હેલ્પીન્ગ હેન્ડ
હેલ્પીન્ગ હેન્ડ
બપોરે પપ્પાનો ફોન આવ્યો અને આકાશે રિસીવ કર્યો. "અત્યારે આવીશ ? " પ્રશ્ન પૂછાયો." વધારે છે ? " એણે સામે પૂછ્યું જવાબ મળ્યો: હા. એ પછી તેણે જમી લીધું. જમવામાં એની પ્રિય વાનગી હતી. એટલે કે માએ મગની દાળ બનાવી હતી. વળી તે ગરમ ગરમ હતી. સાથે રોટલી હતી. એણે શાંતિથી ભોજન આરોગી લીધું. એ એક નવી બાબત શીખેલો કે જમતાં જમતાં બહુ વિચાર નહીં કરવા. રોટલીને ધ્યાનપૂર્વક નિહાળતો રહ્યો. અને દાળનો સ્વાદ પણ માણતો રહ્યો.
એને છુંદો અને અથાણું યાદ આવ્યા પણ એમ વિચાર્યું કે રાત્રે ખીચડી સાથે આરોગશે. જમ્યા બાદ તે લાકડાના પલંગમાં આડો પડ્યો. પંદરેક મિનિટ બાદ માએ એને જવાનું યાદ કરાવડાવ્યુ. એ ઊભો થયો. માથા ના વાળ વ્યવસ્થિત કર્યા. પાણી પીધુ અને ખિસ્સામાં બસો રૂપિયા મૂક્યા. એ પછી ચાવી લઈને સ્કૂટી પાસે ગયો. લાકડાનું પાટીયું મૂકીને સ્કૂટીને રસ્તા પર ઉતારી. કશું રહી તો ગયું નથી ને એવું પોતાની જાતને પૂછી લીધું. અંદરથી જવાબ મળ્યો: ગો અહેડ.
તે દેવળ આગળ આવ્યો કે તેના ધ્યાનમાં બે બાળક આવ્યા. ગર્લ અને બોય. બંને દોડતા દોડતા પોતાના ઘર તરફ જતા હતા. જેવો તે પાસેના ગામમાં દાખલ થયો કે રસ્તા પર છૂટી છવાયી બેઠેલી કેટલીક ગાયો તેને નજરે ચઢી. તેણે જોયું કે કેટલીક ગાયો વાગોળતી હતી.
એમને જોતાં એ મનોમન વિચારવા લાગ્યો; " આમને સારું જમવાનો સમય થાય એટલે જે તે ઘર આગળ જઈને ઊભા રહેવાનું. અંદરથી મહિલા બહાર આવે અને થોકબંધ રોટલી આપી દે. પાછલી રાતની ખિચડી કે ભાત પણ આરોગવા મળે. આ માણસ એકલો જ એવો છે કે તેને થેલી લઈને શાક માર્કેટમાં જવું પડે. ભાવતાલ કરવો પડે. ઘેર આવીને શાક સમારવુ પડે…….."
થોડે આગળ જતાં તેના ધ્યાનમાં કેટલીક હરિજન મહિલાઓ આવી કે જે લાંબા હાથા વાળા સાવરણા વડે રસ્તા પરનો કચરો દૂર કરી રહી હતી. તેણે વિચાર્યું કે આ મહિલાઓ કેટલી સમજુ કહેવાય કે ગુજરાત વિદ્યાપીઠમાં ગયા વિના સ્વચ્છતાનું મહત્વ સમજે છે! એણે એ પણ ઓબ્ઝર્વ કર્યુ કે એ બધી મહિલાઓએ સાડી ધારણ કરી હતી. એને એક પણ મહિલા એવી જોવા ન મળી કે જેણે મોંઘા ભાવનું જીન્સ પહેર્યું હોય!
ખેર, એ પછી એની સ્કૂટી ગતિમર્યાદાને ધ્યાનમાં લેતાં આગળ વધી રહી હતી. તે "યહાં સબ અપની હી ધૂન મેં દીવાને હૈ "ગીત ગણગણતો રહ્યો. એ પછી જ્યારે પેલી કડી કે પંક્તિ આવી ત્યારે ભાવુક બની ગયો. એ કડી એટલે "સબ કે લબો પર અપને તરાને હૈ…."
થોડે આગળ ગયા બાદ એણે ગીત બદલ્યુ. "યે ના સોચો ઈસમે અપની હાર હૈ કે જીત હૈ……" ગાવા લાગ્યો. આગળ વધતા વધતા તે સિટીમાં આવી ગયો. સોમવાર હોવાથી બધી શોપ્સ ખુલ્લી હતી. બેન્કો ધમધમી રહી હતી. ફાસ્ટફુડની લારી કે દુકાન પર ઘરનું ઓછું ખાનારાઓની લાઈન લાગી હતી. યુવતીઓ પોતાની ધૂનમાં હતી. યુવકો રાતોરાત સફળતા મેળવવાના પેંતરામા મગ્ન જોવા મળ્યા. તેને કોઈ શાંત જણાયુ. કોઈ ઠરેલ જણાયું. કોઈ ઉછાછળુ જણાયું. અશક્ત- વૃદ્ધ સ્ત્રીઓ હાથમાં લાકડી અને એલ્યુમીનીયમની તાસળી એટલે કે પાત્ર લઈને નિષ્ઠુર સ્ત્રીઓ- પુરુષો પાસે મદદ માંગી રહી હતી. તેણે જોયું કે પંદર માણસ
ે એક જ માણસ હરિનો માણસ સાબિત થતો હતો કે જે પોતાના પાકીટમાંથી કલદાર કાઢીને મદદ માટે લંબાવવામાં આવેલ હાથમાં મૂકતો હતો. આ દ્રશ્ય જોતાં જ તેને ધનની ત્રણ ગતિ હોવાની સાચકલી વાત સ્મરી આવી.
