Rekha Shukla

Drama

3.5  

Rekha Shukla

Drama

એક છોકરી મૃદુલા

એક છોકરી મૃદુલા

11 mins
217


ધરણીની છાતી સૂકીને વાદળને આવ્યું વ્હાલ,

સૂરજે કરી સાજીશ એમાં રોયું ઘાસ આસપાસ.

જા જા કરતી ઊડી લટોને પવને કર્યું'તું વ્હાલ,

વીજલડી ત્રાટકી ભીંજ્યું એક ફૂલ મજાનું ખાસ.

મૄદુલા નાની નાની ઘાઘરી પોલકું પહેરીને ફરે ને બધા ભાંડુઓનું ધ્યાન રાખે. પ્રેમથી સાથે જમાડે ને બા-બાપુજીની સાથે સાથે કામકાજમાં હાથ બટાવે. બાપુજી મારો દીકરો કહીને મર્યા ત્યાં સુધી બોલાવતા.

તેમની પોત્રીએ પણ સાંભળેલું. આંખે નાકે સીધી સાદી ઘઉંવર્ણી ને હસ્તી મૄદુલા બધાની માનીતી. તેથી તેના લગ્ન સમયે ભાંડુઓ જાણે અનાથ થઈ ગયા તેમ રડેલા. બે દિવસ સુધી તો નાનકાં એ ખાધું નહીં કહે મોટીબેન ખવડાવે તો જ ખાઈશ. સાસરે વળાવેલી દીધેલી મોટીબેન એમ ઝટ પાછી ના આવે એ વાત એને કોણ સમજાવે. તમે જ ક્યો..! બાબરી પાડીને માથુ ઓળી દેતી મોટીબેન બધા ભાઈઓનું ધ્યાન રાખનારી આમ અચાનક જીવનમાંથી ચાલી ગઈ તે કયા ભાઈ ને ગમે..? ના જ ગમે તે સ્વાભાવિક છે. બા-બાપુજી ત્રણ ત્રણ વર્ષે થતી બદલી ના લીધે હંમેશા વ્યસ્ત રહેતા. પણ નાનકાંને જ્યારે ભણવાનું પતવા આવ્યું ત્યારે મોટીબેનને ત્યાં જવાનું હતું ને હરખનો પાર ન્હોતો.

ભલે કુમાર થોડા ઠંડા સ્વભાવે દેખાતા પણ સગાવ્હાલાના ગયા પછી સૂર્ય જેવા તપી જતા. દરેકની કુટેવો પોતાને સૌથી વધુ નડે એમ એમનું પણ બન્યું. મોટીબેન કુનેહને સ્નેહથી બધું કામ કાજ કરે પછી પિયરીયાના હોય કે તેના સાસરિયાના સગા હોય. કુશળતા ને આવડત જોઈ કુમાર ક્યારેક વધુ ચકાસવા માટે હેરાન પણ કરતા. આખરે પતિ છે માનવું જ રહ્યું ને જ્યારે હાથ ઉપાડે તો કોને જઈ ને કહેવું આગળપાછળ ભાઈ-ભાંડુઓને પરણાવાનો સમય થશે તો બે જણા પોતાની પણ વાતુ કાઢશે. બંધ મુઠ્ઠી સવા લાખની. ભલેને પછી ગૂંગળાઈને મરી જાઓ તો વાંધો નથી. ઉપરથી લોકો ને તો ભાવતું'તું ને વૈદે કીધું, ગામના મોઢે ગયણાં નથી મુકાતા, લોકો તો પારકી જણનો જ વાંક કાઢશે. માંડ સમજ આવી ત્યાં તો સાસરું પગની બેડી ને ઉપરથી દીકરીઓનો થયો વરસાદ દીકરાની અપેક્ષા તો કદી ના છૂટી. હે ભગવાન તું કેમ પરીક્ષા ઉપર પરીક્ષા લીધા કરે છે.

