Amit Chauhan

Inspirational

3  

Amit Chauhan

Inspirational

દિશાશૂન્ય

દિશાશૂન્ય

10 mins
258


ડેનિશે જ્યારે પરવારીને પોતાની પથારીમાં લંબાવ્યુ ત્યારે તેને કાકી દ્વારા બપોરે ઉચ્ચારાયેલા વેણ યાદ આવી ગયા. એ વેણે એના દિલને ઠેસ પહોંચાડી હતી. " આખો દા'ડો દેવળ દેવળ જ કર્યા કરે છે...બીજું કશું હુજતું જ નહીં " કાકી બોલેલા. એમની સામે એ કશું બોલી શક્યો નહોતો. 

ડેનિશ એટલે પરગજુ યુવાન. કાકા-કાકી અને દાદા-દાદી ભેગું રહેતો એક નમ્ર યુવાન. ફળીયાના યુવાનોની સોબતમાં એ ક્યારેય જોવા ન મળે. હા; કિશોરીઓ અને યુવતીઓ તેમજ અન્ય ગૃહિણીઓ સાથે તે ભળી જતો. તેની વાતમાં શાકભાજી હોય. તેની વાતમાં સલુણની વાતનો પણ સમાવેશ થાય. ગામમાં ભરાતા મેળાની વાત પણ તે કરે. કોલ્ડ સ્ટોરેજમાં  રાખેલા બટાકા જ્યારે ચઢે નહીં ત્યારે તેનો બળાપો પણ તે મહિલાઓ મધ્યે રજૂ કરે. 

ફાધરની ફોર વ્હીલરના જેવા દર્શન થાય કે તે હરખપદૂડો બની જાય. દેવળનો દરવાજો ખોલીને સાફ સફાઈ કરવી, ગણતરીની મિનિટોમાં વેદી તૈયાર કરી દેવી, મીણબત્તી છે કે નહી તે તપાસી લેવું- આ બધા કાર્યો તે હોંશે હોંશે કરતો. 

એ દિવસે બપોરે એણે જે વેણ સાંભળ્યા હતા એ વેણે એને આખી રાત ઊંઘવા ન દીધો. એના મમ્મી-પપ્પા હતા. એના બે ભાઈ પણ હતા. પણ એ બધા ગામથી દૂર આવેલ શહેરમાં રહેવા ચાલ્યા ગયા હતા. ડેનિશે પોતાના કાકા-કાકી સાથે રહેવાનુંં મુનાસીબ માન્યું હતુંં. એના દાદાને તે બાપુ કહેતો અને દાદીને મા. 

થોડા દિવસો પૂર્વે તેના બાપુ માંદા થઈ ગયા હતા. એમને ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી હતી. એમને ખાંસી થઈ ગઈ હતી. તાવ પણ આવ્યો હતો. મળ ત્યાગ માટે તેઓ ટોઈલેટ સુધી જઈ શકતા નહોતા અને એટલે લોખંડના પલંગની નીચે જ એ માટેની વ્યવસ્થા કરવી પડી હતી. એમની સેવા ચાકરી કરતા તે માંદો થઈ ગયો હતો. 

 ખેર, કાકીનો કહેવાનો મતલબ તે સારી પેઠે સમજી ગયો હતો. કાકીએ પરોક્ષ રીતે એવું સૂચવેલુ કે પોતે ; કોઈ કામધંધો શોધી કાઢે. એના કાકી એવું ઈચ્છતા હતા કે તે કોઈ કામધંધો શોધી કાઢે. જો તે કોઈ કામધંધો શોધી કાઢે તો ઘરમાં બે પૈસા આવતા થાય. કાકીના વેણ મનમાંથી ખસ્યા નહોતા અને એટલે એણે મનમાં ને મનમાં એકથી દસ ઊલટા ક્રમમાં ગણવાનુંં શરૂ કર્યું. પણ પાછળથી યાદ આવ્યું કે એ તો જ્યારે માણસે; કોઈ વ્યક્તિ પર ક્રોધ ઉભરાઈ આવે ત્યારે કામે લગાડવાની ટેકનિક હતી ! તેણે ગણવાનુંં પૂરું ન કર્યુ. એને ડૂમો ભરાઈ ગયો હતો. 