તે કાળજીપૂર્વક સ્કૂટી હંકારતા આગળ વધી રહ્યો હતો. તે ખાસ તો આઈ કોન્ટેક્ટ રાખતો હતો. પોતાને જો બ્રેક મારવાની આવે અને ઊભું રહેવાનું બને તો એમ કરતો હતો. જ્યારે તે કોઈને આગળ જવા માટે સાઈડ આપતો ત્યારે સામેવાળી એની સામે મલકાતી. એટલે કે ખુશીનો અનુભવ કરતી. મલકાવું એટલે સ્મિત વેરવુ.
પપ્પાનો પોઈન્ટ આવવાને હવે ગણતરીની મિનિટો જ બાકી હતી. રસ્તો ઉબડખાબડ હતો એટલે એણે સ્કૂટીને ધીમે ધીમે હંકારી. એ પછી પપ્પા પાસે આવી ગયો. પપ્પાએ એક કોથળામાં ભરેલ તેલ અને મોરસ આપ્યા. તેણે જોયું કે સામાનમાં કપાસતેલની બે થેલી અને પાંચેક કિલો સુગર હતા. આ બધું તેણે સ્કૂટીમાં ઠેકાણે મૂકી દીધું. તેણે ઓબ્ઝર્વ કર્યું કે તેલ જન્મય બ્રાન્ડનું હતું.
એ પછી તે ઘેર પરત ફરવા લાગ્યો. મોટા બજારે આવતા તેને સ્ટેશનરી આઈટમ ખરીદવાનો વિચાર આવ્યો. તે એક જાણીતી સ્ટેશનરીની શોપમાં દાખલ થયો. તેણે ફેન્સી એન્વેલપની માંગણી કરી. પોતાને પસંદ પડ્યું નહીં એટલે એણે એન્વેલપ લેવાનું માંડી વાળ્યું. અને બીજી દુકાનેની ખરીદ્યું. જે દુકાનમાં તેને એન્વેલપ પસંદ ન પડ્યું તે દુકાનમાં એક શખ્સ તેને ઓળખતા હતા એટલે હસતા હસતા કહ્યું: યુ લુક લાઈક અ ફાધર! એ પછી તેણે થોડું સ્મિત વેર્યું.
" આ દુકાનનો માલિક-લાખોપતિ મારા માટે પ્રશંસાના બે શબ્દો બોલ્યો….શું વાત છે…..અને તે પણ અત્યંત વિનમ્ર ભાવે……" તેણે મનોમન વિચાર કર્યો. એ પછી એ પ્રશંસાનો બદલો વાળવા તેણે એક ફોલ્ડર ( પ્લાસ્ટિકની ફાઈલ) અને પુઠાની ફાઈલ ખરીધ્યા. બે બોલપોઈન્ટ પેન પણ તેણે ખરીદી.
અને એ પછી ત્યાંથી રવાના થયો. " સાંજે કેવું હશે" તેને વિચાર આવ્યો. કેમકે સાંજે તેના માસીના દીકરાના દીકરાનો બર્થ ડે ઉજવવાનો હતો. આ અંગેનું તેને વોટ્સ એપમાં કાર્ડ પણ મોકલવામાં આવ્યું હતું. " પુરુષને પોતાના પુત્રનો જન્મ દિન ઉજવવાની કેટલી બધી ખુશી હોય….." તેણે વિચાર કર્યો.
તેની સ્કૂટી હેરાન કર્યા વિના સરસ રીતે આગળ વધી રહી હતી. જ્યારે તે ગામ તરફ લઈ જતા કાચા રસ્તે આવ્યો ત્યારે તેના મનમાં હિન્દી ફિલ્મનું એક ગીત ઉભરી આવ્યું. ગીતના શબ્દો હતા: ઊઠે સબકે કદમ….તરરમપમપમ…..લા..લા...લા...લા….એ પછી તેને એક જાડી સ્ત્રી દેખાઈ કે જે પોતાની આંખો નચાવીને; બંને હાથ હલાવતા હલાવતા ઉલ્લાસભેર ગીત ગાઈ રહી હતી. તેને એક યુવાનનો ચહેરો પણ દેખાયો કે જેના હાથમાં વાયોલીન હતું. તેણે બેલબોટમનું પેન્ટ પહેર્યું હતું. આ ગીત યાદ આવતા તે પણ ગાવા લાગ્યો: લા...લા...લા..લા...લા...યયઈ ….યા…..
જ્યારે તે ઘરમાં દાખલ થયો ત્યારે ત્રણ વાગવામાં પંદર મિનિટ બાકી હતી. તેણે બધી વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકી. હાથ - પગ ધોઈ નાખ્યા. અને દીવાલને અઢીને બેઠો કે એને એક સામયિકમાં પ્રકાશિત થતી કોલમ કે કટારનું સ્મરણ થઈ આવ્યું. એ કોલમ એટલે ' હજી પુણ્ય પરવાર્યું નથી.'