પણ હવે આનો ઉપાય બસ એજ કે આવક વધારો. પતિ-પત્નિના રોજના બળાપામાં ભોગ આપ્યો બાળકોએ પણ. આમ મોટીબેન સાસરે આવી ભણ્યાને જે કંઈ કમાયા તે પોતાના પરિવાર માટે ખરચતા રહ્યા. ઉંમર જતાં ક્યાં વાર લાગે છે. એક પછી એક દીકરીઓને વળાવતા ગયાને પોતાની ફરજનું કરજ અદા કરતા રહ્યા. કાળજાના કટકા થતા જ રહ્યા ઉપરથી પતિદેવનો રોષને રોફ પણ સહન કરતા ગયા. ગુગલ ન્હોતું કે ડોકટર પણ અમુક વિગતો કહે નહીં ને બધાના જીવનમાં શરીરમાં થતા ફેરફારોની નોંધ ન્હોતી લેવાતી. કોઈને એમ વિચાર પણ ન આવે કે સ્ત્રીને પુરૂષમાં પાછલી જિંદગીમાં અણબનાવ કેમ બને છે.

આપણે તો અહીં મેનાપોઝની પણ ખુલ્લે આમ ચોખવટ કરી શકીએ તેવું થતું ન્હોતું. આપવીતી તો જ સમજાય જ્યારે પોતાને વીતે. બાકી સ્ત્રીને પુરૂષ ના અવયવો વિષે તો કોઈ વિચારતું પણ ન્હોતું. હોટફ્લેશીષ એટલે પરસેવે રેબઝેબ થતી સ્ત્રી પંખો નાંખતી જોવા મળે પણ એ.સીમાં પણ નિતરો ત્યારે પુરૂષો વિચારે કે નખરાં ભારે કરે છે. બિલ તો મારે ભરવા પડે છે ને ! લાંબા વાળ વાળી સ્ત્રી પરણતા પહેલા મુરતિયાને ગમે છે. પરણ્યા પછીના થોડા જ વખતમાં જો તેમાંથી એકાદા નાનો વાળ પણ દાળમાં આવ્યો તો તેજ વાળ પ્રત્યે અણગમો ઉપજે છે. હવે આવું જ એક વાર પંખાની સ્વીચ ઓન ને ઓફ કરવાનું થયું ને વાત નું વતેસર બની ગયું. પુરૂષ કુમારે પોતાનામાં હતું તેટલું જોર વાપરીને મૃદુલ ને ધમકાવી ને મારી.

વાત છાપરે ત્યારે ચડી જ્યારે મૄદુલાના બધા ભાઇઓએ ભેગા થઈને કુમારને માર્યા. અજ્ઞાનતા, ગુસ્સોને ચડસા ચડસીનો કિસ્સો કુટુંબમાં શિખરે ચડ્યો. આખરે ઉંચકી સુગંધ એક ગુલાબ ઊભું કેટકેટલું ઝઝુમ્યું ઝંઝાવાતે. મૂળ વાત મૄદુલાની સહનશક્તિની હતી. પણ સામાન્ય લાગતી વાત ક્યારેક ખૂબ અગત્યની હોય છે. શરીરમાં થતો ચેંજ દરેક જુદો જુદો અનુભવે છે આપણને ડોકટર પણ પૂછે જ છે કે બોલો શું થાય છે તમને ? પછી જ તેનો ઇલાજ કરે છે. આ બાબતમાં ગરમી થાય છે નિરાંતે સૂવા દો થોડી વાર માટે પંખો રહેવા દો પણ લાઈટનું બિલ ઘણું આવશે ને શરીર ઉપરથી બગડે તે જુદુ. અરે પણ સ્ત્રી મેનાપોઝમાં જઈ રહી હોય તો તેને જ ખબર હોય કે ઉનાળાની ગરમીમાં પંખા વગર કઈ રીતે સહેવાય ? ન સહેવાય ન રહેવાય આમાંને આમાં સ્વીચ ઓન ઓફ થતી રહી ઉપરવટ કરી કમાતી સ્ત્રી એ પણ વટનો કટકો પોતાનું અપમાન કેમ સહે હા હાથ ઉપાડ્યો ધડાધડ થઈ ગઈ. ૧૩/૧૪ વર્ષનો દીકરો અવાક થઈ ગયો. બારણા પાછળ ચૂપ થઈને તીરાડમાંથી જોતો રહ્યો. એના હાથની મુઠ્ઠીઓ વળી પણ કંઈ કરી ના શક્યો. ચાન્સ મળતા જ ઘરની બહાર ભાગ્યો.