ન રહેવાયું એટલે એના મુખમાંથી એક ટિપીકલ અવાજ બહાર આવ્યો. નજીકની ખાટલીમા સૂઈ રહેલા એના દાદી એટલે કે મા બોલી ઊઠ્યા, " ડેનિશ, શું થયું બેટા. ? " 

" કશું નહીં મા.એ તો ખાલી ખાંસી આવી ગઈ" ડેનિશ કહેવા લાગ્યો. પોતાની બંને હથેળી ચહેરાના ડાબા ભાગે રહે એ રીતે તે આડો પડી રહ્યો. એ પછી તે કૂતરું કોઈ ખંડિયેરમા કેવી રીતે પડી રહે એ રીતે પોતાની પથારીમાં પડી રહ્યો. 

  ખેર, બીજા દિવસે જ્યારે આકાશ ; ભોજન આરોગીને રવેશમા આંટો મારવા આવ્યો ત્યારે એના ધ્યાનમાં કેટલીક બાળાઓ અને મહિલાઓ આવી. 

" અત્યારે ક્યાં જતાં હશે ? " તેના મનમાં સવાલ ઉદભવ્યો. તેણે પેલી બાળાઓ અને મહિલાઓ પર પોતાની નજર ટેકવી રાખી. થોડી વાર બાદ તેણે જોયું કે આ લોકો ડેનિશના ઘરમાં દાખલ થયા. તેણે જોયું કે ઘરની બહાર મહિલાઓ-પુરુષો-બાળકોના પગરખાં મૂકેલા હતા. એ દરમિયાન એના મા ઘરમાંથી બહાર આવ્યા. અને પોતાના ચંપલમા પગ નાંખતા બહાર ચાલ્યા ગયા. 

"મમ્મી, ક્યાં જાય છે ? " પૂછાતાં માએ કહ્યું, " આ પેલા ડેનિશને ત્યાં થોડીવાર બેસીને તરત જ પરત આવું છું " 

એક-બે આંટા માર્યા બાદ આકાશ પણ ડેનિશના ઘેર ગયો. તેણે જોયું કે વચ્ચેનો ઓરડો હકડેઠઠ ભરાઈ ગયો હતો. એક નાની બાળા કે જેને પોતે ; મ્યાઉ.મ્યાઉ...કહીને બોલાવતો હતો તે પોતાના હાથમાં રુમાલ લઈને આમતેમ વીંઝી રહી હતી. તેણે જોયું કે કેટલાક પુરુષો પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હતા. અને મહિલાઓ ભોયતળીએ. તેની નજર ડેનિશ પર પડી કે જે એક ખુરશીમાં બેઠો હતો. બધા તેની તરફ અમુક અમુક સમયના અંતરે નજર નાંખી દેતા હતા. તે નવાં કપડાં પહેરીને બેઠો હતો. તેનાં ગાલ ઉપર આંસુ સૂકાઈ ગયા હતા. બરોબર એ જ પળે આકાશને એવું મહેસૂસ થયું કે જાણે કોઈ પોતાના ડાબા કાનમાં કોઈ ગીત ગણગણી રહ્યું ન હોય ! એ ગીતના શબ્દો હતા: બેના રે.વિદાયની આ વસમી વેળા બીજી જ પળે તેને એવું લાગ્યું કે કોઈ પોતાના જમણા કાનમાં કોઈ ગીત ગણગણી રહ્યું ન હોય ! એ ગીતના શબ્દો હતા: મૈકે કી કભી ન યાદ આયે..સસુરાલ મેં.

જોકે અહી એને સસુરાલમા નહી બલકે સેમિનરીમા જવાનુંં હતુંં. 

