Amit Chauhan

Others

3  

Amit Chauhan

Others

એવરેજ સન્ડે

એવરેજ સન્ડે

5 mins
289


પાછલી રાતે જ આકાશે પોતાના મમ્મીને માંસાહાર અંગે પૃચ્છા કરી જોઈ હતી. પરંતુ માએ એ વાત ધ્યાન પર લીધી નહોતી. રવિવારે સવારે જ્યારે તેણે પુન: પૃચ્છા કરી ત્યારે માની મુખમુદ્રા પરથી જ તેને ખ્યાલ આવી ગયો કે તેની ઈચ્છા નહોતી. 

" સારું ચાલો એ તરફ જવાનું ટળ્યુ " વિચાર કરતાં તેણે પોતાની સ્કૂટી બહાર કાઢી. પેટ્રોલની ટેન્ક ચેક કરી જોઈ. પાછલી રાતે માથામાં 'નવરત્ન ' નાખ્યું હોઈ બધા વાળ આજ્ઞાંકિત બનીને બેસી રહ્યા હતા. અને એટલે એને ચાલુ ખ્રિસ્તયગ્ન દરમિયાન કપાળ પર આવી જનાર વાળની ચિંતા નહોતી. ખેર, એણે જરૂરી નાણાં લીધા. કેમકે એને લીલોતરી શાકભાજી ખરીદવાની હતી. એ પછી તેણે ચાવીને જમણી તરફ ફેરવી. જ્યારે તે દેવળના પટાંગણમાં આવ્યો ત્યારે ખબર પડી કે દેવળ શરૂ થવામાં પાંચેક મિનિટ બાકી હતી. તે અંદર પ્રવેશ્યો. પોતાની જગ્યા પર આવી પહોંચ્યો. અને બેસી ગયો. તેની આગળ બે કિશોરો બેઠા હતા. બંનેએ મોઢા પર માસ્ક ચઢાવ્યો હતો. એ બંને કિશોરો સાથે એણે પૂર્વે વાત કરી હતી. અને એ પરથી એને ખબર પડી હતી કે બંને જુડવા હતા. એ વખતે એણે જુડવા શબ્દ સાંભળ્યો કે તરત જ તેને જુડવા ફિલ્મ યાદ આવી ગઈ. એણે એ ફિલ્મ જોઈ નહોતી પણ ખાલી નામ સાંભળેલું. આમેય બધી ફિલ્મ જોવા જઈએ તો કામધંધો શું ભૂતભઈ કરે ! 

ખેર, એણે નોંધ્યું કે બંનેએ એક જ પેટર્નના કપડાં પહેર્યા હતા. એ બંનેના મમ્મી કોણ છે એ પણ તે જાણતો હતો. એને ખબર હતી કે એ બંનેના મમ્મી કોઈ કોઈ વખત કલમ ચલાવતા હતા. 

તેણે નોંધ્યું કે પાછલા રવિવારે દેવળમા જેટલી ભીડ હતી એટલી ભીડ આજે નહોતી. તેને યાદ આવ્યું કે આજે તો સામાન્ય કાળનો પચ્ચીસમો રવિવાર છે. તેણે વેદીનુ નિરીક્ષણ કર્યું અને એ પછી ધાર્મીક વિધીમાં શાંતિપૂર્વક ભાગ લીધો. ફાધરે એમના બોધમા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક દાખલા-દલીલો રજૂ કર્યા. એમણે એક એવો પ્રસંગ જણાવ્યો કે જેમાં કોઈ એક ગામમાં એક દાદી રહેતા હતા. તેઓ એકલા જ પોતાની નાની ઝૂંપડીમાં રહેતાં હતા. ફાધર એમને મળ્યા હતા. એ દાદી બધેથી માંગી લાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પણ એક રહસ્ય ફાધરને બહુ મોડે ખબર પડ્યું કે એ એકલા નહોતા બલકે એમના બે દીકરા એ જ ગામમાં અલગ અલગ ઠેકાણે રહેતા હતા. જ્યારે દાદીએ જગતને અલવિદા કહી દીધું ત્યારે બંને દીકરા ઝૂંપડી માટે ઝઘડી રહ્યા હતા. 