આંખો આગળ માથામાંને ગાલ પર લોહી બાઝી ગયેલું મૄદુલા થરથરતી ઊભી હતી એકદમ બાથરૂમમાં ગઈ ને મોઢા પર ઠંડુ પાણી રેડ્યું છાલક ભીંતે અથડાઈ ફરી વાર પાણીથી આંખો સાફ કરી પણ આંખો તો આંસુઓથી ભીની જ રહી. રૂમાલ વાપર્યો લૂછવાનો વ્યર્થ પ્રયાસ પણ કર્યો. આંસુ વહે જતા હતા. કેટકેટલા વર્ષો સહન કર્યો માર ! પાંચ પાંચ દીકરીઓ પરણાવીને છેવટે આ દીકરો આવ્યો ત્યારે આમાં કેટલો બધો ભોગ આપ્યો ને તેનો બદલો શું મળ્યો ? માની લેવાનું, સહન કરી લેવાનું, તો આવું તો ના થાત ! થોડી વારે તમ્મર ઓછા થયા ને વિચાર્યું કે અહીંથી જતી રહું ક્યાંક દરેક સમયે બધાને દુઃખમાં સાંભળે "મા" તાબડતોબ લીધું પર્સને રીક્ષામાં પહોંચી જવાયું ત્યારે જરાક સારું લાગ્યું. કઈ મા આ જોઈને ગુસ્સે ના થાય ?

સૌથી વધુ આશ્ચર્ય ભાભીઓ પામી રાતી-પીળી આંખો તો ભાઈઓની હતી. સમુહ નિર્ણય લેવાયો કુમારને ઠપકારીને પાઠ ભણાવાનો ને તાત્કાલિક અમલ પણ કરાયો. માથામાં વાગવાથી કુમારને મગજ પર અસરને આઘાત લાગ્યા તેમને એટેક આવ્યો અને તે પણ પેરેલેસીસ એટેકને પાર્કીનસને લીધો ઉપાડો. પથારીવશ હાલત થઈ ગઈ. દીકરો રઝળી પડ્યો...! એક નાની અમથી ચડસા ચડસી / જીદના કારણે શું નુ શું થઈ ગયું ! સપનાનો મહેલ કડડડ ભૂસ થતા દેખાયો. ભોગ આપવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું મૄદુલા હવે મૄદુલા રહી નહી ને જિંદગી એ લીધો વળાંક પણ ભૂતકાળ પાછળ ને પાછળ પડછાયાની જેમ આવતું જ રહ્યું.

આખરે બિમાર પતિ માટે સદગતિની ભીખ માંગતી મૄદુલા હોસ્પિટલના રૂમમાંથી ભાગી નીકળી. ચાલ્યા ગયા કુમાર દેવલોક પામ્યા પછી વ્યાધિ ઉપાધિ ટળી ન્હોતી ગઈ. ભાગ પડાવા આવ્યાને હિસાબ લેવા આવ્યા સાસરિયા પણ શું હતું બાકી કે ભાગ પાડે મૄદુલા. કોઈએ કદી દુઃખમાં તો ભાગ ન્હોતો પડાવેલો. દીકરીઓ તો પોતાના કુટુંબીજનોને છોડીને ચાલી ગઈ પોતપોતાના ઘરે. આ ખાલી ઘર ને એનો ૧૭ વર્ષનો દીકરો હતા. દીકરો મોટા ભાગે બહાર રહેતો એને મૂકીને કામ કરવા જાય તે તેને ગમતું ન્હોતું પણ કામ કર્યા વગર બિલ કેમ ભરાય ને ખાવા તો જોઈએ જ.

