તારો બેનામ આશિક
તારો બેનામ આશિક


બેનામ આશિક
રહેઠાણ : તમારું હ્રદય
પ્રિયતમા,
તમને મારો સ્નેહ,
તમે જ્યાં પણ હશો ત્યાં બઉજ ખુશ હશો. પણ હું તમારા વગર અહીં અધુરો છું. તમારી સાથે વિતાવેલી પળોના સહારે જીવી રહ્યો છું.
આજે અહીં વરસાદ થયો તો તમે બઉ યાદ આવ્યાં છો. આ વરસાદ મને તમારી છબી બતાવી રહ્યો છે. વરસાદનો અવાજ મને તમારી પાયલની યાદ અપાવે છે. તમને ખબર છે હું એના પાછળ કેટલો પાગલ હતો ! તમારા હોવાનો અહેસાસ મને એજ કરાવતી. વાદળમાંથી આ વરસાદની બુંદ પડી રહી છે તો જાણે એવું લાગે છે કે તમારા કોમળ હોઠોમાંથી માધુર્ય ટપકી રહ્યું છે. ઈચ્છા તો એવી થયા છે કે બસ એને અવિરત પીતો જ રહું. આ વીજળી મને તમારો સ્પર્શ યાદ અપાવે છે. કેમ કે, જ્યારે પણ તમે મને સ્પર્શ કર્યો છે ત્યારે મારા શરીરમાં વીજળી દોડી છે. મારા આંગણામાં પડેલા એ પાણીના ખાબોચિયાં એવાં લાગે છે કે જાણે તમારા ગાલ પરની એ ખાડીયો ના હોય. ઘરના નેવાળીયે પડતું પાણી તમારા રેશમી વાળ જેવું લાગે છે. અને એવું લાગે છે કે જાણે મારા શરીર પર તમારા એ રેશમી વાળ ફરી રહ્યા હોય. મેઘની ગર્જનાને કારણે ટહુકતો મોરલો મને તમારા એ ગીતની યાદ આપાવે છે જે તમે મારા માટે ગાતા હતા. એ ગીત યાદ કરીને તો હું હજી પણ મૂર્છિત થઈ જાઉં છું. મારા ઘરની બાજુમાંથી નીકળતો પાણીનો હોળો મને તમારી એ આંખોનો યાદ અપાવે છે જે આંખોમાંથી મારા માટે અવિરત પ્રેમ વહેતો હતો.
ખરેખર આ વરસાદ મને ખુબ જ હેરાન કરી રહ્યો છે. વરસાદ અને ધરતીનો મેળાપ મને આપણા મિલનની યાદ અપાવે છે. વરસાદ ફરી આપણાં પ્રેમને જાગ્રત કરી રહ્યો છે. જેમ વરસાદનું પાણી ધરતીમાં સમાઈ જાય છે એમ હું પણ તારામાં સમાઈ જવા માંગુ છું. મને ખબર છે કે તું મારાથી બઉ જ દૂર છે પણ એ દૂરી ને દૂર કરવા આજે ઈશ્વર વરસાદ રૂપે આવ્યો છે આપણું મિલન કરાવવા. જો તું મને મારી આ આશિકી (પ્રેમપત્ર)નો જવાબ નહીં આપે તો હું જનમો-જનમ તારી આશિકી(પ્રેમપત્ર)ની રાહ જોઈશ. આમ તો હું બીજા જનમમાં નથી માનતો પણ તને પામવા માટે હું લાખો-કરોડો જનમ લેવા તૈયાર છું. તમને પામવા માટે તો કદાચ કરોડો જનમ પણ ઓછા પડે.
હું તને મારી મારી થવામાં દબાણ નથી કરતો પણ મારા પ્રેમનો ઇઝહાર કરું છું અને હું તારી રાહ જોઇશ અને ત્યાં સુધી રાહ જોઇશ જ્યાં સમય પણ થંભીને સમયની રાહ જોવે છે. તને પામવા માટે હું ક્ષિતિજના સીમાડે રાહ જોઇશ, તને પામવા માટે હું મોતના દ્વારે પણ રાહ જોઇશ, તને પામવા માટે હું તારા પડછાયાની પડખે પણ રાહ જોઇશ અને હા ખાસ તો તને પામવા માટે હું તારા હૃદયમાં રાહ જોઇશ.
મને વિશ્વાસ છે કે એક દિવસ તો એવો આવશે જ્યારે તને મારા પ્રેમનો અહેસાસ થશે. હું અને હું એક પથારીમાં સાથે સુતા હોઈશું. આ પ્રેમની પળોને વાગોળતા હોઈશું અને પ્રકૃતિની સાથે સ્નેહીલુ જીવન જીવતા હોઈશું. જ્યાં ફક્ત તું હું અને આ વરસાદ જ હોય બીજું કોઈ નહીં. આપણે એવી જગ્યાએ ઘર બનાવીશું જ્યાં હોય ફક્ત તું હું અને આ વરસાદ....
લી.
તારો બેનામ આશિક.