાલની ધાર પર મૂકી રહ્યા હતા. થોડી વાર બાદ એ સ્પીકરમાથી " બાર બાર દિન યે આયે….." ગીત રેલાઈ રહ્યું હતું. એ પછી નાના બાળકો નાચે એ માટે "આઈ એમ અ ડિસ્કો ડાન્સર " ગીત પ્લે કરવામાં આવ્યું. અહીં પ્રોફેશનલ ફોટોગ્રાફરને પણ બોલાવવામાં આવ્યો હતો. એ પણ આધુંનિક જમાનાનો શખ્સ હતો. એણે પીળા રંગની ટી શર્ટ પહેરી હતી. નીચે જીન્સનું પેન્ટ. બાળકે જ્યારે કેક કાપી ત્યારે ફોટોગ્રાફરે ઘણીબધી તસવીરો ખેંચી. પેલું નાનું બાળક થોડી વાર માટે રડ્યુ હતું. હાજર રહેલા તમામ લોકો ઉજવણીની ખુશીમાં એટલા બધા ડૂબી ગયા હતા કે જાણે બીજી બધી ચિંતાઓ ભૂલી ગયા ન હોય એવું લાગતું હતું. આકાશે નોંધ્યું કે સ્વજનો- પરિચિતોમાં જેટલા પણ કપલ્સ આવ્યા હતા એ બધામાં ઘણી બધી યુવતીઓ કે સ્ત્રીઓના કિસ્સામાં 'ગામમાં પિયરીયુ ને ગામમાં સાસરીયુ' સુત્ર સાર્થક ઠરતુ હતું. દરેક કપલ પાસે ઓછામાં ઓછું એક બચ્ચું તો હતું જ. લગભગ દરેક શખ્સ સુંદર-આધુંનિક- દેખાવડી સ્ત્રી ધરાવતો હતો. યુવતીઓએ પહેરેલા કપડાં જોઈને એનાથી બોલાઈ જવાયું; " શું વાત છે ! બોલીવુડની બધી હિરોઈનો અહીં જ આવી ગઈ છે ! કેવળ ડાયરેક્ટર જ નથી ! "
થોડીવાર માટે તેનું મન ટી.વી. સીરીયલો અને ફિલ્મોના દ્રશ્યોમાં ચાલ્યું ગયું. તેણે વિચાર કર્યો, " આ બધા ચોક્કસપણે પણે અનેક સીરીયલ અને ફિલ્મો જોતા હોવા જોઈએ અને એટલે એ લોકોનું જોઈ જોઈને આમનેય એમના જેવાં બનવાના અભરખા જાગ્યા હશે ! "
તેણે જોયું કે જે બાળકનો પ્રથમ જન્મદિન ઉજવાઈ રહ્યો હતો એની મમ્મીના પોપચાની પાછળની બાજુ; મોરના ગળાના ભાગે જેવો રંગ જોવા મળે એવો રંગ જોવા મળ્યો. જરી કે ઝરી પણ છાંટેલી તેને જોવા મળી. એણે ગાઉન જેવું કશુંક પહેર્યું હતું. પણ તેને ચોક્કસ ખબર હતી કે એ ગાઉન તો નહોતું જ ! એને ખબર નહોતી કે એને શું કહેવાય ! પરફ્યુમ અને ટેલ્કમ પાઉડરથી આખું મકાન મઘમઘી રહયુ હતું. ખરાબ વાસની તો શું મજાલ કે અંદર આવી શકે ! કેટલાક બાળકોએ શંકુ આકારની ટોપી પહેરી હતી.
કેક કપાઈ, તસવીરો ખેંચાઈ એ પછી સ્વજનો- પરિચિતો-આમંત્રિતો ભેટ આપવા લાગ્યા. એ લોકોની તસવીરો પણ ખેંચાતી હતી. બધા પોતાની પીડાનું પોટલું અલમારી કે અભરાઈ ઉપર મૂકીને આવ્યા હોય એવું જણાતું હતું. આકાશે પણ નાના બાળકના હાથમાં એન્વેલપ થમાવ્યુ અને સ્મિત વેરતો ઊભો રહ્યો. બાળક તેના ચહેરા સામે વિસ્મયભરી નજરે જોઈ રહ્યુ.
કોઈક રોકડ રકમ આપી રહયુ હતું. તો કોઈક રમકડા ; ભેટ તરીકે આપી રહયુ હતું. એક લેડી બોલપેન શોધી રહ્યા હતા. એમના હસબન્ડે આકાશના શર્ટના ખિસ્સા પર નજર નાંખી. એ પછી આકાશે જાણે પોતે ચમત્કાર કરનારો જાદુગર ન હોય એમ પેન્ટના ખીસામાંથી લાલ શાહીની પેન કાઢી ને લેડીને આપી. લેડીએ જે લખવાનું હતું એ લખી દીધુંં અને આકાશને પેન પરત આપી.