આટલી આકરી જિંદગીમાં પાછલી જિંદગીની ચિંતા કર્યા વગર પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડીને વિદેશ પધાર્યા. ત્યારે દીકરી પાસે મૄદુલા કૂવો ભરીને રડ્યા ને ખોબો ભરીને હસ્યા. પાછો જીવનમાં આગળ વધવાનો વિચાર કરીને દીકરાને પણ બોલાવ્યો. દીકરી જમાઈએ બનતી બધીજ મદદ કરી. વર્ષ બે વર્ષમાં તો બંને સારુ કમાતા ધમાતા થઈ ગયા. હાશકારો અનુભવતા મૄદુલા બોલ્યા પણ ખરા કે અહીં શાંતિથી કામ કરી પ્રભુ ભજન કરું છું ને દીકરાનું કરું છું. દેશમાં રહેતી દીકરીઓને પણ કમાઈને મદદ કરી. એમ લાગ્યું કે બધું બરાબર ચાલે છે ત્યાં દીકરાએ પરણવાની ઈરછા બતાવી તો દેશમાં જઈને પરણાવ્યો વાજતે ગાજતે. આમેય ઘર નો છેલ્લો પ્રસંગને દીકરો તો એક નો એક જ હતો ને ! બધી જ તૈયારી અપટુડેટ થયેલી. દીકરીઓ પણ પરિવાર સંગ ભાઈને પરણાવા આવી ગયેલી. દેશનું ઘર ભર્યુભર્યું થઈ ગયું ને આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠ્યું.

ઇરછા દુઃખનું મૂળ છે તે વાત પ્રભુ ભૂલવા નથી દેતા ભલે તમે ભૂલી જાવ તો પણ. બસ બે હાથે પડે તાલી તેમ બંને પતિ-પત્નિ ના વાંકે ઘરમાં રોજ બરોજ ઝગડા થાવા લાગ્યા. મૄદુલા તો કમાઈને ઘરમાં બધું ખરચે, પોતાની પાસે મંદિરમાં મૂકવા માટે જેટલું જ રાખે. પણ જ્યાં પાઈ પાઈનો હિસાબ રખાતો હોય. બાપથી સવાયો દીકરો નીકળ્યો ત્યાં કોની પાસે જઈને રૂવે મૄદુલા. દીકરીના ઘરમાં પણ દખલ થાવા માંડી એમની બધાની વાતોથી. આખરે છાંટા તો ઉડયા વગર ના જ રહે ને ! ફિલ્મમાં બને તો હવે શું થાશે ? ની ઇન્તેજારી બધાને હોય પણ વાસ્તવિકતામાં તો અલગ હોય છે. જુદા પડી જવાય કે સંબંધ કપાઈ જાય ! આમાં સારું આવે પરિણામ એમ માનવું પણ યોગ્ય નથી જ.

ભણેલી ગણેલી વહુએ નાગણ મારે ફૂંફાડો તેમ બધો દોષ ઠાલવ્યો ને આખરે છૂટા છેડા આપી અલગ થઈ ગઈ. એક કૂમળા ફૂલ જેવા બાળક ને મૂકી ને...અરે રે ! કેવી મા છે કે તેને તેના બાળક્ની પણ દયા ના આવી. લોકો ઘણુ બોલ્યા ને દીકરીઓએ ચૂપચાપ સાંભળ્યું પણ ખરું આખરે ભાઈએ પોત પ્રકાશ્યું. કુમારના જેવો જ દેખાતો'તો હતો જ વર્તયો પણ એમ જ પણ કોઈ પોતાની મા ઉપર હાથ ઉપાડે? કયા જનમનો બદલો લઈ રહેવાયો છે ના સમજાયું મૃદુલાને. છતાંય ક્યારેક ભગવાન પાસે અથવા પતિના ફોટા પાસે હૈયાવરાળ ઠાલવે છે. દીકરીને કહે છે કોઈક તો આને સમજાવો પણ જેને સમજવું જ નથી તેને કોણ સમજાવી શકે છે.

