મોજીલો ગુજરાતી

Classics Others

3  

મોજીલો ગુજરાતી

Classics Others

મોટિયાર

મોટિયાર

3 mins
181


આપણે ઘણી વાર સાંભળ્યું હશં કે, આ તો મોટિયાર છે તો કામ કરી લેશે, તેને કેવું ના પડે. ઘરે કોઈ નાનો અમથો પણ પ્રસંગ હોય તો વડીલોને કહેતા સાંભળીએ છીએ કે, અલ્યા મોટિયાડાને બોલાવો ! આ કામ એમનું છે. એમના સિવાય આ કામ કોઈ ના કરી શકે. તો આવી ઘણી જગ્યાએ આવા ઉચ્ચારણ આપણે સાંભળ્યા છે. આ શબ્દથી આપણે વાકેફ તો છીએ પણ પણ શું તેનાથી જાણકાર છીએ ખરા ?

વડીલો દ્વારા રોજિંદા જીવનમાં વાપરવામાં આવતો આ સામાન્ય શબ્દ છે. એમને કદાચ યુવાન કહેવું પસંદ નહીં હોય માટે આ શબ્દનો પ્રયોગ કરતા હશે. સામાન્ય રીતે આ શબ્દ યુવાનો માટે જ વાપરવામાં આવે છે. પરંતુ ઘણીવાર વડીલો પોતાનું કામ કઢાવી લેવા માટે મોટી ઉંમરના લોકો માટે પણ તેનો પ્રયોગ કરતા હોય છે. આ મોટીયાર શબ્દ સાંભળીને યુવાનોમાં કામ કરવાનો જોશ આવી જાય છે. એમને પણ પસંદ હોય છે કે, લોકો તેમને મોટીયાર કહીને બોલાવે. તેમાં યુવાનોને સ્વમાનભરી લાગણીનો અનુભવ થાય છે.

ઘરનો કોઈ પણ પ્રસંગ હોય પરંતુ જો મોટિયાડા હાજર ના હોય તો પ્રસંગ હેમખેમ થઈ શકે નહીં. હા માન્યું કે, આયોજન કરવા માટે વડીલોની જરૂર પડે છે, કારણ કે, તેમનાથી વધારે અનુભવ મોટિયાડા પાસે નથી હોતો. પણ હા જોમ અને જુસ્સો તો ભરપૂર હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનું કામ પૂરુ કરવામાં તે માહિર હોય છે. પરંતુ આ મોટિયાર શબ્દ કેવળ પુરૂષો પૂરતો મર્યાદિત નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે, યુવાન છોકરી માટે પણ ઘણી વાર કે'વાય છે કે, આ છોકરી તો હવે મોટિયાર થઈ ગઈ છે.

વાસ્તવમાં મોટિયાર એટલે ઉંમરથી યુવાન એવું નથી પણ જે કામ કરવામાં જુસ્સો દાખવે છે તેને મોટીયાર કે'વાય છે. તમે ઘણીવાર કોઈ ઘરડા વ્યક્તિ માટે પણ આ શબ્દ ઉપયોગમાં લેવાતો સાંભળ્યો હશે. કારણ કે, અત્યારે જુવાનિયાઓને પણ શરમાવે એવા ઘરડા વ્યક્તિઓ મે ઘણા જોયા છે. એક દાદા છે તે, 75 વર્ષની ઉંમરે પણ સાયકલની રેસમાં જુવાનિયાઓને હરાવી દે છે. તો એ દાદાને પણ મોટિયાર કહી શકાય છે.

એક ખરી વાત કહું તો આપણા માની લેવાથી આપણે મોટીયાર નથી થઈ જતા. કારણ કે, તમારી ઉંમર ભલે ને 25 વર્ષની હોય પણ રોજ 10-10 કલાકની ઊંઘ લેવાતી હોય તો પોતાને મોટીયાર કહેવું એ ગેરવ્યાજબી છે. હા માન્યું કે, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચેના ગાળાના યુવકો અને એક દેખાતી શારીરિક અવસ્થા પછી યુવતીઓને પણ મોટિયાર કે'વામાં આવે છે. યુવતીઓ સાથે મોટિયારમાં થોડો ભેદભાવ થયો છે, કારણ કે, તેમાં લોકોની માનસિક સ્થિતિ જવાબદાર છે. બાકી યુવતીઓને અત્યારે મોટિયાર કહેવામાં કોઈ ખોટી વાત નથી. પરંતુ મે પહેલા જ કહ્યું ને કે, લોકો આ શબ્દનો ઉપયોગ મોટા ભાગે પોતાનું કામ કઢાવી લેવા માટે કરતા હોય છે.

ખાસ કરીને આ શબ્દનો પ્રયોગ ગામડાઓમાં વધારે કરવામાં આવે છે. કારણ કે, શહેરના યુવાનોને પોતાની જાતને મોટીયાર કહેવડાવું પસંદ નથી. તેમને તો હેન્ડસમ કહેવડાવું વધારે પસંદ છે. હવે એમા વાંક એમનો પણ નથી, કારણ કે, એમને આ મોટિયારની મજા શું ખબર હોય? બાળપણથી જેમને આવા શબ્દો અને આ શબ્દો વાપરતા લોકોથી દૂર રાખવામાં આવ્યા હોય છે. એમને શું ખબર કે, આ શબ્દથી કેટલો આનંદ મળે છે અને કેવો જુસ્સો આવે છે. પણ ખેર મોટિયારની મજા તો ગામડામાં જ જોવા મળે. કારણ કે, જુવાનિયાઓ તો ઠીક પણ અહીં તો 70 વરસના ભાભા પણ મોટિયાર થઈને ફરે છે.

ઘણીવાર મોટા થઈને ફરવા કરતા મોટિયાર થઈને ફરવું વધારે સારું હોય છે. કારણ કે, ઉંમરનો ભાર લઈને ક્યા સુધી જીવવાનું. મોટપથી મજા એક ઉંમરે પછી કડવી લાગવા લાગે છે. કવિ કાગ પણ લખે છે કે, '...મોટપની મજા મને કડવી લાગે કાગડા' એટલે જ ભાભા પણ ઘણીવાર મોટિયાર થઈને બેઠા હોય છે.

તો હાલો મારી હારે... જવાબદારીઓની સાથે લાગણીના બંધનમાં મોટપની આ મજા છોડી મોટિયાર થઈએ


Rate this content
Log in

Similar gujarati story from Classics