મોળાકત
મોળાકત
ગોરમા ગોરમા રે કાંઠા તે ઘઉંની રોટલી.
ગોરામ ગોરમા રે અંહી માલવિયો ગોળ છે.
ગોરમા ગોરમા રે ગૌરી તે ગાય ના ઘી છે.
ગોરમા ગોરમા રે કલાડે ચોર્યા ચુરમા.
ગોરમા ગોરમા રે સસરા દેજો સવાદીયા.
ગોરમા ગોરમા રે સાસુ દેજો ભૂખા વળાં.
ગોરમા ગોરમા રે કંથ દેજો કહ્યાગરા.
ગોરમા ગોરમા રે અખંડ હેવાતણ ચૂડલો..
ગોરમા ગોરમા રે રાતી તે ચૂંદડી ઓઢાડજો.
ગોરમા ગોરમા રે પાયે પડી ને વિનવું.
ગોરમા ગોરમા રે મારૂં માંગ્યું તે આપજો..
મિત્રો આ આપણી પરંપરા છે.. આપણી સંસ્કૃતિ છે. ગૌરી વ્રત નાની નાની આઠ દસ વરસની કન્યાઓ કરે ત્યારે ઉપર લખેલું, પૂજા કરતાં ગાણું ગાય.. આ ગીત આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની દેન છે..દીકરી 5 -6 વરસની થાય એટેલે એને આ ગૌરીવ્રત કરાવે.જુવારા વાવે અને રોજ એની પૂજા કરે.આખો દિવસ મીઠા મોળું ફરાળ ખાય અને એક વખત મીઠા મોળું જમે.ચાર દિવસ કરી અને પાંચમેં દિવસ મંદિરમાં સરખી સહેલીઓ સાથે શણગાર સજીને પૂજા કરવા જાય. આ વખતનું દ્રશ્ય એટલું દૈદિપ્યમાન હોય. મને તો આ બધી કન્યાઓમાં દેવી જ દ્રશ્યમાન થાય. શુધ્ધ સાત્વિક વાતાવરણ હોય. શ્લોકો બોલાતાં હોય અને ગોરની પૂજા થતી હોય. કન્યાઓ ભૂખી રહીને પણ એટલી બધી આનંદિત હોય, ઉત્સાહિત હોય. નાની હતી ત્યારે મેં પણ આ વ્રત કરેલું. અને મારી પૌત્રી પ્રીત પાસે પણ એ વ્રત કરાવ્યું. એજ ઉલ્લાસ અને આનંદ મારી પૌત્રીએ પણ અનુભવ્યો.. નાનપણથી જ એક દીકરીને એના ભવિષ્ય માટેની નીવ તૈયાર કરાવાય છે.. મોટા થઈને આ ઘર છોડીને સાસરે જવાનું છે. અને એમાં ખોટું પણ શું છે ? હવે બહુ આધુનિક અને ભણેલા લોકો આવા વ્રત અને પૂજામાં નથી માનતા. પણ શું આ પ્રથાને એ લોકો છોડી શકે છે કે દીકરી લગ્ન પછી સાસરે ના જાય.મેં તો ક્યાંય એવું જોયું નથી.