મૄદુલા ક્યાં જીવે છે? રોજની ઘટમાળમાં પિલાય છે દીકરાના વર્તનમાં રહે્સાય છે. આદત પાડ્યા પછી સુખની વ્યાખ્યા બદલાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એમ કહેવત છે અરે સારુ કે નરસું આમા બધુજ આવી જાય, પણ ડોક્ટરનો દીકરો ડોકટર ના પણ થાય. અવગુણ એક હોય તો પણ બધી સારપને ઢાંકી દે. લોકોને વાતોનો મસાલો મળ્યો. કોઈએ ચડાવ્યા કોઈએ દયા ખાધી તો કોઈએ દીધો જાકારો કે અરે આ બધી લપ આપણે ગળે શા માટે વળગાડવી? અહીં રંગ રંગ બદલતા લોકો વસે છે આ જ તો દુનિયા છે. શિક્ષિકા સમાજનું ઘડતર કરે છે પણ દીકરાને ભણવું જ નહોતું પણ એક્દમ પૈસાદાર બનવું હતું ને તે પણ કામ કર્યા વગર. આખરે માં કમાય ને દીકરો ખાય તેવું પણ થયું પણ હવે તો દીકરા જમાઈ બધાએ મોં ફેરવી લીધેલું કે આ તો રોજની રામાયણ છે. રોજ મરે તેને કોણ રૂંવે ?

દીકરા એ મા પાસે ના કરાવાના કામ કરાવ્યા. પાપી પેટ ભરવા. સુઘડને સ્વરછ સ્વભાવ ને ભક્તિ કરતાં બે મિનિટમાં બધા ના મન જીતી લેતા પણ હવે મૃદુલા ક્યાં જીવે છે ? તે તો રોજ રોજ મરે છે. જીવન ધૂળધાણી થઈ ગયું ક્યાંય જવા આવવાનો વ્યવહાર ના રહ્યો. આમાં ડિપ્રેશનના આવે તો બીજું શું થાય? કેટલીય વાર થયું કે નર્મદાના કિનારે જઈને રહું કે બધી જંજાળ છોડીને ડૂબી મરું પણ મરતા મરતા જીવવું લોક પસંદ કરે છે. મરવાનું આપમેળે ઘણું અઘરું છે. સોળ પડ્યા હતાને આંખો રડીરડીને સૂજી ગયેલીને રસ્તે રઝળતા મોટીબેનને જોઈને ભાઈથી ના રહેવાયું તો ઘરે લઈ આવ્યા. શાંતિથી બેસાડી જમાડ્યા ને જાણ થઈ કે મોટીબેન તો ઉલમાંથી ચૂલમાં પડ્યા છે. નસીબની બલિહારી તો જુઓ ને ભાન ભૂલેલા દીકરાએ પોતાના દીકરાને આગળ ધર્યો.

નાનીમા તમે નહીં આવો તો હું મરી જઈશ. મેન્યુપ્પેશન કહો કે ઇમોશનલ બ્લેકમેઈલ કહો ગરજવાન ને અક્કલ ના હોય. મૄદુલા એ દિલ પર પથ્થર રાખી દેશમાં જ રહેવાનું નક્કી કર્યું. ભાડુ આવે તેમાંથી ગુજારો કરે. એક સારી કામવાળી પણ નસીબ જોગે મળી ગઈ. તો ઘરનું બધું કામકાજ કરી જાય. ચોખ્ખી એટલી કે ક્યાંય ગંદકી કરે નહીં ને પોતે પણ બગાડ કર્યા વગર પૂરતું રાંધે પણ ખરી. લાગણીની કબરે તિરાડ ફાડી એક કૂંપણ ફૂંટી. મૃદુલા ટીપે ટીપે જીવવા લાગી ફરી હિમંત કરી ને ધીમે ધીમે એક રૂમમાં એકલા રહે બીજા બે રૂમ ભાડે આપેલા. ને આગળ ના ચાર રૂમને બે બાથરૂમ બાલવાડી સ્કુલ ખોલી ને વાપર્યા.

હવે ભૂલકાંઓને જોઈને તેને શાતા વળે છે. વ્યાજને મુદ્દલ યાદ કોને ના આવે પણ સૌના લેણા જેટલા તેટલું જ સાથે રહેવાય છે. આ બાજુ દીકરો ધૂંઆફૂંઆ તો થયો પણ પોતાની ભૂલ સમજાતા પોતાની ને પોતાના દીકરાની જવાબદારી સંભાળીને કામ કરવા લાગ્યો. તૈયાર ભાણે બેસતો દીકરો જાતે બનાવતા શિખ્યો હા ક્યારેક બહાર પણ જમતો. દીકરો પણ ભણવા લાગ્યો. વર્ષો વિતતા ગયાને આજે હાઇસ્કુલમાંથી પાસ થઈને દીકરો નીકળ્યો. પૌત્ર બધું સમજે પણ બોલી ન્હોતો શકતો કેમકે નહીંતર તેને માર પડતો. હવે કાર ચલાવતા પણ શીખ્યો હતો. નાની મોટી જોબ સાથે કમ્યુનિટી કોલેજમાં ભણવા લાગ્યો. અઢાર વર્ષે ડિપ્લોમાં કોર્સ પતાવ્યો. ને પ્રાધ્યાપકના મિત્રને ત્યાં પ્રાઈવેટમાં જોબ મળી જતા કામે લાગ્યો. ડોકટર શર્માને અંકલ કહેતો ને દિલ લગાવીને કામ શીખવા લાગ્યો.

ધીમે ધીમે હવે ક્ંપાઉન્ડરના કામ પણ કરી શકતો. દવા આપવી લોહી લેવુ ઇન્જેકશન દેવું બધું જ આવડે. નાનીમાને મળવાની ખૂબ ઇરછા થાય પણ બોલે નહીં એક દિવસ પોતાની બર્થ-ડે પર મન ભરાઈ આવતા રડી પડ્યો કે કોઈએ તેને વીશ ન કરી કે તેને ગીફ્ટ ના આપી. નાનીમા તો કેટલું વ્હાલ કરતા હતા ને ભાવતું બનાવે કાં બહારથી લઈને પણ ખવડાવતા. હા, પોતે દોરેલા ફૂલ સાથે મોતીના દાણા જેવા અક્ષરોમાં શુભાષિશ આપતાં. ડોકટર શર્મા ની નજર પડી ને તેમણે તેને નાનીમા સાથે વાત પણ કરાવી આપી. તે ખુશ થઈ ગયો. મોડી સાંજે ઘરે પહોંચ્યો આજે અધરો હસુ હસુ થતા હતા.પવન વાળમાં ગેલ કરતો હતો. બારીની બહાર વાદળીઓ લૂપાછૂપી રમત રમતી હતી. નીચે એક છોકરી પોતાના સ્કર્ટને છત્રીને સંભાળતી વાળ સરખા કરતી જતી હતી. જોઈને તે મંદ મંદ હસ્યો. નાનીમા ના શબ્દો કાન માં ગુંજતા હતા કે તારે લડવાનું છે તારા માટે આગળ ધપવાનું છે. ભણવાનું છે.

આ બાજુ નાનીમા રોજ મંદિરે જાય છે કામવાળી ના રૂપમાં નાનીમા સખી મળ્યાનો સંતોષ અનુભવે છે. બંને એકબીજાનું ધ્યાન રાખે છે ક્યારેક પગને માલિશ કરતા તે બોલે છે કે પોતે કેટલી ભાગ્યશાળી છે ! મૄદુલા હજુ જીવે છે. શ્વાસ હજુ હાંફે છે. હાથ ને હૈયું ક્યારેક કંપે છે. એવામાં અચાનક દીકરો બારીમાંથી બોલાવે છે ને હાથમાંથી પ્લેટ છટકી નીચે પટકાઈ ચૂર ચૂર થાય છે. કામવાળી સાવરણીથી બધું ભેગુ કરી કચરાપેટીમાં પધરાવે છે. દીકરાને જોઈને મા ખુશી ને દુઃખની મિશ્રણ લાગણી અનુભવે છે. આશ્ચર્ય પામેલી મૃદુલા પૂછે છે તેના આગમનનું કારણ તો દીકરો કહે છે મારે ફરી લગ્ન કરવા છે. આ પાછી ઇરછા આવી નડવા કે જીવતર લંબાવા ! મોહમાયાના જાળા ગુંથાતા જ રહે પાસા કોઈ ફેંકે ને કોઈ હારે ! પણ આ વખતે મૄદુલા એ મક્કમતા પૂર્વક જવાબ આપ્યો કે "તારી જિંદગી છે તું મોટો છે તારો નિર્ણય ને અનુભવવાનું પરિણામ પણ તારે જ. હવે મને દેશ છોડી ક્યાંય જવું નથી. હું આથમતો સૂરજ ક્યારનો ડૂબુ થાઇ રહ્યો પણ હવે શાંતિ જોઈએ છીએ. તું તારા રસ્તે ને હું મારા રસ્તે બસ બહુ થયું. એક જીવ આપવા સિવાય બધું કર્યુ આ મા એ હવે કોઈ અપેક્ષા ના રાખશો મારી પાસેથી. બાકી લેવા દેશો શ્વાસ પણ તમારા લઈ લેશે આ દુનિયા હવે તમે તમારું કરો ને મને મારું કરવા દો."

પણ નાનકો બિમાર પડ્યો છે તો હું તમને લેવા આવ્યો છું ચાલો મારી સાથે આપણે હલ કરીશું બધું !" ના પાડી કામવાળીએ કે બેન ના જાઓ ભાઈ બોલ્યો "મોટીબેન હવે પાછા નહીં આવી શકો તો ? ના જાઓ ત્યાં "પણ મારો નાનકો બિમાર પડ્યો છે ને હું અહીં કઈ રીતે રહું? ને વળી પાછા માયા માં સંડોવાયા ને જઈને જુવે છે તો નાનકો સખત બિમાર પડેલો. તાવ માથે ચડી ગયેલો કંઈક ગણગણતો હતો નજીક જઈને જોયું તો નાનીમાનું રટણ રટતો હતો. તરત માથે હાથ ફેરવતા, ચોકઠા વગર ના હોઠે કપાળે બચ્ચીયું ભરતા નાનીમા બોલ્યો હું આવી ગઈ છું હો...જલ્દી સાજો થઈ જા બેટા. કહેવાયું તો છે મા તે મા પણ અહીં તો નાનીમા હતા. ને હા, ભગવાન બધે ના પહોંચી વળે તેથી જ તો બધાને નાનીમા/દાદીમા હોય છે. ૮૫ વર્ષની ઉંમરે પણ નાનીમા નાનકાની પથારી આગળ આખી રાત ભગવાનનું નામ લેતા જાગતા રહ્યા.

ત્યારે દીકરાને લાગ્યું કે મા વિના સૂનો સંસાર. નિઃસ્તેજ પથારીવશ નાનકો હજુ હળવળ્યો તો સફાળા ઉભા થઈ ગયાને ડોક્ટરને નર્સને બોલાવી લાવવા દીકરાને દોડાવ્યો. થોડો કણસી નાનકો બોલ્યો 'નાનીમા હું જાંઉ?' ખબરદાર જો ક્યાંય જવાની વાત કરી છે તો 'કરતા નાનીમા વઢ્યાં ને બોલ્યા “આવડી મોટી જાવાવાળી હજુ હું બેઠી છું !!” આ બધું સાંભળીને દેશમાં બધા ભાઈઓ મોટીબેન ને મનોમન વંદી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama