Amit Chauhan

Classics

4  

Amit Chauhan

Classics

એસાઇનમેન્ટ

એસાઇનમેન્ટ

7 mins
443


ક્લાસમાં લગભગ ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હાજર હતા અને પ્રોફેસર મધુકાન્તે ઘોષણા કરી: આ પાત્રમાં ત્રીસ ચબરખી મૂકવામાં આવેલ છે. દરેક જણ અહીં આવીને એક ચબરખી લેશે. પોતાની જગ્યા પર જઇને ચબરખીમાં લખેલ વિગતો વાચશે. જેના હિસ્સે જે લેખક કે લેખિકા આવી હોય તેણે તે લેખક કે લેખિકાને રુબરુ મળીને મુલાકાતલેખ તૈયાર કરવાનો રહેશે.  

સુબોધ આગળની હરોળમાં જ બેઠો હતો. બધા વારાફરતી આગળ આવ્યા અને એક ચબરખી લઇને પોતાની જગ્યા પર બેસી ગયા. સુબોધે પણ એક ચબરખી લીધી. તેણે પોતાની ચબરખી ખોલી તો તેને આકાશનું નામ વાચવા મળ્યું. તેનુ સરનામું અને ફોન નંબર પણ તેમાં નોધેલા હતા. 

ચહલ પહલ બંધ થવા પામી એટલે પ્રોફેસર કહેવા લાગ્યા,"આ એક પ્રકારનું એસાઇનમેન્ટ છે. જે પોતાનું એસાઇનમેન્ટ શ્રેષ્ઠ બનાવશે તેનું સન્માન એન્યુઅલ ડેના રોજ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને કરવામાં આવશે" 

સુબોધ ઘેર આવ્યો. તેણે પોતાના મમ્મી- પપ્પાને આ વાત જણાવી. તેના પપ્પા કહેવા લાગ્યા, "બેટા; આ તો તારા માટે સોના સમાન તક છે. આ તકને એમ જ વેડફી ન નાંખતો. અને હું તો તને એટલે સુધી કહું છું કે અત્યારે જ એ માટેની પાયાની તૈયારી કરવા બેસી જા" 

પપ્પાની શીખામણ ધ્યાનમાં લેતાં તે પોતાના સ્ટડીરુમમાં ચાલ્યો ગયો. યોગ્ય પ્રશ્નો તૈયાર કર્યા અને તેને એક સ્વચ્છ- કોરા કાગળમાં લખી દીધા. એ પછી તેણે આકાશનો ફોન નંબર જોડ્યો. 

"હેલ્લો; આકાશજી સાથે વાત થઇ શકશે ?"તે બોલ્યો

"હા, હું જ આકાશ છું. આપ કોણ ?"આકાશે પૂછ્યું 

"હું અમદાવાદથી સુબોધ બોલી રહ્યો છું. હું એક એસાઇનમેન્ટ તૈયાર કરવાના શુભ આશયથી આપને રુબરુ મળવા ઇચ્છું છું. શું હું આપને મળવા માટે આવતીકાલે આપના નિવાસસ્થાન પર આવી શકું ?"સુબોધ કહેવા લાગ્યો. 

"આપ અભ્યાસ કરો છો ?"આકાશે પૂછ્યું 

"હા; હું અમદાવાદની એ.આર. આર્ટસ કોલેજમાં અભ્યાસ કરુ છું" સુબોધે સ્પષ્ટતા કરી. 

આકાશે પોતાની ડાયરી ખોલી અને બે -ત્રણ સેકંડ સુધી પાના પર જોઇ રહ્યો અને પછી કહેવા લાગ્યો," હા; ચોક્કસ આવી શકો છો." 

બીજે દિવસે સવારે સુબોધ તૈયાર થઇ ગયો. એણે પહેલા તો બ્રશ કર્યુ. એ પછી મો ધોઇ નાખ્યું. કુદરતી હાજતે જઇ આવ્યો. એ પછી તેણે સ્નાન કરી લીધું. જ્યારે તેણે ડેટોલ સાબુ પોતાના શરીર પર ઘસ્યો ત્યારે તેને કેટલાક વર્ષ પૂરવે ટી.વી. પર દર્શાવાતી એક જાહેરાત યાદ આવી ગઇ. એ જાહેરાતના શબ્દો હતા: તંદુરસ્તી કી રક્ષા કરતા હૈ લાઇફ બોય….પણ પાછળથી તેને યાદ આવ્યું કે પોતે તો ડેટોલ ઘસી રહયો હતો. ડેટોલની સુવાસ તેને ગમી. 

