Amit Chauhan

Action Others

4  

Amit Chauhan

Action Others

આંધળુ સાહસ

આંધળુ સાહસ

3 mins
499


કાર્યાલયેથી છૂટ્યા બાદ તેને ઘેર પહોંચવાની ઉતાવળ રહેતી હતી. કોઈ કોઇ વખત તે કાર્યાલયેથી ઘેર જવા માટે વહેલા નીકળી જતો હતો.  ખેર, વર્ષ 2019માં બનવા પામેલ એ ઘટના એને જિદગીભર યાદ રહી જનારી ઘટના બની ગઇ. 

એ દિવસે તે કાર્યાલયેથી છૂટ્યા બાદ કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવી રહ્યો હતો. એને ટિકિટ લેવાની ન હોઇ સીધો પ્લેટફોર્મ તરફ જવા લાગ્યો. તેને જાણવા મળ્યું કે તેને જે ટ્રેનમાં બેસીને આણંદ જવાનું હતું તે ટ્રેન; તેના નિર્ધારીત સમયથી લગભગ એક કલાક મોડી હતી.  પ્લેટફોર્મ તરફ દોરી જતાં પગથિયાં ઊતરતા ઊતરતા તેણે એક અજાણ્યા ભાઇ સાથે ટ્રેન સંદર્ભે પૃચ્છા કરી. એને ફક્ત ટ્રેન સંદર્ભે જ જાણકારી મેળવવી હતી પરંતુ પેલા ભાઇ તેની સાથે વધુ વાતો કરવા લાગ્યા. તેણે પણ એવું વિચાર્યું કે આમેય ટ્રેન મોડી છે તો આ ભાઇ સાથે વાતો કરીને સમય પસાર કરી લઉ. વાતો દરમિયાન તેને ખબર પડી કે એ ભાઇ તો આયુર્વેદિક દવાઓનુ માર્કેટીંગ કરતા હતા. 

બંનેની વાતો એટલી લાંબી ચાલી કે એ સમયગાળા દરમિયાન પોતાના નિર્ધારીત સમય કરતાં એક કલાક મોડી આવનારી ટ્રેન તેના સ્થાને આવી પહોંચી હતી. એ બાબતની ખબર તેને ન રહી. આખરે પેલા ભાઇએ તેનું ધ્યાન દોર્યુ. જોકે એમણે જ્યારે તેનું ધ્યાન દોર્યુ ત્યારે ટ્રેન ચાલુ થઇ જવા પામી હતી. ટ્રેન પાટા ઉપર ધીમે ધીમે દોડી રહી હતી. પ્રારંભે ટ્રેનની ગતિ ધીમી રહે છે. ત્યારબાદ તેની ગતિમાં વધારો જોવા મળે છે. વધુ કોઇ વિચાર કર્યા વિના તે પ્લેટફોર્મ ઉપર દોડવા લાગ્યો. 

કેટલાયના મુખેથી એણે એવું સાંભળ્યું હતું કે ચાલુ ટ્રેને ક્યારેય ચઢવું નહીં ને ચાલુ ટ્રેને ક્યારેય ઉતરવું નહીં. તેમ છતાં જ્યારે ખરેખર જેની આવશ્યકતા હતી તે બાબતને તે વિસરી ગયો. એકધારું દોડવાને લઇને તે હાંફી રહ્યો હતો. તેના શ્વાસની આવનજાવન ધમણની માફક ચાલી રહી હતી. જેવું પ્લેટફોર્મ પૂરુ થયું કે તેણે રેલવેના પાટા પાર કર્યા. જે પાટા પર ટ્રેન દોડી રહી હતી તેની નજીક તે પહોંચ્યો. ડબ્બા ઝડપભેર આગળ વધી રહ્યા હતાં. 

