કલમ કનેક્શન
કલમ કનેક્શન
આ પ્રસંગ વર્ષ 1999નો છે. ઉનાળાના ગરમીના દિવસો પસાર થઈ રહ્યા હતા. અને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમા પોતાના નોવેલીસ્ટ પત્ની પેટ્રેશિયા શોનસ્ટેઈન સાથે રહેતા ટ્રાવેલ રાઈટર ડોન પિનક ઈથિયોપિયાના પ્રવાસે હતાં. તેઓ અહીં આવેલ કોઈ એક બ્રિજ આગળ ઊભા હતા. ગરદનને અને આખા ચહેરાને એમણે ધીમે ધીમે કસરત કરાવી. એવામાં એમની નજર ગગનમાં ગઈ. એમણે જોયું કે નભ વાદળા વિનાનું ભાસતું હતું. વળી ગરમી પણ સખત પડી રહી હતી.
થોડીવાર બાદ એક છોકરો દોડતો દોડતો તેમની નજીક આવ્યો. ડોને જોયું કે એના હાથમાં એક બ્રેસલેટ એટલે કે પટ્ટો હતો. તેણે ડોન સામે જોતાં પોતાનો પરિચય આપ્યો. તે કહેવા લાગ્યો, " સાહેબ; મારું નામ મેરીશેટ ડાયર્સ છે. હું તમને ઈથિયોપિયાના રંગો આપવા આવ્યો છું ! "
આટલું કહ્યા બાદ તેણે પોતાના હાથમાનો ગુથેલો પટ્ટો ડોનના કાંડા ફરતે બાહોશીપૂર્વક બાંધી દીધો. એ સાથે જ તે બોલી ઊઠ્યો, " પૈસા- બૈસા રહેવા દો. મારે ન જોઈએ. "
ડોનને તો એમ હતું કે પેલો છોકરો પટ્ટાના બદલે કશુંક માંગશે. પણ એવું કશું બન્યું નહી એટલે ડોને કહ્યું; " મેરીશેટ, તારો ખૂબ ખૂબ આભાર ! "
ખેર; ડોન જે બ્રિજ ઉપર ઊભા હતા તે બ્રિજથી બહિર દાર નામનું ગામ નજીક જ હતું. પેલો મેરીશેટ શાળાએથી પાછો ફરી રહ્યો હતો. ડોને પોતાના કાંડા પર બાન્ધેલ બ્રેસલેટનુ નિરીક્ષણ કર્યુ. એ પટ્ટામાં તેમને લીલો, પીળો અને લાલ એમ ત્રણ રંગ જોવા મળ્યા. તેમણે છોકરાના ચહેરા સામે જોયું. છોકરો સ્મિત રેલાવી રહ્યો હતો. મધનો રંગ કેવો હોય એવો પેલા છોકરાના ચહેરાનો રંગ હતો. માથાના વાળ પણ વાંકડિયા હતા.
ડોન તો એક લેખક. એમને સવાલ થયો કે પટ્ટા પરના ત્રણ રંગ શું સૂચવતા હશે ? એમણે પેલા છોકરા સામે જોતાં પૂછ્યું; " એય મેરીશેટ; આ ત્રણ રંગો શું દર્શાવે છે ? "
" લીલો ધરતીનો સૂચક છે. પીળો ચર્ચ માટે અને લાલ…...મને યાદ નથી. તમે તમારી જાતે શોધી કાઢજો." છોકરો હસતા હસતા કહેવા લાગ્યો.
એ પછી તેણે ડોન પાસે કલમની માંગણી કરી. કલમની માંગણી ડોનના મનમાં આશ્ચર્યની લાગણી જન્માવતી ગ ઈ. તેઓ જાણતા હતા કે આફ્રિકામાં સામાન્ય રીતે આવા છોકરાઓ નાણાં અને બીજી ઘણી બધી કિંમતી વસ્તુઓ માંગતા. જોકે આ છોકરાએ બીજું કશું ન માંગ્યુ અને કેવળ કલમ માંગી એટલે એમને નવાઈ લાગી.