એ પછી તે બાથરુમની બહાર આવ્યો. ઓરડામાં આવી એણે ઝભ્બો અને લેંઘો પહેરી લીધા. મમ્મીએ ચા-નાસ્તો તૈયાર કરી દીધા હોઇ તેણે ચા- નાસ્તાને ન્યાય આપ્યો. બાદ મમ્મી-પપ્પાના ચરણ સ્પર્શ કર્યા પછી આણંદ જવા રવાના થયો સીટીએમ આવીને એણે લેખક આકાશને ફોન કર્યો. પોતે આણંદ આવવા માટે નીકળી ગયો છે એવા મતલબની વાત કરી. જ્યારે તે ગામમાં આવ્યો ત્યારે તેને શહેરથી તદ્દન જુદુ ચિત્ર જોવા મળ્યું. તેણે જોયું કે ચા- નાસ્તાની લારીવાળો એક શખ્સ રોડ પર ચા રેડી રહ્યો હતો. તે તેની નજીક જઇને પૂછવા લાગ્યો;"વડીલ; આવું કેમ કરવું પડે ?" 

"પે'લા ધરતીને ચા પીવડાવવી પડે. પછી વેપાર થાય!"પેલા શખ્સે જવાબ આપ્યો. 

"આ ગામમાં ખ્રિસ્તી લોકો ક્યાં રહે છે ?"સુબોધે પૂછ્યું 

"પેલો વડલો દેખાય છે ને….ત્યાં સુધી તમારે સીધ્ધા સીધ્ધા હેડવાનુ અન પછી જમણી કોર વરી જવાનું. હમજ્યા ?"શખ્સે કહ્યું. 

"ભલે વડીલ...આભાર આપનો" સુબોધ બોલ્યો. 

પૂછતાં પૂછતાં સુબોધ છેક શેરી એટલે કે ફળીયામા આવી ગયો. 

પહેલાં ઘેર એણે કોઈકને પૂછ્યું તો તેને જણાવવામાં આવ્યું કે, "પેલો થાંભલો દેખાય છે ને એની જોડેના ઘરમાં આકાશભાઇ રહે છે."

સુબોધ ઢાળ ચઢ્યો અને આકાશના ઘેર આવી પહોંચ્યો. રવેશનો આગળનો ભાગ એટલો નીચો હતો કે કોઇએ પણ અંદર પ્રવેશતા પૂર્વે નમવું પડે. સુબોધ પણ નમ્યો. રવેશમા પ્રવેશ્યા બાદ તેણે સ્હેજ ઉપર નજર કરી તો તેને 10×10ના કાર્ડ લટકાવેલા જોયા. આ કાર્ડ દસ સેન્ટીમીટર પહોળાઈ અને દસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતા હતા. તેણે એક કાર્ડ પર વી.સ. ખાંડેકરનુ નામ લખેલું જોયું. તો બીજા કાર્ડ પર પુ.લ. દેશપાન્ડેનુ નામ લખેલું જોયું ત્રીજા અને ચોથા કાર્ડ પર શરદ જોષી અને પ્રેમચંદ હતા. પાંચમા અને છઠ્ઠા કાર્ડ પર આર્થર સી ક્લાર્ક અને સી.એસ. લેવિસ હતા. સાતમા અને આઠમા કાર્ડ પર ડી.એચ. લોરેન્સ અને ફાધર વાલેસના નામ શોભતા હતા. 

તેણે દરેક કાર્ડનો સ્પર્શ કર્યો અને એ પછી બારણાની સાંકળ ખખડાવી. સ્કાઇ બ્લૂ રંગના પેન્ટ અને વ્હાઇટ ઝભ્ભામાં સજ્જ આકાશને સાંકળનો અવાજ સંભળાતાં જ"તારા દિલના દ્વાર જો ઇસુ ખટખટાવે…."ભજન સ્મરી આવ્યું. 

"કોણ ?"કહેતા જેવી તેણે બહાર નજર નાંખી કે તેને સુબોધ દેખાયો. 

"આર યુ સુબોધ ?"તેણે પૂછ્યું. 

"યેસ માયસેલ્ફ સુબોધ……"સુબોધે કહ્યું. 

"આવો …...વેલકમ….."કહેતાં આકાશે સુબોધને આવકાર આપ્યો. 

આકાશના ઘરમાં લોખંડની એક ખુરશી હતી તેની ઉપર તેણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. અને સુબોધને પલંગ પર બેસવા જણાવ્યું. એ પછી આકાશના મમ્મી ; પાણીનો ગ્લાસ લઈ આવ્યા. સુબોધે પાણી પીધુ. 

"બીજું આપે ?"આકાશે પૂછ્યું. 

"ના" સુબોધ બોલ્યો. 

થોડી ઔપચારિક વાતો કર્યા બાદ સુબોધે પૂછ્યું,"વાંચનમાં રુચી ક્યારથી જાગી ?"

આકાશે જણાવ્યું કે પોતે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારથી વાંચનમાં રુચી ધરાવે છે. તેણે પોતે ગામના પુસ્તકાલયમાં જતો હોવાનો જીક્ર પણ કર્યો . 'ચંપક' અને 'ચાદામામા' ની વાત કરી. 

"સામાન્ય રીતે ઘણા ખરા લોકો વિચારે છે પણ એ બધા તેને શબ્દોમાં વ્યકત નથી કરી શકતા તો આ માટે કયું કારણ જવાબદાર હોઇ શકે ? તમારી દ્રષ્ટિએ….." સુબોધે પૂછ્યું. 

"આપનો સવાલ મને ગમ્યો. મારી દ્રષ્ટિએ તો બધા જ વિચારી શકે છે. પણ એ વિચારોને રજૂ કરવા માટે વ્યક્તિ પાસે જે પૂરતું શબ્દભંડોળ હોવું જોઈએ તે હોતું નથી એટલે એ વ્યકત થઇ શકતી નથી."આકાશે કહ્યું. 

"લખવા માટે જેની સૌથી વધારે આવશ્યકતા રહે એવી બાબત કે ગુણ તમારી દ્રષ્ટિએ કયો હોઇ શકે?" સુબોધે પૂછ્યું. 

આ સવાલના જવાબમાં આકાશે શિસ્તને મહત્વ આપ્યું. 

સુબોધનુ પોતાની પાસેના કાગળમાં લખવાનું ચાલુ જ હતું. આકાશ જવાબ આપતો. અને સુબોધ લખતો. એ દરમિયાન માએ પૂછ્યું; "તમે કંસાર આરોગશો ?" 

સુબોધે માથું ઊંચુ કર્યું અને આકાશ સામે જોયું. આકાશે કહ્યું;"મમ્મી એમ પૂછે છે કે આપ જમવામાં શીરો લેશો કે કેમ ? શીરાને અમે લોકો લાલો પણ કહીએ છીએ….બાપુનગર કે બહેરામપુરાની કોઇ સોસાયટીમાં રહેતો લાલો નહી...હો કે…." 

"અને લાલી પણ નહી….બરોબરને !" સુબોધે સ્મિત સાથે સૂર પુરાવ્યો. 

તેણે મમ્મી સામે જોતાં કહ્યું,"હા, બા…..આરોગીશ." 

મમ્મી જમવાનું બનાવવાના કાર્યમાં જોતરાઈ ગયા. 

"તમને કોઇ દિવસ રાત્રે લખવાનો વિચાર આવે ? અને આવે તો શું કરો છો ?"સુબોધે પૂછ્યું. 

"હા, આવે ને. ..કેમ ન આવે ! એવું થાય તો હું ગોદડુ કાઢી નાખું છું અને ઉભો થઇને લખવા બેસી જાઉ છું. "આકાશે સ્પષ્ટતા કરી. 

એ પછી આકાશે દીવાલ ઘડીયાળ તરફ જોયું અને બોલ્યો;"સાડા અગિયાર થવા આવ્યા. ચાલો જમી લઇશુ !" 

એ પછી એણે ઉમેર્યું;" બીજી કેટલીક વિગતો મારી પાસે પડી છે. એ તમને આપીશ એટલે તમારું એસાઇનમેન્ટનુ કાર્ય સરળ રીતે થઇ શકશે." 

"થેન્ક યુ સર" કહેતા સુબોધે પોતાની પાસેનો કાગળ અને પેન થેલીમાં મૂકી દીધા. 

એ પછી આકાશ સુબોધને લઇને વાડામાં ગયો. સુબોધના ધ્યાનમાં છત વિનાની એક ઝૂંપડી આવી. તેણે પૂછ્યું,"સર ; આ શું છે ?" 

"તમે જેને બાથરુમ કહો છો એ જ આ છે. અમે એને નાવણીયુ કહીએ છીએ "આકાશ બોલ્યો. 

"બટ ઇટ હેઝ નોટ અ ડોર ઇવન નોટ અ રુફ!"સુબોધે આશ્ચર્ય વ્યક્ત કર્યું. 

"સો વોટ! ન્હાવા બેસીએ એ ઘડીએ આગળ ચાદર બાંધી દેવાની…"આકાશ બોલ્યો. 

"એન્ડ વોટ અબાઉટ રુફ ?"સુબોધે પૂછ્યું 

"ભલા માણસ…..ઉપર હવાઉજાશ તો જોઇએ ને !"આકાશે કહ્યું. 

"પણ કો'ક આપણને ન્હાતા જોઇ જાય તો !"સુબોધે આશ્ચર્ય વ્યક્ત કર્યું. 

"રાત્રે કોઇ ભૂત ભઇય ન હોય….એ વખતે જ નહાવાનું ગોઠવી લેવાનું . ચાલો હવે હાથ ધોઇ નાંખો"આકાશે કહ્યું. 

બંનેએ હાથ ધોઇ નાખ્યા અને એ પછી ઘરમાં આવ્યા. માએ બે પ્લેટ તૈયાર કરી દીધી હતી. સુબોધે જોયું કે પ્લેટમાં એક વાટકીમા દહી હતું. પાપડ હતો. દાળ-ભાત હતા. અને શીરો પણ હતો. આકાશે પ્રાર્થના કરી અને એ પછી જમવાનું આરંભ્યું.  જમ્યા બાદ તેણે સુબોધને કેટલાક કાગળ આપ્યા કે જેમાં એવી વિગતો હતી કે જે સુબોધને એસાઇનમેન્ટ તૈયાર કરવામાં કામ લાગે. 

એ પછી મા અને આકાશની રજા લેતાં સુબોધ ; ઘેર જવા રવાના થયો. જ્યારે તે રવેશમા આવ્યો ત્યારે આકાશે તેને નીચે નમવાનુ યાદ દેવડાવ્યુ. આકાશે નોંધ્યું કે સુબોધના મુખ પર કંઇક પામ્યાનો સંતોષ વરતાઇ રહયો હતો . જ્યારે સુબોધ ઢાળ ઊતર્યો ત્યારે આકાશના જમણા કાનમાં કોઇ ગીત ગણગણી રહ્યું ન હોય એવી લાગણી તેને થઇ આવી. તે સભાન બન્યો તો તેને ગીતના શબ્દો સંભળાયા: ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના…..

એ પછી તે મા સંગ ઘરમાં આવી ગયો. મા વાસણ સાફ કરવાના કાર્યમાં જોતરાઈ ગયા. અને તેણે સાવરણી લઇને જમતી ઘડીએ પડેલ અન્નના દાણા એકઠાં કરી દીધા અને એનો યોગ્ય નિકાલ કર્યો. 

ઘેર આવતા સુધીમાં સાંજ પડી ગઇ. જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે મમ્મી કહેવા લાગ્યા, "સુબુ; કેવું રહ્યું ?" 

"ફેન્ટાસ્ટીક મમ્મી…"સુબોધ કહેવા લાગ્યો. 

સુબોધ પાસે એક અઠવાડિયાનો સમય હતો. એ દરમિયાન એણે પોતાનું એસાઇનમેન્ટ તૈયાર કરી દીધું. હસ્તાક્ષર પણ સરસ કાઢ્યા કે જેથી વાચનારનો રસ જળવાઈ રહે. તે કોલેજ પહોંચ્યો અને એસાઇનમેન્ટ સબમીટ કરાવી દીધું. અન્ય વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓએ પણ એમ કર્યું. ફેકલ્ટી દ્વારા મોનોપોલી એવી રાખવામાં આવી હતી કે એન્યુઅલ ડેના દિવસે જ પરિણામ જાહેર કરવું. દિવસો પસાર થતા ગયા અને એન્યુઅલ ડે આવી પહોંચ્યો. બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા કે કોણ મેદાન મારી જશે. અને એ પછી વિજેતા તરીકે જ્યારે સુબોધનુ નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. તે મોમેન્ટો અને પુષ્પગુચ્છ સાથે પોતાના મમ્મી- પપ્પાને ભેટી પડ્યો. 

ઘેર આવતાંની સાથે જ તેણે આકાશને ફોન જોડ્યો. અને કહેવા લાગ્યો,"હેલ્લો સર…." 

"ભલા માણસ….હું તો એક કોમનમેન છું. "આકાશે કહ્યું. 

"ઓકે. ઓકે….એક ગુડ ન્યુઝ છે. મારુ એસાઇનમેન્ટ શ્રેષ્ઠ એસાઇનમેન્ટ સાબિત થયું. અને મને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપીને મારું સન્માન કરવામાં આવ્યું. " 

"કોન્ગ્રેચ્યુલેશન સુબોધ….." આકાશ કહેવા લાગ્યો. બરોબર એ જ ઘડીએ કોઇ એના ડાબા કાનમાં મો રાખીને કશું ગાઇ રહ્યુ ન હોય એવું તેને લાગ્યું. ગીતના શબ્દો હતા: દીયા તૂટે તો હૈ માટી જલે તો યે જ્યોતિ બને.


Rate this content
Log in

Similar gujarati story from Classics