એ પછી બધા નીચે આવી ગયા. ઉજવણી ઉપરના માળે રાખવામાં આવી હતી. ભોજનની વ્યવસ્થા નીચે કરવામાં આવી હતી. કેટરિંગ વાળા આવી ગયા હતા. એમણે લોખંડના ટેબલ ગોઠવવા શરૂ કરી દીધા હતા. આકાશના મામા-મામી પણ આવેલા. આકાશને મામાના દીકરાએ એક પ્લેટ તૈયાર કરી આપી અને કહ્યું; " ઘેર ફોઈ માટે લઈ જા " આકાશની મમ્મીએ તો ઓલરેડી ઘેર જમવાનું બનાવી દીધુંં હતું. આકાશના મમ્મી સ્વમાની હતા. પોતે ઘસાઈ છૂટે પણ જ્યાં જવા જેવું ન જણાય ત્યાં જાય જ નહી.
આકાશ પ્લેટ લઈને ઘેર આવ્યો. અને પુન: ઉજવણીના સ્થળે પહોંચ્યો. તેણે પોતાના માટે એક પ્લેટ તૈયાર કરી અને એક ઓટલી પર બેસી ગયો. એવામાં મામીએ પૂછ્યું, " કવર છે? " એ તો સારું થયું તે બપોરે બજારમાંથી બે કવર લાવ્યો હતો. તે ઘેર ગયો ને કવર લઈ પરત આવ્યો. મામીને આપ્યું. મામી પાસે પેન પણ નહોતી આકાશે પેન પણ એમને આપી. મામા આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા, " અરે ! પેન પણ જોડે જ રાખે છે ! "
એ પછી મામી આકાશની નજીક આવીને કહેવા લાગ્યા, "તે કેટલા આલ્યા ? "
"એકસો એક" આકાશ બોલ્યો. તેના માનવા પ્રમાણે આવું બધુંં પૂછવાનું ન હોય. જોકે એણે તો સાચું કહી દીધુંં. એ પછી તેમણે આકાશ પાસે સ્ટેપલરની માગણી કરી. હવે આકાશ સ્ટેપલર પણ ક્યાંથી લાવી આપે ! આ માટે એને ઘેર જવું પડે એમ હતું. એ ન ગયો. એટલે મામીએ ભાતના થોડા દાણા લઈને કવર ચોંટાડી દીધુંં. એ પછી આકાશ પાસે આવીને કહેવા લાગ્યા, " જો, મેં તો આવું કર્યું. "
એ પછી આકાશના પિતા પણ જમવા માટે આવ્યા. એકચ્યુઅલી તેઓ જોબ પર ગયા હતા. જોબ પરથી આવીને તેઓ ઉજવણીના સ્થળ પર આવ્યા હતા. એય આકાશના મામાના આગ્રહને લઈને જ. બાકી એમનું જમવાનું તો ઘેર ઓલરેડી બનાવી દીધુંં હતું. આકાશે જોયું કે એ 'કોરા 'નહોતા. વળી; પેન્ટ પહેરીને આવવું જોઈતું હતું ને એ ચડ્ડો પહેરીને આવેલા.
" માણસ ભણે છે પણ એને ડ્રેસ સેન્સ નથી હોતી " આકાશે વિચાર કર્યો. આ વિચાર તેને તેના પિતાજી સંદર્ભે આવ્યો. તેને કેટરિંગનુ ભોજન રાસ ન આવ્યું પણ લોકલાજનુ જમવું પડ્યુ. એ સાથે જ તેને અતીતનો એક પ્રસંગ યાદ આવ્યો. એ વખતે એ પ્રાથમિક શાળામાં ભણતો હતો. એ વખતે તે ફળીયાના કેટલાક માણસો સાથે દૂરના ખેતરમાં વસતા કોઈ પરિવારને ત્યાં જમવા ગયો હતો. રાત્રિના આઠ વાગ્યા હતા. માટીના ઘરની દીવાલને પોતાની પીઠ ટેકવીને તે બેઠો હતો. તેની નજર સામે જમીનમાં બે ઊંડા ખાડા ખોદવામા આવ્યા હતા. એમાં સૂકા લાકડાં ભડ ભડ સળગી રહ્યા હતા. તેની ઉપર મોટા પાત્રમાં દાળ બની રહી હતી. બાજુના એક પાત્રમાં ભાત બની રહ્યો હતો. દાળની સોડમ જ એટલી જોરદાર હતી કે ભોજન ઈચ્છુક માણસો ક્યારે પતરાળમા દાળ આવે એની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આકાશ અને તેની સાથેના માણસો ઘેરથી વાસણો લઈને આવ્યા હતા. એક જૂની સાડીના કકડા વડે વાસણોને વ્યવસ્થિત રીતે ગોઠવીને બાંધવામાં આવતા હતા. એ પછી જે પોટલું બનતું એને કેડમાં કે માથા પર મૂકીને જે તે જગ્યાએ જવાનું રહેતું હતું.