એમણે પૂછ્યું; " કેમ તે મારી પાસે કલમની જ માંગણી રજૂ કરી ? "
" હા , કેવળ કલમ. કલમ વિના અમને શાળામાં દાખલ થવાની પરવાનગી જ નથી ! મારી કલમ ખલાસ થઈ ગઈ છે. અને અમારી સ્થિતિ એટલી સારી નથી કે બીજી કલમ ખરીદી શકાય ! શાળામાં અભ્યાસ કરવા જવું મને ખૂબ ગમે છે. કોઈ એક દિવસે મારે ડોક્ટર કે એકાઉન્ટન્ટ બનીને જ રહેવું છે ! અને એટલા માટે મારે અભ્યાસ કરવો પડશે. શું તમે મને એક કલમ લઈ આપશો ? " મેરીશેટ બોલ્યો.
ડોનને એક સારી આદત હતી. તેઓ પોતાની પાસે એક બોક્સ રાખતા. અને એમા બોલપોઈન્ટ પેન્સ રહેતી. એટલે કે તેમા કલમો રહેતી. ડોને બોક્સ ખોલ્યું અને તેમાથી કેટલીક કલમો કાઢીને મેરીશેટના હાથમાં મૂકી. કલમ પામતા જ પેલો આશાવાદી છોકરો રાજીનો રેડ થઈ ગયો.
એ પછી એને મનમાં એક સરસ વિચાર આવ્યો. તે કહેવા લાગ્યો, " સાહેબ, તમે મને તમારું સરનામું આપો. હું તમને પત્ર લખીશ. "
મેરીશેટની વાત સાંભળી ડોન કહેવા લાગ્યા, " અરે ! વાહ...મારે એક દીકરી છે. એ પણ તારા જેટલી જ છે. તેનું નામ રોમેની છે. તું એને કેમ પત્ર ન લખે ! મને ખાતરી છે કે પત્ર થકી તમે બંને એકબીજાના રસ-રુચી વિશે ચર્ચા કરી શકશો."
ખેર, એ પછી બંને જણ છૂટા પડ્યા. ડોન કેપ ટાઉનમાં પાછા આવ્યા. તેઓ જ્યારે ઘેર આવ્યા ત્યારે તેમના ઘેર એક પત્ર આવ્યો. પત્ર ઉપર એક્ઝોટીક સ્ટેમ્પ્સ લગાવેલી હતી. આ પત્ર ડોનની દીકરીને સંબોધીને લખાયેલો હતો. આ પત્ર મેરીશેટ તરફથી આવ્યો હતો. પત્રમાં તેણે બહિર દાર વિશે વાત કરી હતી. પોતાના પરિવાર વિશે પણ લખી જણાવ્યું હતું. કોઈ એક દિવસે પોતે વ્યાવસાયિક માણસ બનશે એવી આશા પણ તેણે પત્રમાં લખી જણાવી હતી. પત્રમાંનું લખાણ વાંચીને રોમેની તો ખુશ ખુશ થઈ ગઈ. તેણે તરત જ વળતો પત્ર લખવા માંડ્યો.
એ પછી તો અમુક અમુક સમયના અંતરે બંનેએ એકબીજાને પત્ર લખવાનું જારી રાખ્યું. બંને વચ્ચેનો પત્ર વ્યવહાર ઘણાં વર્ષો સુધી ચાલતો રહયો. કોઈ એક દિવસે નવાઈ પમાડે એવી ઘટના બની. રોમેનીએ લખેલ પત્રનો મેરીશેટ તરફથી કોઈ જવાબ ન મળ્યો ! રોમેની વિચારવા લાગી કે શું બનવા પામ્યું હશે ! અનેક અનુમાનો લગાવવામાં આવ્યા: શું તેણે શાળાને અલવિદા કહી દીધું હશે ? તે ખેતરમાં કામ કરવામાં જોતરાઈ ગયો તો નહીં હોય ને ! અને કદાચ ત્યાં નજીકમાં પોસ્ટ ઑફિસ નહી હોય એવું પણ બની શકે ને ! ભીખ માગવા પણ ઉપડી ગયો હોય એવું બની શકે ને !