એ પછી બધા શી વાત કરી રહયા હતા તે સાંભળવાંમાં તેને રસ જાગ્યો. કોઈક ફાધર ક્યારે લેવા આવશે એવા મતલબનો સવાલ કરી રહ્યું હતુંં. તો કોઈ વળી પૂરતા કપડાં લીધા છે કે કેમ એ અંગે પૃચ્છા કરી રહ્યું હતુંં. સામાજીક પ્રસંગોમાં આગળ પડતો ભાગ લેનારા વિક્ટરભાઈ પણ અત્રે હાજર રહ્યા હતા. અડધા કલાક સુધી બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. વિક્ટરભાઈએ પોતાના બે હાથ ખોળામાં રાખ્યા અને મસ્તક ઝુકાવી બોલ્યા, " ચાલો , હવે આપણે બધા પોતપોતાની આંખો બંધ કરીશું. હે આકાશમાંના અમારા પિતા, અમે સહુ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજનો આ સુંદર દિવસ તમે અમને દેખાડ્યો એ માટે આપનો આભાર. આજે આ પરિવારનો દીકરો નામે ડેનિશ પોતાનુંં જીવન માનવસેવા માટે સમર્પિત કરવા જ ઈ રહયો છે એ વેળા અમે માંગીએ છીએ કે તમે તેની ઉપર તમારી આશિષો વરસાવો. એ હવે તમારા વચનોને માનવસમુદાય વચ્ચે પ્રસારવા માટે આગળ વધી રહયો છે. એ માટે જે તૈયારી કરવી પડે એમાં તમે એને બળ અને હિંમત પૂરા પાડજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. " 

 ઓરડામાં હાજર રહેલા તમામ લોકોએ એકસાથે 'આમેન ' શબ્દ ઉચ્ચારયો. એ પછી એમણે હાજર રહેલ લોકો પર નજર ફેરવતાં ફેરવતાં કહ્યું; " જુઓ. આપણો ડેનિશ હવે પ્રભુનુંં કાર્ય કરવા જઈ રહયો છે. અમુક વર્ષ પછી એ પુરોહિત બની જશે. અત્યારે તો આપણે એને ડેનિશ કહીને બોલાવીએ છીએ પણ પછી એને ફાધર ડેનિશ કહેવું પડશે. બરોબર ને ! " 

 વિક્ટરભાઈની વાત સાંભળ્યા બાદ બધાના ચહેરા પર સ્હેજ ખુશી જોવા મળી. અલબત કાકી તો રાહ જ જોઈ રહ્યા હતા કે ક્યારે ફાધર આવે અને ડેનિશ પોતાના બિસ્તરા પોટલા લઈને રવાના થાય. વિક્ટરભાઈ ચીપીચીપીને બોલતા હતા એટલે બધાને હસવું આવતુંં હતુંં. એવામાં ડેનિશના પિતા પોતાના સ્માર્ટ ફોન વડે હાજર રહેલા લોકોનો વિડીયો ઉતારવા લાગ્યા. ડેનિશની નજર દીવાલ ઘડિયાળ પર પડી. બરોબર નેવું ઔસનો ખૂણો બન્યો હતો. બપોરના ત્રણ વાગી ગયા હતા. ઘરની બહાર ઉભેલો એક છોકરો મોટા અવાજે બોલવા લાગ્યો, " ફાધર આયા.ફાધર આયા. " 

ડેનિશનો ચહેરો વધારે રડમસ બની ગયો. એ પછી વારાફરતી દરેક જણ તેની પાસે જવા લાગ્યું. તેના પિતા તેને ભેટી પડ્યા. કાકીએ પણ તેને ગળે લગાડ્યો. એવામાં કોઈક બોલ્યું, " ચાલો, આવું બહુ ન કરશો. એ કાયમ માટે થોડો ચાલ્યો જાય છે ! પાછો તો આવશે ને ! અને એ તો ભગવાનના કામ માટે જાય છે ! " 