ડબ્બાના દરવાજે આવેલ સળીયા પકડવા માટે તે પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રેનની ગતિ સાથે તાલ મીલાવવા તે દોડવા લાગ્યો. સમયની કોઇ એક ક્ષણે તેણે ડબ્બાના પગથિયે પગ મૂક્યો. અને બંને હાથ વડે સળીયા પકડી લીધા. એ દરમિયાન તેના ડાબા થાપાનો ભાગ જોરથી ; પાટાની નજીકમાં ફિટ કરવામાં આવેલ ધાતુના બોક્સ સાથે અથડાયો. તે મનમાં બોલ્યો પણ ખરો, "ગયો…..." 

પરંતુ એ વખતે સળીયા સાથેની તેના હાથની પકડ મજબૂત હતી. તે ડબ્બામાં પ્રવેશી ગયો. પાછળથી ખબર પડી કે તેના પેન્ટનો કેટલોક ભાગ પેલા બોક્સના ખૂણે ભરાઇ જવાને કારણે ચિરાઇ જવા પામ્યો હતો. બહુ ગણતરીની સેકન્ડોમાં આ બધું બની જવા પામ્યું હતું. પ્લેટફોર્મ ઉપર તે એટલું તો દોડયો હતો કે એની અસર ડબ્બામાં દાખલ થયા પછી પણ તેના આખા શરીર પર વરતાઈ રહી હતી. ડબ્બામાંના એક મુસ્લિમ મુસાફરે એનું આંધળુ સાહસ જોયું હતું. એને ઇજા થયાનો અંદાજ પણ તેમને આવી ગયો હતો. પેન્ટનો ચિરાયેલો ભાગ તેમની નજરે ચઢ્યો. એમણે એમની બુદ્ધિ કામે લગાડી. અને તેને પૂછ્યું, "તે શર્ટ નીચે ગંજી પહેરી છે ? " 

"હા" તે કહેવા લાગ્યો. 

એમણે તેને શર્ટ કાઢી; કમર ફરતે ગંજી વીટાળી દેવા જણાવ્યું. તેણે શર્ટ નીચે ગંજી તો નહી પણ પાતળી ટી શર્ટ પહેરી હતી. તેણે પોતાનું શર્ટ કાઢયું અને કમર ફરતે વીટાળી દીધું. ચિરાયેલો ભાગ સરળતાથી ઢંકાઈ ગયો. તેઓ તેને કહેવા લાગ્યા, "ઘાત ગઇ……..બચી ગયો…" 

ઘેર આવ્યા બાદ એણે પોતાની સાથે ઘટેલી કે બનેલી ઘટનાને મા સમક્ષ ટૂંકમાં જણાવી દીધી. આવું જણાવ્યા બાદ તેના મન પરનો ભાર હળવો થઇ ગયો. જો તેણે જણાવ્યું ન હોત તો પેન્ટ ચિરાયેલુ જ્યારે મા જોવત ત્યારે તો તેને કહી દેવું પડત કે શું બનવા પામ્યું હતું. 

ખેર; એસ.ટી. બસના પાછળના ભાગે એક વાક્ય વાચવા મળે છે કે 'ઝડપની મજા, મોતની કાયમી સજા' 

આ ઘટના સંદર્ભે તેને આ વાક્ય યાદ આવ્યું હતું. તેનો આબાદ બચાવ થયો એની પાછળ જો કોઇ મહત્વનું કારણ હોય તો તે પ્રભુની હાજરી છે. ટ્રેનવાળી ઘટનાના સમયે સ્વયં પ્રભુ ત્યાં આવ્યા અને એને બચાવી લીધો. ભગવાન કે પ્રભુની નજરમાં કશું છૂપું નથી. તે ફરી વખત આવી મિસ્ટેક ન કરે એ માટે તેને થોડી ઇજા પહોંચી હતી. તેને એક સબક શીખવા મળ્યો કે પોતે હવે ક્યારેય કોઇ આંધળુ સાહસ નહીં કરે. 


Rate this content
Log in

Similar gujarati story from Action