એ પછી સ્વાભાવિક રીતે જ મેરીશેટ; ડોન અને તેમના પરિવારના સભ્યો માટે અતીતનો એક ભાગ બની ગયો. એ પછી ડોન ; ઓક્ટોબર 2011માં દક્ષિણ આફ્રિકાના કોઈ પ્રાંતના પ્રવાસે હતા એ દરમિયાન એમનો મોબાઈલ ફોન રણક્યો. પોતે ટ્રાવેલીંગ કરતા હોઈ તેમણે ફોન કોલ રિસીવ કરવાનું મુનાસીબ ન માન્યું. જોકે રિન્ગ સતત રણકતી રહી એટલે એમને કોલ રિસીવ કર્યા વિના છૂટકો નહોતો. એમણે કોલ રિસીવ કર્યો.
"હેલ્લો" સામેના છેડાથી અવાજ આવ્યો.
" તમે ડોન પિનક છો ? " પ્રશ્ન પૂછાયો.
" ચોક્કસ, અને તમે કોણ બોલી રહ્યા છો ? " ડોને પૂછ્યું.
" હું મેરીશેટ ડાયર્સ વાત કરી રહ્યો છું. ઈથિયોપિયામા હું તમને નાઈલ બ્રિજ ઉપર મળ્યો હતો. આપણી મુલાકાત યાદ આવી ? " મેરીશેટ કહેવા લાગ્યો.
એ પછી ડોને પોતાના કાંડા પર નજર નાંખી. તેમના ચહેરા પર ખુશી વ્યાપી વળી. તેઓ કહેવા લાગ્યા, " બેશક; કેમ નહી ! "
" તમારી વેબસાઈટ પરથી મને તમારો કોન્ટેક્ટ નંબર સાંપડ્યો. " મેરીશેટે ઉમેર્યું.
એ વખતે લાઈન ખરાબ હતી એટલે મેરીશેટે ડોનને તેમના ઈમેલ અંગે પૃચ્છા કરી અને ફોન કટ થઈ જાય એ પૂર્વે તેણે ડોનને ઈમેલ મોકલવાની વાત કરી દીધી. જેવો ફોન કટ થયો અથવા એમ કહો કે કોલ ડીસકનેક્ટ થયો કે તરત જ ડોન; મેરીશેટ વિશે વિચારવા લાગ્યા. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે કેવી રીતે એક સામાન્ય છોકરો આજે વેબસાઈટ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો થઈ ગયો !
એ પછી કેટલાંક અઠવાડિયા પસાર થયા. પરંતુ મેરીશેટ તરફથી કોઈ ઈમેલ નહોતો ! અને એક દિવસ અચાનક જ ડોન પર એક ઈમેલ આવ્યો. ડોન તો ખુશ થઈ ગયા. તેમણે ધ્યાનપૂર્વક ઈમેલ વાંચ્યો. મેરીશેટ લખતો હતો: વ્હાલા પિનક સાહેબ; તમારી સાથે વાત કરતાં હું પુન: આનંદની લાગણી અનુભવું છું. મેં તમારો સંપર્ક કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. મેં તમને ઘણી વખત ફોન કર્યો હતો. ઈમેલ થકી પણ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી જોયો. જોકે બંનેમાંથી એકેય માધ્યમ મને તમારા સુધી પહોંચવામાં મદદરુપ થયું નહી. હા, એ દિવસ મારા માટે ખરેખર આશીર્વાદ રુપ હતો કે તમારી સાથે ફોન પર વાત થઈ શકી. આપણે એકબીજા સાથે વાત કરી ત્યારથી લઈને આજ દિન સુધી તમારી લાઈફ કેવી રહી ? "
મેરીશેટના ઈમેલ પરથી ડોનને જાણવા મળ્યું કે તે કોઈક રીતે હોલેન્ડ પહોચી ગયો હતો. પરંતુ કોઈ કારણસર તે ત્યાં અભ્યાસ કરી શક્યો નહી. અને એટલે તે લંડન ચાલી ગયો હતો. અને અહીં તે છેલ્લા ચાર વર્ષથી રહેતો હતો. તેના ઈમેલના અંતે તેણે ડોન અને તેમના પરિવારજનો માટે શુભ એટલે કે સારા સમાચાર છોડ્યા હતા. તેણે લખ્યું હતું: હું બ્રુનેલ યુનિવર્સિટીમાં છું અને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માટેનો અભ્યાસ કરી રહ્યો છું. ઈશ્વર તમને અને તમારા પરિવારજનોને આશીર્વાદ બક્ષે. અને હા, મને ખરે ટાણે કલમો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
આપનો વિશ્વાસુ,
મેરીશેટ.