આકાશે જાણવાનો પ્રયત્ન કર્યો કે આવા વાક્યો કોણે ઉચ્ચારયા હતા પણ એ જાણવા જાય એ પહેલા તો એ વ્યક્તિ બોલતી બંધ થઈ ગઈ હતી. ફાધર સાદા ડ્રેસમાં હતા. એટલે કે એમણે હાફ બાંયનુંં શર્ટ પહેર્યું હતુંં ને નીચે પેન્ટ. જીન્સનુંં નહીં પણ સાદુ. ડેનિશની આજુબાજુ પરિવારજનો ચાલી રહ્યા હતા. તેને ફાધરની ફોર વ્હીલર ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. આકાશ પણ એ ટોળામાં હતો. એય ગળગળો થઈ ગયો હતો. એના મનમાં એક નવો શબ્દ પ્રગટ થયો. એ શબ્દ હતો: કુમારવિદાય. જ્યારે તેને કશુંક નવું જડતુંં ત્યારે તે એટલો ખુશ થઈ જતો કે ન પૂછો વાત ! પણ આસપાસના લોકોને થોડી ખબર કે એને એક નવો શબ્દ જડ્યો છે ! એ લોકો તો એમની દુનિયામાં હતા ! 

 થોડીવાર બાદ ફાધરે ચાવી જમણી તરફ ફેરવી અને "ચાલો આવજો" કહેતા ગાડી હંકારી. ફાધરની ગાડી ગામ ફાડીને મુખ્ય રોડ પર આવી ગઈ. ડેનિશના પરિચિત વૃક્ષો તેને મનોમન અલવિદા કહી રહ્યા હતા. ફાધરે પોતાની આંખોની કીકીઓ ઉપર કરી અને મિરરમા જોતાં બોલ્યા, " એકાદ અઠવાડિયા સુધી થોડું એવું લાગશે પણ પછી ફાવી જશે" 

"હા ફાધર.." ડેનિશ બોલ્યો. અડધા કલાક બાદ તેઓને જ્યાં પહોંચવાનુંં હતુંં તે જગ્યા આવી ગઈ. ડેનિશને ગાડીમાં રહ્યે રહ્યે એક બોર્ડ જોવા મળ્યું. બોર્ડ પર લખેલું હતુંં: સેન્ટ સ્ટેફાન સેમીનરી. 

  ફાધરે ગાડી ઊભી રાખી ને "કમ ડેનિશ" કહેતા સેમીનરીની અંદર દાખલ થયા. પાંચેક બ્રધર ડેનિશને જોતા જ તેને શુભેચ્છા પાઠવવા લાગ્યા. એ પછી તેને એક અલગ ઓરડો ફાળવવામાં આવ્યો. ડેનિશે જોયું કે ઓરડામાં દીવાલ પર ઈસુનો ફોટો હતો. એક ફૂલદાની હતી કે જેમાં ફૂલ મૂકેલા હતા. તે તેની નજીક ગયો અને ફૂલોને સ્પર્શ્યો તો ખબર પડી કે એ તો કૃત્રિમ હતા ! એક ટિપોઈ પર તેને કાચની ગ્લાસ જોવા મળી. તેમાં પાણી ભરેલું હતુંં. તેણે પાણી પીધુ. 

 એ પછી વિલ્સન નામના એક બ્રધર ઓરડામાં આવ્યા અને ડેનિશને પોતાની સાથે આવવા જણાવ્યું. રાત્રિભોજનનો સમય થઈ ગયો હતો. એક મિનિટ બ્રધર ઊભા રહો. એવું કહીને તે વોશરૂમમાં ગયો. એણે જોયું કે અહીં તો વેસ્ટર્ન ! "ઓહ ! મારા ઘેર તો સાદુ છે" એનાથી બોલાઈ જવાયું. એ પછી તેણે નળ ચાલુ કરીને હાથ- પગ ધોઈ નાખ્યા. એ પછી તે બ્રધર વિલ્સન સાથે ભોજનગૃહમા પહોંચ્યો. એક મોટા ટેબલ પાસે તેણે તેનુંં સ્થાન ગ્રહણ કર્યુ. બ્રધર વિલ્સન પણ તેની જોડે હતા. ભોજન વહેચનારા આવ્યા. ડેનિશની પ્લેટમાં ખીચડી અને શાક આવી ગયા એટલે એણે પ્રાર્થના કરીને ભોજન આરોગવાનું શરૂ કરી દીધું. 

  સેમિનરીમા પાંચેક દિવસ પસાર થયા હશે ને એને તાવ આવ્યો. એક આખો દિવસ તે પથારીમાં પડી રહ્યો. એ પછી તે મુખ્ય રેક્ટરને મળ્યો કે જેઓ બ્રધર હતા. તેણે એમને મળીને જણાવ્યું, " બ્રધર ; મારી તબિયત સારી નથી રહેતી. હું સેમીનરી છોડીને ઘેર પરત જાઉ છું " 

પેલા રેક્ટરને આ ઘટનાથી દુખ થયું. પણ તેઓ કંઈ કરી શકે એમ નહોતા. ડેનિશ ધોવાના થયેલાં કપડાં પોતાની બેગમાં ભરી દીધા અને સેમિનરીને અલવિદા કહેતા નીકળી પડ્યો. 

 આ તરફ આકાશ રાત્રે હાથપંખો ફેરવતાં ફેરવતાં ડેનિશ વિશે વિચારવા લાગ્યો. " શું કરતો હશે ? ફાવતુંં હશે એને ત્યાં ? આગળ જતાં જતાં કયા કયા પડકાર આવશે એની એને જાણ હશે કે બસ એમને એમ ચાલી નીકળ્યો હશે ? " તેણે વિચાર કર્યો. 

  આકાશના ધ્યાનમાં એવા એક બે યુવાનો હતા કે જેઓ કોઈને કોઈ કારણ દર્શાવીને એ રાહ પરથી પાછા ફર્યા હતા. એમાંના એકને તો સંન્યાસી બનવા આવેલ યુવતી સાથે જ આંખો મળી ગઈ હતી. એટલે" મીયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી" ની જેમ તેમણે પણ સેમિનરીને અલવિદા કહી દીધું હતું. 

 ખેર, ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો એટલે તેની આંખો ઘેનાવા લાગી અને હાથમાંનો પંખો નીચે પડી ગયો. નીચે પડ્યો એટલે કે એના ખાટલામાં જ પડ્યો. 

  બીજે દિવસે એને જાણ થઈ કે ડેનિશ તો પરત આવ્યો છે. તે હળવે રહીને એના ઘર ભણી ગયો. અને જાળીમાંથી જોયું તો તે રવેશમા ઢાળેલ પલંગમાં આડો પડ્યો હતો. તેના ચહેરાનુંં નૂર ઝાંખુ પડી ગયું હતુંં. દાદી પણ જાણે માથા પર આભ તૂટી પડ્યું હોય એમ ઉદાસ જણાતા હતા. આકાશ છૂપાયેલો ન રહ્યો બલકે તેણે પોતાની હાજરી ખાલી ખાલી ખાંસી ખાઈને પુરાવી દીધી. દાદી અને ડેનિશ; બંનેએ આકાશ તરફ નજર નાંખી. આકાશે કશું પૂછ્યું નહી. આકાશે અંદાજ લગાવી દીધો. 

ઘેર પરત આવ્યા બાદ હવે ડેનિશને પહેલા જે માન મળતુંં હતુંં તે મળવાનુંં બંધ થઈ ગયું હતુંં. એને ખુદને પણ બહાર નીકળતા શરમ લાગતી હતી. 

એક દિવસ રાત્રે આકાશના મન પર ડેનિશ અંગેના વિચારો પુન: હાવી થઈ ગયા. એ જાણતો હતો કે ડેનિશ બારમા ધોરણ સુધી ભણ્યો હતો. તેને વિચાર આવ્યો કે આ વાત મધર મેરીને કરવી. તેણે એવું અનુંમાન લગાવ્યું કે પોતે આ વાત મધર મેરીને કરશે અને મધર મેરી આ વાત ઈસુ સુધી પહોચાડશે. તેણે પોતાની આંખો બંધ કરી. અને મધર મેરીનું સ્મરણ કરવા લાગ્યો. તે બોલ્યો, " મરિયમ મા; ડેનિશ નામનો યુવાન નાસીપાસ થયો છે. તે સેમીનરીમાથી પરત આવ્યો છે. તેને તેનુંં ભાવિ ધૂન્ધળુ દેખાય છે. શહેરમાં બે -ત્રણ મોલ છે. તમને તો ખબર હશે જ કે ક્યાં જગ્યા છે ! પ્લીઝ વહેલીતકે ઈસુને જાણ કરો. આઈ એમ સ્યોર ઈસુ કોઈ એચ આર મેનેજરના મનમા હકારાત્મક વિચાર નાખીને કામ પાર પડાવશે" 