ખેર; એ ઠેકાણે આકાશ અને પેલા માણસો ધરાઈને જમ્યા હતા અને પોતાના ઘેર પણ જમવાનું લઈ ગયા હતા. આ પ્રસંગને મનોમન યાદ કર્યા બાદ તે વર્તમાનમાં આવી ગયો. તેને રાજકપૂર યાદ આવી ગયા. એમનો ભાવસભર ચહેરો યાદ આવી ગયો. અને જ્યારે રાજ કપૂર યાદ આવે ત્યારે એમના પર ફિલ્માવાયેલુ ગીત યાદ આવ્યા વિના રહે ખરું ! એ મનોમન ગણગણી રહયો: જાને કહાં ગયે વો દિન……
તેણે જાણ્યું કે મામા-મામી પોતાની નહી બલકે પોતાના દીકરાના ભાઈબંધની ગાડીમાં; ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. એક જમાનો તેને યાદ આવ્યો કે જે વખતે લોકો પગે ચાલીને સ્નેહીજનોને ત્યાં જતા હતા. અને અત્યારે લોકો ગાડી વિના તો ઘરની બહાર પગ મૂકતા નથી ! આકાશ જાણતો હતો કે ભાઈબંધ એક લેખક પુત્ર હતો. તેને તેનામાં પેલા લેખકના કેટલાક અંશ જોવા મળ્યા. ભાઈબંધે આકાશ સામે જોઈને કહ્યું; " કેમ છો? " આકાશને સારું લાગ્યું. એક ગાડીનો વારસદાર લેખકપુત્ર પોતાને માનથી બોલાવે એ વાત જાણીને એને સારું લાગ્યું.
એ દિવસે રાત્રે જ્યારે તે સૂવા ગયો ત્યારે તેને જન્મ દિનની ઉજવણીની ક્ષણો પોતાના મનમાં ઉભરતી-તરવરતી જણાઈ. તેણે વિચાર કર્યો કે માણસ જાણે અજાણે બહારની દુનિયાથી અંજાઈ જતો હોય છે. ટી.વી, ઈન્ટરનેટ, મોબાઈલ, જાહેરાત - આ બધાનો માનવીના જીવન પર કેટલો બધો પ્રભાવ હોય છે એનો તેને હવે અંદાજ આવવા લાગ્યો. તેને અહેસાસ થયો કે સવારથી લઈને રાત પડે ત્યાં સુધી માણસે કેટલું બધુંં જાગૃત રહેવું પડે કે જેથી કરીને ક્યાંક કશું ખોટું ન થઈ જાય ! તેને જાગૃતિની આવશ્યકતા જણાઈ. આ જાગૃતિ એટલે મલાડ, માહિમ કે વસઈમા આવેલ કોઈ ફ્લેટમાં રહેતી કોઈ યુવતી કે સ્ત્રી નહી બલકે એક પ્રકારની અવસ્થા કે સ્થિતિ. એવી સ્થિતિ કે જેમાં માણસ સતત તપાસ્યા કરે કે વોટ ઈઝ રાઈટ એન્ડ વોટ ઈઝ રોન્ગ !
વિચાર કરતાં કરતાં તેને એવી કેટલીક બેઝિક બાબતો સમજાઈ કે જે બાબતો તે આજ સુધી સમજી શક્યો નહોતો. તેને સમજાયું કે માણસ ઉજવણી એટલા માટે કરે છે કે જે તે ઈવેન્ટને અન્ય લોકો જુએ. આવું કરીને તે પોતે પણ નિરસ લાગતી દુનિયામાં રસ રેડવાનુ કામ કરે છે. એ કોઈકને બતાવી દેવા માટે પણ કરતો હોય એવું બની શકે છે. એને પત્ની તરફની પણ આગ્રહ કરવામાં આવ્યો હોઈ કે; " સાંભળોને, આપણા ભયલુનો જન્મ દિવસ આપણે એવી રીતે ઉજવીએ કે લોકો મો વકાસતા રહી જાય ! "
આમ ઊડે ને ઊડે ઊતરતા એને ઊંઘ આવવા માડી. થોડી વાર બાદ તે દિવસ આખાના વિચારોના સાન્નિધ્યમાં પોઢી ગયો.