 ફાધરનો બોધ આકાશને સ્પર્શી ગયો. તેને એક નવો આઈડિયા મળ્યો કે જીવનના નાના નાના પ્રસંગોને પોતાના મનમાં રાખશે. ક્યાંક નોંધી રાખશે અને જ્યારે જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરશે. 

"ફાધર કંઈ ખાઈપીને પડી ન રહે ! એય સમાચાર પત્ર વાંચે, કુટુંબોની મુલાકાત લે, ન્યૂઝ ચેનલ જુએ, ડિસ્કવરી જુએ " તેણે વિચાર કર્યો. ફાધરે મધર ટેરેસાની વાત કરી. નોબેલ પારિતોષિક મેળવનાર મધર ટેરેસાની વાત તેને સ્પર્શી ગઈ. તેને કોઈ કોર્પોરેટ કંપનીનું સ્મરણ થઈ આવ્યું. તે કોઈ કંપનીમાં ગયો હતો અને ત્યાં તેને દીવાલ પર મધર ટેરેસાનો ફોટો જોવા મળ્યો હતો. એ વખતે તે આશ્ચર્યથી બોલી ઉઠેલો, " ઓહ ! મધર ટેરેસાનો આટલો બધો પ્રભાવ કે કોરપોરેટ કંપનીવાળા એમની તસવીર દીવાલ પર ટીગાડે !" એને મધરનુ કોઈ એક વાક્ય પણ પેલા ફોટાની નીચે લખેલું જોવા મળ્યું હતું. 

ફાધરે રાજકારણીઓની મેન્ટાલીટી પર ચાબખો વીંઝતા એવા મતલબની વાત કહી હતી કે ; " જો તમે 'મિનિસ્ટર 'નો અર્થ શોધો તો જાણવા મળશે કે મિનિસ્ટર એટલે એવી વ્યક્તિ કે જે સેવા કરે. 

દેવળમા ગવાયેલા ભજનો એને ગમી ગયાં. "વ્હાલા ઈસુ મારા વ્હાલા ઈસુ, હૈયામાં આવ મારા વ્હાલા ઈસુ "- આ ગીતની સાથે સાથે એને અન્ય કેટલાક ગીતો કે ભજનો પસંદ પડ્યા. જેમાં "ગાઈશ હું તો પ્રભુના જ ગાન તેણે કર્યો છે જય પ્રાપ્ત કેવો ગાઈશ હું તો…." અને " પ્રભુ ઉપર તું રાખ વિશ્વાસ તને કદી ન કરશે નિરાશ." નો સમાવેશ થાય છે. 

ખેર, ખ્રિસ્તયગ્ન પૂર્ણ થતાં તે બહાર આવ્યો. પોતાની સ્કૂટી પાસે ગયો. એવામાં એક પરિચિત યુવાનનો ભેટો થયો. એ તેના સંબંધીમા જ આવતો હતો. તે તેની પત્ની સાથે હતો. તે તેને કહેવા લાગ્યો, " ઈસ લંબી દાઢી કા રાઝ ક્યા હૈ" એ કશું બોલ્યો નહીં. એ પછી સ્મિત આપતાં ત્યાંથી રવાના થયો. શ્રી રામ પ્રોવિઝન સ્ટોર્સમાંથી વીસ રુપિયાની સૂકી પૂરી બંધાવડાવી. ટોસ્ટ લીધી. અને એ પછી તે શાક માર્કેટ આગળ આવ્યો. સુરણ, ગલકા અને બટાકાની ખરીદી કરી. એ પછી તે ઘેર આવવા રવાના થયો. 

 ઘેર આવ્યો ત્યારે તેને જાણવા મળ્યું કે બે ત્રણ દિવસ પૂર્વ જે શખ્સનું નિધન થયું હતું તેની શોકસભા રાખવામાં આવી હતી. એ શખ્સનુ મૃત્યુ અનેક અટકળો ભરેલું હતું. બધા જુદી જુદી વાત કરતા હતા. એને તો નફ્ફટના મમ્મીએ; પોતાના બે હાથ ક્રોસ કરીને ઈશારાથી કહેલું; " તન ખબર નહીં પેલો…" 

બે હાથને ગળાના ભાગે ક્રોસ કરો એટલે સમજુ માણસ તરત જ સમજી જાય કે શું મામલો હશે ! પણ આકાશને એ બધું જાણવાની જરૂર ન લાગી. એને એટલી ખબર હતી કે મોતને ભેટનાર ચાળીસ પિસ્તાલીસ વર્ષનો શખ્સ પીવણીયો હતો. અને પીવણીયાના વહેલા મોડા કેવા હાલ થાય છે તેની તેને જાણ હતી. તેને એકદમ જ એવો વિચાર આવ્યો કે "આ માણસ દારુ શું કામ પીતો હશે ? " તેણે નક્કી કર્યું કે આ બાબતે પોતે કોઈ સંસ્થામાં જઈને માહિતી મેળવશે. 

 ખેર, એ પછી તે લોકલાજે મરણ પામનારના ઘેર ગયો. ગુલાબની પાદડીઓ હાથમાં લીધી અને મરણ જનારના ફોટા આગળ મૂકી. તેને ખબર હતી કે મરણ જનાર શખ્સ પોતાની પાછળ બે સંતાન અને એક પત્નીને મૂકી ગયો હતો. કેટલાક શખ્સ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીને સમાચારપત્રોમાં તલ્લીન થઈ ગયા હતા. કેટલાક જુવાનીયા પોતાના સ્માર્ટફોનમા મો ઘાલીને "મન મસ્ત મગન….." ની પેઠે રીતસરના ડૂબી ગયા હતા. જોકે એને એટલી પાકા પાયે ખબર હતી કે એ બધા બદમાશો બાપના પૈસે લહેર કરનારા હતા. એને સ્હેજ ગુસ્સો આવ્યો. તેણે મનોમન વિચાર કરયો કે આ લોકોને તો ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં તગેડી મૂકવા જોઈએ ! 

પણ પાછળ પાછળ તેને એવો વિચાર આવ્યો કે કદાચ આ લોકો ત્યાં જઈને પેલા પંડિત પ્રોફેસરોને ગાંઠે નહી ને મારામારી કરે તો ! 'ઉટડુ કાઢતા બકરું પેઠા 'જેવા હાલ થાય ! બર્યા છોય…. ભોગવશે…..અહીને અહીં….એવું વિચારતા તે ઘેર આવ્યો અને માને કહેવા લાગ્યો, " મા, લોકલાજનું જઈ આવ્યો હો." 

માએ કહ્યું, " સારૂં " 

એ પછી તે થેલીમાંનું શાક બહાર કાઢવા લાગ્યો. પૂરી ઠેકાણે મૂકી દીધી. એને ચા સંગ પૂરી ખાવાની મજા પડી જતી. 

એ પછી તેણે ફોલેલુ લસણ સ્ટીલની ગ્લાસમાં ખાડ્યુ. અને એ પછી લાકડાના પલંગને અઢેલીને બેઠો. તેણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો, " આજે શું શીખવાનું મળ્યું ? " 

જવાબ મળ્યો, " દરેક વખતે પ્રસંગ ભવ્ય હોય એ જરૂરી નથી. સામાન્ય પ્રસંગમાંથી પણ કશુંક અસામાન્ય શોધી કાઢવું."


Rate this content
Log in