 આકાશની વાત સાંભળી મધર મેરી કહેવા લાગ્યા, "આકાશ, આ દાઢી-બાઢી જબરુ વધાર્યું છે. હં...બાય ધ વે; તાબામાં મારા જન્મ દિનની ઉજવણી સરસ રીતે ઉજવી. તુંં કેક ખાતો'તો ને ત્યારે હું તને જોઈ રહી હતી. બધા ધર્મજનોને મારી સલામ પાઠવજે. પાઠવીશ ને ! અને હું હમણાં જ મારા પુત્ર પાસે પહોચુ છું. આવજે બેટા " 

 મધર મેરીનો જવાબ સાંભળી આકાશ સૂઈ ગયો. જોકે અડધી રાત્રે તેને નફ્ફટ અને નફ્ફટની પત્નીનો અવાજ સંભળાયો. પેલો નફ્ફટ એવી વાતો કરતો હતો કે એ શબ્દો સાંભળીને આકાશને અડધી રાત્રે હસવું આવી જતુંં હતુંં. પેલો નફ્ફટ એ રાત્રે 'કોરો 'નહોતો. આખા દિવસ દરમિયાન તેણે થોડું થોડું પીધા કર્યું હતુંં. 

 ખેર, કોઈ એક દિવસે શહેરના કોઈ એક મોલના એચ આર મેનેજરે પ્યૂનને ડ્રોપ બોક્સમાંના બાયોડેટા કાઢી લાવવા જણાવ્યું. એક વખત બધા બાયોડેટા તેમના ટેબલ પર આવી ગયા એટલે એમણે દરેકના બાયોડેટા જોયા. બાયોડેટા જોતાં જોતાં એમના હાથમાં ડેનિશનો બાયોડેટા આવ્યો. બરોબર એ જ વખતે કેબિનની કાચની બારીમાંથી પસાર થઈને પવિત્ર આત્મા; એચ આરના દિમાગમા પ્રવેશ્યો. અને એ પછી તો મેનેજરે ડેનિશનો મોબાઈલ નંબર જોડ્યો અને નિયત તારીખે ઈન્ટરવ્યૂ માટે આવી જવા જણાવ્યું. એક્ચ્યુઅલી ડેનિશે થોડા મહિના પૂરવે પોતાનો બાયોડેટા ડ્રોપ કર્યો હતો. એટલે કે બોક્સમાં નાંખ્યો હતો. પણ એ વાત એના મગજ બહાર નીકળી ગઈ હતી. અને એ પછી સેમિનરીમા જવાનુંં થયું. 

ખેર, હવે તેનામાં નવી ઊર્જાનો સંચાર થયો હોય એવું આકાશને લાગવા માંડ્યું. તેને ખબર પડી ગઈ કે ઈસુએ ચોક્કસ પોતાની પ્રાર્થના સાંભળી હતી. 

  ખેર એ પછી તો ડેનિશ ઈન્ટરવ્યુ આપવા ગયો અને તેનુંં સિલેક્શન પણ થઈ ગયું. બીજે દિવસે સવારે તે ખભે બેગ ભરવીને જોબ પર જતો હતો એ વેળા આકાશની નજર તેના ઉપર પડી. એક્ચ્યુઅલી આકાશે હજી મોઢું પણ નહોતુંં ધોયું ને એક કવિતાને શબ્દદેહ આપવા બેઠો હતો. આકાશે ડેનિશને જોયો. એ પછી એને એવું લાગ્યું કે કોઈ દુર રહ્યે રહ્યે એક ગીત ગણગણી રહ્યું હતુંં. ગીતના શબ્દો હતા: કદમ કદમ બઢાયે જા...ખુશી કે ગીત ગાયે જા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational